- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- નારાયણ પસ્તીના છાપા અને લોખંડનો ભંગાર છૂટો પાડવા બેઠો. એક જુના કટાયેલા ડબ્બાને નીચે મુકતા કંઈક ખખડયું
'સાં ભળો છો, હવે આપણી રૂપાના લગ્નને બે મહિના જ રહ્યા છે. જાનની આગતા સ્વાગતા અને ભોજનના નહીં નહીં તો ત્રણથી ચાર લાખ થઇ જશે. તેની વ્યવસ્થા થઇ કે નહીં?' અનુપમાબેન દુ:ખી સ્વરે તેના પતિ નારાયણભાઈને કહી રહ્યા હતા.
'પસ્તીના ધંધામાં હવે બહુ કમાણી રહી નથી. હું આખો દિવસ ફેરી કરૂ તો માંડ ચારસો પાંચસો રૂપિયા મળે છે. એ ઘરના ખર્ચમાં વપરાઈ જાય છે. બચતના બધા ખાતાના રૂપિયા ભેગા કરીએ તો પણ માંડ લાખેક રૂપિયા થાય છે.' પસ્તીવાળા નારાયણભાઈએ રડમસ ચહેરે જવાબ આપ્યો.
'બાકીના ત્રણ લાખ ક્યાંથી લાવીશું ? આપણા જેવા પસ્તીવાળાને તો કોઈ બેન્ક લોન પણ ના આપે.' અનુપમાબેન દુ:ખી થઇ ગયા.
'જોઈએ, હજુ બે મહિનાનો સમય છે, ને' કહેતા નારાયણભાઈ પસ્તી લેવા નીકળી પડયા. વધારે મહેનત કરવા તેણે લારીનો મોટો રાઉન્ડ પસંદ કર્યો. તેના ઘેર બાપુનગરથી, મેમ્કો, નિકોલ, વસ્ત્રાલથી સોનીની ચાલી રખિયાલનો મોટો રાઉન્ડ કર્યો. પણ કોઈ જગ્યાએથી પસ્તી મળતી જ નહોતી. ત્રણ ચાર ઘરાકને ત્યાંથી માંડ થોડી પસ્તી મળી. છેલ્લે તે સોનીની ચાલીમાં આવી ગયો. પગમાં છાલા પડી ગયા હતા, પરસેવે કપડાં રેબઝેબ થઇ ગયા હતાં, પણ મનમાં એક જ તમન્ના હતી, વધારે પૈસા કમાવા. નારાયણભાઈ નિરાશ થઇ ગયા. ત્યાં તો એક નાનીખોલી જેવા ઘરમાંથી એક માજીએ તેને બોલાવ્યો તેમણે પસ્તી, લોખંડનો ભંગાર, પ્લાસ્ટિકના ડબ્બા, વિગેરે બધું જ કાઢીને પસ્તીવાળાને હવાલે કર્યું.
'આભાર, બેન, તમે મને ધંધામાં સારી મદદ કરી' નારાયણ ભાવુક થઇ ગયો.
'જો મારું નામ લક્ષ્મી છે, પણ સાવ ગરીબ છું. ત્રણ વરસથી વિધવા છું, આ તો મારી એકની એક દિકરીને જોવા છોકરાવાળા આવવાના છે, એટલે ઘર ચોખ્ખું કર્યું.' લક્ષ્મીબેને ખુલાસો કર્યો.
'તમારી દિકરીનું સારી જગ્યાએ ગોઠવાઈ જાય એવી માતાજીને પ્રાર્થના.' નારાયણે તેને શુભેચ્છા પાઠવી.
મોડી રાત્રે નારાયણ પસ્તીના છાપા અને લોખંડનો ભંગાર છૂટો પાડવા બેઠો. એક જુના કટાયેલા ડબ્બાને નીચે મુકતા કંઈક ખખડયું.
'આ અંદર શું છે ?' વિચારીને તેણે ડબલું ખોલ્યું, અંદરથી ચકમક કરતો મોટો વજનદાર સોનાનો હાર નીકળી પડયો. અનુપમાબેન આશ્ચર્ય સાથે આનંદમાં બોલ્યાં, 'જોયું, ભગવાને સામેથી આપણને મદદ કરી. આ હાર કિંમતી લાગે છે.'
એ જ દિવસે બન્ને હાર લઇ બાપુનગરના સોની પાસે પહોચી ગયા. વજન કરી કસ કાઢીને સોનીએ કહ્યું 'પ્યોર સોનાનો હાર છે, લગભગ સાડાત્રણ લાખ રૂપિયા આવે.'
અનુપમાબેન ખુશ થઇ ગયા. હાશ, હવે દિકરીનાં લગ્નમાં વાંધો નહીં આવે. પણ નારાયણભાઈનું મન માનતું ન હતું. આપણા હક્ક વગરની વસ્તુ કેમ લેવાય ?
'શું તમેય ગાંડાવેડા કરો છો ? આપણી છોકરીના લગન હેમખેમ પાર પડી જશે. આને ભગવાનની કૃપા જ માનો.' પણ નારાયણભાઈના મનમાંથી લક્ષ્મીબેનનો લાચાર ચહેરો જતો ન હતો. તે બિચારા શું કરશે ? તેમની છોકરીના પણ લગ્ન બાકી જ છે.
