એકાઉન્ટન્ટ ઉમેશ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- આ ઘરમાં રહેવાનું મન જ થતું નથી. ખાલી કરીને ગામડે જતા રહેવાનું વિચારું છું.'
'ઉ મેશ, આજે સાવ ચિંતિત કેમ લાગે છે? હું ક્યારનો જોઉં છું, તું કામ ને બદલે વિચારોમાં જ ખોવાયેલો લાગે છે.' વિપુલભાઈએ પોતાની ઓફીસના એકાઉન્ટન્ટ ઉમેશને પૂછયું.
વિપુલભાઈને કન્સ્ટ્રકશનનું કામકાજ મોટું હતું. બાપદાદાની આંબલી અને બોપલની જમીનોના કરોડો રૂપિયા ઉપજી રહ્યાં હતાં. તેમની પોશ એરિયામાં ચાર સ્થળોએ લકઝરીયસ ફ્લેટોની સ્કીમો ચાલી રહી હતી. તેમની ઓફીસ ગુલબાઈ ટેકરા પર હતી, જેમાં કુલ વીસ માણસોનો સ્ટાફ હતો. યુવાન વયે જ બિલ્ડર બનેલા વિપુલભાઈના પત્ની વનિતાબેન યુવાન, રૂપાળા, આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં જાજરમાન મહિલા હતી. હજુ લગ્નને ચાર જ વરસ થયા હતા, પણ ભગવાને સંતાન આપેલ નહીં. વિપુલભાઈની ઓફિસમાં જ બાજુના ટેબલ પર એકાઉન્ટન્ટ ઉમેશનું કોમ્પ્યુટર ગોઠવાયેલું હતું. ઉમેશે એકાઉન્ટિંગ અને કોમ્પ્યુટરના કોર્સ કરેલા હતા, અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતો હોવાથી વિપુલભાઈ તેના તરફ આકર્ષાયા હતા. દોસ્તી થવા લાગી હતી. બન્નેની ઉંમર પણ સરખી અને સાથે જ ભોજન અને ચા-પાણી થતા હોવાથી સંબંધો શેઠ અને એકાઉન્ટન્ટના બદલે દોસ્તીના થઇ ગયા હતા. 'વિપુલભાઈ, મારૂ તો ઘર તુટી ગયું. હવે જીવનમાંથી રસ જ ઉડી ગયો છે.' ઉમેશે નિરાશાપુર્વક કહ્યું.
'કેમ આવું કહે છે, માંડીને વાત કર, તો સમજ પડે.' વિપુલભાઈને હવે વાતમાં રસ પડવા લાગ્યો. 'વિપુલભાઈ, અમારે ગામથી કેતન ગ્રેજ્યુએટ થઈને અમદાવાદમાં નોકરી શોધવા આવ્યો હતો. મારો ખાસ નાનપણનો મિત્ર અને દુરનો સગો થતો હોવાથી મેં આગ્રહ કરીને મારે ઘરે જ તેને રાખ્યો. દરરોજ સવારે તે નોકરીની શોધમાં નીકળી જાય અને છેક સાંજે ઘરે આવે, પણ આજકાલ નોકરી ક્યાં મળે છે?' ઉમેશે કહ્યું. 'તો પણ એમાં બન્યું શું?' હવે વિપુલની જાણવાની જીજ્ઞાસા વધી ગઈ. 'હવે જ હું મુદ્દાની વાત પર આવું છું. મારી પત્ની ઉર્વિને તે ઓળખતો હતો. તેથી ભાભી ભાભી કહીને નાની મોટી દરેક બાબતોમાં મદદ કરતો રહેતો. ઉર્વિ પણ પછી તો તેને નાના મોટા કામ શાક લઇ આવો, દહીં વેચાતું લઇ આવો, વિગેરે કામ પ્રેમથી સોંપવા લાગી. હું તો નવથી સાંજના સાંત સુધી અહીં ઓફિસમાં જ હોઉં. રાત્રે ઘરે પહોચું ત્યારે ઉર્વિ તેના જ વખાણ કરતી હોય, તેમાં જ લોચો પડી ગયો.' ઉમેશે રડમસ ચહેરે કહ્યું. 'શું થયું?' વિપુલભાઈ ઉશ્કેરાયા.
'ગઈકાલે હું ઘરે પહોંચ્યો, ત્યારે ઘરે તાળું લટકતું જોઈ, મને નવાઈ લાગી. મેં બાજુવાળા પાડોશીને પૂછપરછ કરતાં ખબર પડી કે ઉર્વિ અને કેતન બપોરે બેગ ભરીને મુંબઈ જતા રહ્યા છે. હું બેસી પડયો, ત્યાં મારા મોબાઈલ પર કેતનનો મેસેજ આવ્યો, અમે મુંબઈ જઈ લગ્ન કરવાના છીએ, અમને શોધવાની તકલીફ ના લેતો. ત્યાર પછી મેં બંનેના મોબાઈલ અનેક વખત લગાવ્યા પણ તે બંધ જ આવે છે. આવડા મોટા મુંબઈમાં હું તેમને ક્યાં શોધું ?' ઉમેશ રડી પડયો. હવે મારૂ મન ઉઠી ગયું છે. આ ઘરમાં રહેવાનું મન જ થતું નથી. ખાલી કરીને ગામડે જતા રહેવાનું વિચારું છું.'
