Get The App

પ્રથમ નજરનો પ્રેમ .

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
પ્રથમ નજરનો પ્રેમ                               . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આ ઉત્તરાયણ મારા માટે શુકનિયાળ નિવડી છે. આટલી સુંદર છોકરી તો મેં સપનામાં પણ વિચારી નહોતી

આ જે વહેલી સવારે કિયાન તેના મિત્ર આકાશને ઘેર નવરંગપુરાના ફલેટમાં આવી ગયો હતો. આજુબાજુ લક્ઝુરિયસ ફ્લેટનો એરિયા હોવાથી પતંગો ચડાવીને પેચની મજા લેવા આકાશે તેને આમંત્રિત કર્યો હતો. બન્ને આર.વી.કૉલેજના ફાઈનલ યરમાં સાથે જ ભણતા હતા. કિયાન દેખાવમાં સામાન્ય હોવાથી તે મહેનત કરે તો પણ સારી ગર્લફ્રેન્ડ મળતી ન હતી. બધા તેને મ્હેણું માર્યા કરતાં. કિયાન, એકાદી ગર્લફ્રેન્ડ તો બનાવ.

આજે સવારથી કિયાનને મનમાં લાગતું હતું કે ઉત્તરાયણમાં ધામેથી કાંઈક તો મેળ પડી જ જશે. નવરંગપુરા એરિયામાં આ શક્યતા વધારે હતી. આકાશે દશ જેટલા મોટા રંગબેરંગી પતંગો અને બે ફીરકી દીળા અને કિયાન સાથે ધાબે ચડી ગયો. સોળ ફ્લેટનું બિલ્ડીંગ હોવાથી ઉપર તો ધબાધબી હતી. તેમના ધાબેથી દશ જેટલા પતંગો ચડી રહ્યા હતા. પવન સારો અને ઠંડો હતો, તેથી તરત જ પતંગો ચડી જતા હતા. કિયાને લાલ સ્વેટર અને ગોગલ્સ ચડાવ્યા હોવાથી સ્માર્ટ લાગતો હતો. ધાબામાં લોકો બોર અને ચિક્કી વહેંચી રહ્યા હતા. ખાતાં ખાતાં કિયાનને પતંગ ચડાવવાની મજા પડતી હતી. બપોરે આકાશે ઊંધિયું, જલેબીની પાર્ટી રાખી હતી, તેના આનંદમાં બધા ઝૂમી રહ્યા હતા.

કિયાને તેનો પતંગ કપાતા ચારે તરફ વજર દોડાવવાની ચાલુ કરી. અહાહા ! ચારે તરફ સુંદર વેશભૂષાથી સજ્જ દેખાવડી છોકરીઓ પતંગ ચડાવી રહી હતી. બાજુના ધાબામાં સુંદર દેખાવડી તેના જેટલી જ છોકરી જોઈ, કિયાન સચેત થઈ ગયો. મહેનત કરીને તેણે પતંગને તેના પતંગ ઉપર છોલ ખવડાવી, પેલી છોકરી ચમકી, તેણે પાછળ જોયું અને સ્માઈલ આપ્યું. કિયાન ખુશ થઈ ગયો. વાહ ! આમાં મેળ પડી જાય તેમ લાગે છે. વિચારી તેણે ખેંચવાનું ચાલુ કર્યું. એકધારું ખેંચતા તેણે છોકરીનો પતંગ કાપી નાખ્યો અને બૂમ પાડી લપેટ.

આકાશે આ જોયું. કિયાન તે છોકરીને હાથ હલાવીને પોતાની જીત પ્રદર્શિત કરી રહ્યો હતો. તેણે આકાશને કહ્યું, 'છોકરી સારી છે.'

'રહેવા દે કિયાન, ખોટી ફિલ્ડીંગ ભરવાનું રહેવા દે. એરેવા છે. છ મહિના પહેલા જ તેના એન્ગેજમેન્ટ થયા છે.' કિયાન ઝંખવાઈ ગયો, ત્યાં તો રેવાનો ફિયાન્સ આવી ગયો અને તેણે રેવાને મદદ કરવા માંડી. કિયાને નજર ફેરવી લીધી.

