આંખો હી આંખો મેં... .
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- આંખ અને દ્રષ્ટિમાં બહુ મોટો ભેદ છે. આંખથી જોઈ શકાય અને દ્રષ્ટિથી માપી શકાય. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ વચ્ચે આંખ નામનો કેમેરા છબી પાડી લે છ
હામ ને હેસિયત થકી બેઠો,
હુઁ નથી કોઇના વતી બેઠો.
શ્વાસ ખાવો કે રોટલા ખાવા ?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો ?
જીવ ઉભડક હતો તમારી સમક્ષ,
સ્હેજ મલક્યા તમે, પછી બેઠો.
જેમનું નામ છે ઘણું મોટું,
એમનું નામ હું પૂછી બેઠો.
- ડૉ. હરીશ ઠક્કર
કેટલાક લોકો આંખ ફેરવીને સ્થિતિનો ક્યાસ કાઢી લે છે. કેટલાકની આંખો પ્રેમમાં પાડે છે. કેટલાકની પ્રેમમાં બ્લેકહોલની જેમ વ્યક્તિના સમગ્રને ખેંચે છે. કેટલીક આંખોનો નશો કદી ઉતરતો જ નથી. કેટલાનું સૌંદર્ય એવું ચુંબકીય હોય છે કે એમાં ખેંચાયા વિના રહી જ ન શકાય. આંખો કી ગુસ્તાખિયા માફ હો... સફરમાં ચાર આંખ હોય તો થાક ઓછો લાગે છે. બે આંખે જોયેલા સપનાંને બીજી બે આંખ મળી જાય તો બેડો પાર...
કેટલાકની આંખો બહુ બોલકી હોય છે અને કેટલીકની સરોવરનું મૌન... સંવેદનાના નગરમાં વસવા માટે આંખની ભાષા ઉકેલતા આવડવી જોઇએ. જો કે આંખના ઇલાકામાં જોખમ બહુ રહેલા છે. પ્રેમના પ્રદેશમાં ક્યારે સરકી જાવ એ ખબર પડતી નથી. આંખો અરીસાની માફક સદા સાચું જ બોલાતી હોય છે. તમારો રાજીપો કે રૌદ્રતા પાંપણ પર પરદો હોય તો પણ પરખાય જાય છે. આંખ દ્વારા અભિનય થાય પરંતુ આંખ પોતે કદી અભિનય કરતી નથી. કીકીના કલરવ સામે તો કોયલ પણ ભોંઠી પડી જાય છે.
આંખોના રંગ પ્રમાણે માણસનો સ્વભાવ પારખવાનો પ્રયત્ન થયો છે. પુરુષની ડાબી આંખ ફરકે તો અમંગળના એંધાણ અને જમણી આંખ ફરકે તો શુભ શુભ મનાય છે. સ્ત્રીની વાત આનાથી વાઇસવર્સા જાણવી. ભૂરી આંખોના ભમ્મરિયા કૂવામાં પડીને બહાર નીકળી શકાતું નથી. કોઈ ગમતીલી આંખોના કારણે સમગ્ર અસ્તિત્વ સાથે ઘરોબો બંધાય જાય છે. સંસ્કૃતમાં કહ્યું છે કે 'સ્નેહં આખ્યાતિ લોચનામ્' તમે કેટલા પાણીમાં છો એ પાણીદાર આંખોનું તેજ બતાવી આપે છે. દરિયા કરતા પણ વધુ ઊંડાણ આંખોમાં રહેલું છે.
આંખોનું તો આખું વ્યક્તિત્વ જ જુદું. ભરસભામાં પણ બોલ બોલ કરે. 'નયન' શબ્દનો મૂળ અર્થ દોરનાર થાય છે. પણ એનું અર્થસંકોચન થયું અને આંખ થઇ ગયું. ખુલ્લી આંખે બધું દેખાય અને બંધ આંખે કશું ન દેખાય, એવું માનતા હોઈએ તો એ આપણો ભ્રમ છે. હકીકતમાં તો બંધ આંખે જ સાચું ભળાય છે. એવા પ્રબુદ્ધ પ્રજ્ઞાાચક્ષુ તો કોઇક જ. ભીતરની યાત્રા બંધ આંખે જ સંભવે છે. આંખના સપનાં પૂર્ણ કરવા ખુલ્લી આંખ રાખવી પડે છે. કૉવેટ રોબર્ટ કહે છે કે ‘in a dark time, the eye begins to see મુશ્કેલીમાં જ જાતને વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ. આત્માની આંખને કોઈ છેતરી શકાતું નથી.
