- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'જવા દો, જુવાન દીકરાને વારંવાર ટોકવાનો શો અર્થ છે? તેના નસીબમાં હશે તે થશે.'
'ત મે આ ઇન્ટરવ્યુમાં આવ્યા છો, પણ તમારી ડિગ્રી શું છે? તેની કોપી તો મુકવી જોઈએ ને!' મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યુ લેવા બેઠેલા વર્મા સાહેબે પુછયું.
'સાહેબ સેકન્ડ બી.કોમ. સુધી પાસ કરી, પછી કુટુંબની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ફાઇનલ પાસ કરવાનું રહી ગયું, હું ચાલુ નોકરીએ બી.કોમ પાસ થઈ જઈશ.' મલયે પોતાની રીતે જવાબ બનાવીને સાહેબને મનાવવા કોશિશ કરી.
'ભાઈ, આ નોકરી માટે ડબલ ગ્રેજ્યુએટની લાઇન લાગી છે, અને તમે ગ્રેજ્યુએટ પણ નથી, જાવ પહેલા ગ્રેજ્યુએટ થઈ ને આવો.' વર્મા સાહેબે સારા શબ્દોમાં તેને કાઢી મૂક્યો.
મલય નીચી મુંડીએ બહાર નીકળી ગયો. તેણે આવી જ રીતે દસથી બાર જગ્યાએ વ્હાઇટ કોલર જોબ માટે કોશિશ કરી, પણ ગ્રેજ્યુએટ ન હોય તેવાને કોણ નોકરી આપે ?
આખા શહેરમાં મધુકર ઉપાધ્યાયનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામ હતું. તેઓ દિલ દઈને વિદ્યાર્થીઓને ભણાવતા. સફળતા માટેનું તેમનું એક જ સૂત્ર હતું, 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.' મહેનત કરો, વાંચન, લેખન સમજીને કરતાં જ રહો, સફળતા તમારા કદમ ચુમતી આવશે. નસીબની બલિહારી તો જુઓ, તેમનો એકનો એક દીકરો મલય ઉછાંછળો, તોફાની અને રખડું નીકળ્યો. મધુકરભાઈ તેને વારંવાર મહેનત કરવા સમજાવતા ટોકતાં, ગુસ્સે થતાં, પણ મલય માને તો ને ! માંડમાંડ તે બારમું ધોરણ પાસ થઈ બી.કોમ.માં દાખલ થયા, ચાલુ કોલેજે બંક મારવી, દોસ્તો સાથે કેન્ટીનમાં બેસી રહેવું, સારી છોકરીઓ પાછળ આંટાફેરા મારવા વગેરે બુરી આદતો લોફર મિત્રો સાથે પડી ગઈ, તે વધતી જ ગઈ. તેના પપ્પા કેટલું સમજાવે, કઠોર પરિશ્રમનો મહિમા સમજાવે, પણ મલયભાઇ માને તો ને! અંતે તેના મમ્મીએ મધુકરભાઈને કહ્યું, 'જવા દો, જુવાન દીકરાને વારંવાર ટોકવાનો શો અર્થ છે? તેના નસીબમાં હશે તે થશે.' મધુકરભાઈ પણ અંતે હારીને ઢીલા પડી ગયા.
મલય ક્યાયથી નોકરી ના મળતા અંતે તે નિરાશ થઈને તેના મિત્રો બકુલ બદમાશ અને લલ્લુ લબાડ સાથે ચાને ગલ્લે બેઠો હતો.
'યાર, શું આમ રોતલની જેમ બેઠો છે?' બકુલે પુછયું.
'શું કરું યાર, દશ ઇન્ટરવ્યુ આપ્યા, પણ ગ્રેજ્યુએટ નથી એટલે કોઈ નોકરી જ મળતી નથી.'
મલયે કહ્યું.
ત્રણે ઊંડા વિચારમાં પડી ગયા. અચાનક લલ્લુને આઇડિયા આવ્યો, 'ચાલ મલય, તને ડિગ્રી મળી જશે, પણ થોડો ખર્ચો થશે.'
'જે થાય તે, મને ડિગ્રી અપાવ.' મલયે મક્કમપણે કહ્યું.
લલ્લુ તેને અંધારી ગલીમાં છેવટના મકાનમાં શાંતિથી લઈ ગયો. છેક અંદર ખૂણામાં ટેબલ પર ગુંડા જેવો લચ્છુરામ બેઠો હતો. લલ્લુએ તેને બધી વાત કરી. લચ્છુએ વિચારીને કહ્યું, 'બે લાખ રૂપિયામાં બનાવટી ડિગ્રી મળી જશે, પહેલા રોકડા રૂપિયા, પછી કામ.'
મલય ચોંકી ગયો. આટલા બધા રૂપિયા લાવવા ક્યાથી? અંતે તેણે ગભરાતા પપ્પાને બધી વાત કરી. મધુકરભાઈ આ સાંભળી ગુસ્સે થઈ ગયા, 'બનાવટી ડિગ્રી? આવો શોર્ટ કટ?'
