દગાખોર દોસ્ત .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- તું અસ્તિનનો સાંપ નીકળ્યો, મારી જ બહેનને પ્રેમમાં ફસાવી.''
''અ લ્યા રશેશ, ધ્યાન રાખ તારી બહેન કોઈ મોટરબાઈકવાળાની પાછળ વળગીને બેઠેલી જોઈ, બાઈક ફાસ્ટમાં પરિમલ ગાર્ડનથી સી.જી.રોડ જતી રહી'' મુકેશે તેના મિત્ર રશેશને ટકોર કરતાં કહ્યું. ''કોણ હતું બાઈક પર?'' રશેશ ચિડાયો.
''તેણે હેલમેટ પહેરેલી એટલે ચહેરો દેખાયો નહીં, પણ તારી બહેન જ્યોતિ એને ચોંટીને બેઠેલી એટલે બન્ને વચ્ચે ઈલું ઈલું હોય એમ લાગ્યું.'' મુકેશે વાત મીઠું મરચું ભભરાવીને કરી કે રશેશ ચિંતામાં પડીને ગુસ્સે ભરાયો.
રશેશની એકની એક બહેન જ્યોતિ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. સી.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બ્યુટી કોન્ટેસ્ટમાં તેનો પ્રથમ નંબર આવતા બધાં વિધ્યાર્થીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. દરેક કોલેજિયન તેને પામવાની આશા રાખતા, પણ જ્યોતિ કોઈને રિસ્પોન્સ આપે જ નહીં ને ! રશેશ તેને ગાડીમાં મૂકવા આવે ત્યારે તેને ખ્યાલ આવી ગયો, કે જ્યોતિને પામવા સ્ટુડન્ટસમાં ચડસાચડસી જામે છે. એટલે તેના ખાસ મિત્ર દિનેશને તેનું ધ્યાન રાખવાનું કામ સોંપી દીધું. દિનેશ અને રશેશ શાળામાં એક જ ક્લાસમાં એક જ બેન્ચ પર બેસનાર ખાસ દોસ્ત. બન્નેની દોસ્તી પણ મજબૂત હતી, લગભગ દરરોજ મળવાનું ચાના ગલ્લા પર. દિનેશ પણ સી.વી. કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો, પણ જ્યોતિથી એક વરસ આગળ હતો. દિનેશ ઊંચો, ગોરો અને હેન્ડસમ યુવક હતો. તે ભણવામાં પણ હોંશિયાર હતો. તેની રશેશના ઘેર આવનજાવન રહેતી, તેથી જ્યોતિ તેને તેના મોટાભાઈનાં ખાસ દોસ્ત તરીકે જાણતી.
કોલેજના વાર્ષિક મહોત્સવની ઉજવણી ડિસેમ્બર માસમાં થવાની હતી. તેની તૈયારી ચાલુ થઈ ગઈ હતી. લૈલા મજનુ નાટકમાં રૂપસુંદરી જ્યોતિ ત્રિવેદીની પસંદગી થઈ હતી. દરરોજ સાંજે કોલેજમાંથી છૂટીને જ્યોતિને નાટકમાં રીહર્સલ માટે રોકાવું પડતું. રાત્રે નવ વાગે પૂરું થયે બધાં ઘરે જતાં. શનિવારની રાત્રે બે વખત રીહર્સલ કરતાં મોડું થયું. રાતના દશ વાગી ગયા. જ્યોતિને એકલા જતાં ડર લાગવા લાગ્યો. તેણે એક્ટીવા ચાલુ કરીને થોડે જ ગઈ હશે ત્યાં સૂમસામ રસ્તા પર, બે બદમાશો પીને આવતા ભટકાઈ ગયા. ગુંડાઓની નજર તેની ચુસ્ત બદન પર પડતાં હવસથી ઉશ્કેરાયા, અને તેને પકડી. બન્નેની આંખોમાંથી કામુકતા ટપકી રહી હતી. અચાનક હુમલાથી જ્યોતિ ગભરાઈ અને બૂમ પાડી, ''બચાવો, બચાવો.''
લાયબ્રેરીમાંથી રાત્રે વાંચીને બહાર નીકળતા દિનેશે આ બૂમો સાંભળી અને તે દોડયો. જ્યોતિને બે ગુંડાના હાથમાં સપડાયેલી જોતાં તેણે બૂમ પાડી, ''છોડી દે, તેને છોડી દે.''
