Updated: Mar 14th, 2023
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
'આ વખતે તો મંત્રીને બરાબર ફસાવી દેવા છે. તૈયારી બધી પૂર્ણ છે. ગામડાનાં ખેડૂત જવાનસિંહને અહી પાટનગરમાં બોલાવી લીધેલ છે. મંત્રીશ્રીનું ભાષણ ચાલુ હોય ત્યારે જ કિશાન જવાનસિંહની આત્મહત્યાનું નાટક ભજવવાનું છે.' વિરોધી દળના નેતાઓ અને ધારાસભ્ય મંત્રીને ફસાવવાનો કારસો ઘડી રહયાં હતા.
અત્યંત મોંઘવારી, ખેતપેદાશોને કુદરતી આપત્તિથી નુકશાન, જમીન સંપાદન કાયદો જેવી સમસ્યાઓથી જગતનો તાત ખેડુતો તોબા પોકારી ગયા હતા. ચારે તરફ બુમરાણ મચી ગઈ હતી. વિરોધી દળો આ બાબતનો રાજકીય રોટલો શેકવા માટેનો કારસો ઘડાઈ રહ્યો હતો.
આ કામ માટે ગામડાંના જવાનસિંહ નામના ખેડૂતને તૈયાર કરેલ હતો. મંત્રીશ્રીના ચાલુ ભાષણે ચાલીસથી પચાસ ખેડુતો સૂત્રો પોકારતાં આવવાના હતા. ખેડુતો દેવામાં ડૂબી ગયા હતા. તેથી બધાં ખેડુતો સભા ચાલુ હોય ત્યારે સૂત્રો પોકારતાં આવે અને ગાંધીમેદાનને છેવાડે પહોચી ઝાડ પાસે લોકોનું ધ્યાન દોરાય તે વખતે જવાનસિંહે ઝાડ ઉપર ચડી જવાનું હતું. પછી બૂમો પાડી તેનો ગમછો છોડી, ડાળ પર લટકાવી તેમાં ડોંકું નાખી આત્મહત્યાનું નાટક કરવાનું હતું. આ બધું જોઈને જનતાના મનમાં ચાલુ સરકાર સામે રોષ પેદા થાય અને રોષમાં મંત્રીને ભાગવું પડે, જે મીડિયામાં દર્શાવાતા જનતાની સહાનુભૂતિ ચાલુ સત્તામાં રહેલી સરકારને બદલે વિરોધીદળ તરફ વળી જાય તેવો આઇડીયા હતો. જવાનસિંહને આત્મહત્યા કરતાં પોલીસ અને જનતા અટકાવે એટલે નીચે ઉતરી જવાનું હતું.
વિરોધીદળના મદનલાલ આવા કામમાં નિપુણ હતા. તેમણે જવાનસિંહને આખો આઇડીયા સમજાવતા વળતર પેટે બે લાખ રૃપિયા નક્કી કરેલ હતા, બધાં બચાવવા દોડે એટલે મદનલાલ તેને સમજાવે પછી તેણે બચીને નીચે ઉતરી જવાનું.
જવાનસિંહના ઘેરથી તેના માબાપ પત્ની અને મુન્ની વિરોધ કરી રહ્યાં હતા.
'આવું મરવાનું નાટક ના હોય, મને તો બહું જ ડર લાગે છે.' તેની પત્ની રાધાબેને કહ્યું.
'મને કાંઇ થવાનું નથી. મને બચાવવા કેટલાં બધા માણસો અને પોલીસ આવવાના જ છે.' જવાનસિંહે પત્નીને સમજાવતાં કહ્યું.
'પણ તારે આવું નાટક કરવાની શું જરૃર છે ?' તેના બાપા ખીજાયા.
'બાપા, તમને ખબર ના પડે. ફકત આ નાટકના મને ખૂબ જ રૃપિયા મળવાના છે.' જવાનસિંહે બાપને સમજાવી શાંત કર્યા.
