Get The App

હું ગુનો કબુલ કરૂ છું .

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
હું ગુનો કબુલ કરૂ છું                           . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ઘરે બધાને લાગ્યું કે વાસુ ઘરના સગાઓને ભૂલી ગયો. કોઈ કાગળ સમાચાર નહીં, અને પિતાના મોત પર પણ ના આવ્યો, નક્કી કોઈ ખોટા કામમાં ફસાયો લાગે છે

'બો લ તું ગુનો કબુલ કરે છે? તે ત્રણસો રૂપિયાના પાકીટની ચોરી કરે છે ?' જજસાહેબે પુછયું.

'સાહેબ મેં ચોરી નથી કરી, પછી ગુનો કઈ રીતે કબુલ કરૂ ?' વાસુ પટેલે રોતલ અવાજે જવાબ આપ્યો. 'આરોપી ગુનો કબુલતો નથી. તેનો કેસ ચલાવવો પડશે.' જજસાહેબે ઓર્ડર કર્યો. 

'તો સાહેબ, આ આરોપીનું શું કરીએ ?' સબ ઇન્સ્પેક્ટર સજુભાએ પુછયું. 'ત્યાં સુધી તેને જયુડીશીયલ કસ્ટડીમાં લઈ લો.' જજ સાહેબ બોલ્યા.

વાસુને હાથકડી પહેરાવીને સાબરમતી જેલમાં મોકલી દેવાયો. વાસુ જેલની બેરેકમાં પહોંચતા જોર જોરથી રડવા લાગ્યો. તેની ઓરડીમાં બીજા કેદીઓ બબન બાંડો અને લાલુ ગોટી તેને જોઈ રહયા. 'શું ગુનો કર્યો છે તે ?' લાલું ગોટીએ પુછયું.  'મેં ચોરી નથી કરી, મને ખોટી રીતે અહીં બંધ કરી દીધો છે. મારે ગામડે મારા ઘરડાં માબાપ અને નાનાભાઈ બહેનને રૂપિયા મોકલવાના છે. હવે હું મોકલીશ કઈ રીતે? કહેતાં કહેતાં વાસુ જોરથી રડવા લાગ્યો. 

ફક્ત એકવીસ વરસનો વાસુ ખોટી રીતે પુરાઈ ગયો છે, જાણી લાલુ અને બબનને સહાનુભુતિ થઇ.

'આ બધું થયું કઈ રીતે ? પોલીસે તને પકડયો કઈ રીતે ? બધી વાત વિગતે કર, તો સમજ પડેને !' બબને પુછયું. 'મારૂ નામ વાસુ પટેલ છે. મારા ગામડે મારા માતાપિતા અને નાના ભાઈ બહેન સાથે રહેતો હતો. મેં ફક્ત ચાર ધોરણ ભણીને ખેત મજુરીનું કામ ચાલુ કરી દીધું. અમારી પાસે ફક્ત એક વીઘો જમીન જ છે, જે હવે ધીમેધીમે બીનઉપજાઉ બની ગઈ છે. હું અને મારા પિતા કેદારભાઈ સવારથી રાત સુધી ખેતરમાં મજુરી કરતાં, ત્યારે માંડ બધાંના પેટ ભરાય એટલું કમાતા. મારો એક મિત્ર અમદાવાદમાં પહોચી ચ્હાનો ગલ્લો ખોલી સારૂ કમાયો. મને પણ અમદાવાદ આવી કમાવવાનું મન થયું. મેં મારા પિતાને વાત કરી. 

તેમણે મને સમજાવ્યો, 'બેટા, આવડાં મોટા ગામમાં આપણું કોઈ નથી.' પણ હું કમાવવાની લાલચમાં અહીં અમદાવાદ આવી શરૂઆતમાં મારા મિત્રના ગલ્લામાં મજુરી કરી. છ મહિનામાં કમાણી સારી થતાં મેં મારો પોતાનો ગલ્લો કાલુપુરમાં ખોલી દીધો. મહેનત અને ચોખ્ખાઈ સારી હોવાથી મારો ગલ્લો ચાલવા લાગ્યો. હું દર મહીને ઘરે ત્રણથી ચાર હજાર રૂપિયા મોકલવા લાગ્યો. 