બીજી બાજુ જોતાં તેની નજર એકદમ થંભી ગઈ. એક સુંદર ગોગલ્સવાળી છોકરી તેને તાકીને જોઈ રહી હતી. વાહ, શું રૂપ અને દેખાવ હતા. લાંબા વાળ, ગોળ ચહેરો, નવી જ ફેશનના ગોગલ્સ અને ગુલાબી ડિઝાઈનવાળો ડ્રેસ. કિયાન ફીદા થઈ ગયો. ચાલ, કોશિષ કરવા દે.

તેણે બીજો પતંગ ચડાવ્યો અને ગર્વથી પાંચ મિનિટ પછી પાછળ જોયું. પેલી યુવતી એકીટશે તેની સામે જોઈ સ્માઈલ આપી રહી હતી. હવે કિયાનને વધારે આશા બંધાણી. તેણે આકાશને બોલાવી પૂછ્યું, 'આ સુંદર છોકરી કોણ છે ?'

'મને ખબર નથી. આ લોકો નવા જ રહેવા આવ્યા લાગે છે. અથવા કોઈના આમંત્રિત મહેમાન છે.' આકાશે જવાબ આપ્યો.

'આકાશ, મને તો એ છોકરી બહુ જ ગમી ગઈ છે. જો મારી સામે તાકીને જોયા કરે છે. પહેલી નજરનો પ્રેમ જો તેની હા પડે તો આગળ વધવાની મારી તૈયારી છે.' કિયાન ઉત્તેજિત અવાજે બોલ્યો.

'ચાલ, તપાસ કરીએ.' કહીને આકાશ તેને પાછળના બ્લોકમાં લઈ ગયો. ત્યાં તેના મિત્ર નિલને પૂછ્યું. 'આ ઉપર ગુલાબી ડ્રેસવાળી છોકરી કોણ છે ?'

'એ તો ઇરા છે. ડી/૮ ફ્લેટમાં તે નીરવના ઘરે આવી છે.' નીલે જવાબ આપ્યો. 'ઓહ, નિરવને તો હું ઓળખું છું. ચાલ કિયાન ધાબા ઉપર.' આકાશે કહ્યું. કિયાન ઉત્તેજિત થઈ ગયો. પહેલી વખત કોઈ છોકરી તેને તાકીને સ્માઈલ આપી રહી હતી, તેની કલ્પનાથી તે 

સોનેરી સપનામાં ડૂબી ગયો.

'હાય, નિરવ કેમ છે ?' ધાબે પહોંચતાં જ આકાશે કહ્યું.

'જો ને, ઉત્તરાયણની મજા લઈએ છીએ.' નિરવે જવાબ આપ્યો.

હજુ પેલી છોકરી કિયાનને તાકી રહી હતી.

'આ કોણ છે ?' આકાશે પૂછ્યું.

'એ મારા મામાની દિકરી ઇરા છે. કાલે જ ધોળકાથી અહીં ઉત્તરાયણ મનાવવા આવી છે.' નિરવે પરિચય આપતાં કહ્યું અને કિયાન સામે જોઈ પૂછ્યું, 'આ કોણ છે ?'

'એ મારો મિત્ર કિયાન છે. ફાઈનલ યરમાં છે, ત્રણ મહિનામાં ગ્રેજ્યુએટ થઈ જાય પછી નોકરી અને સાથે સાથે છોકરી પણ શોધવાની છે.' આકાશે પરિચય સાથે વાતવાતમાં છોકરીની વાત પણ કરી દીધી. નીરવ પણ ઇરાને તાકી રહ્યો હતો.

'અરે વાહ ! ઇરા પણ આ વરસે ભણતર પૂરું કરીને લગ્નની તૈયારી જ કરવાની છે. મને મામાએ સારો છોકરો શોધવાની જવાબદારી પણ સોંપી છે.' નિરવે ખુલાસે ખુલ્લા દિલે કરતાં કહ્યું.

'હાય કિયાન !' ઇરા સાથે હાથ મિલાવતાં કિયાનના દિલની ધડકનો વધી ગઈ. તે વિચારે ચડયો વાહ ! આકાશને ઘરે આ ઉત્તરાયણ મારા માટે શુકનિયાળ નિવડી છે. આટલી સુંદર છોકરી તો મેં સપનામાં પણ વિચારી નહોતી.

