- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'વાહ! તું નસીબદાર છે, તને આટલું બધુ કમાતો પતિ મળ્યો છે.' કુશવાએ જલતા કહ્યું
'કુ શવા તને ખબર છે, આ વખતે કિયાને મને શું બર્થડે ગિફ્ટમાં શું આપ્યું ? ઇરાએ ખુશ થતાં પોતાની સહેલી કુશવાને કહ્યું.
'શું આપ્યું ?' કુશવાને એમ કે નવો ડ્રેસ કે વીંટી હશે.
'આ વખતે અમારી બંનેની ન્યૂઝીલેન્ડ ફરવા જવાનું પ્રોમિસ કર્યું છે. એ પણ પૂરા આઠ દિવસ. ફરશું, ખાઈશુ અને લીલા લહેર કરીશું.' ઇરાએ મસ્તીથી જવાબ આપ્યો.
'વાહ ! તું નસીબદાર છે, તને આટલું બધુ કમાતો પતિ મળ્યો છે.' કુશવાએ જલતા કહ્યું.
ઇરા અને કિયાનના લગ્નને ત્રણ જ વર્ષ થયા હતા. તેને મેનેજરની નોકરીમાં પગાર ખૂબ સારો હતો. સંતાન હતું નહીં, તેથી કિયાને નવ લાખ રૂપિયા ખર્ચી ઇરા સાથે ન્યૂઝીલેન્ડ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રાખ્યો હતો. કિયાન સ્વભાવે બહુ જ દયાળુ હતો, તેનાથી કોઈનું દુ:ખ જોવાતું નહીં. તે તરત મદદ કરવા પહોંચી જાય.
કિયાન રજા લેવા કંપનીના શેઠ વર્મા સાહેબની ઓફિસમાં પહોંચી ગયો, ત્યાં તેનો એકાઉન્ટન્ટ કલીગ તેજસ બેઠો હતો અને રડમસ ચહેરે વિનવતો હતો, 'શેઠ, નવ લાખની લોન મંજૂર કરો, એકના એક પુત્ર મીતને હૃદયનું ઓપરેશન કરવું જ પડે તેમ છે અને તેની તારીખ પણ મળી ગયેલ છે.'
'તેજસ, આટલા બધા રૂપિયા મારાથી લોન પેટે અપાય નહીં, આવી રીતે દરેક કર્મચારી લોન માંગે તો, મારે કંપની બંધ કરવી પડે.' વર્મા સાહેબે પોતાની મજબૂરી જણાવી. તેજસ નિરાશ થઈને બેસી રહ્યો.
'આવ, કિયાન કેમ આવવું પડયું?' વર્મા સાહેબે કિયાનને આવકારતા કહ્યું.
'સાહેબ, મારે ફરવા જવાનું છે, તેની રજા મંજૂર કરાવવા આવ્યો છું.' કિયાને વિનંતીથી કહ્યું.
'હા, મે તારી અરજી વાંચીને રજાઓ મંજૂર કરી દીધી છે. બેસ્ટ લક ફરવા માટે.'
'થેન્ક યુ સર' કિયાન ઉઠવા ગયો ત્યારે તેજસ હજુ ત્યાં જ કરગરી રહ્યો હતો.
'તેજસ, તમે પણ જાવ. તમારી લોન મંજુર કરી શકાય તેમ નથી.' સાહેબે અકળાઈને કહ્યું.
પોતાના ટેબલ પર કિયાન ખુશ થતાં બેઠો ત્યાં તેણે તેજસને નિરાશ વદને પોતાના ટેબલ પર આવતા જોયો. 'જો સમયસર પૈસાની સગવડ નહીં થાય તો ઓપરેશન રદ્દ થશે અને મારા બેટા મીતની જિંદગી જોખમમાં આવી જશે.' આવો બબડાટ તેજસ કરી રહ્યો હતો. તેની બંને આંખોમાં આસું તગતગી રહ્યા હતા. આ જોઇને કિયાન દ્રવી ઉઠયો. તેણે ઊભા થઈને તેજસની સામે બેસી સમજાવતાં કહ્યું, 'તેજસ નિરાશ ન થઈશ. પૈસાની સગવડ થઈ જશે.'
