Get The App

સંબંધમાં ક્યારેય પૈસા ના જોવાય .

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
સંબંધમાં ક્યારેય પૈસા ના જોવાય                                . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મેં તો મારા નાના ભઈલાને દ્રાક્ષ ખવડાવી છે, એમાં નુકશાન શેનું! 

ની રદ અને નિતલ સુંદર તૈયાર થઈને લગ્નમાં જવા નીકળ્યા, ચાર વરસનો મુન્નો પણ સરસ તૈયાર થઈને સાથે હતો. લગ્નગાળો અને સાંજનો સમય હતો એટલે ટ્રાફિક જોરદાર હતો. માણેકબાગ ચાર રસ્તા ઉપર સિગ્નલ રેડ હોવાથી નીરદે બ્રેક મારી. 

'સાહેબ, સરસ મીઠી દ્રાક્ષની પેટી લેવી છે, બહુ જ સરસ દ્રાક્ષ છે.' બાર વરસની ગરીબ ગીતા ગાડી પાસે આવીને નીરદને પેટી બતાવતા બોલી. તેના ફ્રોક ઉપરના બે થીંગડા અને તૂટી ગયેલા ચંપલ તેની ગરીબીની ચાડી ખાતાં હતા. નીરદને દયા આવી. કેટલી નાની છોકરી મજુરી કરીને પેટ ભરવા કોશિષ કરે છે, વિચારતાં તેણે પુછયું, 'પેટી કેમ આપી ?'

'શેઠ, બે કિલો દ્રાક્ષની પેટી ફક્ત દોઢસો રૂપિયામાં.' ગીતા બોલી. 'આટલી મોંઘી દ્રાક્ષ ?' નિતલ બગડી.  'એકસો દશમાં આપવી છે?' તેણે ભાવ તોડવા ટ્રાય કરી. 'આન્ટી મને જ પેટી એકસો દશમાં પડે છે, કઈક તો કમાવા દો.' ગીતાએ મજબૂરીથી કહયું. 'જવાદો, દ્રાક્ષ નથી લેવી, ચલો આગળથી લઈશું.' નિતલ હવે બગડી. 'બિચારી ગરીબ છે. મહેનત કરી કમાય છે. ભાવ પણ બરાબર છે.' નીરદે પોતાની પત્ની ને સમજાવતાં કહયું.

'શું ભાવ બરાબર છે? તમને કઈ સમજ તો પડતી નથી. તેને ભાવ તો વ્યાજબી કરવા દો.' નિતલ નમતું જોવવા તૈયાર નહોતી. વીસ તીસ રૂપિયા માટે તે તડજોડ કરી રહી હતી. 

તેના ખોળામાં રમતો મુન્નો દ્રાક્ષ જોઈ તે લેવા ઉછળ્યો, અને રડવા લાગ્યો. 'મારે દ્રાક્ષ ખાવી છે.' કહી તેણે ભેકડો તાણ્યો. ગીતા નાના મુન્ના ને જોઈ રહી. લગ્નના ડ્રેસમાં તે ખુબ જ સોહામણો લાગતો હતો. ગીતા તેને દુર રહે રમાડવા લાગી. મુન્નો પણ તેને જોઈ ચુપ થઇ ગયો, અને રડવાનું બંધ કરી તેની સાથે રમવા લાગ્યો. 'સરસ ભાઈ છે.' ગીતાએ ખુશ થતાં કહ્યું. નીતલે કહયું 'મુન્ના, દીદીને નમસ્તે કરો.' મુન્નાએ નિર્દોષ ભાવે બે હાથ જોડી 'નમસ્તે દીદી' કહયું. ગીતા ગાડીનો દરવાજો ખોલી મુન્ન સાથે રમવા લાગી. આગળ ટ્રાફિક જામ હોવાથી ગાડી ચાલે તેમ જ ન હતી. 

