Get The App

મનના અદ્રશ્ય ચશ્મા, જે વિશ્વને તમે કેવી રીતે જુઓ છો તે ફિલ્ટર કરે છે

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
મનના અદ્રશ્ય ચશ્મા, જે વિશ્વને તમે કેવી રીતે જુઓ છો તે ફિલ્ટર કરે છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- આપણું મન ભૂતકાળના અનુભવો, માન્યતાઓ, લાગણીઓ, અપેક્ષાઓ, સંસ્કૃતિ અથવા સંદર્ભના આધારે એક ચોક્કસ વિચારસરણી-માઇન્ડસેટ પેદા કરે છે 

ઘ ણો સમય થયો, મારા કાલ્પનિક પાત્ર બુધાલાલની વાત કરે, ચાલો આજે એમને યાદ કરીએ. આજકાલ બુધાલાલ એક પેટ લઇને આવ્યા છે, ગોલ્ડન રિટ્રીવર-સ્કોટિશ ડોગ અને એનું નામ પાડયું છે, 'બચુ'! રોજ સાંજે એ બચુને લઇને ક્લબમાં જાય અને પોતે એક બેન્ચ ઉપર બેસે, બેઠા બેઠા બોલનો ઘા કરે અને બચુ ફલાંગો ભરતું દોડે અને બોલ લઇ આવે. રોજ આ કસરત ચાલે, એમાં વળી આજે બુધાલાલે તાનમાં આવીને જોરથી ઘા કર્યો અને બોલ જઇને પડયો સ્વિમિંગ પુલમાં, બચુએ દોડ મૂકી અને બુધાલાલના આશ્ચર્ય વચ્ચે પાણી ઉપર દોડતા જઇને બોલ લઇ આવ્યો ! બુધાલાલે તો પોતાની આંખો ચોળી, આ શું ?! મારો આ બચુડો તો પાણી ઉપર દોડે છે !! બુધાલાલને થયું કે આ તો ગજબ કહેવાય, મારે મિત્રોને બચુની આ ખાસિયત બતાવવી પડે. આમ પણ પેટ-ડોગ તો કુટુંબના સભ્ય જેવું હોય છે એટલે એની સિદ્ધિને પ્રસિદ્ધિ આપ્યા વગર થોડું ચાલે?! એમણે તો ફટાફટ બે-પાંચ મિત્રોને ભેગા કરી દીધા અને કહ્યું જુઓ એક આશ્ચર્ય બતાવું, એમ કહીને બોલનો ઘા કર્યો સીધો સ્વિમિંગ પુલમાં અને બચુએ દોડ મૂકી, પાણી ઉપર દોડતા જઇને બોલ લઇ આવ્યો ! બધા જોતા રહ્યા પણ કોઇ કંઇ ના બોલ્યું! બુધાલાલને થયું કે બચુના કારસ્તાને બધા ડઘાઈ ગયા લાગે છે. એમણે ફરી ઘા કર્યો અને એ જ ક્રમ! કોઇ કંઇ ના બોલ્યું !! હવે બુધાલાલથી ના રહેવાયું 'તમને મારા ડોગમાં કોઇ વિશેષતા ના જણાઈ?!' ેએક મિત્રએ તરત જ જવાબ આપ્યો 'તારા કૂતરાને તરતા નથી આવડતું!'

