જય જવાન .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- બહાદુર જવાનો જ આપણા દેશની અને સમાજની આન, બાન અને શાન છે
'અ રુણ, તું ફરી વિચાર કર અને મીલીટરીની નોકરી છોડી દે.' મમતા તેના પ્રેમી અરુણને વિનંતી કરી રહી હતી.
'ભારત માતાની સેવા કરવાનો આવો સુંદર મોકો છોડાય જ નહીં.' અરુણ મક્કમ હતો.
સૌંદર્યવાન મમતા તેના માતાપિતા મેહુલ અને માધવીનું એક માત્ર સંતાન હતી. કોલેજમાં આવતા જ તેનું સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠયું. કોલેજની કોઈપણ બ્યુટી કોન્ટેસ્ટમાં મમતાનો જ પ્રથમ નંબર હોય, પછી તો તેની કોલેજ તરફથી ઇન્ટરકોલેજ બ્યુટી ક્વીન સ્પર્ધામાં પણ તેનો જ નંબર લાગ્યો.
મિસ યુનિવર્સિટીનો બીજા નંબરનો તાજ તેના શિર પર ગોઠવાતાં તેના માતાપિતા ખુશીથી ઝૂમી ઉઠયા. ગુજરાતી પિક્ચરના નિર્માતાઓ અને એડવર્ટાઇઝિંગ એજન્સીના માણસોના આંટાફેરા વધી ગયા.
મેહુલભાઈની આવક ખૂબ સરસ હતી. પોતાના બંગલો, ગાડી અને નોકરોવાળું સંપન્ન ઘર હતું. તેથી તેમની ઈચ્છા મમતા ગ્રેજ્યુએટ થઈ જાય પછી સારો મુરતિયો જોઈ પરણાવી દેવાની હતી. તેમણે જ્ઞાાતિના બે ત્રણ મુરતીયા બતાવ્યા પણ મમતાની નજરમાં કોઈ આવતા નહોતા.
મહિના પહેલાના રવિવારની રાત્રે મમતા પોતાની બહેનપણીને ઘરેથી નીકળી પોતાને ઘરે આવી રહી હતી, ત્યારે રસ્તો સુમસામ બની ગયો હતો, રિક્ષા કે ટેક્ષી કોઈ આજુબાજુ દેખાતા ન હતા. મમતાને એકલા ડર લાગવા લાગ્યો. ત્યાં સામેથી બે લફંગા પીધેલા છોકરામાંથી એકે 'હાય, બેબી,' કહી તેનો હાથ પકડી લીધો. મમતાએ બૂમો પાડી, 'બચાવો, બચાવો' પણ તેને બચાવવા કોણ આવે?
ત્યાં સામેથી મોટરબાઇક પર સુંદર હૅન્ડસમ યુવક આવતો જણાયો, તેણે તરત બાઇક ઊભી રાખી, અને ગુંડાઓને પડકાર્યા. 'એય, કોણ છો ?'
'ભાઈ, તું તારે રસ્તે પડ ને ! તારી બહેન છે ?' એક ગુંડાએ જવાબ આપ્યો.
પણ તે યુવાને એક જ ફેંટ મારતા તે ગુંડો ફંગોળાઈને પછડાયો. તે જોઈ બીજો ઊભી પુંછડીએ ભાગ્યો. વાહ, શું સુંદર સ્નાયુબધ્ધ શરીર છે. હાઇટ, બોડી અને ભરાવદાર આકર્ષક ચહેરો ! મમતા ખુશ થઈ ગઈ.
'હાય, હું અરુણ, આમ એકલા કેમ નીકળ્યા ?'
'સખી સાથે વાતો કરવામાં મોડું થઈ ગયું.' મમતા શરમાઈને નીચે જોઈ ગઈ.
'ચલો, હું તમને ઘરે મૂકી જાઉ' કહી અરુણે તેને ઘરે ઉતારી. પછી તો એકબીજાના મોબાઇલમાં મેસેજ અને સાથે હરવા ફરવાનું ચાલુ ! સમયના વહેણ સાથે બન્ને પ્રેમમાં પડી ગયા.
મમતાના માતાપિતાએ અરુણને ઘરે બોલાવ્યો. બન્ને તેના વાણી વર્તન અને કુટુંબની વાતોથી પ્રભાવિત થયા.
'પણ બેટા, તું કરે છે શું?'
'હમણાં જ ઇન્ડિયન આર્મીના કેપ્ટન તરીકે બઢતી થઈ છે.' અરુણે કહ્યું.
આ સાંભળી બન્ને ચમકી ગયા. માધવીબેન તેના પતિને અંદરના રૂમમાં લઈ ગયા. 'આ મિલિટરીવાળાના જીવનનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યારે આપણી છોકરી વિધવા થઈ જાય.'