'પણ પપ્પા, તમને કઈ થશે તો?' ફકત સાત વરસની મુન્નીએ કાલી ઘેલી ભાષામાં દહેશત વ્યક્ત કરી.
'અરે ! બેટા મને કઈ નહિ થાય.' જવાનસિંહ તેના જવાબમાં મક્કમ હતો. આવતીકાલે રવિવારે રાત્રે તો બધું પતી જશે, મને રૃપિયા પણ મળી જશે.'
બીજા દિવસ સાંજથી ગાંધીમેદાન ઉપર મંત્રીશ્રીનું ભાષણ હોવાથી ચહલપહલ હતી. ઊંચા મંચ ઉપર મંત્રીશ્રી, ધારાસભ્યો, અધિકારીઓ, પત્રકારો અને ચેનલવાળા ઉભરાઇ રહ્યાં હતા. મંત્રીનું ભાષણ ચાલુ થયું. જનતાને વચનોની લોલિપોપ આપવાની ચાલુ હતી. હમારા દેશ બહુત પ્રગતિ કરેગા, કોઈ ભુખા નહિ રહેગા. કોઈ દેવાદાર નહિ હોગા, સબ સુખી હો જાયેગા. જનતા ખુશીથી ભવિષ્યના સોનેરી સપનામાં ઝૂમતી હતી.
અચાનક પચાસ ખેડુતોનું ટોળું ઝડપથી ચાલતું 'અમારા દેવા માફ કરો'ના નારા લગાવતું ત્યાંથી પસાર થયું. જનતા અને મંચ પર બિરાજેલ મહાનુભાવો સહેમી ગયા. મેદાન છેવાડે આવેલ ઝાડ પાસે બધાં ભેગાં થયા. ટોળામાંથી જવાનસિંહ નારા લગાવતો ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપરથી બૂમો પાડી ખેડુતોના અન્યાય દુર કરો, બાકીના દેવા માફ કરો, નહિતર આત્મહત્યા કરવાની જોરથી ધમકી ઉચ્ચારી. તેણે પોતાનો ગમછો કાઢી ડાળી ઉપર ગાળીયો બનાવી તેની અંદર પોતાનું ડોંકું નાખી દીધું. ચારે તરફ હાહાકાર મચી ગયો. પોલીસો ડંડા લઈ દોડયા. બધાં ખેડુતો અને લોકો પણ આત્મહત્યા ના કરવા બૂમો પાડતાં દોડયા. નીચેથી તેની પત્ની અને મુન્ની આવું ના કરોની બૂમો પાડવા લાગ્યા. પત્રકારો અને મિડીયા પોતપોતાનાં કેમેરા લઈ દોડયા.
અંદર ડોંકું નાખેલ જવાનસિંહ એક મિનિટ સુધી બૂમો પાડતો હતો' હમારા અન્યાય દુર કરો વર્ના મે જાન દે દૂંગા.'
ડાળી ચીકણી હતી. તેથી તેણે જેના ઉપર તેના પગ ટેકવેલા એ ડાળી ઉપરથી પગ લપસ્યો અને ખરેખર ગમછામાં નાખેલ ડોકી સાથે ઝાડ ઉપરથી લપસી જવાથી લટકી પડયો. ગળે ફાંસો બે ત્રણ સેકંડમાં ટાઈટ થઈ ગયો. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. પોલીસમેનો ઝાડ ઉપર ચડવા ઉતાવળા થયાં. નાટક કરવાને બદલે આત્મહત્યા વાસ્તવિક બની ગઈ અને બે મિનિટ પસાર થતાં તરફડી રહેલા જવાનસિંહના ડોળા ઉપર ચડી ગયા, જીભ બહાર નીકળી ગઈ અને શ્વાસ થંભી ગયા. શરીર નિશ્ચેત બનીને સ્થિર થઈ ગયું.
મદનલાલ આ જોઈને ધીમેથી ખસકીને મેદાનની બહાર ભાગી ગયા.