'હું એક પૈસો નહિ આપું,' કહીને મલયને કાઢી મૂક્યો. મલય આવા વેદિયા પંતુજી બાપને કોસતો બહાર નીકળી ગયો.
મોડી રાત્રે બધા સૂઈ ગયા, પછી તેણે ધીમેથી કબાટમાંથી મમ્મીનું સોનાનું મંગળસૂત્ર ચોરી લીધું.
બીજે દિવસે સવારે બે લાખ રૂપિયા રોકડા લઈ તે પહોચી ગયો લચ્છુરામ પાસે. ત્યારે તેના જેવા જ ડિગ્રી લેવા મુકેશ અને અશોક નામના બે લુખ્ખા બેઠા જ હતા. તેણે રૂપિયા કાઢી લચ્છુરામને આપતા કહ્યું, 'ગણી લો બે લાખ પૂરા છે.'
બરાબર તે જ વખતે પોલીસે રેડ પાડી બધાને પકડી બાંધીને વાનમાં બેસાડી પોલીસસ્ટેશન લઈ આવ્યા. પોલીસને લચ્છુરામ બનાવટી ડિગ્રીઓ વેચી રહ્યો છે, તેની બાતમી મળી ગઈ હતી. પોલીસ કસ્ટડીમાં મલય ફફડી રહ્યો હતો, અરેરે હું આમાં ક્યાં ફસાયો?
ઈન્સ્પેકટર ઝાલા લચ્છુરામને અંદર લઈ ગયા, અને જોરદાર લાઠી મારવાના અવાજો આવવા લાગ્યા, 'સાચું બોલ આ ધંધો કેટલા વખતથી ચાલે છે?' કહીને જોરદાર ડંડો તેના બરડામાં માર્યો. મલય ફફડી ગયો, મારા પણ આ જ હાલ થશે?
ત્યાં તો જમાદાર મલયને ઓળખી ગયા. 'અરે ! આ તો મધુકર માસ્ટરનો છોકરો છે.' ઝાલાસાહેબ તેને જોઈ રહ્યા. બંને પોલીસવાળા મધુકરભાઈના હાથ નીચે ભણીને, તેના આદર્શોને દિલમાં ઉતારીને સફળતા પામી પોલીસમેન થયા હતા.
ઝાલાસાહેબે કહ્યું, 'માસ્તરનો છોકરો આવું કામ કરે જ નહીં!' મલયને બોલાવી પુછયું, મલયે કહ્યું, 'હું તો ખાલી એ બાજુથી નીકળ્યો જ હતો, મને કાઇ ખબર જ નથી.'
'છોડી દો માસ્તરના દીકરાને!' સાહેબે ઓર્ડર કર્યો. મલય અચંબો પામ્યો, ઓહોહો ! મારા પપ્પાના આદર્શોની આટલી બધી ઇજ્જત ! હું જ નપાવટ કે પપ્પાનું કહ્યું માન્યુ નહીં.
મોડી સાંજે કાઇપણ ખાધા-પીધા વગર તે પોલીસ-કસ્ટડીમાંથી બહાર નીકળ્યો ત્યારે ઢીલો પડી ગયો હતો. રસ્તામાં તે વિચારતો હતો, મે પપ્પાની વાત માની હોત તો અત્યારે ભણી-ગણીને ગ્રેજયુએટ થઈ ગયો હોત. અને લગ્ન પણ થઈ ગયા હોત. નોકરી વગરના બેકાર છોકરાને છોકરી પણ કોણ આપે? હું પપ્પાની માફી માગી ફરી મહેનત કરીને બી.કોમ થઈ જઈશ.
તે ઘરે પહોચ્યો ત્યારે તો ઘેર રોકકળ ચાલતી હતી. તેની મમ્મી માથે હાથ દઈને રડતી હતી, 'મારુ મંગળસૂત્ર ચોરાઇ ગયું, 'હાય રે !' મધુકરભાઈ તેને સાંત્વના આપી રહ્યા હતા.
મલયને પહેલા તો કાઇ સૂઝયું નહીં, પછી તરત તે પપ્પા આગળ લાંબો થઈ ગયો, 'મને માફ કરી દો.. મે જ લીધું છે અને મે જ ગિરવે મુકયુ છે, હમણાં પરત લઈ આવું છુ.'
મધુકરભાઈ તેના બદલાયેલા દીકરાની વાત સાંભળી ખુશ થઈ ગયા. મલયે તે જ દિવસથી મહેનત કરવાનું ચાલુ કરી દીધું, અને બી.કોમ ફસ્ટક્લાસ સાથે પાસ કરી. તેના હાથમાં યુનિવર્સિટીનું ડિગ્રી સટફિકેટ આવતા તેણે બધાની હાજરીમાં જાહેરાત કરી કે, 'પપ્પાની વાત સો ટકા સાચી , 'કઠોર પરિશ્રનો કોઈ વિકલ્પ નથી'.
મલયનાં લગ્ન સુંદર કન્યા સાથે થયા અને તેમનો સંસાર સુખરૂપ ચાલી રહ્યો છે.
લાસ્ટ સ્ટ્રોક
સફળતા માટે આડાઅવળા શોર્ટકટ નકામા નીવડે છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોય જ નહિ.


