Get The App

સાચા પ્રેમની જીત .

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
સાચા પ્રેમની જીત                                     . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

લ ગ્નમંડપ બરાબર સજાવેલ હતો. શરણાઇના સૂરો વાગી રહ્યાં હતાં. પ્રેમદા, તેના માબાપ તથા સર્વ સગાઓ માંડવામાં સુંદર તૈયાર થઈને જાનની રાહ જોઈ રહ્યા હતા. ચારે તરફ ખુશીનો માહોલ હતો.

દૂરથી નાચતાં કુદતા જાનૈયા બેન્ડવાજા સાથે મંડપ તરફ આવતાં દેખાયા, અને ચારેતરફ દોડધામ મચી ગઈ. મંડપના દ્વારે જ વરરાજાને પોંખવા પ્રેમદાના મમ્મી અન્ય સ્ત્રીઓ સાથે આવી પહોંચી. ગોરમહારાજે વિધિ સાથે પોંખવાની ક્રિયા પૂરી કરી. પછી પ્રેમદાએ વરરાજાને હાર પહેરાવવાનો હતો. તેણે હાર પહેરાવવા હાથ ઊંચો કર્યો, કે સાથે જ વરરાજાના મિત્રોએ તેમને ઊંચા કરી દીધા. સામે પક્ષે પ્રેમદાના સગાઓએ તેને વધારે ઊંચી કરી હાર પહેરાવી દીધો. ચારેતરફ વાહવાહ થવા લાગી. 

જાનને અંદર પધારવા પ્રેમદાના પપ્પા મનસુખભાઇ બધાને આગ્રહ કરતાં દેખાયા. મંડપમાં એક તરફ કન્યાપક્ષવાળા તો બીજી તરફ વરપક્ષના સગાઓ ગોઠવાતા જતાં હતા.

ત્યાં દૂરથી મનસુખભાઇએ તેની દીકરીના જૂના પ્રેમી પરિમલ ભટ્ટને આવતો જોયો, અને એનો મૂડ બદલાઈ ગયો.

આ છોકરો અહી ક્યાંથી ? કોણે એને આમંત્રણ આપેલ છે? અહી બબાલ થશે તો લગ્નમાં મુશ્કેલી થશે, આમ વિચારીને મનસુખભાઇએ તેના બે યુવાન પુત્રોને બોલાવી પરિમલને મારીને તગેડી મૂકવાનો ઓર્ડર કર્યો.

પરિમલ સાદા પેન્ટશર્ટમાં શાંતિથી દૂર ઊભો હતો, ત્યાં પ્રેમદાના બે ભાઈઓ તેનો હાથ પકડીને અંદર રૂમમાં લઈ ગયા. અંદર મનસુખભાઇ અને બીજા બે ત્રણ વડીલો ઊભા હતા. આવતાવેત તેમણે પરિમલને બે તમાચા ઠોકી દીધા અને ધમકાવ્યો, 'અહી કેમ આવ્યો છે ?'

'મને મારી પ્રેમિકાનું મોં છેલ્લી વખત જોઈ લેવા દો, પછી તો તે પરણીને સાસરે જતી રહેશે' પરિમલ કરગરતા બોલ્યો. 'તને એક વખત ના પાડી તોય તુ મારી દીકરીનો પીછો છોડતો નથી. મારે તને ધક્કા મારીને બહાર તગેડવો પડશે કે શું ?' હવે મનસુખલાલનો મિજાજ ગયો.

પરિમલ બે હાથ જોડીને કરગરી પડયો 'મને ફક્ત છેલ્લે છેલ્લે તેને દિલ ભરીને જોઈ લેવા દો, પછી હું શાંતિથી જતો રહીશ'

પણ મનસુખલાલ માને તો ને તેમણે પરિમલને મારીને કાઢી મૂકવાનો હૂકુમ કર્યો. પ્રેમદાના ભાઈએ હાથમાં રહેલી લાકડાની સ્ટીક જોરથી પરિમલના ચહેરા પર મારી કહ્યુ 'અહીથી જાય છે કે હજી વધારે મારુ?'

