- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- દુઃખી રહેવાનું કોઈને'ય શીખવવું નથી પડતું, આપમેળે જ લોકો દુઃખી કે ઉદાસ રહેતા શીખી જાય છે. આ એક પ્રકારની વિચારસરણીનું પરિણામ છે
ગ ત સપ્તાહે આપણે વાત કરતા હતા કે સુખી થવા કરતા દુઃખી થવું વધુ સહેલું છે. સુખી થવા આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ પરંતુ દુઃખી તો બસ એમ જ થઈ જઈએ છીએ. બીજા શબ્દોમાં કહું તો આનંદના અનુભવ કરતા દુઃખનો અનુભવ કરવો વધુ સહેલો છે. દુઃખની લાગણીઓના પેકેજમાં આવતી ઉદાસી, હતાશા, ભય, તણાવ કે ગુસ્સો આપણે ક્યાં શીખવા જઈએ છીએ, વિચારો થકી આપણે એમ જ અસ્વસ્થ કે દુઃખી થઈ જઈએ છીએ. ખુશ રહેવાનું આપણે શીખવું પડે છે, એના માટે કારણ શોધવા પડે છે. દુઃખી કે ઉદાસ તો આપણે કોઈ કારણ વગર પણ થઈ શકીએ છીએ. આપણી આજુબાજુમાં અનેક વ્યક્તિઓ એવી છે કે જે સતત દુઃખી રહેતી હોય, તેમની દરેક બાબતોનો અંડરટોન નકારાત્મક કે ફરિયાદનો હોય. આ એવી વ્યક્તિઓ છે કે જેમના માટે ખુશ રહેવું એ ખૂબ તાકાત અને પ્રયત્ન માંગી લે એવી વાત હોય છે, ઇચ્છવા છતાં એ આનંદની અનુભૂતિ કરી નથી શકતી. મેડિકલ સાયન્સ આ મનોદશાને 'ડિપ્રેશન' તરીકે વર્ગીકૃત કરી દે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં એ સ્વભાવ કે આદત બનીને વ્યક્તિને વીંટળાઈ રહેતી હોય છે. ગમે તેટલી એન્ટીડિપ્રેશન્ટસ્ પણ આવી વ્યક્તિઓનો મૂડ મઝામાં નથી લાવી શકતી. એમના મૂડને ઠીક કરવા એમના વિચારોમાં બદલાવ લાવવો જરૂરી બની જાય છે, તેમની દુઃખી કે ઉદાસ રહેવાની આદત તોડવી પડે.
પોતાના રોજિંદા જીવનમાં અશાંતિ, દુઃખ કે ઉદાસીનતાને આમંત્રણ આપતા રહેતા લોકોનો પણ એક સમૂહ હોય છે. જાણે-અજાણે આ વ્યક્તિઓ પોતાના જીવનમાં દુઃખ અને અસંતોષ નોંતરી બેસતા હોય છે. વ્યવહારમાં આ વ્યક્તિઓ સતત ફરિયાદો કરતા, દરેક બાબતમાં નકારાત્મકતા-વાંધા શોધતા કે સુખી કરે તેવી બાબતોથી અજાણે જ દૂર રહેતા જોવા મળે છે. સ્વભાવમાં રહેલી અમુક ખાસિયતોને કારણે આ વ્યક્તિઓ દુઃખી રહેવાની કળામાં જાણે માહેર થઈ ગયા હોય છે. પોતાની દરેક નાની-મોટી તકલીફો કે નિષ્ફળતાઓ માટે માતા-પિતા, ભાઈભાંડુઓ, સંબંધીઓ કે અન્ય વ્યક્તિઓને જવાબદાર ગણતા કે જવાબદાર ઠેરવવાનું વલણ ધરાવતા લોકોને દુઃખી થવાનું કારણ શોધવા નથી જવું પડતું, એમના આ વિચારો જ એમને દુઃખી કરવા કે દુઃખી રાખવા પૂરતા છે. પોતાના જીવનને સતત બીજાના જીવન સાથે સરખાવતાં રહેતા લોકો પણ અજાણતા જ ઉદાસી ઓઢીને ફરતા રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં વધુ પડતા ડૂબેલા રહેતા લોકો