કવિતાકુમારીના કામણથી બચી શક્યું છે કોણ ?
તર-બ-તર -હરદ્વાર ગોસ્વામી
આજે જ્યારે વિચારકો અલ્પસંખ્યક બની ગયા છે ત્યારે ફ્રેંચ ફિલસૂફ રેને દેકાર્તેનું વિશ્વપ્રસિદ્ધ વાક્ય ‘I think therefore I am' સોનામાં મઢી રાખવા જેવું છે.
સુગંધોથી ય પર એવો ન કો' આકાર માગે છે,
ખરેલાં ફૂલ ક્યારે મોક્ષનો અધિકાર માગે છે !
અમારી આંખના પેટાળમાં એ દિવ્યતા જોઈ,
સ્વયં સૂરજ હવે અજવાસનો સંચાર માગે છે.
-સતીન દેસાઈ 'પરવેઝ'
ફ્રેંચ કવિ આન્દ્રે જીદ કહે છે કે 'હું મારા સંઘર્ષમય જીવનનો સોદો કોઈ સુખમય પળો સાથે કદી નહીં કરું કેમ કે હું સુખ કરતા પીડા વધુ પસંદ કરું છું, કારણ કે તે મારા આત્માને જીવંત રાખે છે.' કચવાટ નથી તો કવિતા નથી અને ગમ નથી તો ગઝલ નથી. કવિહૃદયના હિમાલયમાંથી જ ગઝલગંગોત્રી નીકળતી હોય છે. કવિ પીડાનું ઊર્ધ્વીકરણ અને ઊમકરણ કરે છે. દુષ્યંતકુમાર કહે છે કે 'હો ગઈ હૈ પીર પર્બત સી પીઘલની ચાહિયે. ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે' પોતે પોતાનો વિવેચક બની જાય એ સર્જક ભાગ્યે જ નિષ્ફળ જાય છે અને પોતે પોતાનો પ્રશંસક બની જાય એ સર્જક ભાગ્યે જ સફળ થાય છે.
કવિતાકુમારીના કામણથી ભાગ્યે જ કોઈ બચી શક્યું છે. હાલરડાંથી મરશિયા સુધીનો વિસ્તાર છે. આપણે સાંભળેલો પહેલો શબ્દ કવિતાનો છે અને છેલ્લો શબ્દ પણ કવિતાનો છે. કવિતાના કેટકેટલાં કામણગારા રૂપ આપણી આસપાસ વેરાયેલાં વિખરાયેલા પડયા છે. સવારમાં ખીલતું પુષ્પ, ખડખડ હસતું બાળક, કોઈ ફિલ્મની પંક્તિઓ, કોઈ ભીની પળ, ખળખળ વહેતું ઝરણું.... પ્રકૃતિ એ જીવંત કવિતા છે. સંસ્કૃતમાં કહ્યું છે તેમ ' काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्. સાહિત્યની સંગાથે વીતેલો સમય જીવનની નવી બારી ઉઘાડનારો છે. કવિશ્રી ચિનુ મોદીને એકવાર પૂછવામાં આવેલું કે 'તમે આત્મકથા ક્યારે લખશો ?' ત્યારે એમણે કહેલું કે 'હું ગઝલ લખું છું એટલે આત્મકથા લખવાની જરૂર નથી.' કવિતામાં જો સ્વાનુભૂતિ ન આવે તો તેની અસરકારકતા ઓછી થઇ જાય છે.
કોઈ ચમત્કૃતિભર્યો શબ્દ સાંભળતા કાન ચમકે છે. એનો અર્થ એવો કે રોજબરોજની ઘસાઈ ગયેલી ભાષામાંથી કંઈક નવું સાંભળવું ગમે છે. ચવાઈને ચૂંથો થઇ ગયેલા શબ્દ જ્યારે કવિતામાં આવે છે ત્યારે કેવા રસદાર અને મોભાદાર બની જાય છે. બંદૂકની ગોળી કોઈને મારીએ ત્યારે ઉઠમણું થાય અને એ જ ગોળી બંદૂકમાં ન હોય અને છૂટ્ટી મારીએ તો ઢીમણું થાય. વસ્તુ એની એ જ છે પણ જ્યારે એનું સ્થાનફેર થાય છે ત્યારે એનું મૂલ્ય બદલાય જાય છે. રોજીંદો શબ્દ જ્યારે કવિતામાં આવે છે ત્યારે કેવી કમાલ સર્જે છે. જીવન જીવવાની કવિતા જેને આવડી જાય છે કવિથી પણ મોટો છે. જિંદગીના પ્રાસ કવિતાના અનુપ્રાસથી અલગ છે. અલગ છતાં લગોલગ એટલે કવિતા. તમને તમારી ઓળખ આપે એ સાચું સર્જન. માનવીને સારો માનવી બનાવે એ સાહિત્ય.
