- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'મને લેટેસ્ટ મોડલનો આઈફોન ગીફ્ટ આપ.' જાનકીએ ગીફ્ટ ડીમાન્ડ મૂકી. સચિન ચોંકી ગયો
જા નકીની ખાસ સખી મોનિકાના આજે લગ્ન હતા. તેનું હાજર રહેવાનું મન નહોતું પણ ખાસ સખીના લગ્નમાં હાજર તો રહેવું જ પડે ને! સચિન અને મોનિકાને લગ્નના સુંદર જોડામાં ચોરીમાં બેઠેલા જોઈ તે એકદમ જલી ગઈ. જાનકીને મોનિકાએ લગ્નની કંકોત્રી આપી અને તેમાં સચિનનું નામ જોઈ આવવાની જાનકીએ ચોખ્ખી ના જ પાડી દીધી. મોનિકાએ આગ્રહપૂર્વક હાથ પકડીને પ્રેમથી કહ્યુું 'તારે મારા લગ્નમાં તો આવવું જ પડશે.' અંતે હા, ના કરતા જાનકીએ હા પાડી, પણ કોચવાતા મનથી.
મંડપમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ જાનૈયાઓ આમતેમ આંટા મારી રહ્યા હતાં. પરફ્યુમની મહેકથી મંડપ મહેકી રહ્યો હતો. વરરાજા સચિન તો સોનેરી શેરવાની અને સોનેરી સાફામાં અદભુત શોભી રહ્યો હતો. જાનકી તેને જોતી જ રહી ગઈ. આહ ! આ મારો દુલ્હો બનવાને બદલે મોનિકાનો પતિ બની રહ્યો છે, વિચારી તે લાલધુમ થઇ ગઈ.
મોનિકા પણ માંડવામાં મોંઘા વસ્ત્રોથી સજ્જ મહિલાઓની વચ્ચે સફેદ ઘરચોળામાં શોભી રહી હતી. ગળામાં સોનાનો હાર અને આંગળીમાં સોનાની વીંટીઓ વચ્ચે હીરાનો ઝગમગાટ અદભુત લાગતો હતો. હસ્તમેળાપનો સમય થયો અને માંડવાની મહિલાઓએ સુંદર લગ્ન ગીતોથી વાતાવરણ રંગીન બનાવી દીધું. જાનકીનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજી રહયું હતું. મંગળફેરામાં સચિન અને મોનિકાની ઉપર ફૂલોનો વરસાદ વરસતા જાનકી અદેખાઈથી સળગી ઉઠી.
આહ! મોનિકાની જગ્યાએ હું સચિન સાથે ફેરાં ફરતી હોત વિચારતા તે ત્રણ વરસ પહેલાના કોલેજના રંગીન દિવસોમાં પહૉંેચી ગઈ.
કોલેજ કેન્ટીનમાં તે અને મોનિકા કોફી અને સમોસાનો ઓર્ડર આપી રાહ જોતા બેઠા હતા, ત્યાં સામેની ખાલી ખુરશી ઉપર એક હેન્ડસમ યુવક આવીને બેસવા ગયો અને પુછયું, 'હાય ! આઇ એમ સચિન સુતરીયા, અહીં બેસી શકું છું ?'
'હા, હા, કેમ નહીં !' જાનકીએ કહ્યું, બન્ને બહેનપણીઓ સચિનને જોતા જ બોલી. ઊંચું કદ, લંબગોળ આકર્ષક ચહેરો, સુમધુર અવાજ અને લેટેસ્ટ ફેશનના ડ્રેસિંગવાળા સચિનને બન્ને જોતી જ રહી ગઈ. સચિનને પણ આ બન્ને સૌન્દર્યવાન યુવતીઓમાં રસ પડી ગયો. ત્રણે જણાએ ખુબ વાતો કરી અને મજા કરી છુટા પડયા. પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો.
સચિન પૈસાદાર બાપનો એકનો એક દીકરો હતો. તે મોનિકાએ વાતોમાં જાણી લીધું હતું. તેની ઈમ્પોર્ટેડ બાઈક અને ડ્રેસીસ તથા એપલનો લેટેસ્ટ મોબાઈલ તેની અમીરીની ચાડી ખાતાં હતા. લાલચુ જાનકી હવે તેને પામવા દાણા નાખવા લાગી. મોનિકાને ખબર જ ન પડે તેમ સચિનને પ્રેમમાં ફસાવવા જાળ રચવા લાગી. 'સચિન, રિવરફ્રન્ટ પર સુંદર ફ્લાવર શો લાગ્યો છે, ચલ ને, જોવા લઇ જા ને.'
સચીને ખુશ થઈને હા પાડી. તેની ઈમ્પોર્ટેડ બાઈક પર બન્ને નીકળી પડયા. રિવરફ્રન્ટ પર જવા માટે. જાનકી બાઈક પર સચિનને વળગીને બેસી ગઈ. સચિન તો તેના નજાકત સ્પર્શથી પાણી પાણી થઇ ગયો. બન્ને હરીફરી કોફી અને નાસ્તો કરી છુટા પડયા. પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો. દિવાળીના તહેવારોમાં સચિને જાનકીને ત્રણ હજારનો સુંદર ફેન્સી ડ્રેસ ગીફ્ટ કર્યો. હવે જાનકીની લાલચ વધતી ગઈ. જાનકી મધ્યમવર્ગનાં બાપની દીકરી હતી તેથી તેની પાસે સામાન્ય મોબાઈલ હતો. વેલેન્ટાઈન ડે નજીક આવતા જાનકીની લાલચ વધી ગઈ.
