Get The App

માફીનો ચમત્કાર .

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
માફીનો ચમત્કાર                                                 . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'પપ્પા, મારે કેસ નથી કરવો. મારી પણ ભૂલ તો હતી જ ને!'

'હા ય, તેજસ, મુંબઈથી આવી ગયો? ક્યાં મળવું છે ?' તોરલે પ્રેમથી પુછયું. મહિના પહેલા જ તોરલ અને તેજસના વિવાહ ધામધુમથી થયા હતા. લગ્ન ત્રણ મહિના પછી ગોઠવાયા હતા. સગાઇ અને લગ્ન વચ્ચેનો સમય છોકરી અને છોકરા માટે એકબીજાને સમજવા, ફરવા અને આનંદ કરવાનો સુવર્ણ સમય હોય છે. અઠવાડિયાથી તેજસ મુંબઈ તેના મામાને ઘેર ગયો હતો, તે આજે સવારે જ અમદાવાદ પરત આવ્યો હતો. 

'આપણી રોજની સાંજની જગ્યા એ જ લો-ગાર્ડન ફૂડ કોર્ટમાં ભાજીપાઉંની લારી પાસે મળીએ, ખાઈ-પીને પછી કોઈ સારા મુવીમાં જઈશું.' તેજસે પ્લાન કહ્યો, અને તોરલ ખુશીથી ઉછળી પડી.

સાંજના સાડાપાંચે તો તોરલ આનંદથી ઝૂમતી પોતાના સ્કુટી પર ઘેરથી નીકળી પડી. તેનું ધ્યાન તો તેજસને મળીને આંનદ કરવાના ખ્યાલોમાં જ હતું, તેમાં સ્પીડનું ધ્યાન ન રહયું. અચાનક સામેથી આવતી રીક્ષાએ ખોટો વળાંક લેતા ધડામ... સ્કુટી અને રીક્ષા ધડાકા સાથે અથડાયાં, તોરલ જમીન પર, અને સ્કુટી પડયું બીજી તરફ. 

ચારે તરફ હોહા થઇ ગઈ. લોકોના ટોળા ભેગા થઇ ગયા. રીક્ષાવાળો રાઘવ દોડીને ભાગવા ગયો, પણ લોકોના ટોળાએ તેને પકડી પાડયો, અને માંડયા ધીબવા. આડેધડ મારથી તે લોહીલુહાણ થઇ ગયો. તોરલ પડતા વેંત બેભાન બની ગઈ. તેને ઊંધાં માથે પછડાઈ હોવાથી માથાના પાછળના ભાગમાં જોરદાર બેઠોમાર લાગ્યો, અને બધેથી છોલાઈ ગઈ. લોકોએ તાત્કાલીક એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવી. સીટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તેને દાખલ કરી દીધી. તેના માતાપિતા પ્રદીપભાઈ અને પ્રવિણાબેનને જાણ કરી. રીક્ષા ડ્રાયવર રાઘવને પોલીસે કસ્ટડીમાં પૂરી દીધો.  

બે દિવસ કોમામાં રહયા પછી તોરલ ભાનમાં આવી તેના માતાપિતા પ્રદીપભાઈ અને પ્રવિણાબેન બે દિવસથી સતત જાગતાં રહી તેની સારવારમાં મદદ કરતા હતા.

ભાનમાં આવતા તોરલે ધીમેથી કહયું 'મમ્મી' અને આંખો ખોલી. પ્રદીપભાઈ પણ બેટી ભાનમાં આવતા ખુશ થઇ ગયા. 

'હા બેટા, હવે કેમ છે ?' બન્ને એક સાથે બોલ્યા. 

'હું ક્યાં છું?' કહીને તોરલે બન્ને આંખો ધીમેથી ખોલી, પણ આ શું ?? તેને બિલકુલ દેખાતું નહોતું. 

