Get The App

તમારા વિચારો જ તમારી ખુશીના જન્મદાતા છે

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
તમારા વિચારો જ તમારી ખુશીના જન્મદાતા છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- મુસાફરીમાં મને કંઇક થઇ જશે એવો મનમાં ડર અનુભવનાર, વિશ્વની સૌથી આહલાદ્ક મુસાફરીના રોમાંચ કે આનંદથી વંચિત જ રહેવાનો, એનું મન તો ક્યારે મુસાફરી પતે અને પોતે સલામત લાગતા સ્થળે પહોંચે એવા ઉચાટમાં જ રહેતું હોય છે

ચા લો આવતીકાલે શરૂ થતા ૨૦૨૬ની શુભેચ્છાઓ સાથે આપણી વાતની શરૂઆત એક રમૂજથી કરીએ. એક બેન મેળામાં લાગેલી હાટડીઓમાં કલાત્મક અરીસાની દુકાનમાં ખરીદી માટે અરીસાઓ જોઈ રહ્યા હતા. દસ-પંદર અરીસા જોયા પછી એ ખરીદી કર્યા વગર ચાલવા માંડયા. દુકાનવાળાભાઈને સાહજિક રીતે જ એ પસંદ ના પડયું એટલે એણે પેલા બેનને બૂમ પાડી 'આટલા કલાત્મક નંગમાંથી એક પણ ના પસંદ પડયો ?!'

બેન તો આગળ નીકળી ગયા હતા પરંતુ એમના પતિના કાને લારીવાળાનો પ્રશ્ન પડયો અને એણે પણ કુતુહલતાવશ પત્નીને પૂછી કાઢ્યું 'અરીસો ના પસંદ પડયો ?!'

'ના રે, એકે'યમાં મોઢું સારું નહતું દેખાતું' બેને મોઢું મચકોડયું પતિ રિફ્લેક્સલી જ ગણગણ્યો 'અરીસામાં તો જેવું મોઢું હોય તેવું જ દેખાય ને ?!' સ્ત્રીઓના કાન અને ધ્યાન બંને એકદમ સતેજ હોય છે, બેને ભીડ અને ઘોંઘાટ વચ્ચે પણ પતિનો ગણગણાટ સાંભળી લીધો. 'ઘેર ચાલો એટલે તમને તમારું મોઢું અરીસામાં બતાવું' બેનનો પિત્તો ગયો અને પતિ ચુપચાપ એમની પાછળ ચાલવા માંડયો !

બોલો હવે આમાં પતિએ ખોટું શું કહ્યું'તું ?! સાવ સામાન્ય વાત છે ને ?! ઘણીવાર સામાન્ય (જનરલ) વાત સમજાતી નથી હોતી ત્યારે વ્યક્તિઓ તેને અંગત (પર્સનલ) લઇ લેતા હોય છે. અરીસામાં દેખાતા પ્રતિબિંબ પાછળ મહદઅંશે તો આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ ને ?! આપણી સ્વભાવગત નબળાઈ છે કે સફળતાનો જશ આપણે હોંશે હોંશે લઇએ છીએ પરંતુ આપણી નિષ્ફળતાઓ કે તકલીફો માટે બીજાને જવાબદાર ગણીએ છીએ ! જો કોઈ આ બાબતમાં આપણને કારણભૂત માનવાની વાત કરે તો તરત જ આપણે બચાવમાં કે સફાઈ આપવામાં લાગી જઇએ અથવા જાણ્યે-અજાણ્યે દલીલો વડે વળતો હુમલો કરી બેસીએ. વિચારોની પૃષ્ઠભૂમિમાં આપણને શું નડે છે એવું વિચારતા રહેતા લોકો ક્યારે'ય પોતાને પોતે જ નડે છે એવું આસાનીથી વિચારી કે સ્વીકારી નથી શક્તા.

આપણા જીવનની મોટાભાગની પીડાઓના મૂળમાં આપણી તેના પરત્વેની વિચારસરણી રહેલી હોય છે અને તેના ઉકેલમાં આપણે આ જ વિચારસરણીમાં બદલાવ લાવવાનો હોય છે. વિચારો બદલાતા પ્રશ્નો ઉકેલાવા માંડે છે. આ જ દિશામાં થોડું ઊંડું ચિંતન કરીએ તો સમજાશે કે ખુશ રહેવામાં આપણી વિચારસરણીનું બહુ મોટું યોગદાન છે. આપણી ખુશીને આપણે પોતે, આપણા વિચારો અને આપણો અભિગમ નડતા હોય છે. ખુશ રહેવા ઇચ્છતી દરેક વ્યક્તિએ એ ચોક્કસ નક્કી કરવું પડશે કે પોતાની ખુશીને આડે પોતે તો અંતરાય બનીને નથી ઉભા ને ?! આ પ્રશ્નોના સાચો જવાબ મેળવવો હોય તો ખુબ તટસ્થતાપૂર્વક અને પ્રામાણિકતાથી તમારે તમારા વિચારો, વ્યવહારો અને અભિગમનું વિશ્લેષણ કરવું પડશે.

