Get The App

માતૃભાષા ગુજરાતીનો જય હો !

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
માતૃભાષા ગુજરાતીનો જય હો ! 1 - image


- વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદાર

- 'તમારા જમાઈની આવક સામાન્ય છે, ભરણપોષણ માંગશો તો મળશે શું? છૂટાછેડાનો કેસ તો કરી દઈએ.'

'પ્રતિક મુન્ની માટે દુધ લાવવાના પણ પૈસા નથી, કાઇંક વ્યવસ્થા કર.' અપરાએ ચિડાઈને કહ્યું. 

'શાંતિ રાખ, અપરા હું કાઈં વ્યવસ્થા કરું છું.' પ્રતિકે સમજાવતા કહ્યું. તેણે હજુ ચાર મહિના પહેલા જ બેન્કના કારકુનની નોકરી છોડી હતી. તેને પહેલેથી જ વાંચન અને લેખનનો શોખ હતો. શાળાની લાયબ્રેરીમાં જ તેણે ગુજરાતીના ખ્યાતનામ લેખકોના તમામ પુસ્તકો વાંચી લીધા હતા. તેને પોતાને પણ વાર્તાઓ, લેખ, અને નિબંધ લખવાનો શોખ હતો. તેની કલ્પના શક્તિ અને મૌલિક વિચાર શક્તિ અદભૂત હતા. એક વખત મનમાં વિચાર આવે અને લખવા બેસે, એટલે એકી બેઠકે લેખ પૂરો કરીને જ ઊભો થાય. બેન્કની એક સરખી ઢસરડા જેવી નોકરી અને વારંવારની બદલીથી તે કંટાળી ગયો હતો. અંતે તેણે બહુ વિચારીને નોકરી છોડી લેખક બનવાનો વિચાર કર્યો. આમાં માતૃભાષા ગુજરાતીની સેવા કરવાનો અને પોતાના નિજાનંદ માટે અંતે તેણે રાજીનામું ઘરી દીધું. 

ગામડે રહેતા તેના માતાપિતા અને તેની પત્ની અપરાએ બહુ સમજાવ્યો, ધમકાવ્યો, અને ઝગડો પણ કર્યો. 

'પ્રતિક, લેખક થઈને એક સરખી આવક નહીં રહે, તો તું ઘર કઈ રીતે ચલાવીશ ?' તેની પત્ની અપરાએ ઝગડો કરતાં કહ્યું. 

'અપરા, શાંતિ રાખ મને મારા લેખન કાર્ય પર વિશ્વાસ છે. ધીમેધીમે તેમાંથી આવક થવા લાગશે. થોડી ધીરજ જરૂરી છે.' પ્રતિકે શાંતિથી સમજાવતાં કહ્યું. 

'પણ ત્યાં સુધી ઘર કઈ રીતે ચાલશે ?' હવે અપરા લડવાના મૂડમાં આવી ગઈ. 

'આપણી પાસે થોડી બચત તો છે ને, બાકીના હું મિત્રો પાસેથી ઉધાર લાવીશ.' પ્રતિકે જવાબ આપ્યો. શરૂઆતના તેના દરેક લેખ અને વાર્તાઓ નામાંકિત અખબાર અને મેગેઝીનમાંથી સાભાર પરત આવવા લાગ્યા. 

એક વરસ પછી તેની વાર્તાઓ અને લેખ ચાલવા લાગ્યા. પણ તેના પુરસ્કારની રકમ મામૂલી હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું. ઘરે વાસણો હાંડલા કુસ્તી કરવા લાગ્યા અને એક દિવસ તો મુન્નીના દુધ માટે રીતસર ઝગડો થઈ ગયો. અપરાએ પિયર જતાં રહેવાની ધમકી આપી. 

બીજા અઠવાડિયે પ્રતિકની વાર્તાને ગુજરાતી વાર્તા સ્પર્ધાનું પ્રથમ ઈનામ મળ્યું, પ્રતિક ખુશ થતો અપરાને બતાવવા આવ્યો તો ગરમ અપરાએ તેનો ઘા કર્યો, 'આને મારે શું કરવાનો? આનાથી પેટ થોડું ભરાય?' પ્રતિક પણ ગુસ્સે ભરાયો, અંતે ઝગડો વકરી જતાં અપરાએ મુન્ની સાથે પિયરની વાટ પકડી. 