'મમ્મી, મને કાંઈપણ દેખાતું નથી.' કહેતા તોરલ રડી પડી. 

પ્રદીપભાઈ દોડયા ડોક્ટર પાસે, અને કરગરતા કહ્યું 'સાહેબ, મારી તોરલ ભાનમાં તો આવી, પણ તેને કાંઈ દેખાતું નથી.'

'હે, શું વાત કરો છો ?' ડોક્ટર પણ વોર્ડમાં આવી તોરલને તપાસતા નવાઈ પામ્યા. તેને માથામાં બેઠોમાર લાગ્યો હોવાથી અંદર દ્રષ્ટિકેન્દ્ર પર દબાણ વધી ગયું લાગે છે. આપણે તેના મગજના એમ.આર.આઈ કરાવી લઈએ. તેના રીપોર્ટમાં અંદર પ્રેશર વધી ગયું હતું, તેથી આંખના કેન્દ્ર દબાણમાં આવી ગયા હોવાથી તોરલને દેખાવાનું બંધ થઇ ગયું હતું. પ્રદીપભાઈએ ચિંતામાં પૂછયું. 'ડોક્ટર, આનો ઈલાજ શું છે?'

'અત્યારે તેનું ઓપરેશન શક્ય નથી. અમારી સારવાર ચાલુ છે. પણ અનાયાસે કોઈ ચમત્કાર થાય અને તેનું મગજ પરનું દબાણ ઓછું થાય તો આપમેળે તેને દેખાતું થઇ જશે.' ડોકટર દિક્ષિતે પોતાનો ત્રીસ વરસના અનુભવનો નીચોડ કહ્યો. પ્રદીપભાઈ અને પ્રવિણાબેન પોતાની પ્રજ્ઞાચક્ષુ દિકરીને જોઈ રડી પડયા. તેજસ શરૂઆતમાં એક વખત ખબર કાઢી ગયો. પછી તોરલને દેખાતું નથી, જાણતાં તે આવતો બંધ થઇ ગયો. આવી અંધકન્યાને કોણ પરણે?

ચાર દિવસ પછી રજા મળતાં બધા ઘેર આવ્યા. બીજા જ દિવસે તેજસને ઘેરથી શ્રીફળ અને સવા રૂપિયો પરત આવ્યો, 'હવે સગાઇ ફોક સમજજો' કહેવડાવી દીધું. 

પ્રદીપભાઈ પીડબ્લ્યુડીમાં એન્જિનિયર હતા. આવક પુષ્કળ હતી. એકની એક દીકરીની હાલતથી તે કકળી ઉઠયા.

 'તે રિક્ષાવાળા રાઘવને છોડીશ નહીં, બરાબર સજા કરાવીને જ રહીશ.' કહીને, પ્રદીપભાઈએ શહેરના ટોપ વકીલનો સંપર્ક કર્યો. વકીલે કેસ સંભાળીને કહયું. 'હું તમને કેસ જીતાડી દઈશ, રિક્ષાવાળાને સખત સજા કરાવીશ પણ, મારી ફી બે લાખ રૂપિયા થશે.'

'ભલે, પણ તેને સખત સજા થવી જોઈએ' પ્રદીપભાઈ ગુસ્સામાં બોલ્યા. તોરલ આ સાંભળી કાંપી ઉઠી. અડધી ભૂલ તો મારી પણ હતી ને, મારુ ધ્યાન તો તેજસમાં હતું, તેણે તો સંબંધ તોડી નાખ્યો, વિચારતાં તેનું મન ગ્લાનિથી ભરાઈ ગયું. 

રાત્રે રાઘવ અને તેની અંધ માતા રમાબા તેમને ઘેર આજીજી કરવા આવ્યા. 

