- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'પપ્પા છોકરો તો મને ગમેલ છે, પણ તે મારો મહિનાનો મેકઅપનો પણ ખર્ચ પણ નહીં ઉઠાવી શકે'
'બે ટા, છોકરો એમ.બી.એ. થયેલો છે, હોશિયાર છે, પાણીદાર છે, ભવિષ્યમાં કઈક કરીને આગળ આવી જાય તેવો છે, તું કેમ ના પાડે છે ?' અભય દેસાઈ પોતાની દીકરી અંકિતાને પુછી રહ્યા હતા.
'પપ્પા, મને છોકરો બધી રીતે સારો લાગેલ છે, પણ વાત જુદી છે.' અંકિતાએ ફોડ પાડયો.
'શું તે વ્યસન વાળો છે? શરાબી છે? જુગારનો શોખીન છે? તને કઈ ખબર હોય તો કહે.' અભયને નવાઈ લાગી.
'ના, ના, પપ્પા, એવું કઈ નથી. તેને કોઈ વ્યસન નથી, જુગારની કે બીજી કોઈ આડી આવળી બુરી લત નથી.' અંકિતા બોલી.
'તો ના કેમ પાડે છે ?' અભયને નવાઈ લાગી.
'પપ્પા, વાત એમ છે ને કે આનંદ સાવ લુખ્ખો છે. તેની પાસે હોટેલમાં જવાના, ફરવા જવાના કે પિક્ચર જવાના પૈસા જ નથી. કલબમાં કે પાર્ટીમાં જવાનો શોખ નથી.' અંકિતાએ ફોડ પાડયો.
'બેટા, એ તો સારી વાત કહેવાય. તે હોશિયાર અને મહેનતુ છે, એટલે થોડા સમયમાં પૈસા તો આપમેળે આવવા લાગશે. વાત રહી અત્યારના કડકા સમયની, એ તો બધું તેના પપ્પાની કમાઈ અને સ્વભાવ પર આધારિત છે.' અભયભાઈએ પોતાની દીકરીને સમજાવતા કહ્યું.
અંકિતા અભય દેસાઈની એકની એક છોકરી હતી. તેમનો ચાર બી.એચ.કે.નો આલીશાન બંગલો સેટેલાઈટમાં હતો. અભય દેસાઈની બે કેમિકલ ફેક્ટરી ઓઢવમાં હતી. કમાણી લાખોમાં હતી, અને વાપરનારા ફક્ત ત્રણ જ માણસો. અંકિતા કોલેજમાં વાપરવા પાંચસો માગે તો પપ્પા સાતસો આપી દેતા તેથી અંકિતાને મન પૈસાની કોઈ કિમત જ નહોતી.
ત્યારે આનંદની પરિસ્થિતિ તદ્દન વિપરીત હતી. તેને ત્રણ બહેનો અને એક ભાઈ હતા. તેના પપ્પાની સાદી નોકરીની બાંધી આવક હતી. તેમના ઘરના સાત જણાનો ખર્ચો માંડ માંડ નીકળતો, એમાં પણ આખર તારીખોમાં તો સાવ કડકાબાલુસ, કોઈ નવો ખર્ચ કે ખરીદીનું પગાર થાય પછી જ વિચારાય. આનંદને પણ મહીને કોલેજમાં ખીસાખર્ચીમાં મામુલી રકમ જ મળતી. તેથી તે કરકસરિયો અને સાદગીમાં માનનારો બની ગયો હતો.
અંકિતાએ ચારથી પાંચ છોકરા જોઈ નાખ્યા હતા. પણ બધામાં કોઈને કોઈ ખામી હતી. પૈસાદાર બાપના અરુણને દારૂ અને જુગારની લત હતી. તો વળી કોઈનું ભણતર ઓછું હતું. અંકિતા ગૂંચવાઈ ગઈ કોને હા પાડવી અને કોને ના પાડવી? તેના પપ્પા અભયભાઈની નજરમાં આંનદ વસી ગયો હતો.
અંકિતાને બન્નેનો ગોઠવાયેલો પર્સનલ ઈન્ટરવ્યું યાદ આવ્યો.
'તમને કલબ કે પાર્ટીમાં જવું ગમે ?' અંકિતાએ પુછયું.
'ના, મને તો સારા પુસ્તકો વાંચવાનો શોખ છે. આધ્યાત્મિક પુસ્તકો પણ વાંચવા ગમે.' આનંદે જવાબ આપ્યો.
'તમે પિક્ચર જોવા જાવ છો ?'
એવા ખોટા ખર્ચા અત્યારે તો પોષાય તેમ નથી. ભવિષ્યમાં કમાઈને સારા મોટીવેશનલ મુવી જોવા ગમશે.' આનંદનો જવાબ.