'ક્યાથી થશે ? સાહેબે ચોખ્ખી ના પાડી દીધી છે. સાંભળ્યુ નહીં ?' હવે મને બીજું કોણ આટલા બધા પૈસા આપશે ? તેજસ રડી પડયો.
'રડ નહીં દોસ્ત, સગવડ થઈ જશે.' કિયાને હૈયાધારણ તો આપી પણ શું કરવું, તે સમજ પડતી નહોતી.
આખી રાત તેણે વિચારોમાં કાઢી. ઈરા ખુશ થઈને પૂછતી હતી, 'કિયાન, આપણે ન્યુઝીલેન્ડમાં શોપીંગમાં શું ખરીદીશું ?' કિયાનને ઊંડા વિચારોમાં જોઈ તે ચુપ થઇ ગઈ.
સવારે ઓપરેશનનાં પૈસા ભરવાનાં હતા. બધું વિચારીને કિયાને ન્યુઝીલેન્ડનાં પૈસા સારા કામ માટે વાપરવાનો નિર્ણય લીધો. દશ વાગતાં પૈસા લઈને તે જી.એમ.હોસ્પિટલ પહોચ્યો ત્યારે ડોક્ટર તેજસને ખખડાવતા હતા, 'આજે કોઈપણ ભોગે પૈસા ભરી દો, તો જ ઓપરેશન થશે, નહીતર મીતની જાનને ખતરો છે.'
તેજસ ગદગદ્ થતા બોલ્યો, 'સારું સાહેબ.'
ત્યાં તો કિયાને આવીને ખુશખબર આપ્યાં, 'સાહેબ, પૈસા ભરાઈ ગયા છે, ઓપરેશનની તૈયારી કરો.'
'હેં !' તેજસ અને તેની પત્ની માયરા કિયાનને પગે લાગતાં રડી પડયા.
'કિયાન, તારો આ ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું.' તેજસ ગદગદ થતા કીયાનને ભેટીને રડી પડયો.
'અરે દોસ્ત ! એમાં ઉપકાર શેનો ? મેં તો મીતને બચાવવા માત્ર પ્રયત્ન કર્યો છે.' કિયાને નમ્રતાથી કહ્યું.
'હું સગવડ થયે તમામ લોન પરત કરી દઈશ.' તેજસ હજી ગદગદ્ થતો હતો.
સાંજે કિયાન ઘરે પહોંચ્યો ત્યારે ઈરા બેગ ભરીને સામાન ગોઠવી રહી હતી, ત્યાં તો કિયાને ધડાકો કર્યો. 'ઈરા, આપણે કાલે ન્યુઝીલેન્ડ જતા નથી, છ મહિના પછી જઈશું.'
'કેમ ?' ઈરાએ ગુસ્સામાં પુછયું.
કિયાને બધી વિગતે વાત કહેતા ઈરા તેના પર ગુસ્સે થઇ મોં ફુલાવી
બગડી,'શું તમેય, આપણું ફરવાનું કેન્સલ કરી બીજાને મદદ કરવા દોડો છો ?'
'જો ઈરા, આપણા ફરવા કરતા મીતની જિંદગી અગત્યની હતી.' કિયાને સમજાવતા કહ્યું.
'પણ, તમારે શું જરૂર હતી મદદ કરવાની, બીજા ઘણાં પડયા છે આ દુનિયામાં.' ઈરા લાલચોળ બની ગઈ.
'હું એમાંનો એક તો ખરો. મારે મન ફરવા કરતા મીતનો જીવ વધારે અગત્યનો છે.' કિયાને સમજાવતા કહ્યું. ઈરા બેગનો સામાન ફગાવી ગુસ્સે થઇ બીજા રૂમમાં જઈને સુઈ ગઈ. તેણે કિયાન જોડે બોલવાનું બંધ કરી દીધું. કિયાને બહુ સમજાવવાની કોશિષ કરી પણ ઈરા સંભાળે જ નહિ તો કરવું શું ?