આંખ અને દ્રષ્ટિમાં બહુ મોટો ભેદ છે. આંખથી જોઈ શકાય અને દ્રષ્ટિથી માપી શકાય. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ વચ્ચે આંખ નામનો કેમેરા છબી પાડી લે છે. બે યુવા આંખ વાત કરે ત્યારે દુનિયાને સાંભળવામાં બહુ રસ પડતો હોય છે. ઓશોની આંખોમાં ગૂઢ ગહનતાના દર્શન થાય છે. ઓશો કહે છે કે 'જ્યારે તમને ગમતું કોઈ સ્વપ્ન શરુ હોઅને તમે જાગી જાવ તો ફરી પથારીમાં આંખ બંધ કરી બેસી જાવ અને સ્વપ્ન સાથે મિત્રતા કેળવો, એને આંખોમાં આવવા આમંત્રણ આપો. સ્વપ્નને કહો કે હું તારી સાથે આવવા તૈયાર છું, તું જ્યાં લઇ જઈશ ત્યાં હું આવીશ. બસ પછીની ક્ષણે ચમત્કાર જુઓ.' ગાંધીજી સાથે આંખમાં આંખ મેળવી વાત કરો એટલે એમની આંખનો તાપ જીરવવો પડે. કબીરજીએ કહ્યું છે, 'કાન ઉપર ક્યારેય ભરોસો ન કરતા, માત્ર આંખો ઉપર ભરોસો કરજો. મતલબ કે તમે જે સાંભળો છો તે ખોટું છે અને જે જુઓ છો તે સાચું છે.' શિવની ત્રીજી આંખ ખૂલે એટલે બધું ભસ્મીભૂત થઇ જાય. પક્ષી મૃત્યુ પામે ત્યારે આકાશની આંખ ભેજવાળી બને છે. જગતનું સૌથી કાતિલ હથિયાર આંખનો ઇશારો છે. સૌથી વધુ કતલ આંખોથી થઇ છે, એકેય પોલીસના ચોપડે આ ગુનાઓ નોંધાયા નથી. બાળકની આંખમાં નિર્દોષતા, સંતની આંખમાં કરુણા, યુવા આંખમાં ચંચળતા અને વૃદ્ધની આંખમાં એક ઠહેરાવ હોય છે. અનુભવીની આંખોમાં પરિપકવતાનો પમરાટ હોય છે. બિલાડીની આંખો અંધારામાં જોઈ શકે છે અને અંધારાની આંખો બિલાડીને જોઈ શકે છે. પ્રકાશની શોધ કરનાર એડિસનનું મૂલ્ય છે પણ અજવાળું આપનાર સૂર્યનો મહિમા કેટલો ?
આંખો સૂઝી જાય તો બહુ સપનાં જોયા હશે એમ સમજવું ? આંખોમાં લાગેલા કાજળ સામે ઘટા પણ ફિક્કી પડી જાય છે. સૈફ પાલનપુરી કહે છે કે 'આંખોથી લઇશું કામ, હવે બોલવું નથી, રૂપાળું એક નામ, હવે બોલવું નથી... લ્યો સામે પક્ષે 'સૈફ' નજર નીચી થઇ ગઈ, શબ્દો હવે હરામ, હવે બોલવું નથી' આંખના અધ્યાયસમાં દ્રશ્યોનો દરબાર ભરાતો હોય છે, 'અખિયોં કે ઝરોખોસે...' જોયેલી ક્ષણનું મૂલ્ય મોતીથી ઓછું નથી. અંધજનની દુનિયામાં એનું પોતાનું એક અજવાળું હોય છે. બ્રેઇલના બારણાથી એનું સદન ખૂલે છે. હેલન એડમ્સ કેલરના તેજને તો સૂર્ય પણ સલામ કરે. પંદર વર્ષ પહેલા રજૂ થયેલી અદ્ભૂત ફિલ્મ 'બ્લેક'માં રાની મુખરજીનો અભિનય આજે પણ આંખમાં સમાયેલો છે.
કનજ્કટીવાઇટીસ (અંખિયા મિલાકે બોલે તો આંખ આવવી)માં ચશ્માં પહેરવા પડે છે, નહીંતર એનો ચેપ બીજાને લાગે. દુનિયામાં આશરે ૩૫% લોકો ટૂંકી અને લાંબી નજરની ખામીથી પીડાય છે અને વિશ્વમાં કુલ ૪.૫ કરોડ લોકો અંધ છે. યોગ દ્વારા આંખોની કસરત કરીને તેમની કાર્યક્ષમતામાં સુધારો કરી શકાય છે. આયુર્વેદ પ્રમાણે રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. ગુજરાતમાં ૧૫ હજાર નેત્રદાનની જરૂર છે તેની સામે ૬ હજાર નેત્રો જ મળે છે. નેત્રદાન માટેની દ્રષ્ટિ ક્યારે વિકસશે-વિસ્તરશે ? મૃત્યુ બાદ પણ તમારે નીરખવું હોય તો નેત્રદાન કરો. આ પાંચ ઇન્દ્રીયમાંની એક આંખ છે અને એનાથી સત્યમ શિવમ સુન્દરમ નિહાળીએ.
આવજો...
સૂર્ય ગુમાવ્યાના પસ્તાવામાં આંસુ સરતા રહેશો તો તારાઓ પણ ગુમાવશો.
- રવીન્દ્રનાથ ટાગોર