રીટાયર્ડ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ કાલુપુર ખરીદી માટે આવેલ, ત્યારે મારે ત્યાં ચ્હા પીવા આવેલ મારી સાથે વાતચીત પણ કરી. પછી શું થયું એ મને ખબર જ ના પડી.' કહેતા વાસુ રડવા લાગ્યો. 

વાત એમ બનેલી કે ઝાલા સાહેબ ચ્હા પીને પોતાની ગાડીમાં ઘરે જતાં હતા, અને અચાનક તેને પાકીટ યાદ આવ્યું. 'નક્કી પેલા ચ્હાના ગલ્લાવાળાએ જ તફડાવ્યું લાગે છે.' વિચારી તેમણે તરત પોલીસ સ્ટેશન ફોન કર્યો. 'હલ્લો, મારૂ પાકીટ ચોરાયું છે. હું રીટાયર્ડ પીઆઈ ઝાલા બોલું છું. મારી ફરિયાદ નોંધો.'

'હા, સાહેબ પીઆઈ સાહેબની ફરીયાદ તો લેવી જ પડે ને!' વિચારી જમાદારે લેખિત ફરિયાદ નોંધી. 

'શું ગયું છે, સાહેબ ?' જમાદારે પુછયું.

'પાકીટમાં ત્રણસો રૂપિયા હતાં. હું ત્યાં ચ્હાના ગલ્લે રોકાયો હતો.' ઝાલાએ કહ્યું. 

લેખિત ફરિયાદ હોવાથી તરત જ પીએસઆઈ સજુભાએ કાર્યવાહી ચાલુ કરી. ચ્હાને ગલ્લેથી વાસુને ઝડપી લેતા તેની પાસેથી ત્રણસો રૂપિયા નીકળ્યા. તેને પકડીને પોલીસચોકીએ લાવી લાફો મારીને પુછયું. 'આ ત્રણસો રૂપિયા તે ચોરેલા છે ને !' ના સાહેબ મારો આજનો વકરો છે, જેમાંથી મેં સવારનું ભોજન અને...' 

કહેતા વાસુ અચકાયો. 

'અને..શું ? સાચુબોલ.' હવે સજુભા વધારે ગુસ્સે થયા. 

'સો રૂપિયા હપ્તાવાળાને આપતાં ત્રણસો જ બચ્યા છે, જે મારી કમાણીના છે.' વાસુ રડી પડયો. 

'અલ્યા પોલીસવાળા ઉપર લાંચનો આરોપ લગાવે છે. સાચું બોલ આ ત્રણસો ચોરીના છે ને !' હવે બધાં પોલીસમેન ગુસ્સે ભરાયા. તેની ઉપર ચાર્જશીટ લગાવી પોલીસ કસ્ટડીમાં લીધો. બીજે દિવસે સવારે જજસાહેબ સમક્ષ ગુનો ના કબુલતા તેને કેસ ચાલે ત્યાં સુધી જેલમાં મોકલી આપ્યો. બે મહીને તેનો કેસ ચાલવા પર આવ્યો, પણ તેના કોઈ વકીલ ન હોવાથી સરકારી વકીલની નિમણુક કરવા મુદત પડી. વાસુ રડી રડીને જેલમાં બીજા બે મહિના માંડ પુરા કર્યાં. 

સરકારી વકીલે બધું સાંભળીને પુછયું 'તમે ગુનો કબુલ કરો છો ?'

મેં ચોરી કરી જ નથી, પછી શું કબૂલું ? 'તો આપણે કેસ લડવો પડશે. વકીલે બધી દલીલો રજુ કરી વિનંતી કરી,' જજસાહેબ , ફક્ત ત્રણસો રૂપિયાની જ ચોરીનો કેસ છે, તેને જામીન તો આપો.

'જો ત્રણસો હોય કે ત્રણ લાખ પણ ચોરી તો ચોરી જ છે. પણ હું તેના દશ હજાર રૂપિયાના જામીન મંજુર કરું છું.'