'તમારો મોબાઈલ એપલનો છે ?' અંકિતાએ એમ કરીને તેની આર્થિક પરિસ્થિતિ માપવા પ્રયત્ન કર્યો.
'ના, મને અત્યારે તે પોષાય તેમ નથી, અહીં ઇન્ડીયાના સાદા મોબાઈલ શું ખોટા છે ?' આનંદે દઢતાપૂર્વક જવાબ આપ્યો.
અંકિતા વિચારે ચડી, આવા સાવ કડકા, કરકસરિયા યુવક જોડે આખી જિંદગી કઈ રીતે કઢાય ? તેના પપ્પાને છોકરાની આંખમાં આત્મવિશ્વાસ અને મહેનત કરવાની ધગશ દેખાયા. તેણે અઠવાડીયા પછી અંકિતાને ફરી પુછયું.
'બેટા, આનંદના પપ્પાનો ફોન હતો, શું વિચાર કર્યો ?'
'પપ્પા છોકરો તો મને ગમેલ છે, પણ તે મારો મહિનાનો મેકઅપનો પણ ખર્ચ પણ નહીં ઉઠાવી શકે, પછી હરવા ફરવાનું શું ?' અંકિતાએ જવાબ આપ્યો.
'બેટા, એ છોકરો કમાતો થશે, પછી ચોક્કસ લખપતિ થઇ તારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. મને આશા છે, એમ તો મારી હાલત પણ એ વખતે એવી જ હતી.' અભયભાઈ બોલ્યા.
અને અભયભાઈ પચ્ચીસ વરસ પહેલાના સમયમાં ઉતરી પડયા. મધ્યમ વર્ગના કુટુંબનો છોકરો એક રૂમ રસોડાના સરસપુરના ઘરમાંથી
માંડવીની પોળમાં પૈસાદાર બાપની એકની એક દીકરી માલતીને જોવા આવ્યો હતો. તેની આવડત, ભણતર અને દેખાવ માલતીને અને તેના મમ્મી પપ્પાને ગમી ગયા હોય તેમ લાગ્યું, પછી પર્સનલ ઈન્ટરવ્યુંને અંતે માલતીએ પુછયું 'આપણે હનીમુન માટે સિમલા જઈશું કે દાર્જિલિંગ ? મને ફાઈવસ્ટાર હોટેલનું પંજાબી ફૂડ બહું ભાવે છે. ખવડાવવા અઠવાડિયે એક વખત લઇ જશો.'
'બેટા, મેં ચોખ્ખી ના પાડી. અત્યારે તો મારી તાકાત નથી. એકવાર પૈસા કમાવા દે , પછી બધે ચોક્કસ લઇ જઈશ. બહાર હોટેલનું પંજાબી ખવડાવીશ અને બધે ફરવા પણ લઇ જઈશ.'
'તો તો પપ્પા, માલતીએ ના પાડી હશે ને! આવા કંજુસ કડકાને ક્યાંથી હા પાડે ?' અંકિતાએ સીધું પુછી લીધું.
'ના બેટા, આ સામે બેઠી મનાલી, તારી મમ્મી, એજ માલતી છે, અમે તેના લગ્ન પછી તેનું નામ પણ ફરવાના સ્થળ પરથી રાખ્યું હતું.'
'તો તમારો વાયદો ? શું થયું એનું ?' હવે અંકિતાને રસ પડી ગયો.
'બેટા, મારી મહેનત ફળી, અને છેલ્લા દસ વરસથી તારી મમ્મીને હું બેંગકોક, ટોરન્ટો, ન્યુયોર્ક, પેરીસ ફરવા તો જઈએ જ છીએ ને ! અઠવાડિયે એક વખત હોટેલમાં ખાવા પણ જઈએ છીએ. છોકરાના બાપનાં પૈસા નહિ, મહેનત કરીને તે કેટલું કમાઈ શકે એ જોવું જોઈએ.'
અંકિતા વિચારમાં પડી ગઈ. તેને તેની ભુલ સમજાઈ, છોકરાના પપ્પાની આવક અને કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તેણે ખર્ચ કરવાનો હોય છે.
ત્યાંતો આનંદના પપ્પનો ફોન આવ્યો અભયે દીકરી સામે જોયું. અંકિતાએ શરમાતા હા પાડી.
લાસ્ટ સ્ટ્રોક
લગ્નો નક્કી થતી વખતે માબાપનો આર્થિક દરજ્જો જોવાય છે. પણ અંગત લાયકાત, ધગશ, અને મહેનત જ ભવિષ્યના દશ વર્ષમાં બાજી પલટી શકે છે. માટે હમેશા ભણતર, લાયકાત અને સ્વભાવને જ પંસદગીમાં અગ્રીમતા આપો.


