Get The App

ઇગો ઓગળી ગયો .

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ઇગો ઓગળી ગયો                                  . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તે દિવસ રાત મહેનત કર્યાં કરતો, પણ તેને ઘરમાં સફાઈ અને ચોકસાઈ સુઝતી નહિ.સાન્વીનું તેનાથી તદ્દન ઉલટું હતું, તેને ઘરમાં બધું ટીપટોપ અને ગોઠવાયેલું જોઈએ

'ન હાઈને ટોવેલ બહાર સુકાવતો કેમ નથી ?' સાન્વી ચિડાઈને નીરવને ટોકતી હતી.

'સોરી, ભુલાઈ ગયું, હમણાં સુકવી દઉં છું, ઓફીસ જવાનું મોડું થાય છે.' નિરવે અકળાઈને કહ્યું.

નીરવ અને સાન્વીનાં લવમેરેજને હજુ બે વરસ જ થયા હતાં. બન્ને સેટેલાઈટ વિસ્તારમાં લક્ઝુરીયસ ફ્લેટમાં સામસામે રહેતા હતા. નીરવ એમ.બી.એ.ની કોલેજમાં ભણતો હતો, જ્યારે સાન્વી આર્કિટેક્ટ સ્કુલમાં ઇન્ટીરીયર ડીઝાઇનરનું ભણતી હતી. સરખી ઉંમરનાં હોવાથી બન્ને સ્કુલમાં સાથે જ વાંચતા અને તૈયારી કરતાં. કોલેજમાં બન્નેની લાઈન અલગ પડી પણ આવન જાવન અને મળવાનું યથાવત રહ્યાં. ધીમે ધીમે યૌવનમાં પ્રવેશતા બન્ને એકબીજા પ્રત્યે ખેંચાતા રહ્યા.

નીરવને MBA  એમ.બી.બી.એ. થઈને મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી મળી ગઈ, જ્યારે સાન્વીએ ઇન્ટીરીયર ડીઝાઈનર તરીકે પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ ચાલુ કરી. ખેંચાણ વધી જતા અંતે નીરવ અને સાન્વીએ લગ્નથી જોડાઈ જવાનું નક્કી કર્યું. ઘરના બધાએ વિરોધ કર્યો, બન્નેની લાઈન બિલકુલ અલગ છે, મેળ નહિ પડે.

'ના, ના અમારા દિલમાં તો સાચો પ્રેમ છે, લગ્નમાં વાંધો નહિ આવે.' નિરવે શાંતિથી કહ્યું.

શરૂઆતના દોઢ વરસ તો બન્ને નવા નવા પ્રેમી હોવાથી સમય સરસ પસાર થઇ ગયો. નીરવ પોતાના કામ પ્રત્યે ખુબ જ મહેનતુ અને ઉત્સાહી હતો. તેને મહેનત કરીને કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર થવું હતું, તેથી તે દિવસ રાત મહેનત કર્યાં કરતો, પણ તેને ઘરમાં સફાઈ અને ચોકસાઈ સુઝતી નહિ.

સાન્વીનું તેનાથી તદ્દન ઉલટું હતું, તેને ઘરમાં બધું ટીપટોપ અને ગોઠવાયેલું જોઈએ. ઇન્ટીરીયર ડીઝાઇનરને તો ચોખ્ખું અને અદ્યતન ઘર જ ગમે ને ! તેને નીરવની ગમે ત્યાં વસ્તુઓ મુકવાની કુટેવ જરાપણ ગમતી નહિ. તેણે અંતે કંટાળીને નીરવને ટોકવાનું ચાલુ કરી દીધું.

'નીરવ, ઓફિસથી આવીને મોજા બુટમાં મૂકી તેને સ્ટેન્ડમાં સરખી રીતે ગોઠવી દેવાના.'

'સોરી, ડીયર.' ઓફિસેથી થાકીને આવેલો નીરવ કટાણું મોં કરીને બુટ અંદર ગોઠવતો. મનમાં વિચારે આટલા નાના નાના કામમાં શું ટોકટોક કરે છે?

નીરવ ઓફીસનાં કામમાં લેપટોપ પર મશગુલ હતો, ત્યાં સાન્વી આવી અને ચિડાઈ, 'સિગારેટ પીવે છે, તો એશ ટ્રે લઈને બેસને, રાખ નીચે નાખે છે તો કાર્પેટ બગડશે.'

નીરવનું ધ્યાન ડગી ગયું, 'મારું પ્રેઝન્ટેશન પરથી ધ્યાન હટી જશે. તું એશ ટ્રે લઈને ગોઠવી દે ને.'

'ના, તારું કામ તારે જ કરવાનું, જરાપણ સ્વચ્છતાનો વિચાર નથી કરતો, કેવો ગંદો છે.' સાન્વી સામે ચિડાઈને બોલી.

'જો સાન્વી, હું આપણા ઘર માટે જ મહેનત કરું છું, એક વખત મેનેજર બની જઈશ પછી એટલો બધો પગાર આવશે કે ફૂલટાઇમ ઘાટી રાખી લઈશું.' નીરવ પણ સામે ચિડાઈ ગયો.

'શું દર વખતે પૈસા કમાવાનો રોફ જમાવે છે.' કહીને સાન્વી મોં ફુલાવીને જતી રહી, રાતે પણ મોં ફુલાવીને ઊંધું મોં કરી સુઈ ગઈ. નીરવ ખુબ ચિડાયો. આ કેવી પત્ની છે ? રોજની નાની નાની ટકટકથી નીરવ અકળાઈ ગયો. 'મારે તારી જોડે આવી ટકટકમાં રહેવું જ નથી.'

