મહાન ગીતકાર શૈલેન્દ્રનું અંતિમ ગીત
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- શૈલેન્દ્રનું સપનું એક ફિલ્મ નિર્માણ કરવાનું હતું. પણ એ સપનું એમને રાતા પાણીએ નવડાવી ગયું
લો કેશન છે હિન્દી ફિલ્મલના મશહૂર ગીતકાર શૈલેન્દ્રનું ઘર. સમય ૧૯૬૬નો, દેવઆનંદ-વિજય આનંદ, એસ.ડી. બર્મન શૈલેન્દ્રને મનાવી રહ્યા છે. મુદ્દો છે એમની આગામી ફિલ્મ 'જ્વેલ થીફ' માટે ગીત લખવાનો. પણ શૈલેન્દ્ર સોઈ ઝાટકીને ના કહી દે છે. વધુ આગ્રહ કરતા શૈલેન્દ્ર કહે છે કે 'ગીત તો બહુ દૂરની વાત છે પણ હું સાદું પોસ્ટકાર્ડ પણ લખી શકું એવી સ્થિતિમાં નથી' આશ્ચર્યના અરણ્યમાં ખોવાઈ જવાય એવી વાત છે ને! એક ગીતકાર જેનું ગીત લખવાનું જ કામ છે અને આટલા મોટા સ્ટાર ઘરે આવીને વિનંતી કરે તો ય ના પાડે! યુવા વયમાં રાજકપૂરે શૈલેન્દ્રની કવિતા સાંભળીને ફિલ્મના ગીત લખવા કહેલું પણ 'ફિલ્મો માટે મારી કવિતા ન વેચું' કહીને ના પાડેલી. જે પળની લોકો વર્ષોથી રાહ જોતા હોય એ જ પળ સામે ચાલીને આવે, એને કોઈ ના કહે... આવી હિંમત અને હિકમત એક કવિ જ કરી શકે છે.
નિર્માતા થોડા દિવસ બાદ ગીત લખાવવા ફરી સંપર્ક કરે છે તો શૈલેન્દ્ર કહે કે 'મજરૂહ સુલ્તાનપુરીને કહો એ લખી આપશે' પણ મજરૂહ સુલ્તાનપુરીએ કહ્યું કે 'શૈલેન્દ્ર જ લખે, એ અટકશે તો હું લખી આપશી.' એ જમાનાના ગીતો તો ઉત્તમ હતા જ પણ વ્યક્તિ પણ કેવા ઉત્તમ. ફિલ્મફેરમાં આ બંને ગીતકાર વચ્ચે સ્પર્ધા ચાલતી પણ વાસ્તવમાં જીવનમાં માનવીય સંવેદનો અકબંધ. ૧૯૬૩ વર્ષ માટે ફિલ્મફેરનો 'બેસ્ટ લિરીસિસ્ટ'નો એવોર્ડ સાહિર લુધિયાનવીને મળેલો. પણ સાહિરે કહ્યું કે આ એવોર્ડ માટે શૈલેન્દ્ર હકદાર હતા. આજની ગળાકાપ સ્પર્ધામાં મૂલ્યોની મેલડી(Melody)થઈ છે ત્યારે આવા કિસ્સા દિલને ટાઢક આપે છે. ડિપ્રેશનના દરવાજે નોક કરી રહેલા શૈલેન્દ્રએ શરાબનો સહારો લીધો હતો. પ્રારંભમાં કહેલી વાત પર ફરી આવીએ. નિર્માતાના બહુ આગ્રહને કારણે ખોટેખોટી હા પાડે છે. પણ જ્યારે ગીતની સિચ્યુએશન સાંભળે છે, ત્યારે શૈલેન્દ્ર કહે છે કે 'અરે આ તો અત્યારે હું જે જીવી રહ્યો છું એ જ સ્થિતિ-પરિસ્થિતિની વાત છે. હવે હું ગીત ચોક્કસ લખીશ.'
અને પછી હિન્દી સિનેમાનું યાદગાર ગીત સર્જાયું... રુલા કે ગયા સપના મેરા. ફિલ્મમાં અડધી રાતે તળાવમાં હિરોઇનની નાવ હાલકડોલક છે. જિંદગી નીરસ અને નિર્દયી લાગે છે. આ આખી વાત પોતાની જાત સાથે જોડી શૈલેન્દ્ર ગીત લખે છે. શૈલેન્દ્રનું આ છેલ્લું ગીત. જાણે આ ગીત મોતને સાદર સમર્પિત ન કર્યું હોય! પ્રખ્યાત ગાયક સુરેશ વાડકરનું આ સૌથી પ્રિય ગીત છે.
