ઝૂકતી દુનિયા હૈ..... ઝુકાનેવાલા ચાહિયે .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- અત્યાર સુધી પંદર છોકરા બતાવ્યા, પણ એકેમાં હા જ નથી પાડતી
છ વીસ વરસનો અમથો ગામડેથી શહેરમાં આવ્યે પાંચ વરસ થઈ ગયા હતા, નોકરી મળી ગઈ હતી. ભણવામાં સામાન્ય, પણ ગ્રેજ્યુએટ થઈને બે વરસમાં સેલ્સમેનની નોકરી મળી ગઈ, પગાર સામાન્ય મહીને સાડા બારહજાર.
નોકરી મળી જતાં જ તેના માંબાપે છોકરી શોધવાની ચાલુ કરી દીધી, બે વરસ થઇ ગયા, પણ મેળ પડતો ન હતો. દેખાવે સામાન્ય, જાડા ચશ્માં, અને લઘરવઘર કપડા જોઈ કોણ હા પાડે ? પગાર પણ માંડ બે માણસનું ખાવાપીવાનું થાય એટલો, પછી મોજશોખનું શું ? અમથાએ ચાર પાંચ મેરેજ બ્યુરો સાઈટમાં મેમ્બરશીપ નોંધાવી, બે ત્રણ મેરેજ બ્યુરોમાં પૈસા ભર્યા, પણ છોકરી સાથેની પહેલી બેઠકમાં જ ના આવી જતી. અમથાના માબાપ કંટાળી ગયા, સાવ બબુચક જેવો છે, પછી કોણ હા પાડે?
અમથાના ખાસ મિત્ર અશોકે સલાહ આપતા કહ્યું 'અમથા, એક કામ કર, શહેરના નામાંકિત મલકાટ મેરેજ કાઉન્સલીંગ સેન્ટરમાં જઈ તેના બોસ મિલીન્દ મલકાનીને મળી લઈએ. તેમની ફી સાત હજાર રૂપિયા વધારે છે, પણ જો એ ખર્ચ કરતાયે તારું લગ્ન થઇ જાય તો પૈસા વસુલ છે.'
પોતાનો અડધો પગાર ફી તરીકે આપી દેવાનું સાંભળી અમથો અચકાયો, 'જવાદે, અશોક પછીથી વિચારીશું.'
'તું તેની ફી સાંભળીને નાં પાડે છે ને ! લે, અત્યારે સાત હજાર હું આપું છું, તું જઈને મળતો ખરો. તું ભવિષ્યમાં સગવડ થયે, પૈસા પરત કરજે.' અશોકે સલાહ આપી.
હવે રૂપિયા આવતા અમથામાં હિંમત આવી. સાંજે પાંચ વાગ્યાની એપોઇટમેન્ટ લઇ અશોકને સાથે લઇ અમથો ઉપડયો મેરેજ કાઉન્સલરની ઓફિસમાં.
બહાર વેઈટીંગ રૂમનો ઝગમગાટ રુઆબદાર હતો. રિસેપ્શન ટેબલ પર ફટાકડી રીસેપ્સનિસ્ટ બેઠી હતી. અમથો તેને જોતો જ રહી ગયો.
'બોલો શું નામ છે તમારૃં?' રૂપાની ઘંટડી જેવા અવાજથી અમથો પાણીપાણી થઇ ગયો.
'અમથાલાલ બોઘાણી' અત્યારે સાંજે પાંચની એપોઇટમેન્ટ છે.
રીસેપ્સનિસ્ટે કોમ્પ્યુટરમાં જોઇને કહ્યું 'લાવો સાત હજાર રૂપિયા, મલકાની સાહેબ તમારી રાહ જોવે છે.'
સલાહ વગર પહેલા ફી માંગી લીધાનો આશ્ચર્ય ભાવ અમથાના ચહેરા પર જોઈ, અશોકે રૂપિયા ભરી દીધા અને બંને અંદર ગયા.
ભવ્ય કાઉન્સલીંગ રૂમમાં દમામદાર મિલીન્દ મલકાની બેઠા હતા, તેમણે આવકાર આપતા કહ્યું, 'આવો અમથાલાલ મેં તમારી તકલીફોની ફાઈલ જોઈ લીધી છે, એકવીસ છોકરીઓ જોઈ પણ કોઈની હા પડતી નથી, બરાબર છે ને!'
'હા સાહેબ આપની સલાહ માટે જ આવ્યા છીએ.' અમથાએ નીચી મુંડી કરીને કહ્યું.
'જુઓ હું કહું તેમ કરવું પડશે, ખર્ચો થશે, પણ કામ પતી જશે. છે મંજુર !' મલકાની સાહેબે પૂછયું.
અમથો અચકાયો. પણ અશોકે પાછળથી ગોદા મારી કહ્યું 'સારું સાહેબ.'
'જુઓ સહુથી પહેલા તમારૃં નામ બદલવું પડશે, બધે જ પ્રોફાઇલમાં અમથામાંથી આશિક કરી નાખો. આ ડાબલાં ચશ્માને બદલે લેટેસ્ટ ફેશનના રીમલેસ ગ્લાસીસ લઇ લો. વાળની ફેશન લેટેસ્ટ, બ્યુટીપાર્લરમાં જઈ કરાવી, ફેસીયલ કરાવો.' અમથો સાંભળતો જ રહ્યો.