પણ પરિમલ ટસનો મસના થયો. ચહેરા પર લોહીના રેલા ઉતરવા લાગ્યા. મોં સોજી ગયું. બધા ગડદા પાટુનો માર મારતાં ગયા, તો પણ તે સહન કરીને અડગ રહ્યો. ત્યાં જાનૈયા માણસો આવતા બધા ત્યાંથી સરકી ગયા.

લોહી નીગળતા ચહેરે લંગડાતો પરિમલ છેલ્લી ખુરશી ઉપર પ્રેમદાની સામે જોતો બેસી ગયો. તેને સવારનો પોતાના માબાપનો વિરોધ યાદ આવી ગયો. તે સવારમાં લગ્નમાં આવવા તૈયાર થતો હતો, ત્યારે તેના પપ્પાએ બહુ રોક્યો હતો. 'બેટા, ભૂલી જા એ છોકરીને, એમ પરાણે પ્રેમ ના થાય.'

'પપ્પા, હું તેને ખરા દિલથી પ્રેમ કરું છું, તેને છેલ્લી વખતે મનભરીને જોવા જ જાઉં છું.' પરિમલે  જવાબ આપ્યો હતો. તેના આવા અલૌકિક પ્રેમ આગળ માબાપ શું બોલે ?

મનસુખલાલ પણ વિચારી રહયા હતા. 'આ કેવો પ્રેમ છે ? આટલું મારવા, અપમાન કરવા છતાં મારી દીકરીનો પીછો જ છોડતો નથી.' વિચારતાં વિચારતાં મનસુખલાલ ત્રણ મહિના પહેલાના રવિવારમાં સરકી પડયા.

સવારમાં પ્રેમદાએ તેના પપ્પાને કહ્યુ 'પપ્પા,મારે તમને એક જરૂરી વાત કરવી છે, મારો બોયફ્રેંડ પરિમલ તમને મળવા દશ વાગે આવવાનો છે.'

'જો બેટા, મને ઘણા સમયથી ખબર છે કે તમે બન્ને કોલેજમાં ત્રણ વરસથી એકબીજાના દોસ્ત છો, પણ હવે તારા લગ્નની વાત ચાલે છે, તારે તેને છોડી દેવો જોઇએ.' મનસુખલાલે સમજાવતા કહ્યુ. 

'પણ પપ્પા તમે તેને એક વખત મળી તો લો' પ્રેમદાએ વિનંતી ભર્યા સ્વરે કહ્યુ. ત્યા જ પરિમલનું આગમન થયુ. શાંત, સૌમ્ય, દેખાવડો, વિવેકી પરિમલ આવતાવેત પ્રેમદાના પપ્પાને પગે લાગ્યો.

'બસ, બસ, હવે બહુ થયુ. કામની વાત કર' મનસુખભાઇ બોલ્યા. 'અંકલ હું તમારી દીકરી પ્રેમદાને ખરા દિલથી પ્રેમ કરું છુ. તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.' પરિમલે દિલથી વાત કરી.

'તમે બન્ને મિત્ર હતા, ત્યાં સુધી ઠીક છે, પણ તું બ્રાહ્મણ અને અમે પટેલ છીએ, આ લગ્ન શકય જ નથી' મનસુખલાલે નન્નો ભર્ણ્યો. 

'પણ હવે તો જ્ઞાાતિ અને જાતિ જેવું કાઈ રહ્યું જ નથી, પપ્પા હું પણ પરિમલને ખરા દિલથી પ્રેમ કરું છુ.' પ્રેમદાએ પણ વિનંતી કરી.

'એક વખત ના પાડી એટલે ના જ સમજવાની' મનસુખલાલ હવે બગડયા. 'પપ્પા, તમે ના પાડશો તો હું ભાગી જઈને લગ્ન કરીશ, તો શું કરશો?' પ્રેમદા બોલી. આ વાત સાંભળી તેના પપ્પાએ છેલ્લું શસ્ત્ર બહાર કાઢયુ 'જો તું ભાગીને લગ્ન કરીશ તો હું મારા જીવનનો અંત લાવીશ. તારે મારી લાશ પર રડવું પડશે.'

