Get The App

વેવાઇની ગેરસમજ .

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
વેવાઇની ગેરસમજ                                        . 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- શંકાનો કીડો એક વખત મગજમાં આવી ગયો, પછી તેને ફૂલતાફાલતા ક્યા વાર લાગે?

અ શોકભાઈના વેવાઈ ડો.ચંદ્રેશ શાહ બહુ જાણીતા કેન્સર સર્જન હતા. કેન્સર સર્જરીમાં શહેરમાં તેમનું નામ થઈ ગયું હતું. સ્વભાવે સાલસ વ્યવહારૂ અને દયાળું ડો.ચંદ્રેશભાઈ હંમેશાં બીજાને મદદ કરવા તૈયાર રહેતા.

અશોકભાઈની દીકરી સ્નેહા અમેરિકામાં સોફટવેર એન્જીનીયર હતી. નોકરી અને પગાર સારા હોવાથી ન્યુજર્સીમાં પોતાના ભાડાએ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેની બાજુમાં જ ડો. ચંદ્રેશભાઈનો દીકરો ડો. અમર ન્યુજર્સીની હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટરની નોકરી કરતા હતા. બંને જુવાન હતા. દેખાવડા હતા, અને બંનેની આંખો મળી ગઈ. અમેરિકામાં બંને લવમેરેજ કરીને સાથે રહેતા હતા. હજુ લગ્નને એક જ વરસ થયેલ હતું. સંતાનમાં કાંઈ જ નહોતું. બંનેના પગાર સારા હોવાથી ડોલરની કોઈ તકલીફ નહતી, પરંતુ દોડાદોડી અને સમયના અભાવે કામકાજ બાબતે બંને વચ્ચે નાની મોટી રકઝક થતી રહેતી.

દિવાળીમાં અશોકભાઈ અને તેમની પત્ની વીણાબેન અમેરિકામાં ફરવા દીકરીને ઘેર જવાના હતા. ટીકીટો બુક થઈ ગઈ હતી. શરદપૂનમ પછીની રાત્રે અમદાવાદથી સીધી ફલાઈટમાં ન્યુજર્સી જવાનું હતું. આગલા અઠવાડીયે અશોકભાઈને ગળામાં ખોરાક ગળવામાં તકલીફ પડતી લાગી. તેમણે વેવાઈ ડો.ચંદ્રેશભાઈને વાત કરી. અમેરિકામાં બીજી વધારે તકલીફ ના પડે એટલે ડો. ચંદ્રેશભાઈએ વેવાઈને તમામ તપાસ અને સારવાર કરાવીને અમેરિકા જવાની સલાહ આપી. 

અશોકભાઈને વર્ષોથી તમાકુ ગુટકાની આદત હતી, જે કોઈ રીતે છુટતી જ ન હતી. બીજા દિવસે સવારે બેરિયમ સ્વોલોની તપાસમાં અન્નનળીના શરૂઆતના ભાગમાં ગાંઠ જેવું આવ્યું. ડો.ચંદ્રેશભાઈએ તરત તેની બાયોપ્સી કરાવવાની ચિઠ્ઠી લખી આપી, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાનો હતો. અશોકભાઈના કમનસીબે રિપોર્ટ આવ્યો, અન્નનળીનું કેન્સર, જે બીજા સ્ટેજમાં પહોંચી ગયું હતું. ઘરના બધા ચિંતામાં ગરકાવ થઈ ગયા. 

અમેરિકાથી દીકરી અને જમાઈ ડો.અમરના દરરોજ ફોન ચાલુ થઈ ગયા. અમેરિકા જવાનો પ્રોગ્રામ રદ કર્યા વગર છુટકારો જ ન હતો. ડો.ચંદ્રેશભાઈએ બધા રિપોર્ટ જોઈ આખી અન્નળી કાઢીને, જઠરના સ્નાયુઓની નવી અન્નનળી બનાવી ઓપરેશન કરવાની સલાહ આપી. પછીથી છ રાઉન્ડ કીમોથેરાપીના પણ જરૂરી હતા. દરેક જગ્યાએ ડો.ચંદ્રેશભાઈ વેવાઈની સાથે રહેતા. અશોકભાઈ અને વીણાબેન ડો.ચંદ્રેશભાઈના હાથે જ શહેરની સૌથી સારી હોસ્પિટલમાં ઓપરેશનનું નક્કી કરી નાખ્યું. અશોકભાઈને ડર તો ખૂબ જ હતો, પરંતુ વેવાઈની સમજાવટ અને હિંમતથી છેવટે તૈયાર થઈ ગયા. 