અપરાના પિતા પણ રીટાયર્ડ કર્મચારી હતા, તેની આવક પણ સામાન્ય હતી. બધાનું પેટ ભરાય તેમ ન હતું. તે અપરાને લઈ ગયા, તેના વકીલ મિત્ર દેસાઇ આગળ બધી વાત સાંભળીને દેસાઇ સાહેબે કહ્યું, 'તમારા જમાઈની આવક સામાન્ય છે, ભરણપોષણ માંગશો તો મળશે શું ? છૂટાછેડાનો કેસ તો કરી દઈએ.'

અપરા આ સાંભળી ચોંકી ગઈ. તેણે નોટિસ મોકલતા પહેલા વિચારવાનો સમય માંગ્યો. 

સમયને જતાં ક્યાં વાર લાગે છે ? પ્રતિકની વાર્તાઓ હવે અખબારો, મેગેઝિનો અને યુટયુબ પર રંગ જમાવી વાયરલ થઈ રહી હતી. તેની નવલિકા સંગ્રહને ગુજરાતી વિકાસ પરિષદનો ગોલ્ડમેડલ મળ્યો. અને ચારે તરફ તેની વાહવાહ થવા લાગી. ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ તેની તરફ દોટ લગાવી. તેની સ્ટોરી લાખો રૂપિયામાં વેચાવા લાગી. યુટયુબમાં આવક ચાલુ થઈ ગઈ. 

અપરા નોકરી શોધવા નીકળી, પણ બાર ધોરણ પાસને નોકરી કોણ આપે ? બહુ જ મહેનત અને દોડધામ પછી તેને બી. કે. હાઇસ્કૂલમાં પાણી પીવરાવવાવાળા બેનની સામાન્ય નોકરી મળી, પણ શું થાય ? પેટ માટે બધી વેઠ તો કરવી જ પડે ને !

ગુજરાત સરકાર ગુજરાતી ભાષા ધીમેધીમે લુપ્ત થતી હોવાથી ચિંતાતુર હતી. 

મોબાઈલ, નેટ, કોમ્પ્યુટર વિગેરે બધામાં અંગ્રેજીનો દબદબો હોવાથી યુવા પેઢી ધીમેધીમે ગુજરાતીને છોડી અંગ્રેજી તરફ ઝૂકી રહી હતી. આમ જ ચાલતું રહે તો પચાસ વરસ પછી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ સાવ સાફ થઈ જાય. આમ ના થાય તે માટે સરકારે ગુજરાતની સાહિત્યવિકાસ નિગમની રચના કરી. તેના ચેરમેન માટે યુવાન જાણીતા સાહિત્યકાર પ્રતિક ત્રિવેદીની નિમણૂક કરી. તેનો પગાર મહિને દોઢલાખ રૂપિયા ઉપરાંત ડ્રાઈવર સાથે ગાડી અને રહેવા માટે મોટો બંગલો. 

બી. કે. સ્કૂલમાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે કાવ્યો અને વાર્તાઓનો પ્રોગ્રામ રાખ્યો હતો. ગુજરાતી સાહિત્ય વિકાસ નિગમના ચેરમેન પોતે હાજર રહેવાના હોવાથી પ્રિન્સિપાલ, શિક્ષકો અને ટ્રસ્ટીઓમાં દોડાદોડી મચી ગઈ હતી. 

ચેરમેનશ્રીની ગાડીના પ્રવેશ સાથે જ પ્રિન્સિપાલ ઓઝા સાહેબ અને શિક્ષકગણ 'પધારો સાહેબ' કરતાં સ્વાગત કરવા દોડયા. અપરા દૂર ઊભી વિચારવા લાગી. મને દરરોજ ધમકાવતા ઓઝા સાહેબ કેવા દોડી ગયા ! આ ચેરમેન બહુ મહાન માણસ લાગે છે. 

