માથાનો દુખાવો .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- સગાવ્હાલા આવે નિધિનો માથાનો દુખાવો હાજર. પણ બધા હોટેલમાં જવાના હોય કે બહાર ફરવા જવાના હોય માથાનો દુખાવો ગાયબ
'મ મ્મી, બે દિવસથી ઘરમાં દિવાળીને લીધે બહુ કામ રહે છે. દિવાળી વેકેશનમાં નણંદ, નણંદોઈ અને તેમના બે બાળકો આવેલા છે. મારાથી રસોઈ વાસણ, કપડાં અને કચરા પોતા થતાં નથી. હું ખૂબ થાકી જાઉં છું. શું કરવું એ જ સમજાતું નથી.' નિધિએ મોબાઈલ પર એકાંતમાં તેના પિયરમાં મમ્મી નલિનીબેનને વાત કરી.
'તમારા જોઇન્ટ ફેમિલીમાં આ જ તકલીફ હોય છે ને ! તારા નિનાદ સાથે લગ્ન થયા ત્યારે જ મને મનમાં આ અંદેશો હતો જ કે તારાથી પહોંચાશે કઈ રીતે ?' નલિનીબેન જમાનાની ખાધેલી અનુભવી સ્ત્રી હતી.
'મારા સાસુ તો બહુ મોટી ઉંમરના છે અને તેમને બંને ઢીંચણનો દુખાવો રહે છે, એટલે તે તો કામમાં મદદ કરાવતા જ નથી. મારી નણંદ પણ બહાર બેસી રહે છે, પણ મદદે આવતી નથી. શું કરું ?' નિધિએ મમ્મી આગળ ઊભરો ઠાલવ્યો.
નલિનીબેનને એક ઉપાય સુઝી આવ્યો.
'એક કામ કર, તારે આરામ કરવો હોય તો માથાના દુખાવાનો ઢોંગ કર. આરામ કરવા જતી રહે, પછી તારી નણંદ આપમેળે કામ કરવા લાગશે અને નિનાદનો પ્રેમ અકબંધ રહેશે.' નલિનીબેને પોતાની કોઠાસૂઝથી ઉકેલ સૂઝાવ્યો.
'પણ મમ્મી, બધાને ખબર નહીં પડે? પછી કેટલું ખરાબ લાગે' નિધિએ શંકા વ્યક્ત કરી.
'બેટા, માથાનો દુખાવો એવી તકલીફ છે, જે કોઈપણ સાદી તપાસ કે ડોક્ટરની તપાસમાં જાણી શકાય જ નહીં, ફક્ત દર્દી જ દુખાવો મટયો કે નહીં તે કહી શકે.' નલિનીબેને સવાલનો ઉપાય બતાવ્યો.
બીજા દિવસે સવારે નિધિને ઉઠતાં જ માથાનો દુખાવો થવા લાગ્યો. ઘરના બધા સભ્યો ચિંતામાં પડી ગયા. નિનાદે ચિંતામાં નિધિને આરામ કરવા જણાવ્યુ. નિધિને તો મજા મજા થઈ ગઈ. ઘરમાં બીજા બધા કામ કરવા લાગ્યા. રાત્રે પિક્ચર જોવા જવાનું હતું, તો નિધિનો માથાનો દુખાવો સદંતર ગાયબ. નિનાદને નવાઈ લાગી.
આવું તો વારંવાર થવા લાગ્યું. તેના જેઠ જેઠાણી રહેવા આવે કે બીજા સગાવ્હાલા આવે નિધિનો માથાનો દુખાવો હાજર. પણ બધા હોટેલમાં જવાના હોય કે બહાર ફરવા જવાના હોય માથાનો દુખાવો ગાયબ. ઘરના બધા વિચારમાં પડી ગયા. આમાં તો થઈ પણ શું શકે ? ફેમિલી ડોક્ટરની તપાસમાં કંઈ જ પોઝિટિવ આવે જ નહીં.
