- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- મારે નથી જોઈતું બોનસ! કાલથી હું કામ પર નહીં આવું.'
'મ મ્મી, આજકાલ કોમ્પ્યુટરમાં એનીમેશન અને ગ્રાફિક્સનો જ મહિમા છે. તે શીખવાથી પંદર વીસ હજારની નોકરી તો આસાનીથી મળી જશે, એટલે મેં તેના કલાસીસ જોઇન્ટ કરવા છ મહિનાના ચાલીસ હજાર રૂપિયા ભરી દીધા છે. પણ મારી પાસે લેપટોપ તો છે જ નહીં. બે દિવસ પછી મારી બર્થ ડે આવે છે, મને લેપટોપ ગીફ્ટ કરીશ?' આકાશ વીસ વરસનો તરવરીયો યુવાન હતો. તેની વિધવા માતાને મદદરૂપ થવા જલ્દીથી કમાવા માટે તેણે કોલેજને બદલે કોમ્પ્યુટર ક્લાસ કરવાનું નક્કી કર્યું.
'પણ, બેટા સારી કવોલીટીના ડેલના લેપટોપ સાઈંઠથી પાંસઠ હજાર રૂપિયાના આવે છે. મારી પાસે તો તેનાથી અડધી રકમની માંડ વ્યવસ્થા છે,' અલ્કાબેને મજબુરી જણાવતાં નિરાશ થઈને કહ્યું.
'મમ્મી, ઓફિસમાંથી ટ્રાય કરને! તારૂ બોનસ પણ વહેલું માંગી જો.' આકાશે વિનંતીભર્યા સ્વરે કહ્યું.
'સારુ, હું બાકીના રૂપિયા માટે શેઠને રજૂઆત કરીશ.' અલ્કાબેને જવાબ આપ્યો.
દશ વરસ પહેલા અલ્કા બેનનાં પતિ અશ્વિનભાઈનું રોડ એકસીડન્ટમાં મોત થયું ત્યારે આકાશ સાવ દશ વરસનો નાદાન બાળક હતો. બધાએ અલ્કાબેનને બીજા લગ્ન કરવા સમજાવ્યા, પણ નાના આકાશની સાથે કોણ લગ્ન કરવા તૈયાર થાય? અને થાય તો પણ આકાશના સાવકા પિતા તેનું કેટલું ધ્યાન રાખે? અંતે અલ્કાબેને એકલા જ નોકરી કરતા આકાશને મોટો કરવા માંડયો. આકાશ પણ સમજુ દીકરો હતો, તેણે વીસ વરસ તો મમ્મી ને મદદરૂપ થવા કમાવાના પણ વિચારો ચાલુ કરી દીધા.
અલ્કાબેનને રહેવા માટે બાપુનગરમાં એક રૂમ રસોડાનું ઘર માંડ માંડ સાત હજાર રૂપિયાના ભાડાથી મળ્યું હતું. ત્યાંથી તેમની ઓફીસ, એસ.જી.હાઇવે સુધી જવા બે બસ બદલી, બે કલાકે માંડ પહોચતા.
બેતાલીસ વરસતા અલ્કાબેન હજુ દેખાવે સુંદર હતા, અને તેની ઉમરના કોઈ પણ પુરુષને આકર્ષવા સમર્થ હતા. તેમના શેઠ ધનરાજ પચાસ વરસે પણ કડેધડે હતા.
તેમની નજર અલ્કાબેનની ઉપર મંડરાતી રહેતી, પણ અલ્કાબેન તેમને જરાપણ કોઠું આપતા જ નહીં. શેઠ ધનરાજને આશા હતી, ગમે ત્યારે અલ્કા મારા હાથમાં આવશે જ.
ડરતા ડરતા સાંજે અલ્કાબેન શેઠની ઓફિસમાં જઈ કરગરતાં બોલ્યા, 'શેઠ મારૂ આ વરસનું બોનસ બે મહિના વહેલા આપો તો સારું. મારા દીકરા માટે સારું લેપટોપ લેવું છે.'
શેઠના મોમાં લાળ ટપકવા માંડી તેણે કાચમાંથી બહાર નજર કરી. લગભગ બધા જતા રહ્યા હતા. તેણે લોલુપ નજરે જોતા કહ્યું, 'અલ્કા, હું તને આજે જ બોનસ આપવા તૈયાર છું, પણ તારે મારી એક શરત માનવી પડશે.'
'શું શરત છે, શેઠજી.' અલ્કાએ પુછયું. 'જો તારે એક રાત મારી સાથે સુવું પડશે.' શેઠે હવસ ભરી જબાને કુટિલતાથી હસતા કહ્યું.
