Get The App

કરોડપતિ ધનરાજ શેઠ .

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
કરોડપતિ ધનરાજ શેઠ                                  . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ''આ પાણીમાં તો કચરો લાગે છે, તમારે ત્યાં આર.ઓ. સિસ્ટમ નથી? પાછુ લઈ જાવ.''

લ ક્ઝરી બીએમડબલ્યુ ગાડી ઘર શોધતા શોધતા રાયપુરની મોટી પોળ માંડ શોધી કાઢી ધનરાજ શેઠે અંદર નજર નાખી તો કચરાના ઢગલા, ગટરના પાણીના ખાબોચિયા ભરેલા હતા. સાંકડી પોળમાં ગાડી તો અંદર જઈ શકે તેમ જ ન હતી. તેથી ગાડી બહાર ચોકમાં જ મૂકવાનો ડ્રાઈવરને ઓર્ડર કરી, તેમના પત્ની કુમુદબેન અને યુવાન પુત્ર કેતન સાથે નીચે ઉતર્યા.

સામે બેઠેલા કાકાને પૂછ્યું, 'નીરજ નાસ્તાવાલાનું ઘર ક્યાં છે ?'

કાકા તેમને તાકીને જોઈ રહ્યા. આ પૈસાદાર ત્રિપુટીને નિરજને ઘેર કેમ જવું છે ? વિચારતા બોલ્યા. ''સીધા ચાલ્યા જાવ, છેલ્લેથી ત્રીજું ઘર.''

ધનરાજ શેઠે વાસથી બચવા નાક ઉપર રૂમાલ ઢાંક્યો. કચરાથી બચતા ત્રણેય જણા નીરજભાઈને ઘેર પહોંચ્યા. ત્યારે નીરજભાઈ અને તેમના પત્ની નમ્રતાબેન બહાર ઊભા તેમની રાહ જોતાં હતાં.

''પધારો, ધનરાજ શેઠ પધારો, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને ?'' નમ્રતાથી આવકાર આપતા નીરભાઈ બોલ્યા.

''અમારી અંદર લાખની ગાડી તો બહાર મૂકીને અહી સુધી ચાલતા આવવું પડયું.'' પત્ની કુમુદબેને ગર્વથી કહ્યું, પણ તેમાં ગાડીની કિંમત બોલવાની ક્યાં જરૂર હતી, નીરજભાઈ મનમાં વિચારતા હતા.

''ના, ના, અહીં અંદર તો ગાડી લવાય તેવું જ નથી.'' નીરજભાઈના પત્ની નમ્રતાબેને કહ્યું.

નીરજભાઈને નોકરી ધંધો જેવી કાયમી કોઈ આવક નહોતી, છુટક વસ્તુઓ લાવીને બે પૈસા કમાઈ લેતા. કોરોનામાં દોઢ વરસ તો તેમનો ધંધો સાવ પડી ભાંગ્યો હતો. ખાવાપીવાનાય ફાંફા પડી ગયા હતા. હમણાં છ મહિનાથી જ ઘેર નાસ્તા બનાવી વેચવાનું ચાલુ કરેલ હતું. તેથી તેમને બધા નીરજભાઈ નાસ્તાવાળાને નામ જ ઓળખાતા. તેમને દર મહિને સો-દોઢસો રૂપિયાની લોટરીની ટિકિટ લેવાનો ચસ્કો લાગ્યો હતો. તેમના પત્ની જોડે આ બાબતે તેમને નોકઝોક પણ થતી. અનાયાસે પ્રભુકૃપાથી તેમને ઘેર પુત્રી રત્ન અવતર્યું હતું. જે સૌંદર્યવાન, રૂપવાન અને ગુણોનો ભંડાર હતી નામ નિરાલી.

નિરાલી જુવાન થતાં તેના માંબાપ લગ્નની ચિંતામાં દોડાદોડ કરતાં હતાં. ગરીબ ઘરની દીકરીને સારા પૈસાદાર ઘરનો મુરતિયો મળે તે માટે વચેટીયાએ તેનું ધનરાજના દીકરા કેતન માટે ગોઠવવા સૂચવ્યું હતું.

કેતન પૈસાદાર બાપનો એકનો એક વારસદાર હોવાથી વ્યભિચારી, વ્યસની અને બેજવાબદાર બની ગયો હતો. દેખાવ પણ સાવ સામાન્ય, ચીબુનાક, જાડા હોઠ અને કાળો રંગ તેને જોવોય ના ગમે તેવો બનાવી રહ્યા હતા.

આ બધી ખબર હોવા છતાં દીકરીને સારું ઠેકાણું મળી જાય તે માટે માંબાપ હવાતિયાં મારી રહ્યા હતા.

''બેસો, બેસો, ધનરાજ શેઠ, કેતનકુમાર બેસો.'' નીરજભાઈએ વિનંતી તો કરી પણ બે ખુરશીઓ તુટેલાં હાથાની જુની પુરાણી જોતાં બંનેએ મોં મચકોડયું.

''તમારે ત્યાં ગરમી બહુ છે, એ.સી.વગર તો પંખો ય ગરમ હવા ફેંકે છે.'' કેતનના મમ્મી કુમુદબેને બળાપો કાઢ્યો.

ત્યાં તો નમ્રતાબેન પાણી લઈને આવી પહોંચ્યા. કુમુદબેને મોં બગાડતાં કહ્યું, ''આ પાણીમાં તો કચરો લાગે છે, તમારે ત્યાં આર.ઓ. સિસ્ટમ નથી ? પાછુ લઈ જાવ.''