અજાણતા જ પોતાનું જીવન અન્ય સાથે સરખાવવા માંડતા હોય છે અને ના જોઈતા ઉચાટ, ઉદાસી કે અસંતોષની મનોદશામાં જીવતા હોય છે. મનમાં નકારાત્મકતા ભરીને દુઃખી રહેતા લોકોમાં એક વિશેષતા એ પણ જોવા મળે છે કે આ વ્યક્તિઓ મનમાં નાના-મોટા પૂર્વગ્રહ અને દ્વેષભાવ રાખીને ફરતા હોય છે. તેમનામાં માફ કે જતું કરવાની માનસિક તૈયારી નથી હોતી. બીજા લોકો જે તે પ્રસંગ કે ઘટનામાંથી આગળ વધી જાય અને આ લોકો ત્યાં જ અટકીને એકના એક દુઃખનો અવારનવાર અનુભવ કર્યે જ જાય છે, નકારાત્મક ઉર્જા પેદા કર્યે જાય છે. સરવાળે તેમની વિચારસરણી નકારાત્મક થતી જાય છે અને એ જ નકારાત્મકતા તે પોતાના વ્યવહારોમાં પ્રસરાવતા જતા હોય છે. ભૂતકાળને વાગોળતા રહેતા અને ભવિષ્યને બિલ્લોરી કાચથી જોતા રહેતા લોકો પણ વિના કારણે વિષાદમાં રહેતા હોય છે. વર્તમાનમાં જીવવાની સલાહ આપવી રમત વાત છે પરંતુ પાંચ મિનિટ પણ વર્તમાનમાં રહેવું ઘણીવાર અઘરું હોય છે. વર્તમાનમાં રહેવા માટે સતત મહાવરો કરતા રહેવું પડતું હોય છે, ભૂતકાળ સાથે સમાધાન કરવું પડતું હોય છે અને ભવિષ્યને સ્વસ્થ મનોદશા કેળવીને નિર્મિત કરવું પડતું હોય છે. સ્વસ્થ વર્તમાન સલામત ભવિષ્યનો પાયો છે.
હતાશાથી પીડાતી ઘણી વ્યક્તિઓને જ્યારે પૂછીએ કે તેમને 'ડિપ્રેશન' ક્યારથી અનુભવાય છે તો જવાબ મળે કે હમણાં આ બધું વધી ગયું છે, બાકી તો સ્વભાવ પહેલેથી જ નકારાત્મક વિચારવાવાળો, ઉચાટવાળો કે ચિંતાવાળો જ છે. આ એ વ્યક્તિઓ છે કે જેમને જાણે-અજાણે દુઃખી રહેવાની કળા કે ફાવટ આવી ગઈ છે. એમાં સ્વભાવ, વ્યવહાર, જીવનના અનુભવો, પરિસ્થિતિઓ વગેરે બધું પોતપોતાની રીતે ભાગ ભજવતું હોય છે. વાસ્તવમાં સુખી થવાની કળા એટલે દુઃખી થવાની જે ફાવટ આવી ગઈ છે એમાંથી મુક્ત થવું. આ વ્યક્તિઓએ પોતાને દુઃખી, ઉદાસ કે ઉચાટમાં રાખતી બાબતોથી જાગૃત થવું જરૂરી છે. આ જાગૃતિને ધ્યાનમાં રાખીને જે કંઈ બદલાવ લાવવા પ્રયત્નશીલ થવાય એ સુખી થવાની દિશામાં ભરેલું પગલું જ ગણાય. જેમની મનોદશા નકારાત્મક કે ઉદાસીન હોય તેવી દરેક વ્યક્તિઓએ આ બાબતો ધ્યાનમાં રાખીને આત્મ-ચિંતન કરવું પડશે. ઉદાસીનતા કે ડિપ્રેશન એક રોગ ચોક્કસ છે પરંતુ એ પણ યાદ રાખજો કે એ એક સ્વભાવ કે વિચારસરણી પણ હોઈ શકે. હકારાત્મક લાગણીઓ, પ્રવૃતિમય રૂટિન, તંદુરસ્ત સંબંધો, જીવનનો હેતુ અને જીવતર સંબંધી સંતોષ તમારા સ્વભાવ કે વિચારોમાંથી દુઃખની લાગણીઓ દૂર કરી શકે છે.
પૂર્ણવિરામ
દુઃખી થવું અનિવાર્ય હોય તે સંજોગોમાં પણ દુઃખી રહેવું વૈકલ્પિક (ઓપશ્નલ) છે. દુઃખી થવું એ પ્રતિભાવ છે, દુઃખી રહેવું એ મનોદશા છે.


