- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- આરોહી આકાશનો ગાડી સાથેનો ફોટો બધાને બતાવી કહે, 'જુઓ, આકાશ તો ગ્રોસરી સ્ટોર અને મોટલનો માલિક થઇ ગયો છે
'ર મીલાબેન, અમારી જાનવીનું તમારા આકાશ સાથે ગોઠવી કાઢો ને.' ખેડા જીલ્લાના સીતાપુર ગામના મુખી કાનજીભાઈ આકાશના મમ્મીને વિનવી રહ્યા હતા.
'પણ એની સગાઇ તો સવજીભાઈની અવની સાથે થઇ ગઈ છે.' રમીલાબેને કહ્યું.
'એમાં શું છે ? સગાઇ તો તોડી શકાય ને, હજી લગ્ન ક્યાં થયા છે ?' મુખીએ સમજાવતા કહ્યું.
'ના, એમણે આકાશના અમેરિકાની પ્લેનની ટીકીટના અને કોલેજની ફી ના પૈસા આપેલા છે.' રમીલાબેને તેમની મૂંઝવણ જતાવી.
'હું તેના કરતા ડબલ રૂપિયા આપીશ.' મુખી કાનજીભાઈએ લલચાવતા કહ્યું.
રમીલાબેન વિચારમાં પડી ગયા. તેને લાગ્યું વાત તો સાચી છે. તેણે વિચારીને કહ્યું, 'સારું, હું આકાશ સાથે વાત કરીને જવાબ આપીશ.' મુખી કાનજીભાઈ ખુશ થતાં ઘરે ગયા.
સીતાપુર ગામના બે ત્રણ યુવકો અમેરિકા જઈને મોટેલોના માલિક બની ઘરે ડોલરનાં રૂપિયા કરીને મોકલી રહયાં હતા. આકાશને પણ વધારે પૈસા કમાવા અમેરિકા જવાની લાલચ થઇ. તેના પપ્પાનું બે વરસ પહેલા જ મોત થયું હોવાથી, માતા રમીલાબેન માંડમાંડ નાનામોટા કામ કરી ગુજરાન ચલાવી રહયાં હતા. આકાશ ભણવામાં ઠીકઠીક હતો. તેણે તેના મમ્મીને વાત કરી, 'મમ્મી, મારે કોઇપણ રીતે અમેરિકા પહોંચી ડોલર કમાવા છે, પછી હું તમને પણ સારા એવા રૂપિયા મોકલતો રહીશ.' આ સાંભળી રમીલાબેન અને તેની બહેન આરોહી ખુશ થઇ ગયા.
'પણ જવાના પૈસાનું શું ?' રમીલાબેને પ્રશ્ન કર્યો. આકાશે અમદાવાદ આવી બધા એજન્ટોનો સંપર્ક કર્યો. બધાએ એક જ અભિપ્રાય આપ્યો , 'ત્યાં કોઇપણ કોર્સમાં એડમીશન લઇ સ્ટુડન્ટ વિઝા પર ત્યાં પહોંચી પછી, ત્યાં જ રહી જવાનું.' આકાશને આઈડિયા ગમી ગયો, પણ જવાના અને એક ટર્મ ફીના પૈસા ક્યાંથી લાવવા ? આવી ગેરકાયદે રીતે બધા રહે જ છે ને અમેરિકામાં ?
રમીલાબેનને યાદ આવ્યું. 'સામેવાળા સવજીભાઈ તેની દિકરી અવનીના તારી સાથે વિવાહ કરવા માંગે છે, તેને વાત કરીએ.'
સવજીભાઈ તૈયાર થઇ ગયા. તેમણે આકાશના જવાના અને એક ટર્મ ફી ના રૂપિયા આપ્યા. અવનીની સગાઇ આકાશ સાથે થઇ, અને આકાશ કમાઈને આવે પછી લગ્ન કરવાનું નક્કી થયું.
આકાશ ન્યુજર્સી પહોંચી ગયો. એક ટર્મ પછી બીજી ટર્મના પૈસા લાવવા ક્યાંથી ? આકાશે ભણવાનું છોડી દેવું પડયું. પરત આવવાને બદલે ત્યાં જ ગેરકાયદે રહી કમાવાનું ચાલુ કરી દીધું.
આકાશને વોલમાર્ટમાં મજુરીનું કામ મળી ગયું. સ્ટોરમાંથી જે માલ વેચતો જાય, એ તેણે ગોડાઉનમાંથી લાવી સ્ટોરમાં ગોઠવવાનું કામ હતું. રાત્રે તેણે પેટ્રોલપંપમાં કામ કરવાનું ચાલુ કર્યું. આકાશ દિવસમાં સોળથી અઢાર કલાક સખત મજુરીનું કામ કરી થાકીને લોથપોથ થઇ જતો. તેના જેવા ચાર પાંચ ગુજરાતી યુવકો એક રૂમ શેર કરી રહેતા હતા. ખાવાપીવાના પણ ઠેકાણા નહીં.
આકાશને નોકરી મળી ગઈ, જાણી રમીલાબેન અને આરોહી ખુશખુશાલ થઇ ગયા. તેમણે તેમના મહોલ્લામાં પેંડા વહેંચી બધાને જાણ કરી. 'આકાશને નોકરી મળી ગઈ, હવે ડોલર કમાવા લાગ્યો છે.'
