- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- કેટલાક લોકો માટે માઈલસ્ટોન એક પથરો જ છે., પણ મારા માટે તો એ આજીવિકા અને જીવન જ છે
અ મદાવાદથી રાજકોટ હાઈવે પર સવારના અગ્યાર વાગ્યે ટ્રાફિક જોરદાર હતો. મોટી મોટી ટ્રકો, બસો અને ગાડીઓ બેફામ જઈ રહ્યા હતા. સરકારી ગાડી પણ રાજકોટથી કે દશ કિમી. આગળ એક સાઈનબોર્ડના પથ્થર પાસે આવીને ઉભી રહી ગઈ.
'સાહેબ, આ એ જ સાઈનબોર્ડ છે, જેના પર ખોટું અંતર લખ્યું છે, રાજકોટ ૧ કિમી. પણ ખરેખર રાજકોટ ૧૦ કિલોમીટર છે.' રાજુભાઈ મુકાદમે તેમના અધિકારી વોરા સાહેબને કહ્યું.
'જીપ ઉભી રાખો, આ પથ્થર તોડવો પડશે. બહુ લોકોની ફરિયાદ આવે છે.' વોરા સાહેબે કહ્યું.
જીપ ઊભી રહી. તેમાંથી વોરા સાહેબ, મુકાદમ રાજુભાઈ અને બે મજુરો મોટો હથોડો લઈને નીચે ઉતર્યા.
તેનાથી ૧ કિમી દુર એક નાનો ચા પાણીનો ગલ્લો દેખાયો. તેમાં થોડા નાસ્તાનાં પેકેટ અને મુખવાસના પેકેટ હતા. તે ગલ્લો ચલાવનાર સાદો મજુર જેવો માણસ હતો મનુભાઈ. થોડે દુર તેની ઝુપડી હતી. તેમાં તેની પત્ની અને બેબી ઝાડ નીચે બેઠા હતા. બાજુમાં ખાટલા પર તેની બીમાર વૃદ્ધ માં સુતી હતી. ત્યાં તો ખબર આવ્યા કે ૧ કિમી દુરનો પથ્થર તોડવા સરકારી માણસો આવ્યા છે, એ સાંભળી મનુભાઈ સાયકલ લઈને તરત ઉપડયા સરકારી જીપ પાસે.
'સાહેબ, આ પથ્થર તોડતાં નહી એ તો મારી રોજીરોટી છે રોજ સવારે તેની પુજા કરું છું. મારા માટે આ પથ્થર ભગવાન છે.' કહેતો તે વોરા સાહેબને કરગરવા લાગ્યો.
'અમે તો સરકારી હુકમથી અહી આવ્યા છીએ. સરકારી કામમાં દખલ કરવાથી જેલ થઈ શકે છે. તેનો ખ્યાલ છે ?' વોરા સાહેબ ગુસ્સે થઇ ગયા.
મનુભાઈ રોતલ ચહેરે પથ્થરની આગળ ઉભા રહી ગયા. સાહેબ ગમે તે કરો, આ મારી રોજી છે, હું નહીં તોડવા દઉં.'
હવે બધાને રસ પડી ગયો. બે મજૂરો તેની સામે જોઈ રહ્યા. મુકાદમ રાજુભાઈએ પુછયું, 'એક પથ્થર તારી રોજી કઈ રીતે હોઈ શકે. ગપ્પા મારે છે.'
'સાહેબ, રૂબરૂ જોવું હોય તો ચાલો મારા ગલ્લે ચા-નાસ્તો કરવા. ત્યાં હું તમને બધું સમજાવીશ.' મનુભાઈ કરગરીને બોલ્યા.
'સારું,' કહી સરકારી માણસો જીપમાં બેસી ગયા અને પહોંચી ગયા તેના ગલ્લે. ત્યાં થાકેલા પ્રવાસીઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા.
મનુભાઈએ બધા માટે ચા-નાસ્તાનો ઓર્ડર કર્યો અને સમજાવતા કહ્યું, 'સાહેબ, અમે બહુ ગરીબ માણસો છીએ. મારી મા પંચોતેર વરસની છે અને બીમાર જ રહે છે, મારી દીકરીને પણ દમની બીમારી છે. મારા બાપા બે વરસ પહેલા મરી ગયા ત્યારે તેમણે તેમની બચેલી તમામ પુંજી લગાવીને આ ગલ્લો ખોલી આપ્યો હતો. મારી માં અને દીકરીની દવાઓ આ કમાણી પર જ ચાલે છે.' મનુભાઈએ માંડીને વાત કરી.
