ગૂડબાય ગ્રીષ્મરાજા... વેલકમ વર્ષારાણી...
- તર-બ-તર- હરદ્વાર ગોસ્વામી
- સુરેશ જોષી કહે છે કે 'ગ્રીષ્મની બપોર. માર્ગો નિર્જન છે. સૂર્યના હજાર હાથના આશીર્વાદ મસ્તકે ઝીલવાની કોઈની મગદૂર નથી
તગતગતો આ તડકો
ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો,
કહો ચરણ ક્યાં ચાલે, એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે, પણ તસુંય તે ના ખસતો.
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો,
સાવ અડીખમ પડયો, કશેયે જરીક તો કોઇ અડકો.
તગતગતો આ તડકો.
- નિરંજન ભગત
મો રારિબાપુ રામકથામાં સર્વધર્મ સમભાવની ધૂન લેવડાવે ત્યારે તેમાં 'અલી મૌલા'ની બે પંક્તિ પણ હોય. કેટલાક ઓટલેબાજ અલેલટપ્પુઓએ કકળાટની કાગારોળ મચાવી દીધી. જાતે જજ બનીને બાપુને હિન્દુ વિરોધીનું બિરુદ આપી દીધું. એ રીતે જોઈએ તો ગાંધીજી અને બીજા અનેક મહાનુભાવો સર્વધર્મ સમભાવમાં માનતા હતા તો શું તેઓ પણ હિન્દુ વિરોધી થઇ ગયા ? કટ્ટર મુસ્લીમવાદ આતંકવાદને જન્મ આપે છે એમ કટ્ટર હિન્દુવાદ વિચારોના વટવૃક્ષને બોન્સાઈ બનાવે છે. સોશ્યલ મીડિયામાં આ વિવાદની ગરમીએ ઉગ્રતાના ઉનાળોનો અનુભવ આપ્યો. ઉનાળો આવતા કોરોના છૂમંતર થઇ જશે એવી આશા ઠગારી નીવડી એમ વિના વાંકે બાપુએ મિચ્છામી દુકડમ્ કહ્યું તો ય ચોરાના ચોકીદારો શાંત રહ્યા ન હતા.
સુરેશ જોષી કહે છે કે 'ગ્રીષ્મની બપોર. માર્ગો નિર્જન છે. સૂર્યના હજાર હાથના આશીર્વાદ મસ્તકે ઝીલવાની કોઈની મગદૂર નથી. સમય પણ જાણે પોતાની પગલી ભૂંસીને ક્યાંક સરી ગયો છે. એવામાં ક્યાંકથી, કોઈક ઘૂઘવે છે. ગ્રીષ્મની આ નિસ્તબ્ધ બપોરના ઉજ્જ્વલ રહસ્યને એણે જાણે એના કણ્ઠમાં સારવી લીધું છે.' ચોમાસામાં દેડકાંનો એકધારો અવાજ એવી જ રીતે વર્ષાના હાર્દને પ્રકટ કરે છે. વિદ્યાપતિએ તેથી જ તો એનાં પદમાં દેડકાંને અમર કરી દીધાં છે. પાસ્તરનાકની નવલકથા 'ડોક્ટર ઝિવાગો' વાંચો તો તેમાં રશિયા એના સમસ્ત પ્રાકૃતિક વ્યક્તિત્વ સહિત આપણી આગળ ખડું થાય છે.
પણ નગર અને અરણ્ય વચ્ચેનું અંતર વધતું જાય છે, આથી નાગરિકનું અને આરણ્યકનું જીવન પણ જુદું બનતું જાય છે. આની અસર સાહિત્ય પર પણ થવાની જ. નગરસંસ્કૃતિની વન્ધ્યતા 'ધ વેસ્ટલૅન્ડ'માં એલિયટે આલેખીત એનું બીજું રૂપ ડો. વિલિયમ્સે 'પૅટર્સન'માં આલેખ્યું. પણ અરણ્યના પર્ણમર્મરનો પેલો આદિ લય હજુ આપણી નાડીમાં છે. નગરમાં પણ મનુષ્યે અરણ્ય સરજ્યાં છે.
કાળઝાળ બપોરે પાણી પીવા કૂતરો તળાવ પાસે ગયો. એમાં એનું પ્રતિબિંબ દેખાયું. પોતાના જેવો જ પાણીમાં એનો દુશ્મન બેઠો હતો. એ પાણી પીધા વગર પાછો આવી ગયો. તરસ ખૂબ લાગી હતી એટલે ફરી તળાવ પાસે આવ્યો. પણ પેલો દુશ્મન હજુ પાણીમાં જ હતો. કંઠ સુકાતો હતો એટલે એણે હિંમત કરી તળાવમાં કૂદકો જ માર્યો. પરિતૃપ્ત થઇ બહાર નીકળ્યો. આ દ્રશ્ય જોઈ ડાયોજનીસ બોલ્યા 'કૂતરાભાઈ એક ગૂઢ સત્ય તમે મને શીખવાડયું, આપણા ભય આપણા મનના પ્રતિબિંબો માત્ર છે. એમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે, ભયમાં કૂદી પડો.'