આખા મહોલ્લામાં, નાના ગામમાં વાહવાહ થવા લાગી. બહુ મહેનત અને મજુરી કરી છ મહિના બાદ આકાશે પહેલા હજાર ડોલર મોકલી રમીલાબેનને જાણ કરી. પોતાના ખાતામાં એસી હજારથી વધારે રૂપિયા જમા થતા રમીલાબેન અને આરોહી ઉછળી પડયા.
આકાશે વોલમાર્ટની બહાર ઉભેલી બીજા કોઈની ટેસ્લા ગાડી પાસે ઉભા રહી ફોટા પડાવી આરોહીને મોકલી આપ્યા.
રમીલાબેન ખુશ થઇ ગામમાં પોતાની જ્ઞાતિના બારસો કુટુંબમાં મીઠાઈ વહેંચવાનું નક્કી કર્યું. જે ઘરે જાય ત્યાં આરોહી આકાશનો ગાડી
સાથેનો ફોટો બધાને બતાવી કહે, 'જુઓ, આકાશ તો ્રગ્રોસરી સ્ટોર અને મોટલનો માલિક થઇ ગયો છે. અમને તેણે ડોલર પણ મોકલવાના ચાલુ કરી દીધા.'
જમનાબેને વખાણ કરતાં કહ્યું. 'વાહ, રમીલાબેન તમારા તો ભાગ્ય ઉઘડી ગયા. હવે તમારી આરોહી માટે પણ સારા છોકરાઓના માંગા આવવા લાગશે.'
'હા, હા, કેમ નહીં.' રમીલાબેને ગર્વથી કહ્યું ધહવે તો આરોહીને પણ અમેરિકા આકાશને ઘરે મોકલવી છે. 'ત્યાં વળી કાંતિભાઈ બોલ્યાં, 'વાહ રમીલાબેન, હવે તો તમે આ એક રૂમનું ઘર બદલી મોટા બંગલો અને ગાડી ખરીદશો ને, તમારા નસીબ ઉઘડી ગયા.' રમીલાબેને હોંશે હોંશે જવાબ આપ્યો. 'આકાશને કામ બહુ રહે છે, ટાઈમ જ નથી મળતો. એક વખત ટાઈમ કાઢી અહીં આવે, પછી બધી ખરીદી કરીશું.'
આરોહીએ આકાશનો ગાડી સાથેનો ફોટો તેના ગુ્રપમાં વાઈરલ કરી દીધો. ગામની છોકરીઓના સપનામાં આકાશ જ આવવા લાગ્યો. ગામના મુખી સવજીભાઈની એકની એક દિકરી જાનવીને પણ ફોટો ગમી ગયો, અને તેણે પણ અમેરિકા જવાની જીદ પકડી. 'બેટા, આકાશની સગાઈ તો સવજીભાઈની અવની સાથે થઇ ગઈ છે.' કાનજીભાઈએ સમજાવતા કહ્યું. 'એ હું કાંઈના જાણું. હજી તો સગાઇ જ થઇ છે ને લગ્ન ક્યાં થયા છે.' જાનવીની જીદ આગળ કાનજીભાઈ નમી ગયા. તેમણે પૈસાના જોરે રમીલાબેનને સગાઇ તોડવા મનાવી લીધા.
એક વખત મનમાં વધારે રૂપિયાની લાલચ આવી જાય, પછી તેને સાચા ખોટા, સારા નરસાનું ભાન રહેતું નથી. રમીલાબેન પહોંચ્યા સવજીભાઈના ઘરે. 'સવજીભાઈ, તમારી અવનીની અમારા આકાશ સાથેની સગાઇ ફોક સમજો.' તેમણે કહ્યું.
'પણ કેમ?' સવજીભાઈ ગુસ્સે ભરાયા. 'હવે અમે આકાશના લગ્ન મુખીની જાનવી સાથે કરાવાના છીએ.' રમીલાબેને મક્કમતાથી કહ્યું.
'એમ તે કાંઈ ચાલતું હશે. મેં આકાશના જવાના અને ફીના પૈસા કાઢેલા છે.' હવે સવજીભાઈ ગરમ થઇ ગયા. 'એમાં શું છે ? એ અમે આકાશ આવે એટલે પરત કરી દઈશું.' રમીલાબેને પણ જવાબ આપ્યો. વાદવિવાદ અને ઝગડો વધી ગયો. લોકો ભેગા થઇ ગયા. ત્યાં તો દુરથી આકાશને બેગ સાથે આવતો જોઈ રમીલાબેન ચમકી ગયા, 'અત્યારે અચાનક કેમ ?' 'મમ્મી, અમેરિકામાં નવા પ્રમુખના ઓર્ડરથી દરેક ગેરકાયદે વસાહતીઓને પકડી પકડીને પોતાને દેશ પરત મોકલી રહયાં છે, એમાં મારો નંબર આવી ગયો.' આકાશે રડમસ અવાજે નીચું જોઈ જવાબ આપ્યો. ચારે તરફ સોંપો પડી ગયો. રમીલાબેન આકાશનો હાથ પકડી ઘરે લઇ ગયા, અને બે દિવસ સુધી ઘરની બહાર નીકળ્યા જ નહીં. આકાશ શરમનો માર્યો ઘરમાં જ બેસી રહ્યો.
લાસ્ટ સ્ટ્રોક:
પરદેશમાં ગેરકાયદે રહી કમાવું બધાને ગમે છે, પણ પછી ક્યારે કાયદા બદલાય અને નીચી મુંડીએ પરત આવવું પડશે, તે ખ્યાલ રાખવો.