હવે પ્રેમદા લાચારીથી ધ્રુજી ગઈ. તે બન્નેનો પ્રેમ તો નાત, જાત, જ્ઞાાતિ વગેરેથી ઉપર હતો, પણ પપ્પાના આવા આંકરા વેણથી તે પાછી પડી ગઈ. તેણે બતાવેલ જ્ઞાાતિનાં જ પ્રમોદ પટેલ સાથે લગ્નની પરાણે હા પાડી દીધી.

ગોરમહારાજે બૂમ પાડી 'કન્યા પધરાવો સાવધાન' એટલે તેમની વિચારધારા તૂટી ગઈ. વરરાજાના પિતા ધનસુખભાઈ સામે મળી ગયા. તેમણે કહ્યું 'ફેરા પહેલા આપણે વહેવાર પતાવી દઈએ.'

'અત્યારે સમય થઈ ગયો છે, ફેરા પછી નહિ ચાલે ?' મનસુખલાલે કહ્યું. 'ફેરા પછી કાંઇ ના થાય. મનસુખભાઇ લાવો તમારા દહેજના દાગીનાનું વજન કરી લઈએ' ધનસુખલાલ બોલ્યા.

હા ના કરતાં બન્ને બાજુની રૂમમાં ગયા.પાંચ જ મિનિટમાં ધનસુખલાલ બરાડા પાડતાં  બહાર આવ્યા. 'આપણે સો તોલાની વાત થઈ હતી, આમાં પાંચ તોલા ઓછા છે.' મનસુખભાઇ હાથ જોડીને વિનંતી રહ્યા  હતા 'હું થોડા વખતમાં પાંચ તોલા ભરપાઈ કરી દઇશ, અત્યારે ફેરા તો ચાલુ કરો.'

'મને તો લાગતુ જ હતું કે તમે છેલ્લે આવા ભિખારીવેડા ચાલુ કરશો જ.' ધનસુખલાલે તેમને દબાવવા મોટેથી કહ્યું. 

આ સાંભળતા જ પ્રેમદા મંડપમાંથી ઊભી થઈ ગઈ, 'પપ્પા મારે નથી કરવા આ લગ્ન. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. વરરાજા પણ ભોંઠા પડી ઊભા થઈ ગયા. હવે વટનો સવાલ થઈ ગયો. ધનસુખલાલે પ્રમોદનો હાથ પકડી કહ્યું 'ચાલ, આપણે આવા ભિખારી વેવાઈ નથી જોઈતા .' બધા જાનૈયાને બહાર નીકળી જવા કહ્યું. 

મનસુખલાલે માથા પરથી પાઘડી કાઢી તેમના પગ પાસે મૂકી દીધી, પણ વ્યર્થ ! આખી જાન લગ્ન છોડી મંડપમાંથી બહાર જવાં લાગી.

પ્રેમદાના હાથમાં હાર હતો, તે ખૂણામાં રડી રહેલા પરિમલના ગળામાં પહેરાવી દીધો, અને તેનો હાથ પકડી લઈ આવી ચોરીમાં.

મંડપમાં રહેલા સગાઓ સ્તબ્ધ હતા. મનસુખલાલે ત્વરિત નિર્ણય કર્યો 'જ્ઞાાતિજાતિના બંધન વગર આ છોકરો જ મારી દીકરીનું જિંદગીભર પ્રેમપૂર્વક જતન કરશે, મે જ પસંદગીમાં ભૂલ કરી'. 

તેની મૂક સંમતિ જોઈ ગોરમહારાજ વિધિ ચાલુ કરી. પરિમલે ફોનથી તેના મમ્મી પપ્પા અને સગાઓને તૈયાર થઈ મંડપમાં બોલાવી લીધા.

મંડપમાં આનંદ છવાઈ ગયો. ફેરા પૂરા કરી, વરવધુ પગે લાગવા ગયા, ત્યારે મનસુખલાલની આંખોમાંથી પસ્તાવા અને હર્ષના આંસુ ટપકી રહયા હતા. 

ત્યાં માઇક પરથી ગીત ચાલુ થયું. 'લે જાયેંગે, લે જાયેંગે, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે .'

Tags :