Get The App

ક્ષમાયાચના .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
ક્ષમાયાચના                                               . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- વેરનો કે ઝગડાનો અંત લાવવા કોઈએ તો પહેલ કરીને ડગલું ભરવું જ પડશે ને!'

વ યોવૃદ્ધ થઈ રહેલા શેઠ મનમાં અકળાઇ રહ્યાં હતા. તેમના બંને યુવાન પુત્રો વિજય અને અજય ધંધામાં તૈયાર થઈ ગયા હતા. બન્ને હોશિયાર પરંતુ મહત્વકાંક્ષી હતા, એટલે અંદર અંદર ચડસા ચડસી અને ઈર્ષા રહ્યા કરતી.

વિજય અજય કરતાં બે વર્ષ મોટો એટલે બાપાની ગાદી પર બેસવાના અભરખા તેને વધારે રહેતા અજય પણ ગાંજયો જાય તેવો ન હતો, બન્ને એકબીજાના પ્રતિસ્પર્ધી હોય તેમ પછાડવાની કોશિશ કર્યા કરતા. કરોડોની મિલકત અને વેપાર હતા.

કાળક્રમે ચંદ્રકાન્ત ભાઈએ બન્ને દીકરાઓ વચ્ચે કોઈ વિવાદ કે ઝગડા ના થાય તેમ વિચારી, વકીલને બોલાવી, સરખાભાગે મિલકતોની વહેચણી કરી વિદાય લીધી.

બન્ને ભાઈઓએ  વકીલને અને મમ્મીને વચ્ચે રાખી  વિલ મુજબ મિલકતોના સરખાં ભાગ પાડી દીધા.

ચાલીસ વરસ પહેલા ચંદ્રકાંત શેઠના અંગત મિત્રને ચાલીસ લાખ રૂપિયા ઉધાર લઈ બંગલો મોરગેજ કરી આપેલો. એ વખતે પછીથી તે મિત્ર લોન પરત ના કરી શકતા મણિનગરનો એ બંગલો ચંદ્રકાન્ત શેઠે મોટા દીકરા વિજયના નામે કરી નાખેલો, જે વરસોથી બંધ પડેલો, અને છેલ્લી ઉમરે શેઠ તેનો વિલમાં ઉલ્લેખ કરવાનું જ ભુલી ગયા.

નાનાભાઇ અજયને બે દિવસ પછી મણીનગરનો બંધ બંગલો યાદ આવી ગયો, જેની અત્યારે કિમત દોઢથી બે કરોડ જેટલી થતી હતી.

તેણે તરતજ મોટાભાઈને ફોન જોડયો 'મોટાભાઇ, પપ્પાની મિલકતના ભાગ તો પાડી દીધા, પણ મણિનગરનો બંગલો તો ભુલાઈ જ ગયો, તેના ભાગનું શું કરીશું?'

'જો અજય, એ બંગલો અત્યારે મારા નામ પર છે, અને મારા કબ્જામાં છે. પપ્પાએ પહેલાથી જ એ મને આપેલ છે, તેથી તેના ભાગ ના પડે' વિજયે ખિજાતા અવાજે જવાબ આપ્યો.

'પપ્પાએ સગવડ ખાતર એ વખતે તારૂ નામ નાખેલું, પણ તેના રૂપિયા તો પપ્પાના જ હતા ને, હવે તેના ભાગ તો પડે જ ને!' અજયે વિનવણી કરતાં સ્વરે કહ્યું.

વિજય અકળાયો 'શેનો ભાગ? મારા નામના બંગલામાં તને કાઈ ના મળે'

'તો હું કોર્ટમાથી ભાગ લઈને જ રહીશ' નાના અજયે પણ ચોખ્ખું સંભળાવી દીધું.'

'તારાથી થાય તે કરી લેજે. બાકી મારા કબ્જાનો બંગલો મારો જ છે અને રહેશે' વિજય પણ હવે ચડસાચડસીમાં ગરમ થઈ બોલ્યો.