મોડી રાત્રે લક્ષ્મીબેનની છોકરી રેખા ઓપરેટરની નોકરીમાંથી પાછી ફરી અને ઘરને ખાલીખમ જોતાં ગભરાઈ ગઈ! 'મમ્મી આ બધાં ડબલાં ડબલી ક્યાં ગયા ?' તે ચિંતામાં બરાડી.
'બેટા તને જોવા છોકરાવાળા આવે તો, ઘર તો ચોખ્ખું જોઈએને ?' લક્ષ્મીબેન ખુશ થતાં બોલ્યાં.
'અરેરે ! માં, તું મને પહેરવા તારી સખી લતામાસી પાસેથી સોનાનો હાર ઉધાર લાવી હતી, એ મેં એક ખાલી ડબ્બામાં મુક્યો હતો.' રેખા કહેતા રડી પડી.
'અરેરે ! મને તો ખબર જ નહીં. તે સાચા સોનાનો સાડા ત્રણ લાખનો હાર હતો, હવે શું કરશું ?' બન્ને આખી રાત રડતાં રહ્યા. અંતે લક્ષ્મીબેન કહ્યું 'કાલે સવારે આપણે લતા આગળ જઈને સાચી હકીકત કહીને તેના પૈસા આપી દઈશું. આપણાથી ખોવાયો છે, એટલે આપણી જવાબદારી છે.'
'પણ પૈસા ક્યાંથી લાવીશ ?' હજુ રેખાની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા.
'આપણી ખોલી ગિરવે મુકીને સાડા ત્રણ લાખ ઉપાડીશું.' લક્ષ્મીબેને રડતાં કહ્યું.
'પછી આપણે ક્યા રહીશું? ફૂટપાથ પર રહ્યા વગર છુટકારો જ નથી.' બન્નેને આખી રાત ઊંઘ ન આવી.
પસ્તીવાળા નારાયણભાઈને પણ આખી રાત શાંતિથી ઊંઘ કેમ આવે ? તેનું બાહ્ય સામાજીક મન દિકરીના લગ્નનો ખર્ચો નીકળી ગયો, વિચારી ખુશ થતું હતું. ત્યાં તેનો અંતરાત્મા પોકારી ઉઠયો, આ હાર તેના માલિકને પરત કરવો જ પડશે. અનુપમાબેન વિરોધ કરતાં રહ્યા, ભગવાને સામેથી મદદ મોકલી છે અને તમે તેને પરત કરવાની વાત કરો છો? કેવા બાપ છો એ જ સમજાતું નથી. સવારના નવ વાગે નારાયણભાઈ હાર પરત કરવા નીકળી ગયા. સવારમાં લક્ષ્મીબેન મોબાઈલમાં તેની સખી લતાને તમામ વિગત જણાવી, તેને ઘરે બોલાવી હતી.
'જો, લક્ષ્મી, મેં એ હાર તારી દિકરીને એક દિવસ માટે પહેરવા વહુના લોકરમાંથી લાવી દીધો હતો.' કહેતા લતાબેન પણ ભાવુક થઇ ગયા.
હવે કરવું શું ? લક્ષ્મીબેને અંતે ખોલી ગિરવે મુકીને સાડાત્રણ લાખ ઉપાડીને આપવાની વાત કરી.
'પણ પેલા પસ્તીવાળાને શોધીને વાત કરો ને !' લતાબેન હજુ આશાસ્પદ હતા.
'કોઈ આવો કિમતી હાર પરત કરતુ હશે?' લક્ષ્મીબેન રડતાં રડતાં બોલ્યાં.
ત્યાં તો દરવાજો ખખડયો લક્ષ્મીબેન બારણું ખોલતાં પસ્તીવાળાને જોઈ ઉછળી પડયા.
'લ્યો, બેન, તમારો હાર પસ્તીમાંથી નીકળ્યો.' નારાયણભાઈએ શાંતિથી કહ્યું.
બધા જોઈ રહ્યા. લક્ષ્મીબેન અને રેખા તેને પગે લાગી અને રડવા લાગ્યા.
'અમારે તો બહાર ફૂટપાથ પર સુવાનો વખત આવી ગયો હતો, તમે બચાવી લીધા.' કહેતા લક્ષ્મીબેન રીતસર રડી પડયા.
'મારા હક્કનું ના હોય એ હું ક્યારેય લેતો જ નથી.' કહેતા નારાયણભાઈ ભાવુક થઇ ગયા. ત્યાં તો તેમના વેવાઈનો ફોન આવ્યો. 'નારાયણભાઈ આપણે લગ્ન સાદાઈથી કરવા છે. ખોટા ખર્ચા કરવા નથી. અમે ફક્ત છ જણા આવીશું અને આર્યવિધીથી સાદાઈથી લગ્ન કરીશું.'
પોતાની દિકરીના લગ્નના ખર્ચ નહિવત થઇ જતા નારાયણભાઈ પણ હર્ષના માર્યા રડી પડયા.
લાસ્ટ સ્ટ્રોક :
પોતાના હક્કનું હોય એ જ સ્વીકારો, બીજાનો હક્ક મારશો તો ક્યારેય સુખ નહીં મળે. ભગવાન પણ સારા કર્મોનું ફળ સારું જ આપે છે.