બીજા દિવસે તેજસનો ફોન આવી ગયો, 'મીતનું ઓપરેશન સફળ થઇ ગયું છે, થોડા વખતમાં રજા આપશે.'
'વાહ, બહુ સારું થયું.' કીયાનને મીતનો જાન બચાવ્યાનો આનંદ થયો.
ઈરાએ તેની સહેલી કુશવાને ગુસ્સે થઇ રોતલ અવાજે તેમના ન્યુઝીલેન્ડનો પ્રોગ્રામ પોસ્ટપોંડ થયાની અને કિયાનને મદદ કરી તેની વાત કરી. કુશવા અંદરથી ખુશ થઇ, આ જ લાગની હતી. તેણે હસતા હસતા કહ્યું, 'કિયાન જેવાં દયાળુ તો કોઈ જોયા નથી. આમ ફરવાના પૈસા બીજાને અપાતા હશે.'
ઈરાએ ગુસ્સે થઈને ફોન કાપી નાખ્યો. કિયાને ઈરાને સમજાવતા કહ્યું, 'સારા કર્મોનો બદલો સારો જ મળશે. આપણે સગવડ થતા ચોક્કસ ન્યુઝીલેન્ડ ફરવા જઈશું જ.'
'હવે ક્યારે મેળ પડશે ?' ખાલી ખાલી સમજાવવા બનાવટ કરે છે. વિચારીને ઈરા ગુસ્સે થઇ બીજા રૂમમાં જતી રહી. બીજા દિવસે કિયાન વર્મા સાહેબને જણાવવા અને રજા કેન્સલ કરાવવા ઓફિસમાં જઈને બધી વાત કરી.
'સારું, કિયાન પણ તેજસ લોન પરત નહિ આપે તો શું કરીશ ?' સાહેબે પુછયું.
'સાહેબ, મેં તો તેના પુત્રની જિંદગી બચાવવા રૂપિયા આપ્યા છે.' કિયાને કહ્યું.
'સારું, સારું,આજે સાંજે આપણે ઓફીસના કામે સાણંદ જવાનું છે, રાત્રે મોડું થશે.' સાહેબે કહ્યું. કિયાને તે મુજબ ઈરાને જાણ કરી દીધી. અચાનક સાંજે સાત વાગે ઈરાને ફોન આવ્યો, 'વર્મા એક્ષ્પોર્ટની ગાડીને ટ્રકે એક્સીડેન્ટ કરી ખુરદો બોલાવી દીધો છે. જલ્દી જી.એમ.હોસ્પિટલ પહોંચો ઈરા ગભરાઈને રડી પડી. 'હાય રામ ! આના કરતા તો ન્યુઝીલેન્ડ ગયા હોત તો સારું થાત. !'
જી.એમ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાંથી ડેડ બોડી લઈને આવતા સિસ્ટરને જોઇને ઈરા ફસડાઈ પડી. ઉભા થઇ ચાદર હટાવી જોતા વર્મા સાહેબની બોડી જોતા હાશ થઇ. સામેથી કિયાનને આવતો જોઈ તે દોડીને તેને વળગી પડી.
'મને તેજસ તેના મીતને રજા આપવાના હોવાથી પરાણે વોર્ડમાં લઇ ગયો હતો. તેથી હું પછીથી બીજી ગાડીમાં જવાનો હતો.' કિયાને ફોડ પાડતા કોના પુણ્ય પ્રતાપે બચી ગયો એ સમજાઈ ગયું. જે બાળકને બચાવ્યું હતું તેની રજા આપતી વખતે આશીર્વાદ આપવા જવાથી કિયાન મોતથી બચી ગયો હતો.
'મને માફ કરી દે, કિયાન, માણસનો જીવ ફરવાના આનંદ કરતા મહાન છે.' ઈરા રડીને વળગી પડી.
લાસ્ટ સ્ટ્રોક
આફતના સમયે કોઈનો જીવ બચાવવો તે ખરેખર મહાન છે. તેને માટે હિંમત, દયા અને સારી વિચારધારા જોઈએ.


