Get The App

કાળા અક્ષર ભેંસ બરાબર .

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
કાળા અક્ષર ભેંસ બરાબર                                   . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'તું મારી ભત્રીજીને બે લાખ રૂપિયામાં વેચીને રોકડી કરવા માંગે છે, એ બિલકુલ વાજબી નથી.' રમણકાકા બરાડયા.

'કો કિલાબેન, તમને પ્રિન્સીપાલ સાહેબ બોલાવે છે, તેમની ઓફિસમાં.' પ્રાથમિક શાળાનો પટાવાળો પાણી પીવડાવનારા બેનને કહેવા આવ્યો.

'મને કેમ બોલાવે છે, હું તો મારું કામ વ્યવસ્થિત રીતે કરું છું. બધા છોકરાઓને માંજેલા પ્યાલામાં પાણી પીવડાવું છું. માટલા પણ દરરોજ સાફ કરી વીંછળીને ઠંડુપાણી ભરું છું' કોકીલાબેન છેલ્લા પાંચ વરસથી લીટલ સ્ટાર, નર્સરી અને પ્રાથમિક શાળામાં પાણી પીવડાવનારા બેનની નોકરી કરતા હતા.

'મને ખબર નથી, સાહેબ કેમ બોલાવે છે.' કહીને પટાવાળો જતો રહ્યો.

કોકીલાબેન વિચારમાં પડી ગયા. નાનપણથી જ કોકિલાના માબાપ ટીબીમાં ગુજરી ગયા હતા. શામળાજીથી આગળ સાવ નાના ગામ સીતાપુરમાં તે કાકાને ઘેર રહી મોટા થયા હતા. કાકાનો સ્વભાવ સારો હતો, પણ કાકી જબરી હતી. નાની કોકિલા પાસે બધા જ ઘરકામ વાસણ, સાફ્સફાઈ, પાણી ભરવાનું કામ કરાવતા. એમાં કોકિલાને શાળાએ જવાનો મોકો જ ન મળ્યો. તેને માટે કાકાએ બહુ કોશિશ કરી, પણ કાકીએ ચોખ્ખું જણાવી દીધું ''છોકરીઓને ભણીને શું કામ છે ? અંતે તો ઘર કામ અને છોકરા ઉછેરવાનું જ કામ કરવાનું છે ને !'' બિચારી કોકિલા!!

તેને માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર હતા. જરાપણ વાંચતા લખતાં આવડે નહીં, તેનું કોકિલાને બહું દુ:ખ થતું, પણ શું થાય? તેના સંજોગોએ સાથ જ ન આપ્યો.

સમયને જતાં ક્યાં વાર લાગે છે? કોકીલામાં જુવાની કુટવા લાગી. ભગવાને તેને મીઠો સુર આપ્યો હતો, તેથી કોઈ પણ ટ્રેનીંગ વગર કોકિલા ભજનો, ગરબા, ભક્તિગીતો એટલા સુંદર સ્વરે અને રાગથી ગાતી કે બધા ડોલવા લાગે. તેની કાકી તેની જુવાનીમાંથી રૂપિયા કમાવાનું વિચારવા લાગી.

કાકીના દુરના કાકાનો દીકરો ત્રીસ વરસનો થયો, પણ તે બેકાર અને દારૂના રવાડે ચડી ગયો હોવાથી લગ્નમાં મેળ પડતો ન હતો. રમીલાકાકીએ કોકિલાની લગ્નની તેની સાથે વાત ચલાવી, બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો, પણ કોકિલાના કાકા રમણકાકાનું મન માનતું ન હતું.

એક સાંજે કોકિલા બહાર કામ પતાવી ઘર તરફ આવતી હતી ને, ઘેર કાકા અને કાકી વચ્ચે બોલાચાલી વધી પડી.

'તું મારી ભત્રીજીને બે લાખ રૂપિયામાં વેચીને રોકડી કરવા માંગે છે, એ બિલકુલ વાજબી નથી.' રમણકાકા બરાડયા.

'શાંતિ રાખોને, જુવાન ભત્રીજીને ઘેર રાખવી, એટલે સાપનો ભારો ઘેર રાખવો. તમને સમજણ પડે નહીં, બે લાખ રૂપિયા સામેથી આવતા હોય તો શું વાંધો છે?' રમીલાકાકી સમજાવતા બોલ્યા.

બારણા બહાર સાંભળી રહેલી વીસ વરસની કોકિલા આ સાંભળીને રડી પડી. એ જ રાત્રે કાકા કાકી સુતા હતા, ત્યારે બેગ ભરી નીકળી પડી શહેરની એસ.ટી.માં અમદાવાદ જવા માટે.

અમદાવાદ જેવા મોટા શહેરમાં ઓળખાણ વગર ક્યાં જવું? ઘેર ઘેર ફરીને  કચરાપોતા, વાસણ વિગેરે કરતી રહી. પણ એકલી જુવાન સ્ત્રીને અમદાવાદ જેવા શહેરમાં રહેવું મુશ્કેલ હતું. અનેક જુવાનીયાઓની વાસના ભરી લોલુપ નજરોથી તે બચીને સારી નોકરી શોધી રહી હતી.