'સચિન, વેલેન્ટાઈન ડે પર મને શું ગીફ્ટ આપીશ ?' જાનકીએ હક જતાવતાં પ્રેમથી પુછયું.
'તું કહે તે આપું.' સચિન હજી તેના પ્રેમના આવેશમાં પાગલ હતો.
'મને લેટેસ્ટ મોડલનો આઈફોન ગીફ્ટ આપ.' જાનકીએ ગીફ્ટ ડીમાન્ડ મૂકી. સચિન ચોંકી ગયો. હજુ સગાઇ પહેલા આટલી મોંઘી ગીફ્ટ માંગનાર છોકરી લગ્ન પછી તો શું શું માંગશે. ? તેણે અનિચ્છા દર્શાવી.
'જો તું મને ગીફ્ટ નહિ અપાવે તો આપણી દોસ્તી ખતમ.' જાનકીએ ધમકી આપી. તેને એમ હતું કે આ ધમકીથી સચિન ગભરાઈને ગીફ્ટ લાવી દેશે. પણ થયું ઊંધું જ. સચિને વિચારીને જાનકીનો સાથ છોડી દીધો.
તેને તો મોનિકા પણ ગમતી હતી. વેલેન્ટાઈન ડે પર સુંદર બુકેથી તેણે મોનીકાનું દિલ જીતી લીધું. બિચારી મોનિકાને તો કોઈ વાતની ખબર જ નહિ. તેણે પ્રેમથી સચિનની ફક્ત બુકે ગીફ્ટ સ્વીકારી તેના પ્રેમનો સ્વીકાર કર્યો. જાનકી આ જાણી પાગલ થઇ ગઈ, પણ થાય શું ? તેણે જ લાલચમાં આવીને પગ પર કુહાડો માર્યો હતો.
મોનિકાની સાદગી અને પ્રેમાળ સ્વભાવથી સચિન પ્રભાવિત થઇ ગયો. સમયને જતાં ક્યાં વાર લાગે છે ? મોનિકા અને સચિનનો કોલેજનો પ્રેમ અંતે વડીલોના આશિર્વાદથી લગ્નમાં પરિણમ્યો. જાનકી આ જાણી અદેખાઈની આગમાં જલવા લાગી.
ફેરા પુરા થતાં ગોરમહારાજે બુમ પાડી ચાલો સૌભાગ્યવતી મોનિકાને સૌભાગ આપવા જાનમાંથી અને માંડવામાંથી ચાર ચાર બહેનો આવે.
'સૌભાગ્ય આપવા, માય ફૂટ!' વિચારીને જાનકી રાખ થઇ ગઈ. તે માંડવામાંથી ઉભી થઇ ગઈ. તેની નજર સામે તેનો પ્રેમી તેની જ ખાસ બહેનપણીને પરણી રહ્યો હતો, આ સહન થાય કેવી રીતે?
જમ્યા વગર તે મંડપની બહાર નીકળી ગઈ, ત્યારે બપોરના ત્રણ વાગ્યા હતા. ગુસ્સાથી લાલઘુમ તે ઘરે આવી ત્યારે ઘરે તો રસોડું સાફ હતું.
'લગ્નમાં જમવાનું તો મસ્ત હતું ને !' તેના મમ્મીએ પ્રેમથી પુછયું, તેને ક્યાં ખબર હતી, જાનકીના મનમાં શું ચાલી રહ્યું છે. જાનકી ગુસ્સે થઈને કઈ જ કહ્યા વગર પોતાના રૂમમાં જતી રહી, અને બારણું બંધ કરી દીધું. ભૂખ્યા પેટે ગુસ્સામાં તેને કાંઈ સુઝતું નહોતું. પેટમાં અને મનમાં આગના ભડકા નીકળી રહ્યા હતાં.
તેના બેડરૂમની ગેલેરીમાં અચાનક તેનું ધ્યાન ઉપર ગયું. એક કબુતર જોડું પ્રણયચેષ્ટામાં મગ્ન હતું. ધોળિયો નર માદાને રીઝવવા તેની આજુબાજુ ફરી ઘુઘવાટ કરી રહ્યો હતો, પણ માદા તેને ભાવ આપતી નહોતી. ત્યાં અચાનક બીજા માદા આવીને પાળી પર બેઠી. નર તરત જ તેની આજુબાજુ ફરીને રીઝવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જાનકીના અતૃપ્ત, કોધી મને એકદમ ઉછાળો માર્યો અને જાનકીએ હાથમાં રહેલો મોબાઈલ ફેંક્યો નર કબૂતરના માથા ઉપર.
ધડામ, આવાજ સાથે નર ઉથલી પડયો, અને મોબાઈલના ટુકડા વેરાઈ ગયા. તરફડી રહેલો નર અંતે શાંત થઇ ગયો. અગનગોળાસમી જાનકીએ વિચાર્યું, અરેરે ! મેં આ શું કર્યું? મારી લાલચ જ મને નિષ્ફળ બનાવી ગઈ. હવે શું થાય?
લાસ્ટ સ્ટ્રોક
વધારે પડતી લાલચથી, લાગણી દર્શાવનારને વધુ દબાવવાનો પ્રયત્ન કરવો નકામો છે. સાચા પ્રેમની લાગણીમાં માંગણી અને અપેક્ષાને સ્થાન ન જ હોય.


