વાહ નિરાલી વાહ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- તેને મનમાં ડર લાગવા લાગ્યો આ અંકલ ભાંડો તો નહિ ફોડે ને!
પ રિમલ ગાર્ડનમાં પાંચ રાઉન્ડ મારીને ફાઈવસ્ટાર હોટલ સ્ટાર ડાયમંડનાં મેનેજર અશોક વર્મા થાકીને બેંચ પર બેસી ગયા. ત્રીસ વરસોમાં હોટલમાં તેમણે ભાતભાતના અનેક જાતિના લોકોને ઉતરતા અને આનંદ કરતા જોયા હતા. હોટલમાં ફક્ત એક દિવસ અને એક રાત્રિનું રોકાણ કરીને જતા રહેતા કપલોનો વિચાર કરતા તે સહેમી ગયા, કેવા અનૈતિક કામો કરવા લોકો ફાઈવસ્ટાર હોટલનો ઉપયોગ કરે છે, પણ શું થાય ? પૈસા આપે એટલે રૂમ તો આપવી જ
પડે ને!
ત્યાં તો સામેથી ઉતરી ગયેલું ડાચું, રોતલ સુરત સાથે આવતા આધેડને જોઈ તે વિચારમાં પડી ગયા. અરે ! આ તો મારો સ્કુલ ફ્રેન્ડ ધનસુખ દેસાઈ જ લાગે છે, પણ તે સાવ મરિયલ કેમ ચાલે છે? માથામાં ટાલ, ડાબલા જેવા ચશ્માં અને ફાટલા કપડાં સાથે ધનસુખને જોઈ અશોક ચિંતામાં પડી ગયો.
'અરે ધનસુખ ઓળખાણ પડી, હું અશોક, આપણે સ્કુલમાં સાથે હતા, કેમ ચાલે છે, બધું.' અશોકે પરિચય આપતા કહ્યું. હજુ ધનસુખને યાદ આવતું ન હતું. પછી એકદમ યાદ આવતા તેણે અશોકનો હાથ પકડી લીધો.
રોતલ અવાજે જવાબ આપતા ધનસુખે કહ્યું. 'બહુ વરસે મળ્યા, કેમ છે અશોક ? કેમ છે બધા તારા ઘેર ?'
'હું તો મજામાં છું, અત્યારે સ્ટાર ડાયમંડ હોટલમાં મેનેજર છું, તું કેમ છે ?' અશોકે કહ્યું.
'મારી તો દશા બેસી ગઈ છે, મારા પત્નીનું કોરોનામાં અવસાન થઇ ગયું. અત્યારે કાઈ કામકાજ નથી અને ચાર છોકરીઓને પરણાવવાની જવાબદારી બાકી છે. હું બહુ ભણ્યો નહિ એટલે પ્રાઈવેટ કંપનીમાં નામું લખતો હતો, પણ હવે કોમ્પ્યુટર આવતા નોકરી છૂટી ગઈ છે.' રડમસ અવાજે ધનસુખે જવાબ આપ્યો.
'તો ઘર ચાલે છે, કઈ રીતે ?' અશોકને નવાઈ લાગી.
'આ તો સારું છે, મારી મોટી દીકરી નિરાળી બહુ સમજુ અને ડાહી છે. તે અઠયાવીસ વરસની થઇ પણ લગ્નની ના પાડે છે અને ઘર ચલાવવાની જવાબદારી પણ ઉપાડી લીધી છે.' ધનસુખે તેની દીકરીના વખાણ કરતા કહ્યું.
'કેમ તેને લગ્ન નથી કરવા ? યુવાન દીકરી સામેથી કેમ લગ્નની નાં પાડતી હશે.?' અશોકને નવાઈ લાગી.
'નિરાલી તો તેની નાની ત્રણ બહેનોને પરણાવવા અને ઘર ચલાવવાની જવાબદારીમાં પોતાના લગ્ન કરવાનો તો નન્નો જ ભણે છે. તેને માટે સામેથી છોકરાઓના માગાં આવે છે, પણ તે હા જ નથી પાડતી' ધનસુખે જવાબ આપ્યો.
'ચાલો, તારી મોટી દીકરીને લીધે આખું કુટુંબ સુખી છે, સારું કહેવાય.' અશોકને ધનસુખની મોટી સમજુ દીકરી નિરાલી માટે માન થઈ ગયું.
'તું ક્યા રહે છે,? તને કારમાં મુકતો જાઉં' અશોકે કહીને ધનસુખનો હાથ પકડી લીધો. ધનસુખ તો આંબાવાડીમાં સાવ નાના ચાલી જેવા ઘરમાં ભાડે રહેતો હતો, તેથી શરમમાં ના પાડતો હતો, પછી માંડ માંડ તૈયાર થયો.