અંદર રહેલી નિરાલી પોતાના માતપિતાનું સ્વમાન ધવાતું જોઈને ગુસ્સે થઈ રહી હતી. નીરજભાઈએ ગરીબાઈથી કહ્યું, ''શેઠ ચ્હા તો પીશો ને.'' ''અમારો કેતન તો સ્ટારબક્ષ સિવાય બહારની ચ્હા કોફી પીતો જ નથી.''

 કહેતા ધનરાજ શેઠ હસવા લાગ્યા, તો પણ નિરજભાઈએ કરગરીને ચ્હા મૂકવા દીકરીને ઓર્ડર કર્યો.

''તમારો કારોબાર કેવો ચાલે છે ?'' ધનરાજમલે વટ પાડવા ગર્વથી પૂછ્યું.

''ઠીક ઠીક ચાલે છે, ઘેર બનાવેલા નાસ્તામાં થોડું મળી રહે છે.'' નીરજભાઈએ દબાતા સ્વરે કહ્યું.

''આવા ઘરઘરાઉ નાસ્તા તો અમારા નોકરો ય ખાતા નથી.'' કુમુદબેને અભિમાન દેખાડતા કહ્યું.

નિરાલીને બહુ ગુસ્સો આવી ગયો, પણ દૂરથી નિરજભાઈએ શાંત રહેવા કહ્યું. પોતાની દીકરીને પૈસાદાર ઘર મળે તે માટે નીરજભાઈ અને નમ્રતાબેન ગુસ્સો અને અપમાન ગળી રહ્યા હતા.

''જુઓ, અમારો જામેલો ધંધો, બંગલો, ગાડી, એફ.ડી. વગેરે દસેક કરોડની તો હશે જ.'' ધનરાજ શેઠે પૂછ્યા વગર પોતાની મિલકતોનો પાવર છાંટયો.

નિરાલી ચ્હા લઈને આવી, તેને જોતાં જ ત્રણેયને કન્યા ગમી ગઈ, છતાં કેતન અને નિરાલીને વાતચીત કરવા માટે અંદર રૂમમાં મોકલ્યા.

''તમારી પાસે ક્યો મોબાઈલ છે ?'' કેતને શરૂમાં રોલો પાડવા પ્રશ્ન પૂછ્યો.

''મારે તો દર વરસે નવાજ મોડલનો એપલ મોબાઈલ જ જોઈએ. મારી કાર ફરારીમાં બેસવું તને બહુ ગમશે. મને તો બ્રાંડેડ કપડાં જ જોઈએ. જ્યારે હું યુ.એસ. જાઉં ત્યારે ત્યાંથી નવા નવા લેતો જ આવું.'' કેતન પોતાની મોટાઈમાંથી ઊંચો જ નહોતો આવતો.

નિરાલી કંટાળી, આવા અભિમાની અને દંભી પતિ સાથે જીવનભર રહેવાય કઈ રીતે ?

ધનરાજશેઠ વટથી નીરજભાઈને કહેતા હતા, ''અમને તમારી દીકરી પસંદ છે. પણ એક શરત છે, લગ્ન પછી એ કે મારો દીકરો અહીં ક્યારેય નહીં આવે, અમારી સમાજમાં ઈજ્જતનું શું ? તમને મળવાનું મન થાય તો બે ત્રણ મહિને કલાક માટે અમારે બંગલે આવી શકશો.''

નિરાલી અને તેના માંબાપ ચિંતામાં પડી ગયા. દીકરીને પરણાવ્યા પછી પિયરમાં આવવાની છૂટ જ નહીં. દીકરીને ભણાવી ગણાવી મોટી કર્યા પછી માબાપ પાસે આવવાની પણ છૂટ નહીં ?

નીરજભાઈ અને નમ્રતાબેન ગડમથલમાં પડી ગયા. આટલું પૈસાદાર ઘર હા પાડવી કે ના ?

આટલું અપમાન, સ્વમાન ગળી ગયા પછી પણ આળી આકરી શરત ? નિરાલી તો નત્રો જ ધુણાવતી હતી.

ત્યાં તો મોબાઈલમાં રીંગ વાગી, ''નીરજભાઈ, તમારા ઈંદોરવાળા ગટુકાકા અચાનક ગુજરી જતાં, તેમને કોઈ વારસ ના હોવાથી તમને બધી મિલકતના વારસદાર બનાવેલ છે. અંદાજે બારેક કરોડ જેટલી મિલકત છે, અહીં આવીને કબ્જો સાંભળી લો.''

''ખરેખર !'' નિરજભાઈ ખુશ થઈ ગયા, મારી મિલકત ધનરાજ કરતાંયે વધારે થઈ ગઈ.

''માફ કરો, શેઠ અમારી આ સબંધ બાંધવાની ઈચ્છા નથી.'' નીરજભાઈએ શાંતિથી જવાબ આપ્યો.

''બહાર નીકળતા ત્રણે જણા વિચારતા હતા. આ મોબાઈલમાં અચાનક શું સમાચાર આવ્યા કે નીરજભાઈ એકદમ બદલાઈ ગયા.''

ખરેખર સંપત્તિનું અભિમાન કરવાને બદલે સહજીકતા જાળવી રાખવી જરૂરી છે. સ્વાભિમાનના ભોગે લગ્ન જેવા જીવનભરના સંબંધો બંધાય જ નહીં.