એમનું પહેલું ગીત 'બરસાત મેં હમ સે મિલે તુમ સજન' અને છેલ્લું ગીત આપણને રડાવીને ગયું. શૈલેન્દ્રને પહેલો ફિલ્મફેર એવોર્ડ ૧૯૫૮માં મળ્યો પછી તો એમની ગીતગાડી ચાલી. શૈલેન્દ્રનું મૂળ નામ શંકરદાસ કેસરીલાલ. જન્મ તા. ૩૦-૮-૧૯૯૩ અને મૃત્યુ તા. ૧૪-૧૨-૧૯૬૬. બાળપણ ખૂબ અભાવો વચ્ચે વીત્યું. કેટલાક દર્દભર્યા ગીતોમાં લખતી વખતે તેઓ પોતાનો પીડાદાયક ભૂતકાળ યાદ કરતા હતા. વિવિધ પ્રદેશના વસવાટે એમની ભાષા વધુ સમૃદ્ધ થઈ હતી. અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવા છતાં કૉલેજ કરી શક્યા નહીં અને ઘર ચલાવવા નોકરી કરવી પડી હતી.
બાળપણથી જ કવિતા પ્રત્યે અભિરુચિ. સીધી, સરળ અને સોંસરી ઉતરી જાય એ કવિતાની સમજ એમના સર્જનમાં પણ ડોકા દે છે. હિન્દી સિનેમામાં ઉર્દૂ ભાષાનો પ્રભાવ હતો ત્યારે શુદ્ધ હિન્દીમાં તેમણે અદ્ભુત ગીતો આપ્યા હતા. લોકબોલી પ્રકારના એમનાં ગીતો આમ આદમીથી માંડી પ્રબુદ્ધ વર્ગમાં ખ્યાત થયા હતા. પિતા રાવળપિંડીમાં આર્મી કેન્ટોનમેન્ટમાં કેન્ટીન ચલાવતા હતા. પછી સાંસ્કૃતિક વિરાસત વા મથુરામાં આવી વસ્યા.
'જ્વેલ થીફ' માટે લખાયેલ ગીત 'રુલા કે ગયા...'નો આરંભ લતા મંગેશકરના આલાપ સાથે થાય છે. 'ગાઈડ' ફિલ્મ બાદ બર્મનદાના સંગીતની રાહ જોવાઈ રહી હતી. આ ગીતમાં હૃદયદ્રાવક સંગીત આપી તેમણે ફરી સાબિત કર્યું કે એ ઉત્તમ સંગીતકાર છે. પીડાનું પોટલું ઊંચકનાર દરેક વ્યક્તિને એમ જ થાય કે આ તો મારું જ ગીત છે. પ્રારંભમાં હિરોઈનની સ્થિર હોડી, એનું જિંદગીથી થંભી જવું સૂચવે છે. ગીતના અંતે ખરબચકા વૃક્ષને ટેકે ઊભેલી હિરોઈન તની અસ્તવ્યસ્ત જિંદગીનું પ્રતીક છે.
હિરોનું આશ્ચર્ય અને હિરોઈનના આક્રંદનું અહીં બખૂબી સંયોજન થયું ચે. દેવ આનંદ અને વૈજંતીમાલાના અભિનયનું અજવાળું અંધારી રાતમાં પણ પથરાય છે. ધુમ્મસભર્યું વાતાવરણ, જળમાં દેખાતો ચહેરો, જળની અંદર-બહાર છવાયેલું અંધારું, ઈત્યાદિ વેદનાના સંકેતો છે. વી. રાત્રની કલાત્મક સિનેમેટોગ્રાફી... ક્યા બાત! વિજય આનંદનું દાદુ દિગ્દર્શન...
૧૯૩૭માં અમેરિકન કોમેડી ફિલ્મો પણ 'જ્વેલ થીફ' નામે રિલીઝ થઈ હતી. જો કે ટાઈટલ સિવાય બંને ફિલ્મમાં કશું સામ્ય નથી. પહેલા આ ફિલ્મની હિરોઈન માટે સાયરા બાનુનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ એમણે આ ઓફર સ્વીકારી ન હતી. આ ફિલ્મના બધા ગીત હિટ હતા પણ 'રુલા કે ગયા...' ભાવકના મન પર જુદી જ કસક અને કશ્મકશ છોડીને જાય છે. રહસ્યમય રત્નચોર અને મુંબઈ પોલીસની વચ્ચે ફિલ્મમાં પ્રેમની નાજુક ક્ષણોનું આલેખન થયું છે. જે. એમ. બારોટને ફિલ્મફેરનો બેસ્ટ સાઉન્ડ અને તનુજાને બેસ્ટ સપોર્ટીંગ એવોર્ડ મળ્યો હતો.