બાર મહિના પછી નિધિને સવારમાં ખરેખર માથાનો દુખાવો થયો. તેણે સાંજ સુધી આરામ કર્યો અને ધીમે ધીમે દુખાવામાં રાહત લાગી. નિધિ વિચારમાં પડી, ખરેખર દુખાવો ચાલુ થઈ ગયો કે શું ?
આવું માહિનામાં ત્રણ ચાર વખત થયું. દર વખતે ફેમિલી ડોક્ટર દુખાવાની ગોળી આપે અને આરામ સૂચવે. બીજું કરવાનું શું ? બધાને લાગ્યું આવું તો ચાલ્યા કરે.
ધીમે ધીમે દુખાવો વધતો ગયો. હવે તો નિધિ અને નલિનીબેન પણ ચિંતામાં પડી ગયા. આ તો ઢોંગ કરતાં જમ પેધો પડી ગયો કે શું ? એમને એમ બે મહિના વીતી ગયાં.
દિવાળી પહેલા ઘરની સાફસફાઇ કરતાં નિધિને શ્રમ પડયો અને માથાના દુખાવા સાથે નિધિ ચક્કર આવીને પડી અને બેભાન થઈ ગઈ.
ફેમિલી ડોક્ટર પંડયા સાહેબ પણ વિચારમાં પડી ગયા. તેમણે મગજના નિષ્ણાત ડોક્ટરને ચિઠ્ઠી લખી આપી. મગજના નિષ્ણાત ડૉ. શાહે તરત જ રિપોર્ટ કરાવી તપાસો કરાવી અને સૌની ચિંતા સાથે મગજના એમઆરઆઈમાં ડાબી બાજુ કેન્સરની ગાંઠ જણાઈ.
ફક્ત બે જ માહિનામાં કેન્સરની આ ગાંઠે આખા મગજના બધા જ ભાગો પર ભરડો લઈ લીધો હતો. હવે બચવાના કોઈ ચાન્સ જ નહોતા. ડૉ. શાહે ગમગીન સ્વરે નિનાદ અને નિધિને પોતાની કેબિનમાં બોલાવી સમજણ પાડી.
'જુઓ, આ ફક્ત બે જ માહિનામાં ડેવલપ થયેલું બ્રેઇન ટયૂમર છે, જે બહુ જ ઝડપથી ફેલાઈ જાય છે. જો તમે બે મહિના પહેલા જ આ બધી તપાસો કરાવી હોત તો, તેનું ઓપરેશન કરી કાઢી શકાત. હવે તો કંઈ જ થઈ શકે તેમ નથી.'
નિનાદે દયામણા સવારે કહ્યું, 'સાહેબ, નિધિને તો વરસથી માથાનો દુખાવો થતો હતો અને મટી પણ જતો હતો એટલે અમને એમ કે આ વખતે પણ મટી જશે.'
'આ ટયૂમર ફક્ત બે જ મહિના પહેલાનું છે. એ પહેલાની તકલીફોને આની સાથે કોઈ જ નિસ્બત નથી. હવે તો ફક્ત ત્રણ જ
મહિના રહ્યા છે. તેને ગમતી બધી પ્રવૃતિ કરી તેને ખુશ રાખો.
નિધિ વિચારવા લાગી, બે મહિના પહેલા ખરેખર દુઃખાવો થવો ચાલુ થયો, ત્યારે આ તપાસો થઈ ગઈ હોત તો ઓપરેશનથી ટયૂમર નીકળીને સારું થઈ જાત. આ તો બનાવટ કરવાનું ભારે પડયું.
નિધિ અને નલિનીબેન હવે પેટ ભરીને પસ્તાઈ રહ્યા હતા. આળસ અને કામ ન કરવા માટે કરેલા કારણો અને બહાના કેટલો અનર્થ સર્જી શકે છે, તેનું આ જ્વલંત ઉદાહરણ છે.