- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- સેવકરામ અને સંજય એકબીજા સામે જોવા લાગ્યા. આ તો વેપારી વિચારનો નીકળ્યો. વિચારી સેવકરામે તેને મનાવતા કહ્યું.
'શે ઠ સાહેબ, મદદ કરો, ગામમાં ભારે વાવાઝોડા સાથે વરસાદમાં મારૂ ઝુપડું તુટી ગયું છે. મારી ઘરવખરી અને માલસામાન પાણી સાથે વહી ગયા છે. મારી પત્ની અને નાની મુન્નીને બાજુની સરકારી સ્કુલમાં આશરો સરકાર તરફથી મળ્યો છે.' ભીમજીએ દર્દભર્યા સ્વરે તેના શેઠ સેવકરામ દેસાઈને વિનંતી કરી.
સેવકરામ દેસાઈની ચેરીટી સંસ્થા 'સેવા અને રાહત' અમદાવાદમાં છેલ્લા ચાલીસ વરસોથી ચાલી રહી હતી. તેમનો બંગલો વાડજ વિસ્તારમાં સૌથી આલીશાન હતો. સંસ્થાનો સેક્રેટરી સંજય મહેતા સેવકરામનો જુનો અને આજ્ઞાંકિત માણસ હતો. તેના બંગલામાં ચોવીસ કલાક કામકાજ માટે ગામડાનો ભીમજી વરસોથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. તેની પત્ની અને દીકરી ડુંગરપુર બાજુના ગામડામાં રહેતા. આ વરસે મેઘરાજા તાંડવ ખેલીને બે દિવસથી સતત વરસી રહયા હતા. ચારે તરફ લીલો દુકાળ ડોકાઈ રહ્યો હતો. સેવકરામનો એકનો એક દિકરો મુંબઈમાં કોલેજના છેલ્લા વરસમાં હતો.
'ગયા મહીને તો તને બે હજાર ઉપાડ પેટે આપ્યાં હતા, આમ વારંવાર કેટલી લોન આપું?' સેવકરામે ગુસ્સે થઇ ભીમજીને કાઢી મુક્યો.
રાત્રે સેવકરામ અને સંજય ઓફિસમાં બેસી વિચારી રહયા હતા, રાજ્યમાં મેઘરાજાએ કાળો કેર વર્તાવ્યો છે. આપણે આપણા માલદાર ડોનરો પાસે મદદ માટે ટહેલ નાખવી પડશે.
સંજય વિચારે ચડયો, 'શેઠ, તેને માટે ખરેખર રોતલ અને કરુણા ઉપજાવે તેવો ચહેરો મળી જાય, જે ખરેખર આ કુદરતી આફતનો ભોગ બન્યો હોય, એ જો અપીલ કરે તો રંગ આવી જાય. મદદનો પ્રવાહ વહેવા લાગશે.'
એકદમ સેવકરામને ભીમજીનો રોતલ ચહેરો યાદ આવી ગયો. તેમણે ઓફિસથી મોબાઈલ કરી ઘરેથી ભીમજીને બોલાવ્યો.
ભીમજી કાઈં મદદ મળશેની આશામાં ખુશ થતો ઓફિસે આવ્યો, પંદર થી વીસ હજારની મદદ મળી જાય તો, તરત ગામડે જઈ પત્ની અને દિકરીના ખાવાપીવાનો બંદોબસ્ત થઈ જાય, વિચારતો તે ઓફિસે આવ્યો.
'બોલો શેઠ, મને કેમ બોલાવ્યો?' ભીમજી આશામાં બોલ્યો. 'જો ભીમજી, આ વરસાદી તોફાનમાં તારા જેવા અનેક કુટુંબો અને ગામડાં ખેદાનમેદાન થઈ ગયા છે. આવતી કાલે સવારે આપણી સંસ્થા તરફથી મદદ માટે પત્રકારો અને ધનવાન ડોનરોની મિટિંગ બોલાવી છે.' સેવકરામે ભીમજીને સમજાવતાં કહ્યું.
'મારે શું કરવાનું છે, સાહેબ ?' ભીમજીને નવાઈ લાગી.
'તારે તારા ગામમાં અને કુટુંબમાં જે નુકશાન થયું છે, તેનું વિસ્તારથી વર્ણન કરી મદદ માટે અપીલ કરવાની છે.' સેવકરામે પટાવતા કહ્યું.
'પણ એમાં મારો શું ફાયદો ? મને શું મળશે ?' ભીમજીએ સવાલ કર્યો. સેવકરામ અને સંજય એકબીજા સામે જોવા લાગ્યા. આ તો વેપારી વિચારનો નીકળ્યો. વિચારી સેવકરામે તેને મનાવતા કહ્યું.
'હા, તને ભાગ આપીશું ને !'
'કેટલો ભાગ ? ચોખવટ કરો, શેઠજી.' ભીમજી હવે પૂરો વેપારી થઈ ગયો.
'ચોથો ભાગ તારો.' સેવકરામે ખાલીખાલી મનાવતાં કહ્યું, આને થોડાં રૂપિયા ફેંકી મનાવી લઈશું એવું વિચાર્યું.
સવારના દશ વાગે આખો હાલ પત્રકારો અને ધનવાન ડોનરોથી ભરાઈ ગયો. સેવકરામે મેઘતાંડવની વિગતો આપી મદદ માટે અપીલ કરી, બીજા ટ્રસ્ટીએ અને સંજયે પણ મદદ માટે અપીલ કરી. પણ ધનવાનોના પેટનું પાણી પણ
હાલ્યું નહીં.