અંતે તેની મહેનત ફળી. લીટલસ્ટાર નર્સરી અને પ્રાયમરી સ્કુલના આચાર્ય મેકવાન સરને તેની પરિસ્થિતિ અને ગરીબાઈની દયા આવી.

શાળામાં જ પાણી પીવડાવવાવાળા બહેનની નોકરી આપી, બાજુમાં જ ખાલી રહેલી રૂમ રહેવા પણ કાઢી આપી. પાંચ વરસથી કોકિલા પોતાનું કામ ખંતપૂર્વક નિષ્ઠાથી કરી રહી હતી. તેને વિચાર આવ્યો, આજે અચાનક કેમ સાહેબ બોલાવે છે ?

'સર, હું આવી શકું' કોકિલાએ મેકવાન સરને પુછયું.

'આવ, કોકિલા, સરકારી મહેકમ આવેલ છે, કે શાળાના દરેક કર્મચારી સાત ધોરણ સુધી ભણેલ અને તેને લખતાં વાંચતાં આવડવું જોઈએ.' મેકવાનસરે ફોડ પાડયો.

'સર, હું તો સાવ અભણ છું. મને લખતાં વાંચતાં પણ આવડતું નથી.' કોકિલા ગભરાઈને બોલી.

'શું થાય ? તારે નોકરી છોડવી પડશે !' મેકવાન સરે ભારે હૈયે કહ્યું.

'સર હવે હું ક્યાં જઈશ મને નોકરી કોણ આપશે ?' કહેતા કોકિલા રડીને હીબકા ભરવા લાગી.

'જો તારો સ્વર ખુબ સારો છે, હું રોજ આવતા જતા તને ગીત અને ભજન ગાતી સાંભળું છું. મારો મિત્ર અશોક ત્રિવેદી ગુજરાતી ફિલ્મ નિર્માતા છે, તેને તારા સ્વરની ભલામણ કરું છું. ત્યાં તને કામ મળી જશે.' સરે કહ્યું.

ત્રિવેદી સાહેબે તેના બે ગીત સાંભળતા જ ડોલી ઉઠયા, 'વાહ વાહ ! શું અવાજ છે.' અને કોકિલા સ્વરકિન્નરી કોકિલા બની ગઈ. તેને અનેક ગુજરાતી પીક્ચરોમાં પાર્શ્વગાયિકા તરીકે કામ મળવા લાગ્યું. તેના ભજન અને ગરબાના આલ્બમ લોકપ્રિય થવા લાગ્યા.

બે વરસમાં તો રોયલ્ટીની આવકથી કોકિલા લખપતિ બની ગઈ. તેના ખાતામાં વીસ લાખ રૂપિયા ભેગા થયા.

બેન્ક મેનેજરે સામેથી ફોન કરી તેને બોલાવી. 'જુઓ કોકિલા મેડમ, તમારા વીસ લાખ રૂપિયા સેવિંગખાતામાં ફક્ત સાડાચાર ટકા વ્યાજે પડયા છે, તેને બદલે વધારે કમાણી થઇ શકે તેમ છે.' મેનેજરે ફોડ પાડયો.

'તેને માટે શું કરવાનું ?' કોકિલા માટે આ બધું અજનબી હતું. અત્યાર સુધી તો તેની પાસે માંડ ખાવાપીવાના જ પૈસા આવતા.

'તમને હું બે ત્રણ મ્યુચ્યુઅલ ફંડ અને એફ.ડી.માં નાણા રોકવા સૂચવું છું. સહેજે તમને બાર ટકા છુટશે.' મેનેજરે સમજાવ્યું.

'ભલે, મારે શું કરવાનું છે?' કોકિલાને કાઈ સમજણ પડતી નહોતી.

'જુઓ, આ બે ત્રણ ફોર્મમાં સહી કરો.'  મેનેજરે ફોર્મ તેને આપતા કહ્યું.

'સાહેબ, હું તો સાવ અભણ છું. મને લખતાં વાંચતાં કે સહી કરતા નથી આવડતું.' કોકિલાએ કહ્યું.

'ઓહો! શું વાત કરો છો, મેડમ, તમે સાવ અભણ છો, અને લખપતિ બની ગયા, પણ ભણેલા હોત તો તો અબજપતિ હોત.' મેનેજરે અજાયબ થતા બોલ્યો.

હવે હસવાનો અને અજાયબ થવાનો વારો કોકિલાનો હતો. તે હસતા હસતા બોલી, 'સાહેબ , જો હું ફક્ત સાત ચોપડી પણ ભણી હોત તો આજે લીટલસ્ટાર નર્સરીમાં છોકરાઓને પાણી પીવડાવતી હોત !' 'શું વાત છે ?' આખી વાત સાંભળી બેંક મેનેજર અને તમામ સ્ટાફ નવાઈ પામ્યા.

લાસ્ટ સ્ટ્રોક : કોઈ પણ પરિસ્થિતિમાં પડયા રહેવાને બદલે, પોતાની આવડત અને શોખ મુજબ કાંઈક કર્મ કરતા રહો, શું ખબર તમારા નસીબમાં શું લખ્યું છે ? ફળની આશા ના રાખો.