Get The App

પહેલા મા હતી, તો પૈસા નહોતા, હવે પૈસા છે, પણ.....

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
પહેલા મા હતી, તો પૈસા નહોતા, હવે પૈસા છે, પણ..... 1 - image

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તમારા સાસુ સવિતાબા આવ્યા છે, તેને તમે લોકોએ ત્રણ મહિનાથી રૂપિયા મોકલ્યા નથી.'

'સા હેબ, મારી પાસબુકમાં જોઇને કહોને, ખાતામાં રૂપિયા આવ્યા છે?' વૃદ્ધ માજી રડમસ ચહેરે એકાઉન્ટમાં પ્રમોદ પંડયાને વિનવી રહ્યા હતા.

'તમને કેટલી વાર કહ્યું, માજી કે ખાતામાં બેલેન્સ જ નથી.' હવે પ્રમોદભાઈ ગરમ થયા.

'સાહેબ, હું બહુ જ ગરીબ છું. ખાવાપીવાના પણ પૈસા નથી. મારો દીકરો દર મહીને મને સાત હજાર રૂપિયા મોકલે છે.' માજી રડમસ ચહેરે બોલ્યાં.

'હા, માજી, મોકલતો હશે, પણ અત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ ખાતામાં રૂપિયો, પણ આવ્યો નથી.' પ્રમોદભાઈ બગડયા, 'હું તમને રૂપિયા ક્યાંથી આપું ?'

અવાજ અને ધાંધલ સાંભળી અંદરથી મેનેજર રૂપાંગ મહેતા બહાર આવ્યા. 

'શું તકલીફ છે, પ્રમોદભાઈ ? કેમ માજીને મદદ નથી કરતા ?' સાહેબે પુછયું. 

'જુઓને, સાહેબ, આ સવિતાબા છેલ્લા બે મહિનાથી દરરોજ આવીને માથું ખાય છે, તેના ખાતામાં બેલેન્સ જ નથી, પછી હું શું કરું?' પ્રમોદભાઈ બોલ્યાં. 

સાહેબે માજી સામે જોયું. સિત્તેર વરસની આસપાસના સવીતાબાના ફાટેલા સાડલાના ત્રણ થીગડા અને તૂટેલી ફ્રેમના ચશ્માં તેની ગરીબીની ચાડી ખાતાં હતા. હાથમાં ગબડી નાં જવાય તેથી રાખેલી લાકડીને ટેકે સવીતાબા માંડ બેલેન્સ જાળવી રહ્યા હતા. 

'માજી, કેમ રોજ આવો છો?' સાહેબે પ્રશ્ન પૂછયા.  

'સાહેબ મારૂ નામ સવિતાબેન શ્રીમાળી છે. દશ વરસ પહેલા મારા વરને દારૂ પીવાને લીધે લીવર ફેઈલ થતા મોત થયું હતું. પછી અમારા ઘરની પરિસ્થિતિ બગડી ગઈ. મારા એકના એક પુત્ર મયંકને મોટો કરી ભણાવવો મુશ્કેલ થઇ ગયું. ચાર ઘરોના કપડાં, વાસણ અને કચરાં પોતા કરી તેને ભણાવી કોમ્પ્યુટર એન્જીનીયર બનાવ્યો. ગઈ સાલ જ તેના લગ્ન ભણેલી કન્યા માલા જોડે કરાવ્યા. અત્યારે તેને બેંગલોરમાં સરસ નોકરી મળી છે. તે દર મહીને મને સાત હજાર રૂપિયા મોકલતો, પણ ત્રણ મહિનાથી રૂપિયા ખાતામાં આવતા જ નથી. ભુલથી કોઈ બીજા ખાતામાં તો નથી જતા ને !' સવિતાબેને હાંફતા હાંફતા જવાબ આપ્યો. પછી બોલ્યાં, 'સાહેબ, મારી પાસે દવાદારૂના કે ખાવાના ય પૈસા નથી. મને બન્ને આંખે મોતિયા આવી રહ્યા છે, એટલે કામ પણ થતું નથી.' કહેતા માજી રડી પડયા.

મહેતા સાહેબ આ જોઈ ધ્રુજી ઉઠયા. આખી જીંદગી જે દિકરાને મોટો કરવા અને ભણાવવામાં કાઢી તે પુત્ર, માનું જરાપણ ધ્યાન નથી રાખતો ?

'તમારી પાસે તમારા દિકરાનો નંબર છે ?' સાહેબે મદદ કરવાના ઈરાદે પુછયું. સવિતાબાએ થેલીમાં ફંફોળી એક ચોળાયેલી ચિઠ્ઠી આપી જેમાં મયંકનો મોબાઈલ નંબર લખેલો હતો. માજી તમે બહાર બેસો.' સાહેબે કહ્યું. 

સાહેબે નંબર મિલાવ્યો, અને કહ્યું, 'હેલો, મયંકને આપશો?'

'તમે કોણ બોલો છો? શું કામ છે ? હું તેની પત્ની માયા બોલું છું. મયંક બહાર ગયો છે.'