''જા, તું જતો રહે, તારી શું થાય છે ?'' ગુંડાએ સામે પડકાર્યો. ''એ મારી ખાસ મિત્ર છે, તમને છોડીશ નહીં,'' કહી તે બન્ને ઉપર તૂટી પડયો. એક ગુુંડાને ફેંટ મારી પાડી દીધો, જ્યોતિ તેના બંધનમાંથી મુક્ત થતાં તેણે મેઈન રોડ પર દોડી બૂમ પાડી ''બચાવો, બચાવો'' પણ ત્યાં બીજા ગુંડાએ છરી કાઢી જોરથી દિનેશના હાથ પર ઘસરકો માર્યો. લોહીની ધાર છૂટી. મેઈન રોડ પરથી લોકો દોડતા આવતાં બન્ને ગુંડા ભાગી ગયા. જ્યોતિએ તરત જ તેની કીંમતી ડ્રેસની કિનાર ફાડી, દિનેશને પાટો બાંધી દીધો. લોહી વહેતું બધં થઈ ગયું. તરત જ તેના એક્ટીવા ઉપર બન્ને ફેમિલી ડૉક્ટર પાસે પહોંચી ટાંકા લઈ સારવાર કરાવી.
જાનના જોખમે પોતાની ઈજ્જત બચાવનાર દિનેશ પ્રત્યે તેને માન અને પ્રેમ જાગ્યો. તેણે પાછા વળતાં દિનેશનો હાથ પ્રેમથી પકડી લીધો. દિનેશ થોડો ગૂંચવાયો, પોતાના ખાસ મિત્ર રશેશની બહેન સાથે આગળ ના વધાય. પણ જ્યોતિ મક્કમ હતી, તેણે દિનેશને આલિંગનમાં લઈ પ્રેમથી કપાળ ચૂમી લીધું. હવે દિનેશના બંધનો તૂટી ગયા. તેણે પણ જ્યોતિને પ્રેમથી ચૂમી લીધી.
ઘેર જઈને જ્યોતિની આવી દશા થઈ ગભરાટમાં બધાએ પૂછ્યું શું થયું ? પણ જ્યોતિએ બીજી કોઈ વાત જ ના કરી. હવે તો આ પ્રેમ આગળ વધતો જ ગયો.
રોજ કોલેજમાં બન્ને સાથે ને સાથે. કેન્ટીનમાં પણ બન્નેની જોડી સાથે જ હોય. હવે તો બન્ને એક બીજાના પ્રેમમાં પાગલ બની ગયા. દિનેશ સામાન્ય ઘરનો દરજી જ્ઞાાનિનો યુવક હતો. તેની પાસે કોઈ વાહન ન હતું. પણ રોજ તેના મિત્રની બાઈક પર બન્ને કોલેજથી સાથે જ ફરવા નીકળી જતાં. રશેશને આ વાતની જરાપણ ખબર જ નહતી. તે દિનેશને રોજ રાત્રે ચહાને ગલ્લે મળે, પણ આવી કોઈ વાત જ નહીં. સમય આવ્યે વાત કરીશ, વિચારીને દિનેશ ચુપ જ રહ્યો.
આજે રશેશને ગુસ્સામાં જોઈ દિનેશે પૂછ્યું ''કેમ આજે આટલા ગુસ્સામાં છો ?''
''જો દિનેશ તું મારો ખાસ મિત્ર છે, એટલે તને આ જવાબદારીનું કામ સોંપું છું.'' રશેશ ગુસ્સામાં બબડયો ''થયું છે શું ?'' દિનેશને નવાઈ લાગી.''
''મારી બહેન જ્યોતિ કોઈ બાઈક સવારની પાછળ બેઠી હતી, તે કોણ હતું, તે જાણી લાવ. તારી કોલેજમાં જ છે, એટલે તને તરત ખબર પડી જશે.'' રશેશે ગુસ્સામાં કામ સોંપ્યું. દિનેશ વિચારમાં પડી ગયો, ''પણ બન્ને ને પ્રેમ હોય તો શું કરી શકાય ?''
''તું એનો પક્ષ કેમ લે છે ?'' રશેશને નવાઈ લાગી. ''હું કોઈના પ્રેમની વચ્ચે પડવા માંગતો નથી.'' દિનેશે ઠંડા કલેજે જવાબ આપ્યો. ''તું મારો ખાસ દોસ્ત છે કે તેનો તરફદાર? રશેશનો મૂડ આઉટ થઈ ગયો.''
જ્યોતિ અને દિનેશ પ્રેમમાં પાગલ હતા. રશેશે જ્યોતિને ગરમ થઈને પૂછ્યું, ''જ્યોતિ તું કોની બાઈક પર બેસી ફરે છે ?''