ઇરા પ્રથમ વખતે પુરુષનો સ્પર્શ થતાં રોમાંચિત થઈ ગઈ. તેનો ચહેરો લાલ થઈ ગયો. અમદાવાદ જેવા શહેરમાં આવો સુંદર છોકરો મળી જાય તો નસીબ જ ને ! તેને પપ્પાની યાદ આવી. 'બેટા, અમદાવાદમાં તારા લાયક છોકરો મળી જ જશ.'

તડકો વધી જવાથી પતંગો ચડતાં ઓછા થઈ ગયા હતા. નિરવે કહ્યું, 'ચાલો, ખુરશી પર બેસીએ.' આકાશે તેના મિત્ર કિયાનના વખાણ કરતાં કહ્યું, 'કિયાન ભણવામાં ખૂબ હોંશિયાર અને મહેનતુ છે. ફર્સ્ટક્લાસ વિથ ડિન્સ્ટિંક્શન જ આવે છે. તેથી તેને સારી કંપનીમાં તરત જ નોકરી મળી જશે.'

'બહુ સરસ.' નિરવે તેના મામાના વખાણ કહતાં કહ્યું, 'મારા મામાને ધોળકામાં કાલા, કપાસ અને જિનનો મોટો બિઝનેસ છે. મોટો બંગલો અને બે મોટી ગાડીઓ છે. ઇરા એક જ હોવાથી ભવિષ્યમાં બધું તેનું જ છે.'

'ચાલો, નીચે ઘરે. ઊંધિયું જલેબી તૈયાર જ છે.' નિરવે આગ્રહ કરતાં કહ્યું.

'ના, ના. અમારે ઘરે પણ આ જ પાર્ટી છે.' આકાશે નન્નો ભણતા કહ્યું.

ઇરા ઊભી થઈ, આગળ વધવા ગઈ કે, નીચે પડેલી ફીરકી ન દેખાતા ગોથું ખાઈ ગઈ. નિરવે દોડીને તેનો હાથ પકડી લીધો.

'હમણાં છ મહિનાથી જ આ તકલીફ થઈ છે. ઇરાની આંખોમાંથી નસો સુકાતા તેને દેખાવાનું નહિવત્ થઈ ગયું છે. તેની આંખોમાં ફક્ત લાલ રંગ જ બરાબર દેખાય છે. તેથી તે લાલ રંગ સામે જોયા કરે છે.' નિરવે નિરાશ વદને ખેલદિલીપૂર્વક ખુલાસો કર્યો.

કિયાન અને આકાશ ભોંઠા પડી ગયા. કિયાનના પ્રેમ કરવાના અરમાનો, આશા, ભાંગીને ભુક્કો થઈ ગયા. તેને યાદ આવી ગયું. ઓહ ! ઇરા મને નહીં, મારા લાલ રંગના સ્વેટરને તાકી રહી હતી. 'ચાલ, આકાશ. જમીને બપોરે પતંગ ચગાવવા ધાબે જવું છે ને !' નિરાશ કિયાન ઉત્તરાયણનો તેનો પહેલી નજરનો પ્રેમ નિષ્ફળ જતાં નાસીપાસ થઈ ગયો હતો. નિરવને એમ કે ઇરાની નબળાઈ જાણીને આ લોકો આવ્યા છે એટલે આગ્રહ કરતાં કહ્યં, 'ફરી રવિવારે આવો છો ને !'

'ના, ના. રવિવારે તો મારે બહાર જવાનું છે.' કિયાને નાસીપાસ થતાં કહ્યું. ઇરાના દિલની ધડકનો જાણે થંભી ગઈ. શું કરવું ન કરવું એ ન સૂઝતાં તે બેસી પડી. હાય, ઉત્તરાયણે જગાવેલી આશાઓ ઠગારી નીવડી !

લાસ્ટ સ્ટ્રોક

દૂરથી ફક્ત જોઈને પ્રથમ નજરનો પ્રેમ ક્યારેય ઠગારો નીવડે છે. જોયેલી તમામ બાબતોમાં ખરાઈ કરીને આગળ વધવું. ક્યારેક નજરે જોયેલામાં પણ ધોખો ખાઈ જવાય છે.