'હું અહીં સ્ટેટ બેન્કનો મેનેજર રૂપાંગ મહેતા બોલું છું. અહીં તમારા સાસુ સવિતાબા આવ્યા છે, તેને તમે લોકોએ ત્રણ મહિનાથી રૂપિયા મોકલ્યા નથી.' સાહેબે કહ્યું. 

'સાહેબ, કેટલો વખત ડોસીને પૈસા મોકલીએ ? અમારે પણ જરૂર તો હોય ને ! મયંકના પગારમાંથી માંડ થોડીથોડી બચત કરી અમે સિંગાપુર, થાઈલેન્ડ ફરવાનો 

પ્રોગ્રામ કરીએ છીએ.' માયાએ નફ્ફટાઈથી કહ્યું. 

'પણ માજીને દવાદારૂના અને ખાવાનાય ફાંફા પડી ગયા છે.' સાહેબ બગડયા. 

'તો અમે શું કરીએ. અમે કંઈ તેનો ખવડાવવાનો ઠેકો લીધો છે. જશે ક્યાંક સરકારી વૃધ્ધાશ્રમમાં.' માયાએ ગુસ્સે થઇ ફોન કાપી નાખ્યો. 

મહેતા સાહેબ અને પ્રમોદભાઈ જવાબ સાંભળી હતપ્રત થઇ ગયા. શું કરવું? મહેતા સાહેબની આંખો ભરાઈ ગઈ. આ કેવો દિકરો અને વહુ?

તેમણે પોતાના ખાતામાંથી સાત હજાર કાઢયા, અને સવિતાબાને બોલાવી કહ્યું, 'લો, માજી, મયંકે પૈસા મોકલાવ્યા છે, ફોનથી.'

'હે !' માજી રૂપિયા જોઈ આનંદિત થઇ ગયા.

'ભગવાન તમારું ભલું કરે.' કહેતા માજીની આંખોમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યા.

'હવે મયંક તમને દર મહીને રૂપિયા મોકલશે.' સાહેબે કહ્યું, અને માજી ખુશ થતાં રાશન અને દવા લેવા ઉપડયા.

'સાહેબ, આ શું ? તમારા રૂપિયા માજીને આપ્યા ?' પ્રમોદભાઈને આશ્ચર્ય થયું.

'જુઓ ભાઈ, હું પણ સામાન્ય મધ્યમવર્ગમાંથી આવું છું. હું શાળામાં હતો ને પિતાનું અકસ્માતે મોત થતા, મારી માએ મને પેટે પાટા બાંધીને મજુરી કરીને ભણાવ્યો છે. ત્યારે હું વિચારતો કે મારી પાસે પૈસા આવશે એટલે માં માટે સારા કપડાં લાવીશ, તેને બહાર ફરવા લઇ જઈશ, આમ કરીશ, તેમ કરીશ વિગેરે, પણ સખત મજુરીને લીધે સાત વરસ પહેલા જ મારી માનું અવસાન થયું ને મને મેનેજરની બઢતી મળી. જ્યારે માં હતી, તો પૈસા નહોતા, હવે પૈસા છે, પણ માં...' બોલતાં મહેતા સાહેબની આંખો વહેવા લાગી.

'આજે બીજા કોઈની માંને મુસીબતમાં મદદ કરીને મને અંદરથી મારી માંના સપના જ સાકાર કરતો અનુભવું છું. સવિતામાનો ખુશ ચહેરો જોઈ મને અંદરથી આનંદ થયો.' મેનેજર કહેતા ભાવુક થઇ ગયા.

પ્રમોદભાઈ એકાઉન્ટન્ટ આ સાંભળી દ્રવી ઉઠયા. બહાર નીકળી તેમણે બેન્કના બધા કર્મચારીઓને વાત કરી. આખી વાત સાંભળી સ્ટાફના બધા માણસોના મનમાં અનુકંપા જાગી અને મહેતા સાહેબ માટે માન ઉપજ્યું. સહુને પોતાની બુઢી માં યાદ આવી ગઈ. 

ઓફિસર દિંગત કાપડીયાના માં ગયા વરસે જ ગુજરી ગયા હતા, તેમણે કહ્યું, 'હવેથી એકલા મહેતા સાહેબ જ નહીં, મારા પણ હજાર રૂપિયા સવિતા બાના ભંડોળ માટે જમા કરજો.' 

બે ક્લાર્ક શેખભાઈ અને પરમારભાઈએ પણ દર મહીને પાંચસો આપવાનું કહ્યું. પટાવાળા અને આયાબેને પણ દર મહીને બસ્સો રૂપિયા મદદ માટે આપવા કહ્યું.

બુઢી લાચાર માંને આપવાના સાત હજારમાંથી અડધાની જવાબદારી તો સ્ટાફે ઉપાડી લીધી, સાંભળી મહેતા સાહેબ ગદગદ્ થઇ ગયા. તેનાથી બોલી જવાયું. 'વાહ, વાહ, બુઢી માંને મદદ તો ભગવાનના મંદિરના ચડાવા કરતાં પણ મહાન છે. પોતાને જન્મ આપી લાલનપાલન કરનાર જનનીને કેમ ભુલાય?'

લાસ્ટ સ્ટ્રોક : 

માં તો માં હોય છે તેની મમતા આગળ પૈસાનું કોઈ મુલ્ય જ ન હોય.