સાન્વીનું આત્મસન્માન ઘવાયું. તેણે પોતાની બેગ ભરી તેના પિયરવાળા બોપલ બંગલામાં જતા રહ્યા હતા, ત્યાંની વાટ પકડી. નીરવ સાન્વીને જોતો રહી ગયો. આટલી નાની બાબતમાં છુટા પડી જવાનું ?

વચેટીયાઓ તો રાહ જોઇને જ બેઠા હોય, એ લોકોને મજા પડી ગઈ. બન્નેને એકબીજા પ્રત્યે ઊંધું ચત્તું ચડાવતા રહ્યા. વાત વટે ચડી ગઈ. અંતે બન્નેની મંજુરીથી છૂટાછેડાનો કેસ દાખલ કરી દીધો.

બન્નેની મંજુરી હોવાથી જજ સાહેબે છૂટાછેડા મંજુર કરી દીધા. પંદર દિવસ પછી. 

ઓર્ડર લઇ જવા કહ્યું. સાન્વી તેનો સામાન ઘેરથી લાવી શકે છે તેવો ઓર્ડર કરી દીધો.

સાન્વી ઘેર પહોંચીને એક પછી એક સામાન એકઠો કરવા લાગી. બુટનું સ્ટેન્ડ જોતા તેને પસ્તાવો થયો. અરેરે ! મેં ખોટા નીરવને ટોક્યો, એ થાકીને આવ્યો હતો, પછી મુકી દેત, એમાં ટોકવાની શું જરૂર હતી ? તેણે વિચાર્યું, નીરવ મને આગ્રહ કરીને રોકી લે તો સારું. નીરવ આ જોઈ વિચારે ચડયો, મારે મોજા તો બુટમાં નાખવા જોઈતા હતા ને ! મારી જ ભૂલ થઇ ગઈ.

બહાર ગેલેરીમાં દોરી ઉપર નીરવનો મેલોઘેલો ટુવાલ સુકાતો હતો. સાન્વીએ તે જોતા પસ્તાઈ. અરેરે ! કેટલો મેલો ટુવાલ વાપરે છે ! મેં તેને ખોટો ટુવાલ સૂકવવા ટોક્યો, એને તો મેલો ટુવાલ ધોવા નાખવાનું પણ ભાન નથી. આ જોતા નીરવ પસ્તાયો.  અરર ! આવો મેલો ટુવાલ ? મારે મારો ટુવાલ સુકાવવો જોઈએ ને ! તેણે ટુવાલ ત્યાંથી લઈને ધોવા નાખ્યો. સાન્વી જોતી રહી. વાહ ! હવે નીરવ પણ સ્વચ્છતામાં માનતો થઇ ગયો. નીરવ વિચારે, આ જોઈ સાન્વી અહી જ રોકાઈ જાય તો સારું. આવડા મોટા ઘરમાં હું એકલો શું કરીશ ?

પણ બંનેના મોઢેથી આગ્રહ કરીને બોલવામાં ઈગો નડી રહ્યો હતો.

ડ્રોઈંગરૂમમાં કાર્પેટ પર એશ ટ્રેમાં સિગારેટની રાખનો ઢગલો હતો. સાન્વી વિચારે ચડી, અરેરે ! નીરવ એકલો એકલો સિગરેટથી કેન્સરના મોતે મરશે, મને આગ્રહ કરીને રોકી લે તો સારું. નિરવ વિચારતો હતો, હવે હું એશ ટ્રેમાં જ રાખ નાખું છું. સાન્વીને મારી સ્વચ્છતા ગમે અને રોકાઈ જાય તો કેવું સારું ??

બને પોતાની ભૂલો મનમાં સ્વીકાર કરી એક થવા વિચારતા હતા, પણ પહેલ કોણ કરે ?

ત્યાં બેલ વાગ્યો, સાન્વીએ બોલાવેલ મેટાડોરવાળો સામાન લેવા આવી ગયો. સાન્વી સામાન સાથે જવા લાગી, બન્ને એકબીજા સામે જોઈ રહ્યા, સમાધાન માટે બોલવું હતું, પણ વચ્ચે ઈગો નડી રહ્યો હતો.

નીરવ પણ મેટાડોર સુધી આવ્યો, સાન્વી વિચારતી હતી, કેવો માણસ છે, મને આગ્રહ પણ ન કર્યો, ત્યાં પાછળથી સ્પીડમાં આવતી કાર જોઈ નીરવ દોડયો, 'સાન્વી સંભાળ.' કહી તેને ધક્કો મારી બચાવી લીધી.

'તેં શું કામ બચાવી ? હવે મારે ને તારે શું લેવા દેવા?' સાન્વી અવઢવમાં હતી.

'એમ કઈ મરવાં દેવાય ! તારા વગર હું જીવીશ કઈ રીતે ?' નિરવે અનાયાસે કહ્યું.

એક જ આકસ્મિક બનાવે બંનેનો ઇગો ઓગળી ગયો. 'નીરવ, તારા વગર તો મારે ય જીવવું મુશ્કેલ છે.' કહેતા સાન્વી તેને વળગી પડી.

મેટાડોરવાળાને સમાન પાછો મુકવાનું કહેતા તે જોઈ રહ્યો. મારા ભાડાનું શું ? 

'ના હવે સામાન બીજે ક્યાય લઇ જવાની જરૂર નથી.' બન્ને એકસાથે બોલી ઉઠયા. 

કોર્ટમાંથી છૂટાછેડાનો ઓર્ડર લેવા હજુ સુધી કોઈ ગયું નથી. 

લાસ્ટ સ્ટ્રોક 

પોતાના અંગત માણસો સાથે વ્યવહારમાં ઇગોને બદલે આંતરમનનો અવાજ સંભાળવો અન્યથા જીવનભર પસ્તાવાનો વારો આવશે.

Tags :