એમાં દીકરીનો શું વાંક? .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'નયનભાઈ, તમારી નિરાલીને જોવા અમેરિકાનો હેન્ડસમ મુરતિયો તેના માબાપ સાથે સાંજે સાત વાગે આવ્યો હતો.'
'તેં તારી કાર મારા ઘર પાસે કેમ પાર્ક કરી છે? લઈ લે' નયને ઘરની બહાર નીકળતાં જ તેના પાડોશી સાર્થકને બુમ પાડી.
'આ જમીન સોસાયટીની છે, તારી નથી. હું ગમે ત્યાં પાર્ક કરું, નહીં હટાવું' સાર્થક પણ સામે ગરજ્યો.
'તું નહીં હટાવે તો હું હવા કાઢી નાખીશ, જોઈ લેજે' નયન હવે વધારે ગરમ થયો.
'જા ને, તારાથી થાય તે કરી લેજે, હું મારી કાર નહીં જ હટાવું.' હવે સાર્થક પણ વટે ચડી ગયો. નારણપુરામાં સ્ટાર રેસિડેન્સી ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બન્ને બાજુબાજુના ફ્લેટમાં રહતા હતા. બન્ને વરસોથી પાડોશી હતા અને સંબંધો પણ સારા હતા. સાર્થકની પત્ની સીમા અને નયનની પત્ની નિધિને પણ સારા બહેનપણા હતા. બન્ને ઘર વચ્ચે વાટકી વહેવાર પણ સારો હતો. ટીવીમાં સારો શો કે પિક્ચર હોય તો પણ બન્ને કુટુંબો સાથે બેસીને જ જુએ. સાર્થકની દિકરી મોટી હતી અને એક વરસ પહેલા જ સાસરે વળાવી હતી. જ્યારે નયનભાઈની દિકરી નિરાલી ગયા વરસે જ ગ્રેજ્યુએટ થઇ હતી, અને હવે તેના લગ્ન માટે છોકરાં જોવાનું ચાલુ કર્યું હતું.
સાર્થકભાઈની દિકરીના લગ્નમાં નયનભાઈએ સારી એવી દોડાદોડી કરી અને મદદ કરી હતી. હોલ જોવા, કેટરર્સને ત્યાં વગરે તે પણ સાર્થકભાઈની સાથે જ જતા. લગ્ન સારી રીતે પતી ગયા પછી, બિલોની ચુકવણીમાં સાર્થકભાઈ ફસાઈ ગયા. ગણત્રી કરતા ખર્ચો સીતેર હજાર વધી ગયો. તે બન્ને માથે હાથ દઈને નિરાશ થઈને બેઠા હતા ને, નયનભાઈએ આવીને પુછયું 'કેમ ચિંતામાં બેઠા છો, દિકરીના લગ્ન રંગેચંગે પતી ગયા, તો હવે શેની ચિંતા કરો છો?'
'એની જ મુશ્કેલી છે ને ! ખર્ચો ધાર્યા કરતા સિત્તેર હજાર જેટલો વધી ગયો.' સાર્થકે કહ્યું.
'વાંધો નહીં, હું સિત્તેર હજાર તમને ઉધાર આપું છું, પણ બને તેમ જલ્દીથી પરત કરશો.' નયન ભાઈએ સામેથી ઉદારતા દાખવી. બે મહિના સુધી રૂપિયા પરત ન આવતા નયનભાઈએ સામેથી માંગણી કરી.
'મારા રૂપિયા મારા બનેવીને ત્યાં ફસાયા છે, આવશે એટલે ચોક્કસ પરત કરી દઈશ.' સાર્થકભાઈ લાચારી પૂર્વક બોલ્યા. બીજો એક મહિનો નીકળી ગયો, પણ નયનભાઈના રૂપિયા પરત ન આવ્યા. હવે નયનભાઈનું મન ખાટું થઇ ગયું. વારંવાર ઉઘરાણી પણ કેટલીવાર કરવી? દરેક વખતે એક જ જવાબ, જોગવાઈ થશે એટલે આપી દઈશ. આમાને આમાં બન્ને કુટુંબો વચ્ચે નાના મોટા ઝગડા થવા લાગ્યા. એક વખત મન ઊંચા થઇ જાય પછી સામેવાળાની દરેક વાત અને ક્રિયામાં વાંક જ દેખાય છે.
અનાયાસે સાર્થકભાઈની ગાડીના એક ટાયરમાં પંચર હતું, અને સવાર સુધીમાં ટાયર બેસી ગયું. આ જોઇ સાર્થકભાઈનો પિત્તો ઉછળ્યો.
'બહાર નીકળ, નયન તે મારા ટાયરની હવા કાઢી નાખી, હવે હું તારી હવા કાઢી નાખીશ.'
'મેં હવા કાઢી જ નથી. તારાથી થાય તે કરી લેજે.' નયન પણ સામે ઉછળ્યો.
'હું સોસાયટીમાં ફરિયાદ કરીશ. તારા રૂપિયા પરત ન કર્યાં, એટલે આવું કરવાનું ?' સાર્થક ગરજ્યો.
'થાય તે કરી લેજે, હું તને જોઈ લઈશ.' નયન પણ ગુસ્સે થયો. તેની દીકરી નિરાલીએ માંડમાંડ સમજાવીને તેને શાંત કર્યો, અને ઘરમાં લઇ ગઈ. સાંજે નયનભાઈ કુટુંબ સાથે બહાર ગયા હતા. સાંજના સાત વાગે અજાણ્યા ત્રણ જણા નયનભાઈનું ઘર શોધતા સામેના સાર્થકભાઈના ઘરે પહોંચી ગયા.
