- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- નોકરી કરતાં આ ધંધામાં પૈસા કેટલા બધા છે, તેનો તને કંઈ ખ્યાલ જ નથી.
'શે ઠ, જો સિમેન્ટમાં અને સ્ટીલમાં સૂચિત પ્રમાણ કરતાં થોડું ઓછું લઈએ તો આપણી મલ્ટીસ્ટોરી સ્કીમમાં પાંચ કરોડનો ફાયદો થાય તેમ છે.' એન્જીનિયર મહેતા શેઠ કેતનભાઈને સમજાવી રહ્યો હતો.
'કોઈ વાંધો નહીં આવે ને ! કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને.' કેતન શેઠને ચિંતા થઈ.
'ના, ના, શેઠ, હવે અમદાવાદમાં છેલ્લા પચીસ વરસથી ક્યાં ધરતીકંપ કે બીજી કોઈ આપત્તિ આવેલી છે ? ચિંતા ના કરો.' એન્જીનીયરે સમજાવીને કહ્યું.
બરાબર એ જ સમયે શેઠના પત્ની કાવેરીબેન આવતાં હતાં ને સાંભળી ગયા. એન્જીનીયરના ગયા પછી તે પતિ પર ચીડાતા બોલ્યાં, 'આ શું બેઈમાનીનો ધંધો કરો છો, આપણે ક્યાં પૈસાની ખોટ છે. એક જ દીકરો માસુમ છે, પછી ખોટી હાય, હાય, શા માટે ?'
'ધીમે બોલ, કમાવા માટે આવું બધું તો કરવું પડે. તને કંઈ ખબર પડે નહીં ને ! ખોટી ચિંતા બંધ કર.' કેતન શેઠે ઉપરથી તેને ખખડાવી મુકી. અમદાવાદના પોશ એરિયામાં કેતન શેઠની કે. બી. કન્સ્ટ્રક્શન કંપનીના 'આસમાની સફર' નામના ૨૨ માળના બે ટાવર બની રહ્યા હતા. ત્રણ બીએચકે ના લક્ઝુરીયસ ફ્લેટની કિંમત ઉંચી હતી, છતાં પણ લાલચનો અંત ક્યાં છે ? એન્જીનીયરે શેઠને લલચાવતાં શેઠ બેઈમાનીનો ધંધો કરવા રાજી થઈ ગયા. વધારે પૈસા કમાવાનો મોહ ક્યાં કોઈને છોડે છે ?
માસુમ અમેરિકાથી ચાર વરસ ફાઈનાન્સમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી બે દિવસ બાદ પરત ફરી રહ્યો હતો. કાવેરીબેન અને કેતનભાઈ તેની જ રાહ જોઈ રહ્યા હતા. અચાનક બીજે જ દિવસે માસુમ ઘરે આવી ગયો. 'કેવી લાગી મારી સરપ્રાઈઝ ?' તેના માતાપિતા આશ્ચર્યચકિત હતા, તેથી પૂછ્યું. 'બેટા, તું તો આવતીકાલે આવવાનો હતો ને !' કાવેરીબેને પુછ્યું.
'હા, પણ એક દિવસ વહેલા આવીને મેં સરપ્રાઈઝ આપી. અમેરિકામાં સરપ્રાઈઝનું બહુ જ ચલણ છે.' માસુમે ફોડ પાડતાં કહ્યું. પણ હું તને લેવા ગાડી મોકલત ને. કેતનભાઈ એ રોફ જમાવતાં કહ્યું. 'ના, પાપા મારી જાતે જ ઘરે આવવું હતું.' માસુમે કહ્યું. 'ત્યાં અમેરિકામાં તો દરેક બાળક પુખ્ત થાય પછી આપબળે જ આગળ આવે છે પાપા મમ્મીના સહારે નહિ.'
બીજે દિવસ ચા પાણીના ટેબલ પર માસુમે કહ્યું, 'હું કોઈ સારી કંપનીમાં જોબ માટે વિચારું છું.'
'બેટા, હું તો તારા આવવાની જ રાહ જોતો હતો. તને આપણા કન્સ્ટ્રક્શનના ધંધામાં પાર્ટનર બનાવી બે ત્રણ વરસમાં હું રીટાયર થવા વિચારું છું.' કેતનભાઈ બોલ્યાં.
'તારો નિર્ણય બરાબર છે, બેટા આવા બેઈમાનીના ધંધામાં પડવા જેવું નથી. લોકોના જીવ સાથે ખેલ ના કરાય.' કાવેરીબેને માસુમને સમજાવતા કહ્યું.
'આ તું શું બોલે છે મમ્મી ! પપ્પા તો ઇમાનદાર હોવાની જ વાતો કરે છે.' માસુમને નવાઈ લાગી.
'શું ગમે તેમ બોલીને દીકરાને ઉલટુંસુલટું ચડાવે છે ! નોકરી કરતાં આ ધંધામાં પૈસા કેટલા બધા છે, તેનો તને કંઈ ખ્યાલ જ નથી.' કેતનભાઈ ચિડાયા.
'ના, પપ્પા, મને તો શાંત અને નિયમિત જીવન જ ગમે છે, હું તો નોકરી જ કરીશ.' માસુમે ચોખ્ખી રજૂઆત કરી દીધી.
'સારું, હવે તારે માટે છોકરીઓ જોવાની ચાલુ કરી દઈએ ?' કાવેરીબેને વાત બદલતા પૂછ્યું.
'ના, મમ્મી તેની જરૂર નથી. અમેરિકામાં મારી સાથે જ ભણતી મોના સાથે પ્રેમ થઈ ગયો છે. અમે બન્નેએ પરણવાના પ્રોમિસ આપેલ છે. એ પણ ગઈકાલે જ અમદાવાદ આવી છે.'
