Get The App

આવાઝ કી દુનિયા કે દોસ્તો... .

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
આવાઝ કી દુનિયા કે દોસ્તો...                         . 1 - image


- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી

- સંચાલનમાં તમારે તમારું જ્ઞાાન બતાવવાનું નથી પણ સાથી વક્તાઓનું વ્યક્તિત્વ ઉજાગર કરવાનું હોય છે

એ ક નાના સેન્ટરમાં યોજાયેલ કાર્યક્રમમાં જવાનું થયું. કાર્યક્રમ શરુ થવાને દસ મિનિટની વાર હતી તે છતાં ઉદ્ઘોષક ક્યાંય દેખાતા ન હતા. આયોજકોને પૂછયું, તો કહે કે 'એ તો કાર્યક્રમ શરુ થવાને બે મિનિટની વાર હશે ત્યારે જ આવશે'

મેં કહ્યું કે 'તો એ પ્રોગ્રામનો ઉપક્રમ કઈ રીતે સમજશે ?'

આયોજકોએ કહ્યું કે, 'એ તો બહુ મોટા સંચાલક છે. બે મિનિટમાં બધું સમજી જશે. ચિંતા ન કરો. જમાવટ કરશે'. એ ભાઈ અણીના સમયે આવ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજકે મને કહ્યું કે 'કેમ જમાવટ કરીને ?'

એ સંચાલક મહાશયે કાર્યક્રમની આસપાસની એક પણ વાત કહી ન હતી. માત્ર તત્કાલ તાળી ઉઘરાવે એવા તિકડમ કિસ્સાઓ કહ્યા હતા. સંચાલનમાં ખૂબ સમય લીધો હતો. શાક કરતા ચટણી વધુ હતી. એ સંચાલકના તિકડમ કરતા આયોજક પર વધુ ગુસ્સો આવ્યો. જેમને સંચાલનકળાનું લગરીક પણ જ્ઞાાન ન હતું એવા વ્યક્તિને સંચાલન સોંપ્યું. સંચાલકે એક કલાક પહેલા કાર્યક્રમના સ્થળે પહોંચી જવું જોઈએ. આમ તો ઘરેથી બધી તૈયારી સાથે જ ગયા હોય પણ નાના-મોટા ફેરફારો હોય તો સમજી લેવા જરૂરી. વહેલા પહોંચવાનો ફાયદો એ છે કે તમે ઉભડક જીવે ન હો એથી આત્મવિશ્વાસ વધી જાય. એકવાર એક ઉત્તમ સંચાલકે ખૂબ નબળું સંચાલન કર્યું. કારણ જાણતા ખબર પડી કે તેઓ કાર્યક્રમ શરુ થવાની છેલ્લી ક્ષણે જ આવેલા. એ દરમ્યાન આયોજકોના 'ક્યાં પહોંચ્યા'ના ઊંચા જીવે કરેલા અનેક કૉલ આવી ગયા હતા. મુંબઈ જેવા મહાનગરોમાં તો ટ્રાફિકનો GST ઉમેરીને ઘરેથી નીકળવાનું હોય છે. એકવાર મુંબઈમાં એક બહુ મોટા સમારંભમાં એન્કર મોડો પહોંચતા આયોજકનું બી.પી. વધી ગયું હતું. સારું અને સાચું સંચાલન મોતીમાં પરોવાયેલા દોરા જેવું હોય છે. ન દેખાતો દોરો બધા મોતીને એકસૂત્રે બાંધીને રાખે છે. સંચાલનનું કામ પાયાના પથ્થર જેવું છે. એણે ધરબાઈ જવાનું હોય છે. પાયો જેટલો મજબૂત એટલી ઈમારત મજબૂત. જ્યારે પાયો એવી ઇચ્છા રાખે કે શિખરની જેમ હું ય દેખાઉં ત્યારે સમજવું કે ઈમારત મુસીબતમાં..

સુરેશ દલાલનું સંચાલન સાંભળી એક બહેને કહ્યું કે 'તમે વચ્ચે વચ્ચે બોલો છો, એની કેસેટ મળે ?' ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે આને સંચાલન કહેવાય પણ એને માણતા હોય છે. ખબર પાડવી જરૂરી નથી. હા, કોઈ પણ શ્રોતામાં શબ્દના ભાવને અને એની અર્થછાયાઓને સમજવાની સજ્જતા હોવી જોઈએ. જેમ કોઈ ફિલ્મ જોતા હોઈએ ત્યારે એમાં વપરાયેલ કેમેરાની તકનીકી ભાષા ન આવડતી હોય તો ચાલે પણ એના દ્રશ્યોમાં કેદ થયેલ સંવેદનાને નિહાળતા આવડવું જોઈએ. મજાકમાં એવું કહેતા હોઈએ કે સારો કવિ ન હોય તો એને સંચાલક બનાવી દેવાય.. જો કે જે સંચાલક હોય એને કવિઓ એમ કહે કે 'સંચાલક સારો છે' અને સંચાલકો એમ કહે કે 'કવિ સારો છે' ઘણીવાર માણસનો કાંકરો કાઢી નાખવાની આ બહુ સરળ પદ્ધતિ છે. સંચાલનમાં તમારે તમારું જ્ઞાાન બતાવવાનું નથી પણ સાથી વક્તાઓનું વ્યક્તિત્વ ઉજાગર કરવાનું હોય છે.

