- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'હા, હા , તું તો સેવા કરીને પપ્પાની મિલકત હડપવા લાગે છે, હું તારો દાવ સમજી ગયો છું.'
શે ઠ મોતીલાલ કરોડોની સંપત્તિના માલિક હતા. તેમનો વેપાર દેશ પરદેશ ફેલાયેલો હતો. નવરંગપુરામાં મોટો બંગલો, સાણંદ હાઇવે પર બે મોટા ફાર્મ હાઉસ, બે ઈમ્પોર્ટેડ ગાડીઓ અને કરોડો રૂપિયાના માલિક અચાનક મોસમી શેઠાણીના અવસાનથી એકલા પડી ગયા. તેમનો પુત્ર નિરંકુશ તો અમેરિકા માસ્ટર્સ કરવા મોકલ્યો, પછી પાછો ફરવાનું નામ જ લેતો ન હતો. તેને અમેરિકાની મોજશોખવાળી સમૃધ્ધ ભૌતિકસુખોથી ભરેલી જીદગી વધારે ગમતી હતી. શેઠ મોતીલાલને એની જ ચિંતા રહેતી. અહી આટલો મોટો કારોબાર તે સંભાળી લે તો સારું, એના માટે તેણે ત્રણ ચાર વાર કહેવડાવ્યું ઠપકો આપ્યો, પણ નિરંકુશતો અમેરિકામાં જ આનંદ લુટવામાંથી ઉંચો આવતો ન હતો.
ચિંતામાં ને ચિંતામાં શેઠનું બ્લડપ્રેશર વધવા લાગ્યું. અને એક દિવસ લકવાના એટેક સાથે મોતીલાલ બેહોશ થઇ ગયા. ઘરમાં તેમની અંગત દેખભાળ કરનારું કોઈ નહિ. નોકરે તરત જ શેઠના પાલક પુત્ર નિખારને ફોન જોડયો.
'નિખારભાઈ, જલ્દી આવો, શેઠ અચાનક બેભાન થઇ ગયા છે.' નોકરે ગભરાયેલા સ્વરે કહ્યું.
જમતાં જમતાં નિખાર દોડયો. શેઠના બંગલાની બાજુના આઉટ હાઉસમાં જ નિખાર રહેતો હતો. તેને તત્કાલ એમ્બ્યુલેન્સ બોલાવી અને શેઠને જીવનરક્ષા હોસ્પીટલમાં દાખલ કરી દીધા. તેણે પોતાના મોબાઈલ પરથી શેઠનાં પુત્ર નીરંકુશને અમેરિકા ફોન લગાવ્યો. 'નિરંકુશ પપ્પાને લકવાનો એટેક આવ્યો છે. જલ્દીથી ઇન્ડિયા આવીજા.'
'મારાથી બે દિવસ નીકળાય તેમ નથી, તું પપ્પાની સેવા કરવા હાજર તો છે.' નિરંકુશે બહાનું કાઢયું. તેણે વિચાર્યું પપ્પાની તો હવે ઉમર થઇ છે, આમ દોડાદોડી કરવાનો શું મતલબ છે? તે લાસવેગાસના કેસીનોમાં, જુગાર રમી રહ્યો હતો.
નિખાર બેભાન શેઠની બાજુમાં, બેઠો બેઠો વિચારમાં પડી ગયો. ફક્ત દસ વર્ષના નિખારના પપ્પા મનોજભાઈ શેઠ મોતીલાલના વિશ્વાસુ ડ્રાઈવર હતા. તે રવિવારે શેઠનો કીમતી માલ લઇ જતા મનોજભાઈને હોઈવે પર લુંટારાનો સામનો કરવો પડયો. જિંદગીના જોખમે તેમણે માલ બચાવી શેઠ સુધી પહોચાડયો, પણ બહુ લોહી વહી જવાથી તેણે મોતીલાલ શેઠના દરવાજે પ્રાણ ત્યાગી દીધા. નિખારની ભણવા , ખાધાખોરાકીની જવાબદારી શેઠે પોતાના શિરે લઇ લીધી અને તેને પાલક પુત્રનો દરજ્જો આપી ભણાવી નોકરીએ લગાડી દીધો. નિખાર પણ શેઠને પિતા સમાન જ માનતો હતો, અને પપ્પા જ કહેતો હતો.
બાર કલાકે શેઠ ભાનમાં તો આવ્યા પણ, તેનું ડાબું અંગ ખોટું પડી ગયું. શેઠ તેના પુત્ર નીરંકુશની રાહ જોતા દરવાજે તાકી રહ્યા હતા, તેથી નિખારે કહ્યું 'પપ્પા, હવે તે અમેરિકાથી આવતો જ હશે. હું છું ને, તમારો બીજો દીકરો.'