'જો જે, એમ કરતો', વિપુલભાઈ તેના ખાસ દોસ્ત જેવા એકાઉન્ટન્ટને ગુમાવવા તૈયાર ન હતા. 'એમ કર મારા બંગલાની બહાર બે રૂમનું ગેસ્ટહાઉસ છે, તેમાં થોડો વખત રહે, મન શાંત થયે તારું ઘર શોધી લેજે.' હા, ના, કરતાં ઉમેશે તેની ઓફર સ્વીકારી લીધી, અને બીજા દિવસે સામાન સાથે તેના ગેસ્ટહાઉસમાં રહેવા આવી ગયો. 'આવા અજાણ્યા માણસને તમે ક્યાં રહેવા ગેસ્ટહાઉસ આપી દીધું.' કહેતા તેની પત્ની વનિતા બગડી.
'ડાર્લિંગ, આ અજાણ્યો નથી. મારો મિત્ર અને એકાઉન્ટન્ટ ઉમેશ છે, જે બે ત્રણ મહિનામાં પોતાનું ઘર શોધી જતો રહેશે. તને પણ કંપની આપશે અને મદદ કરશે.' વિપુલે પ્રેમથી વનિતાને સમજાવતા કહ્યું. વનિતા ગુસ્સે થઈને જતી રહી. શરૂઆતમાં તો તેણે ઉમેશ સામે જોયું પણ નહિ. બીજા અઠવાડિયે સાંજે કલબથી આવતા તે કમ્પાઉન્ડમાં લપસી પડી.
'સંભાળજો ભાભી', કહીને ઉમેશ દોડયો અને તેને ટેકો આપીને ઉભી કરી. વનિતાએ 'થેંક્યું' કહીને ઘરેથી ચહા મોકલાવી. પછી તો ગરમ નાસ્તો, ચહા પાણી વિગેરે તે ઉમેશ માટે મોકલવા લાગી.
તેના નાનામોટા કામ પણ ઉમેશ પ્રેમથી કરવા લાગ્યો. મહિના પછી વિપુલને કંપનીના કામે દિલ્હી ત્રણ દિવસ જવાનું થયું. તેણે ઉમેશને પણ દિલ્હી આવવા આગ્રહ કર્યો, પણ ઉમેશે કહ્યું 'ના, ના, વિપુલભાઈ, બે દિવસથી મારી તબિયત નરમ ગરમ રહ્યા કરે છે. મને આરામ કરવા દો.
ત્રણ દિવસ પછી થાકેલો વિપુલ રાત્રે દિલ્હીથી ઘરે આવ્યો, તો ઘરે બિલ્કુલ અંધારૂ. દરવાજે મોટું તાળું લટકે. 'અરે ! આ વનિતા કેમ દેખાતી નથી?'
તેણે તરત ઘરઘાટીને મોબાઈલ જોડયો, 'રામજી, શેઠાણી ક્યા? તું ક્યાં છે?'
'શેઠજી, શેઠાણીએ તો મને બપોરે બે દિવસની રજા આપી, અને પોતે ડ્રાઈવર સાથે બહાર જવાના છે, તેમ કહ્યું.'
વિપુલ ચિડાયો, તેણે ડ્રાઈવર હરીલાલને મોબાઈલ જોડયો.
'હરીલાલ, મેડમ ક્યાં છે?'
'શેઠજી, આપની પાસે નથી આવ્યા? સાંજે તે અને ઉમેશભાઈ બેગ ભરીને એરપોર્ટ ઉતરી ગયા, અને કહ્યું કે, દિલ્હી શેઠ આગળ જઈએ છીએ. તમારી સાથે નથી?' હરીલાલને નવાઈ લાગી.
'અરે મૂરખ, હું તો આજે રાત્રે જ ઘરે આવવાનો હતો.' વિપુલ ગુસ્સે થયો.
'મને શું ખબર ? મારે તો શેઠાણી કહે તેમ કરવુ પડે ને !' ડ્રાઈવરે જવાબ આપ્યો.
પોતાની ચાવીથી ઘર ખોલી તે અંદર ગયો. ડાઈનીંગ ટેબલ પર ચિઠ્ઠી પડી હતી.
'પ્રિય વિપુલ,
હું અને ઉમેશ તને છોડીને બેંગલોર જતા રહ્યા છીએ, અને લગ્ન કરવાના છીએ. તારા કરતા તો ઉમેશ મારી વધારે કેર અને પ્રેમ કરે છે. તને તો મારા માટે જરા પણ ટાઈમ નથી. ડોકટરે તારા રિપોર્ટ જોઈને કહ્યું હતું કે તું બાપ બની શકે તેમ નથી, તો પછી આખું જીવન તારી સાથે રહેવાનો શું ફાયદો?' અમને શોધવાની દોડાદોડી ન કરતો. અમે બન્ને અમારી મરજીથી લગ્ન કરવાના છીએ.
- વનિતા.
આ વાંચતાં તો વિપુલ ગુસ્સે થઇ લાલપીળો થઇ ગયો. તેણે વિચાર્યું મેં મારા પગ ઉપર જાતે જ કુહાડો માર્યો.
લાસ્ટ સ્ટ્રોક
અજાણ્યા માણસોને પારખ્યા વગર ક્યારેય ઘરમાં રાખવા નહીં, ક્યારેક મોટો વિશ્વાસઘાત થઇ શકે છે, જેના લીધે જિંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે.