Get The App

અરવિંદ ઘોષથી મહર્ષિ અરવિંદ

Updated: Dec 20th, 2022

GS TEAM

Google News
Google News
અરવિંદ ઘોષથી મહર્ષિ અરવિંદ 1 - image


- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી

- વડોદરા રાજ્યની નોકરીમાં શ્રી અરવિંદે મહારાજાના રહસ્યમંત્રી તરીકે કામ કરતા કરતા ઈશ્વરના ગૂઢગહન રહસ્યને પામવા પ્રયત્ન કર્યો હતો

રોજરોજ આ સભા, આ માણસોની મેદની

ટોળે વળતાં કેમેરા-મેન

આંખને આંજી દેતો ધોધમાર પ્રકાશ

અવાજને એન્લાર્જ કરતું આ માઇક

- આ બધાથી ટેવાઇ નથી ગયો

એ પ્રભુની મહેરબાની.

હજી પણ મને વિસ્મય થાય છે

કે ક્યાંથી પ્રકટે છે આ શબ્દોનો ધોધ?

ક્યારેક અન્યાય સામે

મારા અવાજની આંખ ઊંચી થાય છે

તો ક્યારેક શબ્દોની શાંત નદી

નિરાંતજીવે વહે છે,

ક્યારેક વહે છે શબ્દોનો વાસંતી વૈભવ.

શબ્દો આપમેળે અર્થના વાઘા પહેરી લે છે

શબ્દનો કાફલો વહ્યા કરે છે.

અને હું જોયા કરું છું એની ગતિ.

આટલા બધા શબ્દોની વચ્ચે

હું સાચવું છું મારું એકાન્ત

અને મૌનના ગર્ભમાં પ્રવેશી

માણું છું કોઇ સનાતન મોસમ.

- નરેન્દ્ર મોદી  

'જીવન એકલા જીવ માટે નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે.' આ શબ્દો છે ભારતવર્ષના આધ્યાત્મિક પુરુષ શ્રી અરવિંદ ઘોષ(૧૫-૮-૧૮૭૨, ૫-૧૨-૧૯૫૦)ના. આ વિરલ વ્યક્તિત્વના વિચારો સૂર્યનાં કિરણોની માફક કણેકણમાં પ્રસરી ગયા. અહીં ભગવાનનો એક અર્થ 'અંતરઆત્મા' છે.  શ્રી અરવિંદે આધ્યાત્મક દ્વારા યુવાચેતનાને ઝંકૃત કરી હતી. એમના સોનેરી સનાતન વિચારોને હજુ પણ કાટ લાગ્યો નથી. આધ્યાત્મ જગત પર પ્રભાવ પાડનાર એમના વિચારો આજે પણ પ્રસ્તુત છે. મહાન યોગી સાથે સમાજ ઉપયોગી સત્વશીલ પ્રવૃત્તિપુરુષ હતા. તેમનું સાહિત્ય ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે.

પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. પિતા સિવિલ સર્જન હતા. સંપૂર્ણ નાસ્તિક હતા અને વિદેશમાં અભ્યાસ કર્યો હતો. શ્રી અરવિંદ કોન્વેન્ટ સ્કૂલમાં ભણતર અને બ્રિટનમાં અભ્યાસ કર્યો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા છે. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન 'ઇન્ડિયન મજલિસ'  વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા  અને ભારતની આઝાદી માટેના ભાષણો કર્યાં હતા. ઉચ્ચ અભ્યાસ હોવા છતાં અંગ્રેજોની ઉચ્ચ પદની નોકરી ન કરી. ઈ. સ. ૧૮૯૩ના જાન્યુઆરીની ૧૨મીએ તેમણે ઇંગ્લન્ડ છોડયું. ફેબ્રુઆરીની ૬ઠ્ઠીએ મુંબઈના એપાલો બંદરે ઉતરતા જ એક હૈયાને હાશકારો થયો. વતનની હવામાં પણ એક સુકૂન હોય છે. ૧૯૦૧માં કૉલકાતામાં ભૂપાલચંદ્ર બોઝની સૌથી મોટી પુત્રી મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અરવિંદ ઘોષમાંથી અરવિંદ મહર્ષિ થવામાં પત્નીનો બહુ મોટો સહયોગ મળ્યો હતો.

અરવિંદનો આત્મા હિંદુ ધર્મના અગાધ દરિયાને પામવા થનગની રહ્યો હતો. વડોદરા રાજ્યની નોકરીમાં શ્રી અરવિંદે મહારાજાના રહસ્યમંત્રી તરીકે કામ કરતા કરતા ઈશ્વરના ગૂઢગહન રહસ્યને પામવા પ્રયત્ન કર્યો હતો. ૧૯૦૪માં મહારાષ્ટ્રીય યોગી વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી તેઓ યોગ શીખ્યા.  શ્રી અરવિંદે 'યુગાન્તર' અને 'વન્દે માતરમ્'માં ક્રાન્તિકારી લખાણો લખેલાં તેથી ધરપકડ થઈ. જામીન પર છૂટયા પછી બંગાળની નૅશનલ પાર્ટીના નેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા. એમને બાહ્ય કરતા ભીતરના વિશ્વમાં વધુ રસ હતો.

૧૯૦૮માં તેમના પર અલીપુર બામ્બ કેસ થયો અને ૧૯૦૯માં તેમને અલીપુરની જેલમાં મોકલી દેવાયા. જેલવાસમાં ગીતાના અધ્યયનથી  આધ્યાત્મિક અનુભવ થયો. ઈશ્વરે તેમને સાધન તરીકે  પસંદ કર્યા હતા. એ પછી એમણે નક્કી કર્યું કે જિંદગીની જેલમાં સબડતા માનવી માટે કશુંક કરીને જવું છે. એટલે જ જેલથી મહેલ સુધીની એમની સફરમાં અનેક લોકોના જીવનમાં અજવાળું ભર્યું. જેલ દરમિયાન જે ભાગવદગીતા વિશે મનન-ચિંતન કર્યું એ 'ગીતા નિબંધો' પુસ્તકમાં આલેખ્યું છે. એમણે ક્રાંતિથી ઉત્તક્રાંતિ સુધીની યાત્રા આરંભી. પછી તેમણે રાજકારણમાંથી રામકારણ તરફ ગતિ કરી. શ્રીઅરવિંદે 'આર્ય' શરૂ કર્યું અને એમાં તત્વજ્ઞાાનવિષયક લેખો ક્રમશઃ પ્રગટ થવા લાગ્યા. તેમનાં 'ધ લાઇફ ડિવાઇન', 'ધ સિન્થેસિસ ઑફ યોગ', ધ આઇડિયલ ઑફ હ્યૂમન યુનિટી', 'ધ હ્યૂમન સાઇકલ', 'ધ ફ્યૂચર પોએટ્રી' વગેરે પુસ્તકોનાં લખાણો સૌપ્રથમ 'આર્ય'માં ક્રમશઃ છપાયાં. જે લોકમાનસ પર ઘેરી અસર મૂકી ગયા. વિચારની એક નવી દિશા ખોલી આપી.  

૧૯૧૪ માર્ચની ૨૯મીએ શ્રીમાતાજી શ્રી અરવિંદને પ્રથમ વાર પુડુચેરીમાં મળ્યાં. એ  પછી એમના જીવનમાં આધ્યાત્મિક ચમત્કાર સર્જાયો. ઇન્ટરનલ યોગા દ્વારા તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો છો. શ્રી અરવિંદની 'ફિલોસોફી ઓફ લાઈફ' થીયરીથી કેટલાય યુવાનોના જીવનનો શણગાર થયો. ૧૯૩૦થી ૧૯૩૮ દરમિયાન શ્રી અરવિંદે સાધકોને પત્રો લખેલા  તેનાં પુસ્તકો થયાં છે. આ ગાળામાં તેમણે પોતાનું મહાકાવ્ય 'સાવિત્રી' લખ્યું હતું. વડોદરા આવતા તો એમને લાગતું કે હું ઘરે પાછો આવ્યો છું. અનેક શોધના જન્મદાત્રી ગુજરાતની ભૂમિના વાતાવરણમાં આવતા ત્યારે આધ્યાત્મિક આબોહવાની અનુભૂતિ થતી. રવીન્દ્રનાથે  અરવિંદને  મળ્યા પછી કહ્યું કે 'આ મારા જીવનનો મહાધન્ય પ્રસંગ હતો.'

૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ ભારતને સ્વતંત્રતા મળી એ પ્રસંગે તેમણે કહેલું ઃ 'મારો જન્મદિન અને હિંદની સ્વતંત્રતાપ્રાપ્તિનો દિન આમ એક જ દિવસે  આવે છે એ ઘટનાને, 

એક યોગી તરીકે, હું કોઈ સાદા યોગાનુયોગ તરીકે યા તો કોઈ ગમે તેમ બની આવેલા અકસ્માત તરીકે ગણતો નથી; પરંતુ આ ઘટના દ્વારા હું મારા જીવનના આરંભકાળથી મેં હાથ ધરેલા કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મારાં પગલાંને દોરી રહી છે તેની સંમતિ નિહાળું છું...'

શ્રી અરવિંદ માનતા હતા કે ડાર્વિનવાદ માત્ર જીવનમાં પદાર્થના ઉત્ક્રાંતિની ઘટનાનું વર્ણન કરે છે, પરંતુ તેની પાછળનું કારણ સમજાવતું નથી, જ્યારે જીવન દ્રવ્યમાં પહેલેથી જ હાજર છે, કુદરત જીવનને દ્રવ્યમાંથી અને મનને જીવનમાંથી વિકસિત કર્યું છે. આંતરિક અવગણના એટલે અસ્તિત્વનો અસ્વીકાર... ડાર્વિનવાદ સામે આધ્યાત્મિકસંવાદનું ફલક મોટું છે. એમના તર્કના તણખાનું કેન્દ્રબિંદુ એક જ છે કે 'વિચારોને શુદ્ધ કરો, વ્યક્તિત્વ આપોઆપ અણિશુદ્ધ થઇ જશે. શ્રી અરવિંદનાં વિચારથી યુવાનોમાં આમૂલ પરિવર્તન આવ્યું. યુવાનોને આહવાન આપતા શ્રી અરવિંદ કહે છે કે 'ચારિત્ર્ય દ્વારા સ્વવિકાસ અને રાષ્ટ્રનિર્માણ થઇ શકશે.' સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ વિસ્તારી સદભાવનો સંદેશ પાઠવે છે. માનવથી મહામાનવ અને નરથી નારાયણની સફર પૂર્ણ કરવા પહાડ જેવી અડગતા જોઈએ. એમના સત્વને સમજી ભવસાગર તરનારાની સંખ્યા લાખોમાં છે અને જે ઊંડા ઉતર્યા એ તો લાખોમાં એકનું સ્થાન પામ્યા છે.  શ્રી અરવિંદની વિચાર અંજલિથી ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ થઇ શકે છે. શ્રી અરવિંદની  આધ્યાત્મિક સમાજની કલ્પના અદભુત હતી. તેના કેન્દ્રમાં આત્મા હતો, મનુષ્ય પછી. એમના જીવન માટે એમની પંક્તિ એમને જ સમર્પિત કરીએ...  

જે કો ચાહે ધરણી ઉપરે સ્વર્ગને લાવવાને,

તેણે જાતે ધરણી તણી માટી પરે આવવાનું.

આવજો...

બે બાબતોથી ડરો... એક તો ઈશ્વરથી અને બીજું જેને ઈશ્વરનો ડર નથી તેનાથી. 

(યહુદી કહેવત)

Tags :