અને તે પપ્પાની સેવામાં લાગી ગયો. મોતીલાલની દવાઓ સમયસર આપવી, સ્પંજ કરી પાવડર છાંટવો વગેરે કામ,તે પ્રેમથી પિતાની સેવા રૂપે કરતો રહ્યો.
ચાર દિવસ થઇ ગયા, પણ નિરંકુશ હજુ અમેરિકાથી આવ્યો નહિ. શેઠના કહેવાથી નિખારે ફોન જોડયો, 'નિરંકુશ પપ્પાને ડાબા અંગમાં લકવો પડયો છે, તેથી કાઈ કહેવાય નહિ. હું તો અહી તેમની સેવામાં છું. તમે જલ્દી આવો.'
'હા, હા , તું તો સેવા કરીને પપ્પાની મિલકત હડપવા લાગે છે, હું તારો દાવ સમજી ગયો છું.' આમ કહેતા નિરંકુશ ગુસ્સે થઇ ગયો. તે લાસવેગાસ કેસીનોમાં બધા ડોલર હારી ગયો હતો. તેનો ગુસ્સો તેણે નિખાર પર ઉતાર્યો. તેના મનમાં ઇન્ડિયાની પપ્પાની મિલ્કતો જ રમી રહી હતી.
નિખાર આ સાંભળી ગુંચવાઈ ગયો. તે પપ્પાની સેવામાં મિલકતો વિષે વિચારતો જ ન હતો. સતત સેવામાં લાગેલ નિખાર દિવસરાત ભૂલીને પપ્પાની તબિયતની કાળજી લઇ રહ્યો હતો.
અઠવાડિયાની મહેનત અને નીખારની કાળજીથી મોતીલાલને રજા મળી. તેને લઇ નિખાર વ્હીલચેરમાં ઘરે જતો હતો, ત્યારે અમેરિકાથી આવેલ નિરંકુશ એરપોર્ટથી સીધો જીવનરક્ષા હોસ્પિટલ પહોંચ્યો.
પપ્પાને જોતા તે બનાવટી શોકમગ્ન ચહેરો બનાવી પપ્પા સામે આવ્યો. 'વાહ પપ્પા, તમે મોટી બીમારીમાંથી બચી ગયા, પણ તમે વીલ તો બનાવ્યું છે ને !.'
મોતીલાલ અને નિખાર છક્કડ ખાઈ ગયા. માંડ બચી ગયેલા પપ્પાની સેવાને બદલે પોતાનો દીકરો વીલનું પૂછી રહ્યો છે. આ સમય છે વીલનું પૂછવાનો ??
ત્યારે પાલકપુત્ર નિખાર કોઈ પણ અપેક્ષા વગર જ સેવા કરી રહ્યો છે, વિચારતા જ શેઠ રડી પડયા. બીલ કાઉન્ટર ઉપર નિરંકુશે પહોચીને પૂછપરછ કરી, શેઠ મોતીલાલના બીલ માટે. તો જવાબ મળ્યો, 'તેમનું અઢી લાખનું બીલ તો પાલકપુત્ર નિખારે પોતાની પત્નીના દાગીના વેચીને ભરી દીધું છે,
નિરંકુશ દોડયો, નીખારની પાસે, 'તે દાગીના વેચવાનું નાટક કરીને મારા પપ્પાનું બીલ ભરીને મોટો મિલ્કત હડપવાનો દાવ ખેલ્યો છે. પણ હું જ પપ્પાનો સાચો દીકરો છું. હું તારો દાવ સમજી ગયો છું. તું પપ્પાની સેવાનો દેખાવ કરી અમારી બધી સંપત્તિ લઇ લેવા માગે છે.'
નિખાર નીચે જોઈ રડી પડયો.. શેઠ મોતીલાલથી ના રહેવાયું, તેમણે કહ્યું 'મેં મારા વીલમાં બધી જ મિલકતો વૃધ્ધાશ્રમ ને દાન કરી છે, અને હવે હું નિખારના નાના આઉટહાઉસમાં રહેવા જાઉં છું.'
નિરંકુશ જોતો રહી ગયો. પાલક્પુત્ર નિખાર, પિતાને એમ્બ્યુલન્સમાં બેસાડી પોતાને ઘેર લઇ જઈ રહ્યો હતો, ત્યારે પપ્પા બચી ગયાનો આનંદ તેના મુખ પર ચમકી રહ્યો હતો. ત્યારે નિરંકુશ કરોડપતિ પપ્પાની મિલ્કતમાંથી કાંઈ ના મળ્યું વિચારી બેસી પડયો.
લાસ્ટ સ્ટ્રોક : મનમાં ભાવો જ કર્મનું મૂળ છે. વૃધ્ધ બીમાર પિતાની સેવાનો ભાવ અને મિલ્કતો હડપવાનો ભાવ બન્ને પુત્રોને તે પ્રમાણે જ કર્મ કરાવે છે. માટે જ મનમાં સારો ભાવ રાખશો તો જ સારા કર્મ કરતા થશો.