ડો.ચંદ્રેશભાઈએ ખૂબ જ મહેનત અને ધગશપૂર્વક, છ કલાક મહેનત કરી, બીજા બે નિષ્ણાંત કેન્સર સર્જનોને સાથે રાખી ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન કર્યું.  સવાર સાંજ રાઉન્ડમાં આવીને અશોકભાઈને ચીવટપૂર્વક સમજાવી, હિંમત આપતા રહ્યા. ચૌદ દિવસ ફાઈવસ્ટાર હોસ્પિટલમાં રહ્યા પછી તેમને રજા મળી. પછીની સારવાર તો વેવાઈની ચાલુ જ હતી. 

તપાસના, ઓપરેશનના સારવારના અને રહેવાના થઈને કુલ બીલ આવ્યું ચાર લાખ ત્રીસ હજારનું. અનાયાસે અશોકભાઈ આ વર્ષે મેડિકલેમ રીન્યું કરાવવાનું પણ ભૂલી ગયા હતા. તેથી વિમાનો લાભ મળે તેમ ન હતો. વેવાઈ ડો.ચંદ્રેશભાઈએ તેમના પોતાના અને તેમના બે સર્જન મિત્રોના ઓપરેશનના ચાર્જીસ જતાં કર્યા. પોતાના વેવાઈ પાસેથી બને તેટલા ઓછા ચાર્જ લેવા હોસ્પિટલ સત્તાવાળાઓ ઉપર દબાણ કરી પોતાની વગ વાપરી બહુ સમજાવટ 

અને વિનંતી કરવાથી હોસ્પિટલવાળાઓએ પણ બીજા બધા ચાર્જીસ અડધા માફ કરી દીધા, અને ભરવાના આવ્યા ફકત પચાસ હજાર!!

અશોકભાઈ ગદ્ગદ્ થઈ ગયા. તેમના વેવાઈ ડો.ચંદ્રેશભાઈ જાણે કે ભગવાનના રૂપમાં તેમની સાથે ને સાથે દરેક જગ્યાએ સાથ અને મદદ કરતા રહ્યા. કીમોથેરાપીમાં પણ સાથે રહીને ચાર્જીસ અર્ધા કરાવી દીધા. બધા સગાવહાલાં મોંમાં આંગળા ઘાલી ગયા. આટલું બધું તો સગોભાઈ પણ પોતાના ભાઈ માટે નાં કરે. અશોકભાઈ ધીમે ધીમે સારા થવા લાગ્યા. તેમના વેવાઈની  તન, મન અને ધનથી કરેલ સેવાથી જાણે કે તેમના અહેસાન નીચે દબાઈ જવા લાગ્યા. 

બીજી તરફ અમેરિકામાં સ્નેહા અને અમરનાં લગ્નજીવનમાં ચકમક વધવા લાગી. બન્નેની લાઈન અલગ - એક ડોક્ટર અને બીજી એન્જીનીયર હોવાથી મિત્રમંડળ, ટાઈમ અને વાતચીતના સર્કલમાં મેળ પડતો ન હતો. બન્ને સારું કમાતા હતા. છેવટે અમેરિકાની પરંપરા મુજબ બન્નેએ છુટા પડવાનો નિર્ણય કરી એકબીજાથી જુદા રહેવા લાગ્યા.

અહીં ભારતમાં તેના પડઘા પડવા લાગ્યા. અશોકભાઈને તેની દીકરીની જ વાતો સાચી લાગવા લાગી. તેમને તેમના જમાઈ ડૉ.અમર વધારે ઈગોઈસ્ટીક લાગવા લાગ્યો.

વચેટીયાઓ તકનો લાભ જોઇને જ બેઠા હતા. તેમણે અશોકભાઈની ચડવણી ચાલુ કરી. 'તમારૃં આટલું મોટું ઓપરેશન થઇ ગયું પણ બીજા કોઈનો ઓપિનિયન લીધો હતો કે નહિ ? કાચાકાનનાં અશોકભાઈ વિચારમાં પડી ગયા, તો વળી બીજા કાન ભંભેરણીવાળાએ કહ્યું, 'આખી અન્નનળી કાઢી નાખી, પરંતુ ખરેખર કેન્સરનું નિદાન સાચું હતું કે પછી વેવાઈ ડૉ. ચંદ્રેશનાં કહેવાથી ખોટેખોટા બનાવેલા ?'

