Get The App

ખોટો ગુસ્સો .

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ખોટો ગુસ્સો                                                . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'તું નહીં મળે એટલે તારી મમ્મી અને ભાઈ શોધી શોધીને પસ્તાવો કરશે અને તું ધારે તે કરી શકીશ.'

''મ મ્મી, મારા પર્સમાંથી પાંચસો રૂપિયા કોણે કાઢ્યા ?'' ''રમીલાએ ગુસ્સામાં રસોડામાં મમ્મી પાસે આવીને પૂછ્યું.''

''મને ખબર નથી, મેં તારું પર્સ જોયું જ નથી.'' ''મમ્મી એ જવાબ આપ્યો.''

''મમ્મી, બીજું કોઈ તો આપણે ઘેર આવ્યું નથી ને, તો જાય ક્યા ?'' ''રમીલા હજુ ગુસ્સામાં હતી.''

''કદાચ રાકેશને પૂછી જો.'' મમ્મીએ જવાબ આપ્યો.

''પણ એ છે ક્યા ? આજે તો એનો બર્થ ડે છે.'' રમીલા બોલી.

''એના મિત્રોને પાર્ટી આપવાનો છે'' મમ્મીને યાદ આવ્યું.

રમીલા એકવીસ વરસની યુવાન થઇ ગઇ હતી, માંડ તેને કોલ સેન્ટરમાં નોકરી મળી હતી. તેની વિધવા માં છેલ્લા પંદર વરસથી લોકોનાં ઘરકામ કરીને તેના અને તેના નાનાભાઈ રાકેશના ભણતરનો અને ઉછેરનો ખર્ચ કાઢી રહી હતી. તેથી લગ્ન માટે તે અત્યારથી રૂપિયા બચાવતી હતી. તેના ટૂંકા પગારમાંથી માંડ મહિને પાંચસો - હજાર જેટલાં રૂપિયા બચતા. એમ કરીને ધીમે ધીમે તેણે નવ હજાર રૂપિયા બચાવ્યા હતા, પણ પાંચસો રૂપિયા ઓછા થતાં તે ગુસ્સે થઇને હાંફળી ફાંફળી થઇ ગઇ હતી.

એટલામાં રાકેશ ખુશમિજાજમાં ટહેલતો આવી ચડયો. તેની ખુશાલી પરથી રમીલા સમજી ગઈ.

''રાકેશ, તે મારા પર્સમાંથી પાંચસો રૂપિયા કાઢ્યા ?'' ગુસ્સામાં રમીલાએ પૂછ્યું.

હા નાં, કરતાં અંતે રાકેશે કબૂલ્યું, ''હા, દીદી, મારી બર્થ ડે હોવાથી બે મિત્રો સાથે પાર્ટીમાં આઈસક્રીમ ખાવા ગયા હતા.'' રાકેશે બેફિકરાઇથી જવાબ આપ્યો.

''પણ મને પૂછવું તો જોઇએ ને ! ''હું માંડ માંડ મહેનત કરીને, નાઈટ કરીને મારા લગ્ન માટે પૈસા બચાવું છું ને તું લઇ લે છે.'' 'રમીલા હુજ ગુસ્સામાં હતી.'

''એમાં શું ? મારી બર્થ ડેમાં દીદીના જ પૈસા વાપરું ને ! હું હજુ કોલેજમાં ભણું છું, કમાતો નથી.'' રાકેશ હજુ બેફિકરાઇથી જવાબ આપતો હતો.

હવે રમીલાનો મિજાજ ગયો. ''વાહ, વાહ ! તારી પાર્ટી માટે મારા પર્સમાંથી રૂપિયા ચોરવાના !?''

''ના, દીદી, તું હાજર નહોતી. અને મારા મિત્રો મને બોલાવવા આવી ગયા હતા, તેથી પૂછું કઇ રીતે ? હું ચોર નથી.'' હવે રાકેશ પણ સામે ગુસ્સે થયો.

'એક વાર નહીં પણ સાડી સાતવાર ચોર !' રમીલા ગુસ્સામાં બબડી.

'મને ચોર કહે છે,' કહેતા રાકેશે મોટી બેનના ગાલે તમાચો મારી દીધો.

ત્યાં તો મમ્મી શાંતાબેન દોડતાં આવી બન્નેને છોડાવ્યા. રમીલા સુન્ન થઇ ગઈ. સવિતાબેન સમજાવતા બોલ્યા, 'જવા દે ને, રમીલા, હું તેના બદલે પાંચસો રૂપિયા આપી દઈશ. એની સાથે માથાકૂટ ન કર.'

હવે રમીલા વધારે ગુસ્સે થઇને ખિન્ન થઇ. મમ્મી પણ ચોર દીકરાનો પક્ષ લઇ મને જ વગોવે છે. હવે મારે આ ઘરમાં રહેવું જ નથી.

રમીલા ગુસ્સે થઇ પોતાની બેગ ભરવા લાગી. સાંજના પાંચ વાગી ગયા હતા. તે બેગ લઇને બહાર નીકળી ગઈ. પણ એકલા જવું ક્યા ?

'તું ક્યા જાય છે ? રમીલા ના જા.' 'હવે શાંતાબેન પણ સમજાવતા પાછળ દોડયા.'

'ના, હવે મારે ઘેર રહેવું જ નથી. મમ્મી હું મારુ ફોડી લઈશ. તું દર વખતે રાકેશનો ખોટો જ પક્ષ લે છે.' કહેતા રમીલા ચાલતા દુર નીકળી ગઈ. શાંતાબેન અને રાકેશ તેને જોતાં જ રહી ગયા.

રાકેશને પણ લાગ્યું કે મે ગુસ્સામાં દીદીને લાફો મારીને ભૂલ કરી, પણ હવે શું થાય ? તેણે મને ચોર કહ્યો, એટલે ગુસ્સો હાથમાં ના રહ્યો. શાંતાબેન અને રાકેશ જુવાન દીકરી ઘેરથી જતી રહી તેની ચિંતામાં ડૂબી ગયા.

રમીલા એકલી ચાલતી રિવરફ્રન્ટમાં પહોંચી ગઈ. સાંજ ઢળવા લાગતાં ચારેકોર, શાંતિ હતી, કોઈ રાહદારી પણ દેખાતો ન હતો. તે એકલી વિચારતી હતી હતી, ત્યાં તેની બાજુમાં રહેતો પાડોશી રવિ ગાડીમાં નીકળતા, તેણે ગાડી ઊભી રાખી.

''અરે ! રમીલા, તું એકલી બેગ સાથે ક્યા જાય છે ?'' 'રમીલાએ ગુસ્સો અને આક્રોશ રવિ પાસે ઠાલવી દઈ બધી વિગતવાર વાત કરી.' 'ઓહ, એમ વાત છે !' 

રવિ વિચારમાં પડયો આટલી સુંદર યુવતીનો ભાવ મુંબઇ રેડલાઇટ એરિયામાં ત્રણ લાખ તો આવી જ જાય.

'ચાલ મારી સાથે, મારા મિત્રની રૂમ બાજુમાં જ છે, એક રાત ત્યાં રોકાઈ જા તેથી તારો ભાઈ અને મમ્મી સીધા થઇ જશે.' તેણે દાણા નાખવાના ચાલુ કર્યા.

'પણ હું એકલી કઇ રીતે આવું ? રાત્રે મારી મમ્મી અને રાકેશ મને શોધીને અડધા થઇ જશે.' કહેતા રમીલા ખચકાઈ. 'તું નહીં મળે એટલે તારી મમ્મી અને ભાઈ શોધી શોધીને પસ્તાવો કરશે અને તું ધારે તે કરી શકીશ.'

'ત્યાં મારા મિત્રની પત્ની છે ને ! તમે બંને સાથે સુઇ જજો. તો જ તારી વેલ્યુ ઘરમાં વધશે.' રવિએ મલાવા કરતા કહ્યું.

રમીલા વિચારમાં પડી ગઈ એકવાર મારે એ બન્નેને સીધા તો કરવા જ પડશે.

રાતનાં દસ વાગે રવિ તેને કેમ્પ સદર બજારથી આગળ હાંસોલના એક રૂમમાં લઇ, તેના મિત્રની પત્નીને લઈ આવું છું કહી તેને એકલીને રૂમમાં પૂરી બહારથી તાળુ મારીને જતો રહ્યો. તેનો મોબાઈલ પણ લઇ લીધો.

હવે રમીલાને ખ્યાલ આવી ગયો કે ઘરનાથી રૂઠીને ફસાઈ ગઈ છે. હવે કરવું શું ?

રાકેશ અને શાંતાબેને પણ રાહ જોઇને થાક્યા. રાતનાં અગ્યાર વાગી ગયા પણ રમીલા ક્યાં ? હવે તો રાકેશને પણ પસ્તાવો થતો હતો. પોલીસે પણ ફરિયાદ લેતા પહેલા ૨૪ કલાક રાહ જોવાની સલાહ આપી. પોતાની બેનપણીને ઘરે ગઇ હશે તો આવી જશે.

રાકેશ બિચારો પસ્તાવાની આગમાં દીદીને શોધી આમતેમ દોડી રહ્યો હતો. ત્યાં તેના દોસ્ત અશોકનો ફોન આવ્યો ''મેં રમીલાને રવિ સાથે હાંસોલની એક રૂમમાં જતા જોઈ છે.''

રાકેશને અશોક રાતનાં બાર વાગે દોડયા. તે રૂમના તાળાને તોડી રમાલીને બચાવી ઘરે લાવ્યા. ત્યારે શાંતાબેન રડી રડીને અધમુઆ થઇ ગયા હતા. જુવાન દીકરી રાત્રે ઘરની બહાર હોય તો કઇ માતાને ઊંઘ આવે ?

રમીલા ઘરે આવીને શરમિંદી થઇ રડી પડી. શાંતાબેન અને રાકેશ પણ રડી રહ્યા હતા. તેમણે બધાએ આવો ગુસ્સો ન કરવાના સોગંધ લીધા.

લાસ્ટ સ્ટ્રોક 

ક્યારેય ઉતાવળે ગુસ્સામાં ઘરના ચિંતામાં પડે તેવું કામ કરવું નહીં. પારકા કરતા પોતાના જ આફતના સમય કામમાં આવે છે, એ વાત હંમેશા યાદ રાખવી.