'સાહેબ, મારા જેવા ગરીબ આગળ આટલા બધા રૂપિયા ક્યાંથી હોય? અહીં મારૂ કોઈ સગુંવહાલું પણ નથી.' વાસુએ રડીને કહયું. 'તો હું જામીન નામંજુર કરૂ છું.' જજસાહેબે ઓર્ડર કર્યો. વાસુને ફરી જેલમાં લઇ ગયા. 

વાસુના પિતા કેદારભાઈની હાલત બગડી ગઈ. ઘરે રૂપિયા પહોંચતા ન હોવાથી ભુખ્યા પેટે ચિંતામાં કેદારભાઈને એટેક આવતાં ગુજરી ગયા. આ સમાચાર કેદારને મળતાં તે તુટી ગયો. ઘરે બધાને લાગ્યું કે વાસુ ઘરના સગાઓને ભૂલી ગયો. કોઈ કાગળ સમાચાર નહીં, અને પિતાના મોત પર પણ ના આવ્યો, નક્કી કોઈ ખોટા કામમાં ફસાયો લાગે છે. વાસુને તેના ગામના ચચેરા ભાઈ પાસેથી આ સમાચાર મળતાં વાસુ સુનમુન થઇ ગયો. છેક નવ મહીંને કોર્ટમાં વકીલની દલીલો સાંભળી વાસુનું મગજ બહેર મારી ગયું.  જજસાહેબે ફરી પુછયું. 'શું તે ત્રણસો રૂપિયાની ચોરી કરી છે ?' વાસુના સુનમુન બહેર મારી ગયેલા મને બળવોપોકારી ઉથલો માર્યો, 'હા, સાહેબ મેં ચોરી કરી છે, મને સજા કરો.' કોર્ટમાં રહેલા તમામ પોલીસમેન, વકીલો, જજસાહેબ આશ્ચર્યથી વાસુ સામે જોઈ રહયા. તેને કોઈએ મારીને કે ધમકાવીને તો ગુનો નથી કબુલ કરાવ્યો ને !

'ના સાહેબ, મેં ચોરી કરી છે, મને સજા કરો.' જજસાહેબે તેને ગુનેગાર ઠરાવી ત્રણસો રૂપિયાની ચોરી સબબ ત્રણ મહિનાની જેલની સજા સુનાવી પણ વાસુએ નવ મહિનાતો જેલમાં કાઢયા જ હતા, તેથી તેને આઝાદ કરવાનો હુકમ થયો. 

વાસુ નવાઈથી ચુકાદો સાંભળી હસવા લાગ્યો. 'વાહ, હું ગુનો નહોતો કબુલતો, ત્યાં સુધી જેલમાં સડવાનું અને છેવટે બળવો પોકારી ખોટે ખોટે ગુનો કબૂલી લીધો તો જેલમાંથી છુટા થવાનો ઓર્ડર !! આ કેવી સીસ્ટમ!! બધા આશ્ચર્યથી ગાંડાની જેમ હસતા વાસુને બહાર નીકળતો જોઈ રહયા.

ત્યાં ઝાલા સાહેબનો સજુભા ઉપર મોબાઈલ આવ્યો. 'મારી ગાડીની સીટ રીપેર કરવા કાઢતાં તેની વચ્ચેથી મારૂ પાકીટ મળી ગયું છે, હું કેસ પાછો ખેચું છું.' સજુભા પણ સુનમુન  થઇ હસતાં જઈ રહેલા વાસુને જોઈ રહયા.  

લાસ્ટ સ્ટ્રોક  : વાહ રે કુદરત, ખોટો ખોટો પણ સત્તાવાળાનો જ અવાજ સાંભળ્યો, પ્રમાણિક અંતે ખોટું સ્વીકારીને સજા સ્વીકારવા તૈયાર થયો ત્યારે છૂટવાનો સમય આવી ગયો. એટલે જ કોઈની ઉપર આરોપ મુકતા પહેલા સો વખત વિચારવું. તેથી જ તો કહેવાય છે ને કે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક પ્રમાણિકને સજા ન થવી જોઈએ.

Tags :