એકવાર એક નવોદિતે એન્કરીંગ કરવા જતા પહેલા અનુભવી એન્કરની સલાહ લેવા ગયો. અનુભવીએ કહ્યું કે 'આયોજકને કહેજો કે પોડિયમની વ્યવસ્થા કરે. જેથી તારા ધૂ્રજતા  પગ દેખાય નહીં'.

નવોદિતે કહ્યું કે 'આવું કેમ કહો છો ?'

અનુભવીએ કહ્યું કે 'તું અત્યારે મારી એક સામે આટલો ગભરાય છે તો ત્યાં અનેક લોકો સામે શું હાલત થશે ?'

સુપ્રસિદ્ધ કોમેડિયન જોહની લીવર કાર્યક્રમ શરુ થતા પહેલા પાર્કીંગમાં જતા. પાર્કીંગમાં જો સાઈકલ વધુ હોય તો કોમન જોક્સ વધુ કહેતા. જો કાર વધુ હોય તો બૌદ્ધિક જોક વધુ કહેતા. જો કે એકવાર એમને ઉલટો અનુભવ થયો હતો. સાઈકલવાળા પ્રેેક્ષકોએ બૌદ્ધિક જોક્સ વધુ માણ્યા હતા. શરૂઆતમાં એક-બે કોમન જોક ફ્લોપ ગયા એટલે જોનીએ જોકસનો ટ્રેક બદલ્યો હતો. અમેરિકામાં જોહનીનાં એક શોમાં હાઈ-ફાઈ કલ્ચરના લોકો સામે એક પણ બૌદ્ધિક જોક ચાલ્યો ન હતો. સફળ સંચાલકની વિશેષતા એ છે કે એ પ્રેક્ષકની રસ-રુચિ પ્રમાણે પોતાની વાતને મૂકે છે. બધું ગળચટ્ટુ ન પણ હોય. શ્રોતાની રસ-રુચિને વિસ્તારવાનું કે એક ડગલું આગળ લઈ જવાનું કામ પણ સંચાલકે કરવાનું હોય છે. સંચાલનમાં સ્ક્રિપ્ટનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પ્રેઝન્સ ઓફ માઈન્ડનું છે. સંચાલન જેટલું લાઈવ એટલું વધુ અસરકારક. સંચાલન વખતે આંખ-કાન ખુલ્લા અને ચિત્તની સતર્કતા ચિત્તા જેવી હોવી ઘટે. તો જ તાદાત્મ્ય આવે. કેટલાક એન્કર તો બે વક્તા વચ્ચેનાં સમયમાં ફેસબુકના ફળિયે ફરતા હોય છે. આમાં ઇન્વોલ્વમેન્ટ ક્યાંથી આવે ?

સ્ટેજ પર દુશ્મન હોય તો પણ એમને પૂરી અદબ સાથે પ્રસ્તુત કરવો જોઈએ. આગ્રહ કે ર્પૂર્વગ્રહ સંચાલનને નબળું પાડે છે. સંચાલકના માથે બરફ અને જીભમાં મધ હોવું જોઈએ. એન્કર એટલે લંગર. લંગર માફક કાર્યક્રમના જહાજને સંતુલિત રાખે છે. એનાઉન્સર અને એન્કર વચ્ચે તફાવત છે. પહેલીવાર બોલવા ઊભા થયેલા એન્કરની જીભ સિવાયના તમામ અંગો હલતા હોય છે. આજે તો રેડિયો જોકીનો જમાનો છે.'આવાઝ કી દુનિયા'ની ઊંચી પાયદાન અમીન સાયાનીના બિનાકા ગીતમાલાનો જાદુ આખા હિન્દુસ્તાને માણ્યો અને માન્યો હતો. સંચાલનમાં ભાષાશુદ્ધિ પાયાની પૂર્વશરત છે. મોટાભાગના કાર્યક્રમની શરૂઆત કવિતાની પંક્તિઓથી થતો હોય છે. શરૂઆત હંમેશા જુદી અને જાનદાર હોવી જોઈએ. જે તે ક્વોટ જે તે સર્જકના નામ સાથે એના મૂળ સ્વરૂપમાં પ્રસ્તુત કરવા જોઈએ. વિવિધ વિષયોનું બહોળું વાચન બહુ ઉપકારક નીવડે છે. માત્રપુસ્તક વાંચીને તરતા ન શીખી શકાય એમ માત્ર એન્કરીંગનો કોર્સ કરવાથી એન્કર ન બની શકાય. દરેક કાર્યક્રમ જીવનનો નવો પાઠ શીખવી જાય છે. કોઈ જન્મજાત ઉદઘોષક હોતું નથી. Practice makes a man perfect. 


Google NewsGoogle News