'આ કપડા બદલવા પડશે. બ્રાન્ડેડ શર્ટ પેન્ટ અને બેલ્ટ, તથા બ્રાન્ડેડ ઘડિયાળ બે કલાક માટે ભાડે મળશે, હું તેનું અડ્રેસ આપું છું. વાતચીતમાં સ્ટાઇલીશ બની થોડા થોડા ઈંગ્લીશ શબ્દો બોલવા પડશે. જતી વખતે ટોપ બ્રાન્ડના પરફ્યુંમના સ્પ્રે કરીને જવું.' મલકાની સાહેબ એક પછી એક સુચના કરના ગયા.
'સારું સાહેબ' અમથો બોલ્યો. ત્યાં તો મલકાનીનો મોબાઈલ રણકી ઉઠયો.
'બોલો રૂપાબેન, શું કામ છે મારું?' મલકાનીએ પૂછયું.
'જોને ભાઈ, તારી ભાણી કરિશ્મા બહુ વાયડી થઇ ગઈ છે. અત્યાર સુધી પંદર છોકરા બતાવ્યા, પણ એકેમાં હા જ નથી પાડતી.
આ કાળો છે આ બાડો છે, આ બોઘો છે, તો વળી આનો પગાર જ ટુંકો છે, આવા બહાના કાઢી ના જ પાડયા કરે છે, કરવું શું ?' બહેને રોતલ અવાજે કહ્યું.
'સારું બહેન, એને આવતા મંગળવારે મારી ઓફીસે મોકલજે હું તેને સમજાવીશ.' કહીને મલકાનીએ વાત આગળ ચલાવી.
'તમારો પગાર કેટલો છે?'
'સાહેબ, અત્યારે તો સેલ્સમેન તરીકે સાડાબાર હજાર મળે છે.' અમથે જવાબ આપ્યો.
'જુઓ તમારે પગાર દોઢ લાખ સેલ્સમેનેજર તરીકે મળે છે, તેમ કહેવાનું.' મલકાનીએ કહ્યું.
'સાહેબ , સાવ ખોટું તો કઈરીતે કહેવાય?' અમથો ગુચવાયો.
જુઓ, વરસે દોઢ લાખ થાય કે નહિ. પગાર મહીને કે વરસે નહિ કહેવાનું. એમાં ખોટું કઈ નથી. યુધિષ્ઠિર જેવો ધર્માત્મા પણ યુદ્ધમાં 'નરો વા કુંજરો વા' બોલ્યો જ હતો ને!
અમથાલાલના મગજમાં માંડ બેઠું. અને રવિવારના ઈન્ટરવ્યુંમા જ સૂચનોનો અમલ કર્યો.
સોમવારે સાંજે રૂપાબેન પેંડાનું પેકેટ લઇ મીલીન્દની ઓફિસે આવી પહોચ્યા.
'ખુશખબર, ખુશખબર, ભાઈ કરિશ્માનું રવિવારે ગોઠવાઈ ગયું, અને આજે સવારે તો કોર્ટ મેરેજ પણ થઇ ગયા.' રૂપાબેને કહ્યું.
'શું વાત કરે છે, બહેના, મારી શુભેચ્છાથી જ થયું લાગે છે. જમાઈરાજનો પગાર કેટલો છે?' મલકાની ખુશ થતા બોલ્યા.
'ભાઈ, દોઢ લાખ રૂપિયા સાંભળીને કરિશ્માતો આસમાનમાં ઉડવા લાગી. સેલ્સ્મેનેજર છે, લેટેસ્ટ ફેશનનાં કપડાં, ઘડિયાળ, અને હેરસ્ટાઇલથી કરિશ્મા અભિભૂત થઇ ગઈ, અને હા પાડી દીધી. અમે પણ તરત જ સોમવારે કોર્ટ મેરેજ ગોઠવી, લગ્ન કરાવી દીધા. આટલો સરસ મુરતિયો છટકી જાય તો શું કરવું ?' રૂપાબેન ખુશ થતા બોલ્યા.
આટલું લાંબુ સાંભળી મિલીન્દ મલકાની અકળાઈ ગયો, તેણે પૂછયું 'શું નામ છે જમાઈ રાજાનું ?'
'ભાઈ, નામ પણ કેટલું રસિક છે, આશિક બોધાણી. તમને મળવા લઇ આવીશું.' રૂપાબેન બહુ ખુશ જણાતા હતા.
મિલીન્દ મલકાની આભો બની જતો રહ્યો. તેણે શીખવાડેલી જાળમાં તેની ભાણી અને બહેન જ ફસાઈ ગયા હતા. પેંડો ખાતા તેનો રડમસ ચહેરો જોઈ રૂપાબેન વિચારમાં પડી ગયા. આટલો સરસ જમાઈ તેની ભાણેજને મળ્યો છે, પણ આ રોતલ ચહેરે કેમ ઉભો છે??
લાસ્ટ સ્ટ્રોક
આજકાલના યુવક યુવતીઓ ફેશન, ગ્લેમર, સ્ટાઇલ અને પગાર જોઈને જ જીવનભરનું ભવિષ્ય નક્કી કરે છે. સ્વભાવ, આવડત, ચરિત્ર, સમજુપણું વિગેરેનો વિચાર જ કરતા નથી. 'દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે'.