એક સેકન્ડ તો અલ્કા દીકરા માટે હા પાડવા તૈયાર થઇ ગઈ, પણ તેના અંતરાત્માએ લપડાક મારી. 'આ તું શું કરવા બેઠી છે? સ્ત્રીનું સ્વચ્છ ચરિત્રએ જ મુખ્ય આભુષણ છે. આવા લંપટ શેઠ સાથે રાત ગાળવાની !!! અને અલ્કાબેન ચિડાઈને ઉભા થઇ ગયા. 'નાલાયક ધનરાજ શેઠ, મારે નથી જોઈતું બોનસ ! કાલથી હું કામ પર નહીં આવું.' કરી દરવાજો પછાડી બહાર નીકળી ગયા.
તેમણે બાપુનગરના ઘરની બાજુમાં જ નોકરી લેવાનો વિચાર કર્યો. પગાર ઓછો પણ સુરક્ષા તો ચોક્કસ સારી. રસ્તામાં તેને વિચારે આવ્યો, આકાશે પહેલી વખત શીખવા માટે મારી પાસે લેપટોપ મંગાવ્યું છે. હવે શું કરવું ? કઈ નહીં મારી પાસે અડધા રૂપિયા પાંત્રીસ હજાર તો છે. દીકરા પ્રત્યેનો પ્રેમ તેમને બચતના રૂપિયાના ત્યાગ સુધી દોરી ગયો. તેમણે બાજુમાં જ દુકાનમાંથી રીફર્બીશ ડેલનું લેપટોપ અડધા ભાવે દીકરા માટે લઇ ખુશ થતા ઘરે પહોચ્યા.
પણ શેઠ સાથેની માથાકુટમાં અને લેપટોપ ખરીદવામાં બે કલાક નીકળી ગયા.
આકાશ રાહ જોતો ચિંતામાં પડયો. મમ્મીને આટલું દુર સર્વિસ હેરાન થતાં જવું પડે છે, મારે તેના માટે વાહનની ગોઠવણ કરવી પડશે. તેને યાદ આવ્યું, તેના મિત્ર તેનું નવાં જેવું સ્કુટી ફક્ત ચાલીસ હજારમાં આપવા તૈયાર હતો, પણ આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? તેણે વિચાર્યું મમ્મીને દુર સુધી સર્વિસે જવું પડે છે, મારે કઈક કરવું પડશે. મારે અત્યારે ને અત્યારે કોમ્પ્યુટર શીખીને શું કરવું છે? મમ્મીની સુવિધા માટેનો પ્રેમ તેના મનમાં ત્યાગ રૂપે છલકાઈ રહ્યો હતો.
બહુ વિચારીને તેણે કોમ્પ્યુટર ક્લાસના રૂપિયા પરત લઇ લીધા, પછીથી ભરીશ, મારે ક્યા ઉતાવળ છે, શીખવાની, એવું વિચારીને!
તેણે તેના મિત્ર અશોકને મોબાઈલ જોડયો, 'અશોક, હું ચાલીસ હજાર રોકડાં લઈને આવું છું, તારૃં સ્કુટી તૈયાર રાખ.'
'સારૂ, જલ્દી આવી જા.' અશોકે કહ્યું.
આકાશ ખુશ થતો સ્કુટી લઈને આવ્યો.
રાતનાં આઠ વાગી ગયા હતા. માં દીકરો બન્ને ખુશ થતા ઘેર આવ્યા. અલ્કાબેન ખુશ થતાં બોલ્યા, 'બેટા, જો હું તારા માટે લેપટોપ લાવી છું. હવે તને શીખવાની મજા આવશે.'
'મમ્મી, મારે હમણા લેપટોપની જરૂર નથી. મેં કોમ્પ્યુટર ક્લાસની ફી પરત લઇ લીધી છે.' આકાશે રડમસ અવાજે કહ્યું.
'પણ કેમ ?' અલ્કાબેન પણ ચિંતામાં પડી ગયા.
'મમ્મી મેં કોમ્પ્યુટર ક્લાસ થોડા સમય પછી કરવાનો વિચાર કર્યો છે, એટલે ફી પરત લઇ લીધી.'
'શું વાત કરે છે ? કેમ ફી પરત લઇ લીધી ?' અલ્કાબેન વધારે ચિંતામાં ડૂબી ગયા.
'મમ્મી તારે આવવા જવાની તકલીફ ન પડે એટલે, તારે માટે સ્કુટી લેવા માટે.'
પણ બેટા, મેં તો કાલથી અહીં સામેની ઓફીસ જ જોઈન કરવાનું વિચારેલ છે. ત્યાનો શેઠ ચરિત્રહીન છે.' અલ્કાબેન રડમસ થઇ ગયા.
'હેં !' આકાશ બેસી પડયો. સ્કુટી અને લેપટોપ બન્નેને કામમાં આવે તેમ નહોતા. પણ એકબીજાનો પ્રેમ અને ત્યાગનો વિચાર કરી બન્નેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા.
લાસ્ટ સ્ટ્રોક
પ્રેમને વ્યક્ત કરવા રૂપિયાની નહીં, ત્યાગની જરૂર પડે છે.