'તેના માતાપિતા શું કરે છે અને જ્ઞાતિ કઈ છે ?' કેતનભાઈએ પૂછ્યું.
'પપ્પા, એ આપણી જ જ્ઞાતિની છે. તેના પપ્પાનો સી.જી.રોડ પર ગારમેન્ટનો મોટો સ્ટોર છે. અને તે લોકો પાલડીમાં રહે છે.' માસુમે ફોડ પાડતાં કહ્યું.
પછીના રવિવારે તો મોનાના ઘરે બન્ને પરિવારો સાંજે ખુશ હતા.
માસુમ અને મોનાની સગાઈ નક્કી થઈ ગઈ, અને ગોળ ખવાઈ ગયો. માસુમ અને મોનાને પોતાનો પ્યાર મળી ગયો, તેના આનંદમાં ઝૂમી રહ્યા હતા. દોઢ મહિના પછીની લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.
અઠવાડિયા પછીના શનિવારે બપોરે કેતનશેઠ અને કાવેરી બેન ડાઈનીંગ ટેબલ પર લંચ લઈ રહ્યા હતા.
'માસુમ, કેમ દેખાતો નથી ?' કેતનશેઠે પૂછ્યું.
'એ, સાસરે ગયો છે, તેને અગત્યના કામે મોકલ્યો છે.' કાવેરીબેને જવાબ આપ્યો.
ત્યાં તો કેતનશેઠનો મોબાઈલ રણકી ઉઠયો, 'શેઠ, આપણો ઇમાનદાર સાઈટ એન્જીનીયર સીમેન્ટના ધારાધોરણથી વધારે રેતી મિલાવવાની ના પાડે છે.' ઓફિસેથી ચીફ એન્જીનીયર મહેતા બોલતા હતા.
કેતનશેઠ બગડયા, 'એવા ઇમાનદાર માણસને આજથી જ છૂટો કરી દો. અને બીજો વ્યવહારૂ માણસ નીમી દો.'
આ સાંભળી કાવેરીબેન ઉકળી ઉઠયા, 'ઓછા સિમેન્ટ અને સ્ટીલથી બિલ્ડીંગ પડી જશે, તેનો ખ્યાલ રાખજો.'
'કાંઈ ના થાય ખોટી ચિંતા ના કર આપણા બન્ને ટાવર વીમાથી સુરક્ષિત છે, જો કાંઈ પણ થાય તો દરેક ફ્લેટ હોલ્ડરને તેના પુરા રૂપિયા મળી જશે.' કેતનશેઠે સમજાવતાં કહ્યું.
'પણ જે લોકોના જીવ જાય તેનું શું ?' હવે કાવેરીબેન લડવાના મુડમાં આવી ગયા.
'શું આવું અશુભ વિચાર્યા કરે છે, તને ધંધામાં કાંઈ ગતાગમ પડે નહીં ને ખાલી ડબડબ કરે છે.' કેતનશેઠ પણ સામે ગુસ્સે થયા.
કાવેરીબેન ગુસ્સામાં સમસમી ઉભા થઈ જતાં રહ્યા.
માસુમને તેના સાસુએ એક અગત્યના કામે બોલાવેલ હતો.
'જો માસુમ, મોના અમારી એકની એક દિકરી છે. અમે તેને માટે એક ત્રણ બીએચકે નો ફ્લેટ નોંધાવેલ છે.' મોનાના મમ્મી માધુરીબેને કહ્યું.
'ના, ના, મારે દહેજમાં કાંઈ ના જોઈએ.' માસુમે ઇનકાર કરતાં કહ્યું.
'અમે અમારી દિકરી મોનાને આપીએ છીએ, એમાં તમને શું વાંધો છે. પણ તમારા માતાપિતાને અત્યારે કાંઈ કહેતા નહીં. આપણે તેને સરપ્રાઈઝ આપીશું.' તેના સાસુ બોલ્યા.
'સારુ.' માસુમે હા પાડી.
'અત્યારે તેમાં ફર્નીચરનું કામ ચાલે છે. તમે બન્ને ઉતરાયણના આગલા દિવસે બધું ચેક કરી આવજો. પછી લગ્ન હોવાથી સમય નહીં રહે.' માધવીબેને સુચના આપી.
ઉતરાણના આગલા દિવસે સવારે અગ્યાર વાગે માસુમ અને મોના તેમના ફ્લેટમાં કામ જોવા પહોંચી ગયા ત્યાં તો... ધરતી ધુ્રજી, સાવ મામુલી આંચકો ધરતીને ધુ્રજાવી ગયો. કાવેરીબેન દોડયા, 'તમને આંચકાનો અનુભવ થયો ?' તેમણે કેતનભાઈને પૂછ્યું.
'હા, મામુલી આંચકો હતો. આવા કંપન આવ્યા કરે.' કેતને કહ્યું. ત્યા તો માધવીબેનનો મોબાઈલ રણક્યો, 'કાવેરીબેન ગજબ થયો. આ આંચકામાં આસમાની સફરના બંને ટાવર તૂટી પડયા છે, તેમાં માસુમ અને મોના દટાઈને અવસાન પામ્યા છે.' કહેતા રડી પડયા.
કાવેરીબેન અને કેતનભાઈ આ સાંભળી સડક થઈ ગયા. તેમને ચક્કર આવી રહ્યા હતા, 'બોલો તમારો વીમાવાળો મારા દીકરા અને વહુૂના કેટલા કરોડ આપશે ?'
મારી ભૂલ થઈ ગઈ. લાલચમાં હું લપેટાઈને દીકરાને ગુમાવી બેઠો.' કહેતા કેતનશેઠ ચક્કર ખાઈને પડયા.