'પણ તેને આ ખોટા કિમી લખેલા પથ્થર સાથે શું સબંધ છે ?' વોરા સાહેબે આશ્ચર્ય સાથે પુછયું.
'હવે એ વાત પર જ આવું છું, સાહેબ. મેં છ મહિના બહુ મહેનત કરી, પણ ફાસ્ટ ગાડી અને ટ્રકવાળા અહી ઉભા રહે જ નહિ. મારી ઘરાકી જરાપણ નહી. હું બેહાલ થઇ ગયો. મા અને દીકરીની દવાઓ બંધ થઇ ગઈ. હું નિરાશ થઇ શું કરવું શું નહિ તે નક્કી નહોતો કરી શકતો.'
'પછી શું થયું?' હવે વોરા સાહેબને રસ પડી ગયો.
'પછીથી આ ખોટા અંતર વાળો પથ્થર લાગ્યો. લોકો થાકીને એક કિમી. ગાડી ચલાવી મારા ગલ્લે ઉભા રહી પૂછે કે, રાજકોટ કેટલું દુર છે, હું કહું હજી તો નવ કિલોમીટર દુર છે, અહી ચા પાણી કરીને જ જાવ. પછી તો મારી ઘરાકી ચાલવા લાગી.' મનુભાઈ એક શ્વાસે બોલી ગયા.
ત્યાં તો એક કુટુંબ થાકેલું અમદાવાદથી આવ્યું, ગાડી ઉભી રાખી, પુછયું, 'હજી રાજકોટ કેટલું દુર છે?' મનુભાઈ ખુશ થઇ ગયા, 'સાહેબ, હજી તો નવ કિલોમીટર દુર છે, આવો ચા નાસ્તો કરો.' 'બધા ચા નાસ્તો કરવા ગાડીમાંથી ઉતર્યા. વોરા સાહેબે આ જોયું અને તે વિચારમાં પડી ગયા. વોરા સાહેબે ઊંડો શ્વાસ લીધો, 'નિયમ અને હુકમનું પાલન મહત્વના છે, તેની સામે માણસની રોજી અને લાગણી પણ મહત્વની છે.' તે થોડી ક્ષણ મૌન રહ્યા. પછી પોતાના સાથીદારોને કહ્યું, 'હવે હમણાં બોર્ડ ન તોડીએ.'
બધા કર્મચારી એકબીજા સામે જોઈ રહ્યા. કોઈએ વિરોધ કર્યો નહિ, કે કંઈ પુછયું નહિ.
કદાચ તેઓને પણ લાગ્યું કે ક્યારેક કાયદા અને કરુણા વચ્ચે સંતુલન રાખવું પડે.
મનુભાઈની આંખોમાંથી આંસુ સરી પડયા. તેમણે વોરા સાહેબને પગે લાગતા કહ્યું, 'આભાર, સાહેબ, ભગવાન આપનું ભલું કરે અને ખુબ રાજી રાખે.'
અધિકારીઓ જીપમાં બેઠા અને આગળ નીકળી ગયા. પાછળ રહી ગયું, એક ગરીબ કુટુંબ, તેમની રોજી બચી જવાથી ચા ની સુગંધ ફેલાઈ રહી હતી.
મનુભાઈ મનમાં વિચારી રહ્યા હતા, કેટલાક લોકો માટે માઈલસ્ટોન એક પથરો જ છે., પણ મારા માટે તો એ આજીવિકા અને જીવન જ છે.
તે દિવસે વોરા સાહેબ અને સ્ટાફના માણસોને સમજાયું કે મહેનત, નિષ્ઠા અને લાગણી ક્યારેક કાગળના નિયમોથી મોટી બની જાય છે.
લાસ્ટ સ્ટ્રોક :
જીવનમાં રસ્તા અને માઈલ સ્ટોન સાચા કે ખોટા હોઈ શકે, પણ મહેનત અને નિષ્ઠા સાચા હોય તો રસ્તો આપોઆપ બની જાય છે.