માંડ દશ હજાર રૂપિયા ડોનેશન પેટે નોંધાયા. છેલ્લે ભીમજીનો બોલવાનો વારો આવ્યો. નિરાશ રોતલ ચહેરો, વિખરાયેલા વાળ અને ફાટેલા મેલાઘેલા કપડાંવાળા ભીમજીએ શરૂઆત કરી.
'ભાઈઓ અને બહેનો, અમારી આજુબાજુના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ અને તોફાન ચાલુ છે. અમારાં ઘરો, ઝુંપડા ઘરવખરી વગેરે બધુ તણાઇ ગયું.' સંજયે તેને પાણી આપ્યું.
'અમારા ઢોરઢાંખર તણાઇ ગયા છે. લોકોને ખાવાના અને પીવાના પાણીના ય ફાંફાં પડી ગયા છે. લાઇટ અને ફોન બંધ છે. ઝાડા, ઉલ્ટી અને કોલેરા ફેલાઈ રહ્યા છે. લોકો ટપાટપ મરી રહ્યા છે.' આટલું બોલતાં તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. તેને ચક્કર આવતા બેસી પડયો.
આ સાંભળી ડોનરોનો પ્રવાહ વહેવા લાગ્યો. જોતજોતામાં અગિયાર લાખ રૂપિયા ભેગા થઈ ગયા.
સેવકરામ અને સંજય ઓફિસમાં બેસી રૂપિયા ગણી વાતો કરતાં હતા.
'આ રૂપિયા બેંકમાં ભરી દે. એમાંથી ચાર લાખ રૂપિયા મારા દિકરાને મુંબઈ મોકલવાના છે, તેને વધારે ભણવા અમેરિકા મોકલવાનો છે.' શેઠે તેના સેક્રેટરી સંજયને આદેશ કર્યો.
ધીમેધીમે ઓફિસે આવતાં ભીમજીના કાને આ શબ્દો પડી ગયા. તરત તેણે બારણું ખોલી કહ્યું. 'શેઠ, મારો ભાગ આપો.'
'કયો ભાગ ? અલ્યા આ તો ચેરીટેબલ સંસ્થા છે, આ રૂપિયા લોક-કલ્યાણ માટે જ વાપરવાના છે.'
'એટલા રૂપિયા જ ક્યાં આવ્યા છે ?' સેવકરામે તદ્દન જૂઠાણું ચલાવ્યું.
'શેઠ, ખોટું નાં બોલો, મને ચોથો ભાગ આપવાનું કહ્યું છે.' ભીમજી ફરીથી રડમસ ચહેરે બોલ્યો.
'જા, જા, હવે, મે એવું કહ્યું જ નથી. તે ક્યાં કશું કર્યું જ છે. આ તો સંસ્થાને ડોનેશન મળેલ છે.' સેવકરામે ખખડાવતા કહ્યું.
'શેઠ, મારા કહેણ ઉપર જ લોકોએ ડોનેશનનો પ્રવાહ વહેવડાવ્યો છે. મને કંઇક તો આપો.' ભીમજી નમ્રતાથી બોલ્યો.
'સારું જા, આ પાંચ હજાર લઈજા. વધારે કઈ નહીં મળે.' સેવકરામે ગુસ્સે થઇ રૂપિયા ફેંક્યા.
ત્યાં તો સરકારી ઑફિસેથી ભીમજી ઉપર મેસેજ આવ્યો. તમારી દીકરીનું કોલેરામાં ઝાડા ઉલ્ટીથી મોત થયું છે.
ભીમજી રડી પડયો. 'બસ પાંચ હજાર જ. મારી દિકરીનું મોત થયું છે. તેની અંતિમ ક્રિયા માટે પણ સાત હજાર જોઈશે. કંઇક તો દયા કરો. શેઠ'
'આનાથી વધારે કાઇ નહીં મળે. તારે ગામડે જવું હોય તો જઈ શકે છે. ફરી પાછો અહીં આવતો જ નહીં.' સેવકરામ લુચ્ચાઈપૂર્વક ગુસ્સો કરતાં બોલ્યા.
હવે ભીમજીનો આક્રોશ હદ વટાવી ગયો. તે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. ગુસ્સામાં તેણે શ્રાપ આપ્યો.
'શેઠજી, તમે મારી સાથે અન્યાય કર્યો છે, મારા સંતાનના મોતનો પણ મલાજો જાળવ્યો નથી. ઉપરવાળો બધુ જુએ છે. તમારા સંતાનના પણ બુરા હાલ થશે.' કહીને ગુસ્સામાં ભીમજી ઘર છોડી ગયો.
એ તો આવો બબડાટ કર્યા કરે, સેવકરામે વિચાર્યું અને ચા નાસ્તો કરવા ઉપડી ગયાં.
પાંચ જ મિનિટમાં મુંબઈથી મોબાઈલ રણક્યો, 'સેવકરામ બોલો છો. તમારા પુત્રને લોકલ ટ્રેનમાં એક્સિડન્ટ થતાં સિરિયસ હાલતમાં અહીંની સિટી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જલ્દીથી અહીં આવો.'
સેવકરામ ચોંકી ગયો. તેને ભીમજીનો શ્રાપ યાદ આવી ગયો. અરેરે! મે ગરીબની આંતરડી કકળાવી બહુ ખોટું કર્યું. પણ હવે શું થાય ? તે ભીમજી ભીમજી કહેતો દોડયો, પણ ભીમજી તો નીકળી ગયો હતો.
લાસ્ટ સ્ટ્રોક
તમારા કર્મોનો બદલો ઉપરવાળો અહીં જ આપી દે છે, ગરીબોને મુશ્કેલીના સમયે મદદ કરો, પણ તેની આંતરડી કકળાવશો નહીં.