તત્કાલ બહાર ઊભેલી ડોક્ટર સાથેની એમ્બુલન્સ વાન બોલાવી, પોલીસમેને જવાનસિંહના નિશ્ચેત દેહને નીચે ઉતારી ડોક્ટરને સુપ્રત કરી દીધો. ઑક્સીજન ચાલુ કર્યો કૃત્રિમ મસાજ કર્યું, પણ અફસોસ ! નાડી કે ધબકારા ચાલુ ના થયાં. ડોક્ટરે દર્દીને મૃત્યુ પામેલા જાહેર કર્યા.
વરિષ્ઠ પત્રકારે પોતાની ચેનલના દર્શકોને બૂમો પાડી, 'આ મોંઘવારીના ચક્કરમાં દેવામાં ડૂબેલા ખેડુતે હજારો લોકોની હાજરીમાં પોતાની જાન કુર્બાન કરેલ છે'.
મંત્રીશ્રીનું ભાષણ ચાલુ હતું. આપણો દેશ હજુ પ્રગતિ કરશે, સારા દિવસો આવી રહ્યા છે. દરેક ખેડુતોને પોતાના પાકના સારા દામ મળશે. આવતીકાલની સવાર સુંદર હશે. સામે જ થયેલી આત્મહત્યાને ભુલાવી દઈને ચાલુ ભાષણથી મોતનો મલાજો ભુલાઈ રહ્યો હતો.
વિરોધી દળોના નેતાઓ બૂમો પાડી રહ્યા હતા. સરકારના મંત્રીઓ રાજીનામું આપે, એક ખેડુતે પીડીત થઈ લાખો લોકો સામે આત્મહત્યા કરી છે, પણ કોઈના પેટનું પાણી પણ હાલતું નથી.
સત્તાપક્ષ અને વિરોધપક્ષના નેતાઓ અને આગેવાનોના એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચાલુ હતા. વિરોધીઓના નારા ચાલુ હતા. આ સરકાર રાજીનામું આપે અહી ખેડુતો અને ગરીબો, મોંઘવારીથી ત્રસ્ત છે. ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે, તેથી ટકી રહેવાનો કોઈ જ મતલબ નથી.
મંત્રીશ્રી અને સત્તાપક્ષના આગેવાનો અને નેતાઓ મચક આપતા ન હોતા. રાજકીય રોટલાં શેકવાનું હજુ ચાલુ જ હતું. અનેક ચેનલ અને મિડીયા ઉપરથી જીવંત પ્રસારણ ચાલુ હતું. આખું ભારત આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બની ગયું હતું.
જવાનસિંહની વિધવા રાધાબેન અને તેની મુન્નીનું હૈયાફાટ રુદન ચાલુ હતું. તેની સામે જોવાનો કોઈ પાસે સમય ન હતો. કોઈ નેતા તેને અંગત રીતે સાંત્વના આપવા આગળ ના આવ્યા, જાણે કે જવાનસિંહ ખેડૂતનું એક મહોરૃ બની ગયો હતો.
રાધાબેનની ચૂડી અને ચાંદલો નંદવાઈ ગયા હતા. તેની સેંથીનું સિંદુર પ્રવાહી બની રેલાઈ ગયું હતું. તે વિચારી રહ્યા હતા. હવે અમે આખી જિંદગી કોના સહારે વિતાવીશું ? હવે આ દુનિયામાં અમારૃ કોણ?
મુન્ની રડતાં રડતાં હિબકે ચડી ગઈ મારા પપ્પા 'ક્યારે પાછા આવશે ?'ની બૂમો પાડીને મદદ માટે પોકારી રહી હતી. અહિ તો પોલીસની દંડાબાજીથી દોડધામ મચી ગઈ હતી.
ઠંડુ પડી ગયેલું જવાનસિંહનું મૃત શરીર જાણે કે પોકારી રહ્યું હતું. 'વો સુબહ કભી તો આયેગી.'
(ઘટનાને રસિક બનાવવા કાલ્પનિક વાર્તાકીય સ્વરૃપ આપેલ છે. તેને વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી.)