'ભઈલા તારું નામ શું છે?' ગીતાએ તેને રમાડતાં કહયું.

'મુન્નો' બાબો બોલી ઉઠયો. 'આમ તો તેનું નામ રૂપંક છે, પણ અમે બધા તેને મુન્નો જ કહીએ છીએ.' નીતલે ફોડ પડયો. 

'લે તારે દ્રાક્ષ ખાવી છે ને' કહીને ગીતાએ એક લુમખું તેના હાથમાં મુક્યું. મીઠી દ્રાક્ષ તેને ભાવી, એટલે બીજી માગી. ગીતાએ પેટી ખોલી બીજી લૂમ આપી. નિતલ આ જોઇને બોલી, 'આટલી બધી દ્રાક્ષના હું એકેય પૈસા નહીં આપું.'

'મારે એકેય પૈસો નાં જોઈએ.' કહીને ગીતા બોલી 'એ તો મારો નાનો ભઈલો છે.' આમ કહીને તે જવા લાગી. નીરદ આ જોઈ દુ:ખી થઇ ગયો. તેણે આગ્રહ કરીને ગીતાના હાથમાં રૂપિયા પકડાવતાં, ગીતાએ સવિનય પરત કરતાં રડમસ ચહેરે કહયું, 'સાહેબ, જ્યાં સંબંધની વાત હોય ત્યાં નફો નુક્શાન ના જોવાય.'

'શું વાત કરે છે? તને નુકશાન મોટું થશે. આ ખુલ્લી પેટીનો માલ કોણ લેશે?'

'સાહેબ, મેં તો મારા નાના ભઈલાને દ્રાક્ષ ખવડાવી છે, એમાં નુકશાન શેનું! મારે પણ આવો જ મીઠડો નાનો ભઈલો હતો પણ..!! 

'શું થયું તેને ?' હવે નીતલને પણ રસ પડી ગયો. 

'શેઠાણી, અમારા ગરીબ લોકો આગળ ગરમ કપડાં ક્યાંથી હોય! શિયાળાની કડકડતી ઠંડીમાં મારા ભઈલાને જોરદાર શ્વાસ ચડયો, 

અને આંચકા ખાવા લાગ્યો. અમે જલ્દી સિવિલ લઇ જવા રીક્ષા કરી પણ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો.' કહેતા ગીતા રડી પડી. નીરદ અને નિતલ પણ હબક ખાઈ ગયા. લે આખી પેટીના દોઢસો રૂપિયા લઇલે' કહીને નીતલે પરાણે પૈસા કાઢયા. 

'ના લેવાય, આ મુન્નાને જોઈ મને મારા ભઈલાની યાદ આવે છે. સંબંધમાં આવી ગણત્રીના હોય.' ગીતાની આ વાત સાંભળી નિતલ ઓઝપાઈ ગઈ. હવે આનું કરવું શું ? અંતે તેણે પર્સમાંથી નવું જ લીધેલું લેડીઝ રિસ્ટ વોચ કાઢયું, અને તેને પરાણે આપતા કહ્યું. 

'આ તારા ભઈલા તરફથી લેવું જ પડશે. તું પહેરીશ એટલે તને અમારી અને મુન્નાની યાદ આવશે.' ગીતાએ નાના કરતાં અંતે ભેટનો સ્વીકાર કર્યો. 

ટ્રાફિક ઓછો થતાં ગાડી ચાલું થઇ ગઈ. રસ્તામાં નીરદ વિચારે ચડયો ગરીબ છોકરીને વીસ ત્રીસ રૂપિયા પણ કમાવા ના દેતી નીતલે કેટલી ઉદારતાથી આઠસો રૂપિયાનું રિસ્ટવોચ ફક્ત સંબંધોની વાત કરીને આપવા તૈયાર થઇ ગઈ. જોકે ગીતાની વાત પણ સાચી હતી, સંબંધ હોય ત્યાં નફો નુકશાન ના જોવાય, રૂપિયાની ગણત્રી ના કરાય. 