તે જ દિવસથી બન્નેના દિલ વિમુખ થઈ ગયા. બન્નેની પત્નીઓ પણ સામસામે મેદાનમાં આવી ગઈ. વિજયની પત્ની વિમળાબેન અને અજયની પત્ની અલ્કાબેન વચ્ચે અબોલા થઈ ગયા. એકબીજા સાથે સંબંધ કટ અને બોલવાનું બંધ.

હજુ તો પપ્પાના મૃત્યુને ફક્ત દશ જ દિવસ થયા હતા, ત્યાં સામસામે તલવારો ખેચાઇ જતાં તેમના મમ્મી લીલાબેન અને બધા કુટુંબીજનો બેચેન બની ગયા.

બન્ને ભાઈઓ શહેરના નામાંકિત વકીલો પાસે દોડી ગયા. અજયના વકીલે હૈયાધારણ આપતાં કહ્યું 'ભલે કબ્જો અને નામ તમારા મોટાભાઇનું હોય, પણ આપણે ભાગ તો લઈને જ રહીશું'

'જે કરવું હોય તે કરવા દો. બધાં આધાર પુરાવા તમારા નામે જ છે, તેથી તે કોર્ટમાં કેસ હારી જ જશે અને ભાગબાગ કઈ નહીં મળે.' મોટાના વકીલે પણ પાનો ચડાવ્યો.

બન્ને વકીલોએ જુસ્સાપૂર્વક કેસ લડવાના પચાસ હજાર એડવાન્સ રકમ મુકવા જણાવ્યુ.

અજય પોતાના મોટાભાઈના આવા ખરાબ વર્તનથી હતાશામાં સરી પડયો. તેને ખબર હતી કે બંગલામાં નામ અને કબ્જો મોટાભાઈનો હોવાથી અને વીલમાં તેના ઉલ્લેખ જ ના હોવાથી કોર્ટમાં કેસ તો જીતી શકે તેમજ નથી. હતાશામાંથી બહાર આવવા તે પ્રખ્યાત કરૂણાસાગરજી મહરાજ સાહેબના વ્યાખ્યાનમાં પહોચી ગયો.

મહરાજ સાહેબ બધાં ભક્તજનોને સમજાવી રહ્યા હતા. 'વેરથી વેર શમે જ નહીં, તેને માટે પ્રેમપૂર્વકની સમજાવટ જરૂરી છે. મોટું મન રાખીને વસ્તુ આપી દેનાર કે ક્ષમાયાચના આપનાર માણસ જ મહાન છે, તેનાથી તમને આંતરિક 

આનંદ થશે અને મનને શાંતિ મળશે. વેરનો કે ઝગડાનો અંત લાવવા કોઈએ તો પહેલ કરીને ડગલું ભરવું જ પડશે ને!'

અજયના મનમાં  સલાહ અંદર સુધી ઉતરી ગઈ. 

પિતાજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મોટાભાઇ વિજયે પોતાના બંગલે મહાપૂજાનું આયોજન કરેલ જેમાં તમામ કુટુંબીજનો, જાતિજનો અને સમસ્ત સંઘને આમત્રણ પાઠવેલ, પણ નાનાભાઇ અજય કે તેના કુટુંબને જ નહીં !!

અજય અને તેની પત્ની વિચારમાં પડી ગયા. અલ્કાબેન અકળાઇને બોલ્યા. 'આપણા જ પિતાજીના મૃત્યુ નિમિત્તે મહાપૂજામાં આપણને જ આમંત્રણ નહીં ? જવા દો, ત્યાં ગયા હોત તો ઝગડો જ થઈ જાતને! 

પણ અજય તો પુજામાં જવા માંગતો હતો. તેને  વેરની આગ ઓલવવા પહેલ કરવી હતી.

તેનો દિકરો અશોક અને પત્ની તૂટી પડયા 'રહેવા દો, આમંત્રણ વગર જશો તો અપમાન થઈ જશે અને વિવાદ વધી જશે'.

'કશો વાંધો નહીં, પૂજામાં તો હું જઇશ  જ !' અજય હવે મક્કમ બની ગયો.'