વરસાદનું કાઉન્ટડાઉન શરુ થાય એ પહેલા જ એનું ફોલડાઉન શરું થઇ ગયું. જો કે આ એનું 'લોકહિતાય' પડવું છે. ગ્રીષ્મને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. પરસેવાથી પરેશાન લોકોને હાશકારના હિંડોળે બેસવા મળશે. વરસાદમાં આપણને બીજા પ્રશ્નો હશે અને શિયાળામાં ત્રીજા પ્રશ્નો થશે. દરેક ઋતુ પાછળ ઈશ્વરે કંડીશન અપ્લાય જેવી ફૂદડી મારી છે. કેટલાક લોકોને ખામી ખોળવાની ટેવ પડી જાય છે.
બી પોઝીટીવ લોહી હોવાથી હકારાત્મક નથી બનાતું. જિંદગીનો દ્રષ્ટિકોણ બદલવાથી હકાર આવે છે. ગરમાળાનો પ્રાસ ઉનાળા સાથે મળે છે એટલે મને આ મોસમ પ્રિય છે. આ ઋતુનો રૂતબો નિહાળવો હોય તો ભરબપોરે નીકળવું પડે, હમણાં ખરા બપોરે એક જૈન સાધુને ઉઘાડા પગે વિહાર કરતા નિહાળ્યા. એમના ચહેરા પરનું સ્મિત સહજતા સૂચવતું હતું.
બપોરે એક મિત્રની ઓફિસે ગયો તો એણે કહ્યું કે 'કેમ તડકો માથે લીધો ?' મેં કહ્યું કે 'મને તો મજા પડે છે.' તોય પાછો પેલો મિત્ર કહે કે 'તડકામાં ન નીકળાય.' લોકો પોતાની ફૂટપટ્ટીથી બીજાને માપવાનો પ્રયત્ન કરે ત્યારે હંમેશા મીસમેચિંગ થવાનું. ટોલ્સટોયએ કહ્યું છે કે 'સારો માણસ દરજી જેવો હોય છે. એ દરેક વ્યક્તિનું દર વખતે નવું માપ લે છે.' સ્કૂલમાં ભણતો મિત્ર વર્ષો પછી ઓફિસર થઇ મળે તો પણ પેન્ટને બદલે ચડ્ડી જેટલું જ માપ લઈએ છીએ.
ત્રિપાંખીયા તડકાને માણવા જેવો હોય છે. સવારનો કરેણના ફૂલ જેવો, બપોરે સ્પાઈસી ફૂડ જેવો અને સાંજે બ્લેકકરંટ આઈસક્રીમ જેવો તડકો હોય છે. ગ્રીષ્મમાં જ તામ્રવર્ણા તડકાનું અસલી રૂપ ખીલે છે.
બાકીની ઋતુમાં તો તડકો ખખડતો-ખોડંગાતો, માંદો-મરડાતો લાગે. ગ્રીષ્મના ગરબામાં ગુલમહોરી ગીતોની જમાવટ સાંજના પાંચ સુધી ચાલે. સુનકારના ધબકતા ઢોલમાં 'ઇંધણા વીણવા ગઈ'તી મોરી સૈયર, વેળા બપોરની થઇ'તી મોરી સૈયર' જેવા પ્રણયગીતો વાગતાં રહે. એમાં વચ્ચે વચ્ચે કળશો ભરીને કેસરનું સરબત અને ટેકરી જેવા બરફના ગોળાની જયાફત ચાલતી રહે.
ગરમીની મોસમમાં પરીક્ષા આવે એટલે મનનો પારો પણ ઉંચે ચડી જતો હોય છે. વેકેશનમાં બાળકોને વોટર પાર્કને બદલે દરિયા કિનારે લઇ જવાથી વરવો વૈશાખ પણ વ્હાલસોયો થઈ જશે. પંખાની પરબમાં હવાને પીતા પીતા એર કંડીશન ન હોવાનો અફસોસ થાય ત્યારે બપોરે ડામર પાથરતા મજૂર સામે જોઈ લેવું. શિયાળા અને ચોમાસા પાસે અનેક ફળ હશે પણ ઉનાળા પાસે એકે હજારા જેવી કેરી છે.
કાચી કેરી પર મીઠું મરચું ભભરાવીને ખાવાનો ચચરાટ અને ચરવરાટ અદ્ભુત હોય છે. આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુચર્યાનું વર્ણન કરતા કહ્યું છે કે 'ચંદનના લેપ, પુષ્પમાળાઓ, પાતળા અને હલકા વસ્ત્રોનું પરિધાન, શીતળ હવા તથા દિવસની અલ્પ નિદ્રા હિતકાર છે.' રસબસ થઇ રસ ઝાપટયો હોય પછી વામકુક્ષી અડધી કલાકને બદલે અઢી કલાક સુધી વિસ્તરે છે. ધોધમાર વરસાદ પાછળ ઉનાળાએ કાળી મજૂરી કરી હોય છે.
વર્ષાઋતુની પધરામણી કરાવા ગ્રીષ્મ ખૂબ પરસેવો પાડે છે. શૃંગારશતકમાં ભર્તુહરિ કહે છે કે 'મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વીંઝણાથી ઢોળાતો પવન, ચંદ્રનાં કિરણો, ફૂલની પરાગ, જલાશયો, નિર્મલ શરાબ, મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો, ઓછાં વસ્ત્રો અને કમલસમાન નેત્રવાળી સુંદરીઓતો ઉનાળાની ઋતુ આવે ત્યારે આ બધું ભાગ્યશાળીઓને મળે છે.'
આવજો...
ધન કરતાં જ્ઞાન એટલા માટે ચડિયાતું છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જ્યારે જ્ઞાન તમારી રક્ષા કરે છે.
- સ્વામી રામતીર્થ