આ વિચારતાં જ તે ચમકી ગયો. તેને નાની બેન ભાર્ગવી અને લકવાગ્રસ્ત ભાવેશકુમાર બનેવી યાદ આવી ગયા. સ્કુટર એક્સીડેન્ટમાં તેને મગજમાં ઈજા થતાં ડાબા અંગમાં લકવો પડી ગયો હતો. તેની નોકરી પણ જતી રહી અને પથારીગ્રસ્ત થઇ ગયા હતા.

છ મહિના પહેલા જ તેના પપ્પા રમણીકલાલ ગુજરી જતાં ભાર્ગવી રોતલ ચહેરે આવી હતી 'નીરદભાઈ, પપ્પા બહુ જ સંપત્તિ અને રૂપિયા મૂકી ગયા છે, મને કઈકતો આપો. ભાવેશની નોકરી નથી, અને સારવારમાં બહુ જ ખર્ચ થાય છે.'

'જા,જા, હવે તારા લગ્ન થઇ ગયા પછી કાંઈ ના મળે તું તારી રીતે વ્યવસ્થા કર!' કહીને નીરદે તેને તગેડી મૂકી હતી. બહાર નીકળતાં નાની બહેનની આંખોમાં આંસુ જોઇને તે બબડયો હતો. ખોટી રડીને આંસુડા પાડે છે. મારે ધંધામાં મુડી તો જોઈએ ને! ત્યાં તેને મરતાં બાપના શબ્દો યાદ આવ્યા, 'બેટા, મેં ઘણું ધન અને સંપત્તિ ભેગા કર્યાં છે. બધું તારા માટે છોડતો જાઉં છું, પણ ભાર્ગવીને આપણો આંબાવાડીનો ફ્લેટ અને વીસ ટકા રૂપિયાનો ભાગ આપજે. તેના વરની બીમારીને લીધે હાલત ફ્ફોડી થઇ ગઈ છે.'

તેણે વિચાર્યું, હવે તો નવા કાયદા મુજબ બાપાની મિલ્કત પર બેટા અને બેટીનો સરખો હક્ક છે. તેનો અંતરાત્મા ઠપકો આપવા લાગ્યો, તને બાપાનું બધું પચાવી પાડતાં વિચાર નથી આવતો, સંબંધ ભૂલીને તારા ધંધાની મૂડીની જ ગણત્રી કરે છે! નાની બહેનને ઘરે ખાવાપીવાનાય ફાંફાં પડી ગયા છે. તેણે ભાર્ગવીને મોબાઈલ જોડયો, ધબહેન, કેમ છે હવે ભાવેશકુમાર ને ?'

'ઠીક છે, સારવારનો ખર્ચો ક્યાંથી કાઢવો ?' કહેતા ભાર્ગવી રડી પડી. 'બહેન રડ નહીં, તારા ખાતામાં હું કાલે જ દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરું છું, અને આંબાવાડીનો ફ્લેટ તારા નામે કરું છું.' નીરદે કહયું.

'આટલા બધા રૂપિયા હું ક્યારે પાછા વાળીશ ? મારે કાંઈ ના જોઈએ.' ભાર્ગવી રડી પડી.

'બહેન, આ બધું તારા હક્કનું જ છે, પપ્પાએ તને આપવા જ કહ્યું છે, મારી જ ભૂલ હતી, સંબંધમાં ક્યારેય ગણત્રી ના કરાય.' કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ. નિતલ આવા શુભ નિર્ણય  લેવા બદલ નીરદ સામે જોતી જ રહી ગઈ. 

લાસ્ટ સ્ટ્રોક 

ધંધો તેની જગ્યાએ બરાબર છે, તેમાં નફાનુકશાનની બધી જ ગણત્રી કરવી જોઈએ, પણ સંબંધમાં ક્યારેય પૈસા ન ગણાય.

Tags :