બરાબર ત્રણનાં ટકોરે ચેરમેન અને તેનો કાફલો મુખ્ય ખંડ તરફ આગળ વધ્યા. તેની સાથે અનેક લેખકો અને કવિઓ સામેલ હતા. અરે ! આતો મારો પ્રતિક છે ! વિચારીને અપરા એકદમ ખુશ થઈ ગઈ. તેને મળવા ઉપડી, પણ પછી બધાં તેને ધુત્કારી કાઢશે વિચારી પાછી પડી. વળી તેણે છૂટાછેડાની નોટિસ મોકલી હતી, તેથી કયે મોઢે તેને મળવા જાય !

તે ભીડમાં છેક પાછળ જતી રહી. પ્રતિકનું ધ્યાન ગયું, અપરા મારાથી મો છુપાવે છે, તે તેના ખ્યાલમાં આવી ગયું. પ્રિન્સિપાલ અને શિક્ષકો ચેરમેન સાહેબની સેવામાં લાગી ગયા. તેમને તરસ લાગતાં તરત ઓઝા સાહેબ બિસલરી વોટરની બોટલ લઈ આવ્યા. અપરા વિચારતી હતી, વાહ પ્રતિકનો તો વટ છે, મેં તેને તરછોડીને મોટી ભૂલ કરી. 

અંતે પ્રવચન માટે ચેરમેન, પ્રતિકભાઈ ઊભા થયા. 'ભાઈઓ અને બહેનો, નવા ઉપકરણો અને ટેક્નિકના પ્રભાવમાં અંગ્રેજીએ આપણી માતૃભાષા ગુજરાતી પર આક્રમણ કરેલું છે. યુવા પેઢી ધીમેધીમે ગુજરાતી છોડી અગ્રેજી માધ્યમમાં ભણી, ગુજરાતીને ભૂલી રહ્યા છે. પોતાની માતાને કોઈ ભૂલી શકે ખરું ? મારી બધાને અપીલ છે કે ભલે પરદેશ જાવ, કે બીજી પ્રાંતમાં જાવ પણ ઘરે વાતચીત માતૃભાષામાં જ કરો, બાળકોને પણ એ જ ટેવ પાડો. ગુજરાતી સાહિત્ય અખબાર, મેગેઝીન પણ સાથે સાથે વાંચવાનું, લખવાનું રાખો.'

દોસ્તો, મેં પણ માતૃભાષાની સેવા માટે બેન્કની કાયમી નોકરી છોડી, મારા પોતાના મૌલિક લેખ વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. શરૂમાં મુશ્કેલી બહુ પડી. આર્થિક સંકડામણ પણ ભોગવવી પડી. પરંતુ મારી સફળતા પાછળ એક મહિલાનો હાથ છે. તેની કડક આલોચના અને વઢથી હું વધારે ઉત્તમ સાહિત્ય રચતો ગયો, મહેનત બહુ કરી, પ્રગતિની દિલમાં આગ જલાવી અને આજે સફળ લેખક બની ગયો. એ મહિલા અહીં આપણી સમક્ષ ઉપસ્થિત છે. બધા તાળીઓ પાડી ચારે તરફ શોધવા લાગ્યા. મૌલિક પોતે સ્ટેજ ઉપરથી ઉતરી છેક છેવાડી ઉભેલી અપરાને હાથ પકડી લઇ આવ્યો. આ છે મારી પત્ની અપરા ! ચારે તરફ તાળીઓના ગડગડાટથી સૌએ તેને વધાવી લીધી. શાળાનો સ્ટાફ અવાક બની જોઈ રહયો.

અપરા શરમથી પાણીપાણી થઇ ગઈ. મેં ખોટો પ્રતિક પર ગુસ્સો કર્યો. ખરેખર મહેનતથી લખેલ સાહિત્યની જનતા અને સરકાર કદર તો કરે છે જ, તેની કિંમત અનેરી છે. થોડી ધીરજ અને કદર જોઈએ.

મૌલિક તેને હાથ પકડીને ઘરે લઇ ગયો. અપરાએ છૂટાછેડાની નોટીસ ફાડી અને રડતાં રડતાં પસ્તાતા બોલી, 'પ્રતિક, મને માફ કર, મેં જે ગુસ્સો કર્યો  એ મારી જિંદગીની બહુ મોટી ભૂલ હતી.'

માતૃભાષા ગુજરાતીનો જય હો !

Tags :