અશોકભાઈ ચોંકી ગયા, તેમને વાત સાચી લાગી. તે વિચારવા લાગ્યા, 'આમ, અહેસાન જતાવીને વેવાઈ, મારી દીકરીને તેના દીકરાના દાબમાં તો નથી રાખવા માંગતા ને ?'

શંકાનો કીડો એક વખત મગજમાં આવી ગયો, પછી તેને ફૂલતાફાલતા ક્યા વાર લાગે ? અશોક્ભાઈના મગજમાં એક જ વિચાર આવવા લાગ્યા કે, વેવાઈએ કેન્સરનું ખોટું નિદાન કરીને, મોટા ઓપરેશનો કરીને મને અહેસાન તળે દબાવી દીધો છે. તમામ તપાસ કરવાવાળા પેથોલોજીસ્ટ, એક્સરેવાળા, હોસ્પિટલવાળા બધા તેમના જ સૂચિત કરેલા હતા ને તેથી તેમનું ધાર્યું નિદાન કરે ને !

બીજા જ દિવસે અશોકભાઈએ દરેક જગ્યાએ જઈને ઉંધી પૂછપરછ કરી આ બાબતની ચોખવટ માંગવા માંડી, કેન્સરનું નિદાન સાચું  હતું કે પછી ચંદ્રેશભાઈનાં કહેવાથી ખોટું ચલાવ્યું હતું ? લેબવાળા, એક્સ રે વાળા આશ્ચર્યચકિત થઇ ગયા. આવા ખોટા રીપોર્ટ અમે ક્યારેય આપતા જ નથી. એક પછી એક ફોન ડૉ. ચંદ્રેશભાઈ ઉપર જવા લાગ્યા. ડૉ.ચંદ્રેશભાઈ અવાક થઇ ગયા. જેની જિંદગી બચાવવા દિવસ રાત જોયા વગર પુરા તન, મન, ધનથી મહેનત કરી, બધાં બીલો નહિવત કરાવી દઈને વેવાઈને બચાવી લીધા. તેનો આવો બદલો ? 

અશોકભાઈને હવે બહુ ગુસ્સો ચડતો હતો તેમણે વેવાઈને ફોન જોડયો, 'શું ચંદ્રેશભાઈ, તમે મને ખોટો તમારા ઉપકાર તળે દાબવા ખોટેખોટા કેન્સરના રીપોર્ટ બનાવડાવી મારા મોટા ઓપરેશનો કરી નાખ્યા એક ડોક્ટર થઈને આવા ખોટાં કાવાદાવા કરતા શરમ ન આવી?'

આ સાંભળી ચંદ્રેશભાઈ તો અવાક બની ગયા. વેવાઈ આ શું મન ફાવે તેમ બોલે છે ?

મનમાં એકવાર ખોટા વિચારો આવવા લાગે છે ત્યારે સાચાખોટાનો ભેદ ભૂલી જાય છે. ડોક્ટર ક્યારેય દર્દીને નુકશાન થાય તેવું કે ખોટો ખર્ચો થાય તેવું કરે જ નહિ, વળી પાછા આ તો વેવાઈ હતા. પોતાની દીકરીનો સંસાર સમજાવટથી બચાવવાને બદલે આવી વિચારધારા ?

ડૉ.ચંદ્રેશભાઈનું સંસાર, દુનિયાદારી, વ્યવહાર વિગેરે શબ્દો પરથી વિશ્વાસ ઉઠી ગયો તેમણે પોતાની ધમધોકાર પ્રેક્ટીસ છોડી, સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગતા દિક્ષા લઇ મહારાજ સાહેબ થવાનો નિર્ણય લઇ લીધો અને ડોક્ટર મહારાજ બની ગયા. અમેરિકામાં સ્નેહા અને ડૉ.અમરને પોતાની ભૂલ સમજાવા લાગી. બે વાસણ નજીક પડયા હોય તો થોડું ખખડયા કરે, પણ તેનાથી કાયમ માટે થોડું જુદા થઇ જવાય છે, અને બન્ને પાછા એક થઇ ગયા. અશોકભાઈ અને વીણાબેન પણ ઉતાવળ કરવા બદલ પસ્તાઈ રહ્યા હતા.

બધા ડોક્ટર મહારાજને ફરી મનાવવા ગયા પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. શ્વેત વસ્ત્રધારી ડોક્ટર મહારાજ સાહેબે, ખુલ્લા પગે નવકાર મંત્ર બોલતા સવારના નવકારશી માટે ચાલતી પકડી.

બધાની આંખોમાંથી હજુ આંસુઓનો પ્રવાહ વહેતો જ હતો.