મહાપૂજામાં એકલો અજય શાંતિથી બેસી રહ્યો. વિજય, તેની પત્ની અને પુત્ર તેને જોતા રહ્યા, પણ કોઈએ તેનો ભાવ પણ પૂછયો નહીં.

બપોરે ઘરે પહોચતા પહેલા તો અલકાબેનને બધા રીપોર્ટ મળી ગયા. તેમણે ઉધડો લેતાં કહ્યું, 'લ્યો શું જઈ આવ્યા? બહું ડાહ્યા થતાં હતાં પણ, કોઈએ બોલાવ્યા જ નહીં ને? આ તો સારું થયું, ત્યાં કોઈ વાત ના નીકળી, નહિ તો ઝગડો જ થઈ જાતને.'

પુત્ર અશોક પણ વાતમાં કુદી પડયો, 'પપ્પા, અમે તમને ત્યાં જવાની ચોખ્ખી ના પાડી હતી ને, પણ તમે જઈને શું કાંદો કાઢયો? હવે આપણો કેસ નબળો પડી જશે.' અજયને તો બે કદમ ચાલવાની પહેલ કર્યાનો આનંદ હતો, તેણે શાંતિથી જવાબ આપ્યો. 'આપણે તો આપણી ફરજ બજાવી, પછી તો ઉપરવાળા જાણે, ભગવાન પણ વેરભાવ જતાં કરીને પ્રેમપૂર્વક આગળ વધનારને જ મદદ કરે છે.'

અલ્કાબેનનો ગુસ્સો વધી ગયો તે બરાડયા 'ભગવાન આમા શું કરે? આવી બાયલાગીરી કરતાં રહેશો, તો મોટોભાઈ આપણી ઉપર ચડી જશે, અને આપણે કેસ હારી જઈશું'

જાણી જોઈને કુટુંબમાં અને સમાજમાં નીચા પડી ગયાની લાગણીથી મા અને દીકરો, અજયને જેમ તેમ ભાંડી રહ્યાં હતાં, ત્યાં અચાનક અજયનાં મોબાઇલની રીંગ વાગી.

અજયે નંબર જોતાં નવાઈ લાગી, અરે! આ તો મોટાભાઈનો નંબર છે! તેણે ઇશારાથી બન્નેને ચુપ રહેવા કહી ફોન લીધો.

'અરે અજય, આજે તે પપ્પાની પૂજામાં આવી ખુબ સારૂ કામ કહ્યું' 'હા જી, મોટાભાઇ' અજયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ત્યાં સામેથી વિજયનો અવાજ સંભળાયો. 'જો સાભળ ! હું તને એક વાત કહેતા તો ભૂલી જ ગયો કે મણિનગરના બંગલાનો ભાગ પાડવાનો તો હજી બાકી જ છે. સાજે બધાં અહી આવજો અને ભાગ પાડીને બધાં જમવાનું અહી જ રાખજો.'

'હા, મોટાભાઇ' પોતાની ખેલદિલીપૂર્વકની પહેલની જીત સાંભળી અજયની આંખો ભરાઈ ગઈ.

તેણે ફોનની વાત પત્ની અને પુત્રને કરતાં બધાને નવાઈ લાગી, અને ખુશીથી આંખોમાં ઝળઝળીયા આવી ગયા.

રાત્રે બધાં સાથે જમતાં હતાં ત્યાં અજયના વકીલનો ફોન આવ્યો. 'મે કેસના પેપર્સ તૈયાર કરી નાખેલ છે, કાલે સવારે ઉઘડતી કોર્ટમાં જ કેસ મૂકી દઉં છુ, એડવાન્સના પૈસા તૈયાર રાખજો.'

'હવે કેસ કરવાની જરૂર નથી. અહી તો બધુ શાંતિથી પતી ગયું છે. મારા બધા ઓરીજનલ પેપર્સ પરત કરી દેજો' અજયે શાંતિથી કહ્યું. તેના મુખ પર પ્રેમથી થયેલ જીતની લાલી દેખાઈ રહી હતી.

પપ્પાની પૂજામાં હાજર રહ્યાનો પ્રભાવ નાનાભાઇ અજયના મુખ પર ચમકી રહ્યો હતો.