શૈલેન્દ્રનું સપનું એક ફિલ્મ નિર્માણ કરવાનું હતું. પણ એ સપનું એમને રાતા પાણીએ નવડાવી ગયું.
હિંદી સાહિત્યના પ્રસિદ્ધ વાર્તાકાર ફણિશ્વરનાથ રેણુની 'ઠુમરી' વાર્તાસંગ્રહમાંથી 'મારે ગયે ગુલફામ' વાર્તા લઈને તેમણે 'તીસરી કસમ' ફિલ્મ બનાવી હતી. 'સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ' જેવું સુપરહિટ ગીત શંકર જયકિશનના સંગીતમાં શૈલેન્દ્રએ કહ્યું. મીનપિયાસી સુપ્રસિદ્ધ કવિતા યાદ આવે... 'પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખદુ:ખ પૂછ્યું'તું? દર્દભરી દુનિયામાં જઈને, કોઈનું આંસુ લૂછ્યું'તું ગેં ગેં ફેં ફેં કરતા કહેશો, હેં હેં હેં હેં! શું શું શું?' એ એક ગામડિયા અને નાચનારી વચ્ચેની પ્રેમકહાણી હતી. રાજકપૂર માટે શૈલેન્દ્રએ અનેક ગીતો દિલ ખોલીને લખ્યાં પણ આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં રાજકપૂરે અનેક ચંચુપાત કર્યા હતા અને પરિણામ એ આવ્યું કે ફિલ્મનું શુટિંગ ખૂબ લાંબુ ચાલ્યું, ફરી શુટિંગ કરવું પડયું. એડીટીંગ પણ લંબાયું અને રિલીઝના પૈસા ન હતા એટલે ઓર મોડું થયું. દાઝ્યા પર ડામ જેવી સ્થિતિમાં પ્રમોશન પણ બરાબર ન થયું, પરિણામે એ આવ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ. શૈલેન્દ્ર દેવામાં ઉતરી ગયા. 'તીસરી કસમ' બાદ એમણે પહેલી કસમ ખાધી કે 'હવેથી ફિલ્મનું નિર્માણ નહી કરું.'
થોમસ કાર્લાઈલ કહે છે કે 'કવિતા એટલે સંગીતમય વિચાર' શૈલેન્દ્રએ ગીતમાં સામાજિક નિસ્બત સાથે વેદનાનું વાવેતર કર્યું છે. આ ગીત પહાડી રાગ પર આધારિત છે. હિમાલયના પ્રદેશમાં આ રાગના મૂળ છે. આ રાગ ઠૂમરી, ગઝલ અને ભજનોની પ્રસ્તુતિમાં રંગ લાવે છે પણ અહીં આ ગીતમાં દૂધમાં સાકર ઓગળે એમ એ ભળી ગયો છે. રાગ એક મેલડિયસ માળખું છે, જે શ્રોતાઓના હૃદયને સ્પર્શી સંવેદનને રણઝણાવે છે. 'રુલા કે ગયા...' ગીતમાં સરળતાની સાથે સાહિત્યિક સંસ્પર્શ પણ છે. ફિલ્મની સિચ્યુએશન તો એકદમ ફીટ બેસે છે પણ સ્વતંત્ર રીતે માણો તો પણ આનંદ આપે છે.
નાયિકા સવારની પ્રતીક્ષામાં એટલે કે સુખની રાહમાં છે. દુ:ખનું અંધારું ત્યારે જ દૂર થશે જો સવાર પડે. અહીં 'લૂંટેરા' શબ્દની વ્યંજના અવનવા વ્યંજનની જેમ નવા અર્થના આકાશમાં વિહાર કરાવે છે. કોરોનાકાળની વેદના અજાણપણે આ ગીતમાં ગૂંથાઈ છે... ફિલ્મ 'પતિતા'ના લખેલા એક ગીતમાં શૈલેન્દ્ર પોતે જ લખે છે કે हैं सबसे मधुर वो गीत जिन्हेे हम दर्द से सुर में गाते है''