''કોની બાઈક ? કોની સાથે ?'' જ્યોતિએ સાફ ના પાડી દીધ. હવે રશેશે જ્યોતિ ઉપર બરાબર નજર રાખવા માડી. રાત્રે પ્રેમપત્ર લખતાં જ્યોતિને ઊંઘ આવી ગઈ. લાઈટ બંધ કરવા ગયેલા રશેશને પત્ર પર દિનેશ નામ જોઈ ગૂંચવાયો. વિચાર્યું, ના, ના, તેની પાસે તો બાઈક જ નથી. મારો મિત્ર દગો ના કરે.
બીજે જ દિવસે, તેના મોબાઈલ પર મેસેજ આવ્યો. તારી બહેન રોજ અહીંથી સાંજે છ વાગે તેના પ્રેમી સાથે બાઈક પર નીકળે છે. રશેશે સાંજે છ વાગે બાઈક પર પીછો કર્યો. સ્પીડ વધારી તેણે આગલી બાઈકને ઓવરટેક કરી દીધી.
''કોણ છે ? મારી બહેન ને ક્યાં લઈ જાય છે ?'' કહીને ગુસ્સામાં તેણે જોરથી ધક્કો માર્યો દોડીને હેલ્મેટ કાઢતાં દિનેશને જોતાં તે ઓર ભુરાયો થયો. ''અરે તું ? તને તો હું મારો ખાસ દોસ્ત માનતો હતો.'' રશેશે ગુસ્સામાં કહ્યું.
''રશેશ, હું અને જ્યોતિ એકબીજાને ખરા દિલથી પ્યાર કરીએ છીએ'' દિનેશે વિનંતી કરતાં કહ્યું.
''હરામી, તું અસ્તિનનો સાંપ નીકળ્યો, મારી જ બહેનને પ્રેમમાં ફસાવી.'' રશેશ ખુબ ગુસ્સામાં બરાડયો.
''તે પણ મને એટલો જ પ્રેમ કરે છે.'' દિનેશે જવાબ આપ્યો.
''તું ગરીબ ઘરનો દરજી, અને અમે પૈસાદાર ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબના, તેનો તો વિચાર કરવો તો.''
''રશેશ, હવે તો નાતજાત જેવું ક્યાં રહ્યું છે ? અમે એકબીજાને લગ્ન કરવાનું વચન આપ્યું છે.''
''જા, જા હવે આ શક્ય જ નથી.'' રશેશનો ઈગો હજુ તેને જાણ કેમ ન કરી તે સ્વિકારવા તૈયાર ન હતો. ''તે મને અત્યાર સુધી કહ્યું કેમ નહીં ?''
''અમે સમય આવ્યે કહેવાના જ હતા.'' દિનેશે વિનંતી કરી.
''રહેવા દે અમારી ઈજ્જત પર હાથ નાખતા શરમ નથી આવતી.'' રશેશનો ઈગો હજુ માનતો ન હતો. ''ભાઈ, ઈજ્જતની વાત જવા દે. તે દિવસે રાત્રે જાનના જોખમે જ દિનેશે જ મારી ઈજ્જત બચાવી હતી, નહીંતર હું કોઈને મોં બતાવવા લાયક જ ના હોત.'' હવે જ્યોતિ પણ ગુસ્સે થઈ બોલવા લાગી. રશેશ આ સાંભળી ચમકી ગયો. તેના આંતર મને ઠપકો આપ્યો, બન્ને એકબીજાને ચાહતા હોય તો વાંધો શું છે ? હવે તો નાતજાત જેવું રહ્યું છે જ ક્યાં ? તેણે જ મારી બહેનની ઈજ્જત બચાવી છે, તો મારે તેનો આભાર માનવો જોઈએ. મારો દોસ્ત બીજી બધી રીતે તો યોગ્ય જ છે.
અંતે રશેશ નરમ પડયો. આગળ વધી તેણે જ્યોતિનો હાથ દિનેશના હાથમાં આપતા કહ્યું ''મને માફ કરી દો, હું તમારા સાચા પ્રેમને ઓળખી ના શક્યો''
બન્નેના ધામધુમથી લગ્ન થયા, અને શાંતિથી જીંદગી ગુજારે છે.
લાસ્ટ સ્ટ્રોક :- ખાસ મિત્રો હોય કે ઓળખીતો, પ્રેમ સાચો હોય તો મંજુરી આપવામાં વાંધો શું છે ? હવે નાતજાત અમીરગરીબ, ઊંચનીચ જેવા ભેદભાવ રહ્યા નથી.