'સાહેબ દયા કરો, મારા છોકરાંથી ભૂલ થઈ ગઈ છે, તેને માફ કરો.' રમાબા આજીજી કરતાં પ્રદીપભાઈને પગે લાગ્યા. 'છોડીશ નહીં, હું તમારા રાઘવને, એણે જ મારી દીકરીને અંધ કરી દીધી.' ગુસ્સે થઈ પ્રદીપભાઈ બરાડયા. 'ચાલ્યા જાવ, પાછા જાવ'

અંદરથી તોરલે બૂમ પાડી. 'પપ્પા બન્નેને અંદર આવવા દો.' 

અંદર આવતા રમાબા તોરલને આજીજી કરતાં કરગર્યા, 'બેટા, મે પણ અકસ્માતમાં જ આંખો ગુમાવી છે. રાઘવના બાપા એટેકમાં મરી જતાં રાઘવ જ મારો સહારો છે. બેટા, જો રાઘવ જેલમાં જશે, તો મારુ કોણ ? તું પણ દેખી નથી શકતી, તને મારી પીડા સમજાશે. હું તેના સહારા વગર મરી જઈશ. દયા કર, બેટા દયા કર.'

તોરલના બાહ્ય મને અહંકાર કર્યો, આવા બેદરકાર માણસ ને છોડાય જ નહીં. ત્યાં તેના અંતરઆત્માનો અવાજ આવ્યો, તોરલ આ અંધ માજીની તો દયા ખા. તેનો જીવ જતો રહેશે. આમેય રાઘવને જેલ થશે તો તને શું મળશે ? દયા કર. 

'પપ્પા, મારે કેસ નથી કરવો. મારી પણ ભૂલ તો હતી જ ને!' તોરલે વિનંતી કરી. પ્રદીપભાઈ અને પ્રવિણાબેન તેની અંધ બેટીની માફ કરવાની ઉદારતાને આશ્ચર્યથી જોઈ રહ્યા. 

'ભગવાન તારું ભલું કરશે, બેટા તે એક અંધમાતાની જિદગી બચાવીને પુણ્યનું કામ કરેલ છે.' આશીર્વાદ આપતા રમાબા અને રાઘવ આનંદથી ઝુમતા ઘેર ગયા. તોરલના મગજમાંથી માફી આપવાથી ગુસ્સો, ક્રોધ, ગ્લાનિ અને ચિંતાનું દબાણ દૂર થતાં મીઠી નિંદર આવી ગઈ. સવારે ઉઠતાં તેણે આંખો ખોલતા ધીમેધીમે ઝાંખુંઝાંખું બધું દેખાવા લાગ્યું. તેણે બૂમ પાડી. 

'મમ્મી, પપ્પા, હવે મને બધું ધીમે ધીમે દેખાવા લાગ્યું છે.'

પ્રદીપભાઈ અને પ્રવિણાબેન ખુશીથી ઝૂમી ઉઠયા. તેમને ડૉક્ટરના શબ્દો યાદ આવ્યા, અચાનક કોઈ ચમત્કાર થાય અને મગજનું દબાણ દૂર થાય તો તે દેખતી થઈ જશે. 

વાહ રે ભગવાન વાહ ! બદલો લેવાના બદલે માફી જ કારગત છે, તેનો ખ્યાલ આવતા બન્ને મહાવીર ભગવાનને પણ કાનમાં કાંટા ભોંકતા ભરવાડને માફી આપીને સત્કર્મ કરેલ, તે યાદ કરતાં દેરાસર દર્શન કરવા ઉપડયા. તોરલે લગ્નને બદલે અંધશાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું ચાલુ કરેલ છે. રાઘવ અને રમાબા દર રવિવારે તેને મળવા આવે છે, અને તેના આ નેક કામમાં મદદરૂપ થાય છે.

લાસ્ટ સ્ટ્રોક 

બદલાની ભાવનાને બદલે માફ કરવાનું સત્કર્મ કરતા રહો, મગજનું દબાણ દુર થતા ભગવાન ચમત્કાર બતાવશે જ. 

Tags :