કેટલીક બાબતો જો તમારી વિચારસરણીમાં આગળ પડતી હોય તો તમારું મન જ તમારી ખુશીના માર્ગમાં મોટી અડચણો પેદા કરનારું બનીને બેઠું હોય છે. જીવનમાં ખુશ રહેવા માટે આયોજન કરવું પડતું હોય છે, ખુશી નસીબમાં હશે તો આપણે માથે આવી ટપકશે એવું માનનારા લોકો પોતાની ખુશીમાં અંતરાય ઉભો કરી રહ્યા હોય છે. ચોક્કસ ધ્યેય અને હેતુ સાથે જીવન જીવનારા લોકો માટે ખુશ રહેવું પ્રમાણમાં સરળ હોય છે. કોણ નથી જાણતું કે અપેક્ષાઓ જીવનમાં ઘણી અડચણો પેદા કરે છે ?! જ્યારે તમારી વિચારસરણીમાં અવાસ્તવિક અપેક્ષાઓ ખદબદતી હોય ત્યારે તમારું મન ખુશીનો અનુભવ નથી કરી શક્તું. આ સંજોગોમાં તમારા વિચારો જ તમને નડે છે અને તમે ફરિયાદ કરો છો કે બધું હોવા છતાં હું ખુશ નથી. આપણે બધા જીવનમાં અનેક પ્રકારના ડર પાળીને જીવતા હોઇએ છીએ, અલબત્ત તેની માત્રા વ્યક્તિગત હોઈ શકે. આ ડર તમને મઝાથી હંમેશા વંચિત રાખે છે. મુસાફરીમાં મને કંઇક થઇ જશે એવો મનમાં ડર અનુભવનાર, વિશ્વની સૌથી આહલાદ્ક મુસાફરીના રોમાંચ કે આનંદથી વંચિત જ રહેવાનો, એનું મન તો ક્યારેય મુસાફરી પતે અને પોતાને સલામત લાગતા સ્થળે પહોંચે એવા ઉચાટમાં જ રહેતું હોય છે. જે વ્યક્તિઓની વિચારસરણીમાં ભય કેન્દ્ર સ્થાને રહેતો હોય તે વ્યક્તિઓની ખુશીમાં પોતે જ સૌથી મોટો અવરોધ બનીને બેસતા હોય છે. માત્ર ભય જ નહીં, વિચારોમાં વધુ પડતી ચોકસાઈ, કંટાળો, થાક, ઉચાટ વગેરે પણ અગત્યના છે. જે વ્યક્તિઓ આ લાગણીઓને સ્વીકારીને બેસી રહે છે, એ પોતાની જાતે જ ખુશ રહેવાથી દૂર ભાગે છે. વાસ્તવમાં આ બધી જ લાગણીઓને હડસેલવા માટે યોગ્ય દિશામાં, યોગ્ય પ્રયત્ન દ્વારા મનોબળ કેળવવું પડે છે. તેનો તાત્કાલિક અને રચનાત્મક ઉપાય કરવો પડે છે.

સો વાતની એક વાત, તમને ખુશ રાખી શકે એવી સૌથી અગત્યની વ્યક્તિ તમે પોતે જ છો. તમારા વિચારો જ તમારી ખુશીના જન્મદાતા છે, બાકીનું બધું નિમિત્ત માત્ર છે. જે વ્યક્તિઓને આ વાત સમજાતી હશે તેને જ સમજાશે કે આપણી ખુશીની અને આપણને ખુશ રાખવાની જવાબદારી આપણી પોતાની જ છે. જો આ વાત સમજાઈ જાય તો આપમેળે અપેક્ષાઓ ઓગળવા માંડે છે.

પૂર્ણવિરામ :

સુખી થવા માટે રટવા જેવો વિચાર - હું બધી બાબતો, પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ ઉપર કાબુ ના ધરાવી શકું, પરંતુ હું મારા પોતાના ઉપર ચોક્કસ કાબુ ધરાવી શકું. જ્યારે કોઈપણ મારા કાબુ બહાર બની રહ્યું હોય ત્યારે મારે મારા અભિગમ અને પ્રતિભાવ ઉપર જ કાબુ ધરાવવાનો છે, બીજું કંઇ નથી કરવાનું !