રસ્તામાં ધનસુખ તેની મોટી દીકરીનાં વખાણ કરતા થાકતો ન હતો. આંબાવાડી બજારમાં થઇ આગળ જતા રહેઠાણોની કોલોની પાસે ઘર આવતા ધનસુખ ગાડીમાંથી ઉતરી આગ્રહ કરી અશોકને પોતાને ઘેર લઇ ગયો. પોતાની મોટી દીકરી નિરાલીને તેની પાસે બહારના રૂમમાં બેસાડી તે ચાની વ્યવસ્થા કરવા બહાર ગયો. બીજી બહેનો બહાર કોલેજમાં અને ટયુશન કલાસમાં હતી.
અશોક નિરાલીને જોઈ ચોંકી ગયો. અરે આ તો ગયા સપ્તાહમાં આવેલ મીસીસ શર્મા જ લાગે છે. તેને આખો પ્રસંગ યાદ આવી ગયો. લક્ઝરી રૂમ માટે બંનેનું આધાર કાર્ડ જરૂરી હતું, પણ મીસીસ શર્મા પાસે ન હતું, પરંતુ તેમને એ વખતે યાદ આવ્યું કે, આજ છોકરી ગયા મહીને મીસીસ કાપડિયા બનીને આવી ત્યારે પણ તેનું આધાર કાર્ડ ન હતું. મિ. કાપડિયાએ પહેલા ઝગડો કરીને અને પછી રૂપિયા આપીને મામલો સંભાળી લીધો હતો, ત્યારે પણ મેનેજર તરીકે તેમને જ બોલાવ્યા હતા અને મહિના પછી મીસીસ શર્મા પણ આ જ છોકરી ? મેનેજરે તેની મજબુરી સમજી આધાર કાર્ડ વગર જ તેને જવા દીધેલા, શું થાય ? પૈસા આપતા ગ્રાહકોને સાચવવા તો પડે જ ને !
અશોકને ધીમે ધીમે બધું જ યાદ આવતું ગયું.
નિરાલી પણ અશોક અંકલને ઓળખી ગઈ, પછી 'નમસ્તે અંકલ' કહીને નીચું જોઈ ગઈ. તેને મનમાં ડર લાગવા લાગ્યો આ અંકલ ભાંડો તો નહિ ફોડે ને !
'તું મારે ત્યાં બે વખત ગ્રાહક તરીકે આવેલી તે જ છે ને ?' અશોક અંકલે પુછયું.
'અંકલ, ભૂલમાં પણ પપ્પા આગળ કંઈ બોલતા નહિ, પૈસા માટે અને કુટુંબના ભરણપોષણ માટે મારે આ કામ કરવું પડે છે. બેકારીના સમયમાં મને શું કામ મળે ? શું કરું ?' નિરાલી રડવા જેવી થઇ ગઈ.
અશોકભાઈ વિચારમાં પડી ગયા. આવા ગંદા કામ કરતી છોકરીનાં પપ્પાને મિત્ર તરીકે જાણ તો કરવી જ પડે. પણ પાછો તેમનો અંતરાત્મા પોકારી ઉઠયો, જવા દે ને, આખા કુટુંબના ભલા માટે પોતાનાં અંગત જીવન અને સુખોનો ત્યાગ કરનારી યુવાન દીકરી તો ધન્યવાદને પાત્ર જ કહેવાયને ! કોઈકનું સારું થતું હોય તો થોડુંક ગેરકાયદે ખોટું કરવામાં વાંધો શું છે ?
ત્યાં તો ધનસુખભાઈ ચાની વ્યવસ્થા કરીને આવી ગયા. નિરાલી અને અશોક અંકલને પ્રેમથી વાતો કરતા જોઈ તે ખુશ થયા.
'કેમ કેવી લાગી, મારી દીકરી નિરાલી ! પોતે આટલી દેખાવડી છે, પણ અમારે માટે લગ્નની ના પાડે છે.' તેમણે કહ્યું. 'જો તે ન હોત કે તેના લગ્ન થઇ ગયા હોત તો બીજી છોકરીઓનું ભાવિનું અને ઘર ચલાવવાનું રખડી પડત. ! કહેતા ધનસુખભાઈ ભાવુક બની ગયા.
'ખરેખર, વખાણવા લાયક છે, તમારા બધાનો ખર્ચ મહેનત કરીને પોતે ઉપાડનારી નિરાલી ખરેખર ખુબ જ ડાહી અને સમજુ છે.' અશોકભાઈ કહીને બહાર નીકળવા લાગ્યા.
નિરાલી અહોભાવની નજરે અશોક અંકલને જતાં જોઈ રહી, પણ તેની આંખોના ખૂણા ભીના થતા લુછવા અંદર જતી રહી.