Get The App

દયા ડાકણને ખાય .

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
દયા ડાકણને ખાય                                              . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મધુકરભાઈ અને મોસમીકાકી એકબીજાના સામે જોવા લાગ્યા. 'કયો હીરાનો સેટ?' આ તો દયા ડાકણને ખાવાં બેઠી હતી. 

ચાર વરસ પહેલા કપરા કોરોના કાળમાં ચારે તરફ મોતથી હાહાકાર મચી ગયો હતો. સળંગ લોકડાઉનથી લોકોના ધંધાપાણી પડી ભાંગ્યા હતા. ઘરે ને ઘરે રહેવાથી લોકોને ખાવાપીવાના પણ ફાંફાં પડી ગયા હતા. લોપા હજુ કોલેજના બીજા વરસમાં હતી, અને તેના પિતા બંકિંમભાઈનું   નદીમાં ડૂબી જવાથી મોત થઇ ગયું. અચાનક આ આઘાત ન જીરવાતા તેની માતા પણ શોકમાં ડૂબી ગઈ, અને અઠવાડિયામાં તેનું હાર્ટ એટેકથી મોત થયું. 

લોપા ઉપર આફતના પહાડ તૂટી પડયા. ભાડું ન ભરવાથી તેણે ભાડાનું ઘર ખાલી કરવું પડયું. હજુ તેને કોલેજના બે વરસ બાકી હતા, જવું ક્યાં, રહેવું ક્યાં એજ મોટો પ્રશ્ન થઇ ગયો. ત્યાં તો તેના મધુકરકાકાનો મોબાઈલ આવ્યો,  'બેટા, તારે ગભરાવાની જરાય જરૂર નથી. હું અને તારી મોસમીકાકી હમણાં આવીને તને અમારે ઘેર લઇ જઈએ છીએ, અમારે કોઈ બાળક નથી, તો તું જ અમારી દીકરી કહેવાય.'

લોપા ખુશ થઇ ગઈ. તેને તેના દયાળુ કાકા અને કાકીનો અનુભવ હતો. પોતાની દીકરીની જેમ જ ભણાવી ગણાવી ને લોપાને ગ્રેેજ્યુએટ બનાવી દીધી. લોપા પણ હવે તેમને જ તેના માબાપ માનવા લાગી.

મધુકરકાકા અને મોસમીકાકી ખરેખર ખુબ જ દયાળુ અને મદદરૂપ થનાર દંપતી હતા. લોપાના કોલેજ ભણતર, ચોપડાં, ફી વિગેરે ખર્ચા તેમણે પોતાની દીકરી હોય તે રીતે જ કરેલા. કોલેજમાં છેલ્લા વરસમાં લોપાની કોલેજમાંથી કાશ્મીર પ્રવાસ આયોજિત થયો હતો. તેના પચ્ચીસ હજાર ભરવાના હતા. લોપા કહેતા શરમાતી હતી. પણ મધુકરકાકાને ખ્યાલ આવી ગયો.

'બેટા, શું વાત છે, કહેતા શરમાય છે, કેમ ?' મધુકરકાકાએ લોપાને પોતાની પાસે બેસાડીને કહ્યું.

'કાકા, વાત એમ છે કે અમારી કોલેજમાંથી કાશ્મીર પ્રવાસનું આયોજન થયેલ છે, તેની ફી જરાક વધારે છે.' કહેતા લોપા શરમાઈ ગઈ. 

'કેટલી છે ?' કાકાએ પુછયું. 'પચ્ચીસ હજાર રૂપિયા' લોપાનો જવાબ. 

'અરે, એમાં શું ? તું અમારી દીકરી જ છે ને, લે આ રોકડા પચ્ચીસ હજાર.' કાકાએ ઉભા થઇ કબાટમાંથી રોકડા રૂપિયા ગણી આપ્યા. લોપાને કાકા અને કાકી માટે અંદરથી ખુબ માન થઇ ગયું. 

પચ્ચીસ વરસની લોપા માટે કાકા અને કાકીએ સારા મુરતિયાની શોધખોળ ચાલુ કરી. અને તેમની જ જ્ઞાતિનો દેખાવડો, ડબલ ગ્રેેજ્યુએટ હરેન નામનો છોકરો તેમણે અને લોપાએ પસંદ કરી લીધો. 

લગ્નનો તમામ ખર્ચ, લોપાના આણાંના વાસણો, કપડાં વિગેરેની કાકાએ હોંશેહોંશે ખરીદી કરી. લોપા કાકા અને કાકીનાં અદભુત પ્રેમથી અભિભૂત થઇ ગઈ. અંતે લગ્નના આગલા દિવસે મધુકરકાકાએ મોસમીકાકીને બોલાવી દિલની વાત કરી. 

'આપણે લોપાને આણામાં સોનાના દાગીના આપવા જોઈએ, પણ લોપા બહુ સ્વમાની છોકરી છે, તે સ્વીકારશે જ નહીં. શું કરવું?'

મોસમી કાકી વિચારે ચડયા, 'આપણે એમ કહીએ, તારા પપ્પા, મમ્મી તારા આણાં માટે સોનાના બે સેટની જોગવાઈ કરીને, અમને આપીને ગયા છે, તો તે સ્વીકારશે.' 

'આ સારો આઈડિયા છે.' બન્ને ઝવેરીની દુકાનેથી છ લાખના બે સોનાના સેટ લઇ, લોપાને બતાવ્યા. લોપા, 'ના, ના કરતી જ રહી..પણ બન્નેએ તેના પપ્પા મુકીને ગયા છે, એમ કહ્યું એટલે છેવટે તેણે આણામાં સ્વીકાર્યા. અહીં કાકા અને કાકી ખોટું બોલીને મોટી ભૂલ ખાઈ ગયા, કોઈની પણ ઉપર દયા કરો, તો હમેશા સાચી વાત કહીને જ કરવી જોઈએ. 

છ મહિના તો લોપા અને હરેનનું લગ્નજીવન સુખમાં પસાર થયું. હરેન અને તેની મમ્મી હેમાબેન અંદરથી બહુ જ લાલચું અને લોભી હતા. હરેનની બેંકમાં સારી નોકરી હતી, પગાર સારો હતો, પણ લાલચ અને મહત્વકાંક્ષાનો અંત ક્યાં હોય છે?

હેમાબેનની ખાસ બહેનપણી રચના મધુકરભાઈની બાજુના જ બંગલામાં રહેતી હતી. તેને આ દયાળુ દંપતિની બહુ જ અદેખાઈ આવતી. કોઇપણ રીતે તે મધુકરભાઈને હેરાન કરવામાં આંનદ અનુભવતી, તેણે હેમાબેનને ચડાવ્યા, 'લોપાના પપ્પા બંકિમભાઈતો શેરબજારમાં ખુબ કમાયા હતા. તેમણે બે સોનાના અને એક હીરાનો સેટ લોપાને આણાં માટે તૈયાર રાખ્યા હતા.'

'હે ! શું વાત કરો છો ? લોપાને હીરાનો સેટ તો આપ્યો જ નથી.' કહેતા હેમાબહેને લોપાને ઓર્ડર કર્યો. 'જા તારો હીરાનો સેટ લઇ આવ.' લોપા માને જ નહીં, મધુકરકાકા મારી સાથે દગાખોરી કરે જ નહીં, તો પૂછી જો આ રચના આંટીને ! 

'મને તારા પપ્પાએ આ વાત કરી હતી.' રચનાએ ફેંકી. હવે લોપાએ માનવા સિવાય છુટકારો જ નહોતો. તે અને તેનો પતિ હરેન ઉપડયા કાકા કાકી પાસે. 'કાકા, મારો હીરાનો સેટ મને કેમ ન આપ્યો?' લોપાએ ગુસ્સામાં પુછયું. 

મધુકરભાઈ અને મોસમીકાકી એકબીજાના સામે જોવા લાગ્યા. 'કયો હીરાનો સેટ ?' આ તો દયા ડાકણને ખાવાં બેઠી હતી. 

'જો તમે નહીં આપો તો અમે તમારી સામે કેસ કરીશું.' હવે લાલચુ હરેન ઉશ્કેાઈને બોલ્યો.

કાકા-કાકી સડક થઈને રડવા જેવા થઇ ગયા. તે વિચારવા લાગ્યા ભત્રીજી ઉપર દયા ખાઈને ખોટું બોલીને આટલો બધો ખર્ચ કરવા જેવો નહોતો. પણ હવે શું થાય ?

લોપાને પણ દુ:ખ તો થયું. પણ મન એક વખત હીરાની લાલચમાં લપટાઈ જાય પછી, સારાનરસાનો, ખરા ખોટાનો બધો ભેદ ભૂલી જાય છે. 

રવિવારે લોપા તેના પપ્પાની ડાયરી જોતી હતી ત્યાં તેમના અક્ષરે લખેલ કાગળ નીકળ્યો. 'લોપા બેટા, આ કોરોનાને લીધે મેં શેરબજારમાં બે કરોડ ખોયા છે. આપણું બધું વેચાઈ જતા તારા લગ્નનો એક પણ પૈસો બચેલ નથી. દેવું વધી જતા હું મારી જાતે આત્મહત્યા કરવા નદીમાં જઉં છું. બેટા, મને માફ કરજે, અને કાકા પાસે જતી રહેજે, એ બહુ જ દયાળુ છે.' લી. તારા બદનસીબ પપ્પા.

કાગળ વાંચતા લોપા રડી પડી. અરેરે ! મેં કાકા અને કાકી સાથે ખોટો ઝગડો કર્યો, તેમણે તેમના પૈસાથી મને સોનાના બે સેટ તો આપ્યા જ છે. મારા ભણતરનો લગ્નનો બધો ખર્ચો પણ કરેલ છે. તે રડતી રડતી પહોચી અને કાકા કાકી આગળ નમી પડી. 'મને માફ કરો કાકા, મને માફ કરો.'

મધુકરકાકાએ તેને માફ તો કરી, પણ હવે તેનું અને કાકીનું દિલ ઉઠી ગયું. અખાને પોતાની શંકાશીલ બહેનથી જે દુ:ખ પહોચ્યું હતું, તેનાથી પણ વધારે દુ:ખ મધુકરકાકાને અને મોસમીકાકીને પહોચતા તે ગમગીન બની ગયા. લોપા અને હરેન સાથે વ્યવહાર બંધ કરી, પ્રભુ ભક્તિમાં લાગી ગયા. 

લાસ્ટ સ્ટ્રોક : ક્યારેય ખોટું બોલીને હદ કરતાં વધારે દયાળુ બનવું નહીં, દુનિયા તમને સુખથી જીવવા નહી દે. કહેવત છે ને કે 'દયા ડાકણને ખાય.'