'વાત તો સાચી છે.' કહી મેહુલભાઈએ વાત ટાળવા 'વિચાર કરીને જવાબ આપીશું' એમ કહ્યું.
તેના ગયા પછી મમતાએ પુછયું 'પણ પપ્પા, અરુણમાં શું ખરાબી છે?'
'બેટા, મિલિટરીવાળાની જીંદગીનો કોઈ ભરોસો નહીં. તને બીજો સરસ છોકરો મળી જશે.
'પપ્પા, માભોમની રક્ષા કરતાં શહીદ થવું એ તો ગર્વની વાત છે, એમાં ના શા માટે પાડો છો ?'
'બેટા, થોડા સ્વાર્થી તો બનવું પડે ને!' કહી મેહુલભાઈ અને માધવીબેન બીજા રૂમમાં જતા રહ્યા.
પાંચ મિનીટમાં તેના નાનાભાઈ પરાગનો મોબાઈલ રણકી ઉઠયો.
'મોટાભાઈ, ભગવાનનો પાડ માનો, માંડ માંડ બચી ગયા.'
'પણ તમે તો કાશ્મીર ફરવા ગયા હતા ને ! અચાનક શું થયું ?' મેહુલભાઈ ચમકી ગયા.
'મોટાભાઈ, અમે બસમાં ગુલબર્ગ જતા હતા ને, અચાનક પાકિસ્તાની આંતકવાદીઓએ અમને ઘેરી લીધા. અમારા જીવ તાળવે ચોંટી ગયા. ડ્રાઈવરે તરત બચાવ માટે નજીકના મિલિટરી કેમ્પના મેજર ચોપરાને મદદ માટે
મોબાઈલ કરી દીધો. અમે બધા ધૂ્રજી રહ્યા હતા. બંદુકની અણીએ અમને એક પછી એક નીચે ઉતારી મારવા લાઈન કરી દીધી. જુવાન બહેન દીકરીઓને અલગ પાડી, તેની ઈજ્જત લુંટવા તેમની ગાડીમાં બેસાડવા લાગ્યા. પરંતુ અમારું નસીબ સારું કે મેજર ચોપરા તેમની ટુકડી સાથે સમયસર આવી પહોંચ્યા. જીવ સટોસટની લડાઈમાં એક જવાન શહીદ થયો, પણ અમે બચી ગયા. જો સેનાની મદદ ન મળી હોત તો અમારા બધાનાં જીવ ગયા હોત અને બહેન દીકરીઓની ઈજ્જત પણ ધૂળમાં મળી જાત. એમને લાખ લાખ ધન્યવાદ અને આભાર.'
'શું વાત છે ? મિલિટરીને લાખ લાખ ધન્યવાદ ! ખુબ બહાદુરી પૂર્વકનું પ્રશંશનીય કામ કહેવાય !' મેહુલભાઈ ખુશ થતા બોલ્યાં. 'આવા બહાદુર જવાનો જ આપણા દેશની શાન છે.'
'મોટાભાઈ, કોઈકે તો જીવના જોખમે પરાક્રમ કરવું જ પડે. આપણે બધા સ્વાર્થી બની જઈશું તો આપણી બહેન દીકરીઓની અને માભોમની સુરક્ષા કોણ કરશે? આવા બહાદુર જવાનો જ આપણા દેશની અને સમાજની આન, બાન અને શાન છે, આપણે એક દિવસ તો મરવાનું જ છે, તો આવું શાનદાર મોત તો ભાગ્યશાળીને જ મળે.' પરાગે સમજાવતા કહ્યું.
આ સાંભળીને મેહુલભાઈ ચોંકી ગયા. વાત તો સાચી છે. આપણે ફક્ત આપણો જ સ્વાર્થ જોઈએ તે કેમ ચાલે ? તેણે માધવીબેનને બેસાડી બધી વાત કરી. બંન્ને વિચારમાં પડી ગયા. આપણે ખોટી અરુણને ના પાડી રહયા છીએ. તેનું કામ અને ફરજ તો પ્રશંસનીય છે.
'બેટા, અરુણને બોલાવ તેના માતા પિતાને પણ બોલાવજે. અમને આ સંબંધ મંજુર છે.' મેહુલભાઇએ મમતાને કહયું.
મમતાને એકાએક મમ્મી પપ્પા મિલિટરીના જવાન જોડે સંબંધ માટે કેમ તૈયાર થયા તે સમજાયું નહીં.. બીજા દિવસે કેપ્ટન અરુણને મેહુલે બાથમાં લેતા કહયું, 'બેટા, તમારા જેવા જવાનોને લીધે અમે સહુ ચેનની ઊંઘ અને આરામ કરી રહ્યા છીએ. ધન્ય છે જવાનોને !' અને તેમણે મમતાનો હાથ તેના હાથમાં મુકતા કહ્યું 'અમને આ સંબંધ મંજુર છે.' મમતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા.
ભારત માતાની જય ! જય જવાન!