પીડા એ કવિતાનું કેન્દ્ર છે. વેદના વગર કવિ ન થવાય. એમાં ય વેદનાના વરસાદ પછી નીકળેલો આનંદનો ઉઘાડ અનેરો હોય છે. રોજબરોજની વેદના શબ્દ બનીને અવતરે છે. ગાલિબે કહ્યું છે કે 'દર્દ કા હદ સે ગુજર જાના, હૈ દવા હો જાના' થોડી થોડી પીડા આપતા ઝખ્મોની ખલિશ અને ખલેલ મજાની હોય છે. કવિ પણ માણસ છે, એને પણ દુઃખ-દર્દ અસર કરે છે. કવિ ક્ષણિક શરીરી પીડાને કવિતાનું ચિરંતન રૂપ અર્પે છે. '.ય્0। :0સ્ઃ (। ।(ય્ ણ ..ની ગોપનીયતા જ કાળનો કાટ ન લાગે એવું ગીત સર્જી સકે છે.
આજે જ્યારે વિચારકો અલ્પસંખ્યક બની ગયા છે ત્યારે ફ્રેંચ ફિલસૂફ રેને દેકાર્તેનું વિશ્વપ્રસિદ્ધ વાક્ય ‘I think therefore I am' સોનામાં મઢી રાખવા જેવું છે. પોતાની કવિતા દ્વારા કોઈ નવો વિચાર ન આપી શકે એનું કચકડા જેટલું પણ મૂલ્ય નથી. વિચારશીલ માણસને કદી એકલતાનો અજગર ભરડો લેતો નથી. 'હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર, કોણ ત્યાં જઈને ભરે છે જળ, વિચાર' જેવા શેર આપનાર શયદાએ વિચારપ્રદાન ગઝલનો દોર આરંભ્યો. એમની કેટલીય પ્રાણવાન પંક્તિઓ કહેવત જેવી બની ગઈ છે. દિલને ડાયવર્ઝન આપનારી બની છે. સોક્રેટીસે કહ્યું છે કે 'વિચારનું સૌન્દર્ય આકૃતિના સૌદર્ય કરતા વધુ અસર ઉપજાવે છે.' 1960 પછી ગુજરાતી સાહિત્યમાં પ્રયોગશીલતાનો પવન ફૂંકાયો ત્યારે કેટલાક સર્જકોના પ્રયોગ માત્ર પ્રયોગ બની રહ્યા, એ વાચકોના દિલ સુધી ન પહોંચ્યા. આજે પણ કેટલાક 'મહા'કવિઓની કવિતાને સમજવા શીર્ષાસન કરવું પડે છે. સહજ બાનીમાં મરીઝ કેવી ગૂઢગહન વાતો કહી જાય છે...' જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી'
એક ચોટદાર શેર આખા દિવસનો થાક ઉતારી દે છે. જે વાત વાર્તા નથી કહી શકતી એ મુક્તકનું લાઘવ કહી જાય છે. જે વાત કહેવા નવલકથાનું આકાશ ઓછું પડે એ વાત ગીતના ગરમાળે ઝૂલી જાય છે. ધબકારનો ધક્કો વાગે અથવા ધબકારાને ધક્કો વાગે ત્યારે જ લખાતું હોય છે. સર્જન એ નાનીસૂની વાત નથી. સાત જનમની પુણ્યાઇ હોય તો ને તો જ શબ્દોના શરણે જવાય છે. કવિતાના કેસરનું તિલક જેનાં કપાળે થાય છે એને રાજયોગ એટલે કે શબ્દયોગ પ્રાપ્ત થાય છે. કેટલીક કવિતા લખાતી નથી પણ લખાઈ જાય છે. જે કવિતામાં સહજતા નથી એ કૃતક્તાનું કારખાનું બની જાય છે. વૃક્ષને કૂંપળ ફૂટે એમ કવિને કવિતા ફૂટે તો સાચી કવિતા પ્રગટે. સર્જનની અવસ્થા એ યોગ અને સંયોગની પળ છે. મનોજ ખંડેરિયા કહે છે તેમ 'પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને'. સર્જન વખતે આખું જગત શૂન્ય બની જાય છે અને એક અદ્ભુત અવસ્થાનો અનુભવ થાય છે. સ્ત્રીના માતૃત્વ જેવો જ અનુભવ સર્જકને થાય છે, પણ અહીં પદ્યપ્રસ્તુતિ નવ મહિના પછી પણ ન થાય એવું ય બને. રક્ષા શુક્લના મુક્તક સાથે કવિતાની આ મુક્ત યાત્રાને અલ્પવિરામ આપીએ.
આખેઆખું જીવન આપ્યું, પળ તો લ્યો.
દરિયામાંથી પાણી સાથે ખળખળ તો લ્યો.
પછી શબ્દના સરનામે પહોંચી જાવાનો,
ભર્યા ભર્યા મન સાથે કોરો કાગળ તો લ્યો.
આવજો...
જે સમય પસાર કરવામાં તમને ખુશી મળતી હોય એ સમય બગડયો કે વેડફાયો ન કહેવાય.
- રસેલ