'આ નયનભાઈ બહાર ગયા છે ?' આવેલ આધેડ ભાઈએ પુછયું. તેમની સાથે એક આધેડ સ્ત્રી અને એક હેન્ડસમ યુવક હતો. 'આવોને, પાણી પીઓ, થાકી ગયા લાગો છો' સાર્થકભાઈએ વિવેક કર્યો.
પાણી પીતા પેલા ભાઈએ ઓળખાણ આપતા કહ્યું, 'મારું નામ મનસુખ. અમારો સોલામાં બંગલો છે. અમારો દિકરો મૌલિક અમેરિકાથી આવ્યો છે. અમે નયનભાઈની નિરાલીના બહુ વખાણ સાંભળ્યા હતા, તેથી તેને જોઈ ફાઈનલ કરવા આવ્યા છીએ. મૌલિકને દશ દિવસમાં તો લગ્ન કરી અમેરિકા જવું પડે તેમ છે.'
આ સાંભળી સીમાંબેનના કાન ચમક્યા. તે સાર્થકભાઈને બાજુના રૂમમાં લઇ ગયા, 'સરસ તક આવી છે. કરી દયો નિરાલીના ચરિત્રને બદનામ, પછી કોઈ તેને જોવા જ ન આવે. ભલે અહીં જ કુંવારી મરતી.' પહેલા તો સાર્થકભાઈ ખુશ થઇ ગયા, પણ પછી તેમના આંતરમને લપડાક મારી. તમારા બેના ઝગડામાં દિકરીને ક્યાં વચ્ચે નાખે છે. એમાં દિકરીનો શું વાંક? એક પાડોશી તરીકે મારાથી આવું કરાય જ નહીં. તેણે સીમાને પણ ઠપકારી.
બહાર આવીને ખુશ થતાં એમણે કહ્યું, 'મનસુખભાઈ, તમે સાચું જ સાંભળ્યું છે. નિરાલી જેવી ડાહી, આજ્ઞાંકિત અને હોંશિયાર છોકરી ખરેખર નસીબદારને જ મળે. મારી તો સલાહ છે કે બન્નેનું ઝડપથી ગોઠવી કાઢો. હું નિરાલીને વરસોથી ઓળખું છું.'
'શું વાત કરો છો ! સાર્થકભાઈ, હવે અમારે તેને જોવાની કે મળવાની જરૂર જ નથી.' કહેતા મનસુખભાઈ ઉભા થઇ ગયા. રાત્રે દશ વાગે નયનભાઈ તેના કુટુંબ સાથે આવ્યા, ત્યારે ઉપરવાળા પાડોશીએ સમાચાર આપી દીધા. 'નયનભાઈ, તમારી નિરાલીને જોવા અમેરિકાનો હેન્ડસમ મુરતિયો તેના માબાપ સાથે સાંજે સાત વાગે આવ્યો હતો.'
'હે ! મને જાણ કર્યાં વગર જ આવ્યા. પછી શું થયું ?' નયનભાઈ નિરાશ થઇ ગયા. એ લોકો અડધી કલાક તમારી સામે સાર્થકભાઈને ઘરે બેસીને જતાં રહ્યા.
અરેરે ! નિરાલી તારું નસીબ જ વાકું લાગે છે. સાર્થકે તો આપણા વિષે ખોટું અને ખરાબ જ કહ્યું હશે ને ! નયનભાઈ, નિધિ અને નિરાલી માથે હાથ દઈને હવે શું કરવું તેના વિચાર કરતા રડમસ બેઠા હતા, ત્યાં નયનભાઈનો મોબાઈલ રણક્યો. 'નયનભાઈ, હું મનસુખભાઈ બોલું છું, મારા દિકરા મૌલિક સાથે નિરાલીના વિવાહ અને લગ્ન કરવાનું નક્કી કરેલ છે.'
'પણ મૌલિકને નિરાલી સાથે મળવું નથી?' હજી નયનભાઈ ખુશાલીમાં ગૂંચવાઈ રહ્યા હતા.
'નયનભાઈ, તમારા પાડોશી સાર્થકભાઈએ નિરાલીના એટલા બધા વખાણ કયા છે કે હવે મૌલિક તેની જ સાથે લગ્ન કરવા ઉતાવળો થયો છે. તેની પાસે હવે દશ જ દિવસ છે.' શું વાત છે ? અમેરિકાના હેન્ડસમ મૌલિક સાથે તેની દિકરી નિરાલીના લગ્ન નક્કી થતાં નયનભાઈ રડી પડયા અને પહોચી ગયા સાર્થકભાઈને ઘરે ! મને માફ કરી દો, મેં જ ઝગડો કરીને ભૂલ કરી છે. તમારા વખાણને લીધે જ મારી દિકરીનું ગોઠવાઈ ગયું. સાર્થકભાઈ બોલ્યા, 'મેં તો માનવતાને નામે પાડોશીધર્મ જ બજાવ્યો છે.'
ત્યાં જ તેના બનેવીનો ફોન આવ્યો. 'સાર્થકભાઈ, તમારા સિત્તેર હજારની વ્યવસ્થા થઇ ગઈ છે. હમણાં જ આપી જાઉં છું. રડતાં રડતાં બન્ને કુટુંબોએ ખરા દિલથી સાથે ચા-પાણી કર્યાં, અને તેમની આંખોના આંસુમાં જુના વેરઝેર નીકળી રહ્યા હતા અને વળી જુનો સુમેળ સબંધ થઇ ગયો.
લાસ્ટ સ્ટ્રોક : પડોશીઓમાં, કુટુંબોમાં કે દોસ્તોમાં નાના મોટા મતભેદ કે વિવાદ ચાલ્યા કરે, તેના લીધે બાળકો માટે કોઈ ખોટો અભિપ્રાય આપવો નહિ કે જેથી તેઓનું ભવિષ્ય બગડે.