બુધાલાલની આ વાતનો મર્મ શું?! વાસ્તવમાં આપણું મન કેવી રીતે ઝડપી નિર્ણયો કે જજમેન્ટ્સ પર આવે છે તેનું આ ઉદાહરણ છે. પાણીમાં પડેલા બોલને લેવા જતા કૂતરાની આપણા મનમાં શું છબી છે ? કૂતરો પાણીમાં તરતો તરતો જશે અને બોલ લઇ આવશે એટલે સ્વાભાવિક છે કે મન આખી ઘટનાને પોતાની અપેક્ષાના સંદર્ભમાં મૂલવશે જેથી પાણી ઉપર દોડવાની જગ્યાએ તરી ના શકવાનો વિચાર પહેલા આવશે. તો બુધાલાલને કેમ એવું ના થયું કે બચુ પાણીમાં તરી નથી શકતો?! કારણ સરળ છે, દરેક પેટ-ડોગના માલિકને માટે પોતાનું પેટ વિશેષ હોય છે (માલિક માટે બચુ અને બીજા લોકો માટે કૂતરો !!) અને તેનું મન તેની વિશેષતાઓ સાથે સંકળાયેલું રહે છે, સ્વાભાવિક છે વિશેષતાઓ પહેલી નજરમાં ચઢે ! મનની આ આખી રમતને મનોવિજ્ઞાન 'પર્સેપ્ચ્યુઅલ સેટ' કહે છે. આપણા મનની ભૂતકાળના અનુભવો, માન્યતાઓ, લાગણીઓ,અપેક્ષાઓ, સંસ્કૃતિ અથવા સંદર્ભના આધારે કોઇ બાબત ચોક્કસ રીતે સમજવાની આ મનોવૃત્તિ છે, આપણે જે જોવા માંગીએ છીએ તેનાથી પણ પ્રભાવિત થતી આ બાબત છે. મનોવિજ્ઞાન કહે છે કે મનની આ વિશેષ ક્ષમતા મનને ઝડપી નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ 'પર્સેપ્ચ્યુઅલ સેટ'ને કારણે આપણે અમુક બાબતો પર વિશેષ ધ્યાન આપીને બાકીની બાબતો અવગણી જઇએ છીએ! ઉદાહરણ તરીકે, આપણે કોઇ વ્યક્તિને પહેલીવાર મળતા હોઇએ અને એના વિશે આપણને એવી માહિતી હોય કે તે વ્યક્તિ લુચ્ચી છે તો તે આપણી સાથે લુચ્ચાઈ કરે કે ના કરે પરંતુ આપણે એની ભલાઈ તો અવગણી જ જઇએ ! આ રંગીન ચશ્મા પહેરવા જેવું છે, જેમાં અમુક રંગો ઊભરીને આવે અને અમુક સાવ ઝાંખા થઇ જાય. વાસ્તવમાં આ 'પર્સેપ્ચ્યુઅલ સેટ' આપણા મનના અદ્રશ્ય ચશ્મા જ છે, જે વિશ્વને તમે કેવી રીતે જુઓ છો તે ફિલ્ટર કરે છે અને એ પણ તમારી જાણ વગર! આ જ કારણ છે કે એક જ વાતાવરણ અને સંજોગોમાં ઉછરેલા ભાઈ-બેનો પોતાના ભૂતકાળને જુદી જુદી રીતે યાદ રાખે છે, વર્ણવે છે. આજ વાત તુલસીદાસજીએ રામચરિતમાનસની એક ચોપાઈમાં કરી છે - 'जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी - જેની જેવી ભાવના ('પર્સેપ્ચ્યુઅલ સેટ') હોય છે તે રૂપમાં તેને ઇશ્વર દેખાય છે. એટલે કે, ઇશ્વરનું સ્વરૂપ વ્યક્તિની ભાવનાઓ અને દ્રષ્ટિકોણ પર નિર્ભર કરે છે. ઇશ્વરને પ્રેમ અને ભક્તિભાવથી જોનાર વ્યક્તિને ઇશ્વર પ્રેમ-સ્વરૂપ અને દયાળુ લાગે છે. પરંતુ, ઇશ્વરને ભય અને ડરથી ભજનારા વ્યક્તિને ઇશ્વર કઠોર અને દંડ આપનાર લાગે છે ! 'પર્સેપ્ચ્યુઅલ સેટ' તમારી વિચારસરણી અને નિર્ણય શક્તિને કઇ રીતે પ્રભાવિત કરે છે તેનું એક સરળ ઉદાહરણ આપું. તમે માથાના દુખાવાની ફરિયાદ સાથે કોઇ ફિઝિશિયન પાસે જાવ તો એ સૌ પહેલા તાવ-ડેન્ગ્યુ, મેલેરિયા વિશે વિચારશે, કાન-નાક-ગળાના ડોક્ટર પાસે જાવ તો એ સૌ પહેલા સાઇનસ વિશે વિચારશે, આંખના ડોક્ટર પાસે જાવ તો એ પહેલા આંખના નંબર કે ઝામર વિશે વિચારશે, ન્યુરોફિઝિશિયન પાસે જાવ તો એ પહેલા આંખના નંબર કે ઝામર વિશે વિચારશે, ન્યુરોફિઝિશિયન પાસે જાવ તો એ માઇગ્રેન કે મગજમાં ગાંઠ વિશે વિચારશે અને સાઇક્રિયાટ્રિસ્ટ પાસે જાવ તો એ એંગ્ઝાઇટી કે ડિપ્રેશન વિશે વિચારશે. આ બધા જ પોતપોતાની રીતે સાચા છે. પોતાના ભણતર, અનુભવ અને આવડતના આધારે ઊભા થયેલા 'પર્સેપ્ચ્યુઅલ સેટ'ના લેન્સમાંથી જુએ છે ! આપણી રોજિંદી વિચારસરણીમાં આ 'પર્સેપ્ચ્યુઅલ સેટ' કેવી રીતે ભાગ ભજવે છે તે પણ જોઇએ. વર્ગમાં દરેક તોફાન, સૌ પ્રથમ તો તોફાની તરીકે પંકાયેલા વિદ્યાર્થીના નામે જ ચઢે છે, ભલે પછી એ બીજા કોઇએ કર્યું હોય! જીવનસાથીની અવગણનાથી પીડાતી વ્યક્તિને કામ પરથી આવેલા પોતાના સાથીનું મૌન, જેન્યુઇન થાક નહીં પણ ઉપેક્ષા જ લાગે છે. જો તમને સખત ભૂખ લાગી હશે તો રસ્તા ઉપર ખાણી-પીણી કે રેસ્ટોરન્ટના બોર્ડ ઝડપથી નજરે પડશે. આવા અનેક ઉદાહરણ આપી શકાય એવું છે પરંતુ અહીં તાત્પર્ય એ છે કે મનના આ ઝડપી નિર્ણયો લેવાના ચક્કરમાં આપણે ઘણીવાર કાચું કાપી બેસીએ છીએ અને પછી એ જ નિર્ણયને સાચો ઠેરવવા દલીલો કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ!

તમારી નિર્ણયશક્તિને સાચી અને મજબૂત બનાવવા આ 'પર્સેપ્ચ્યુઅલ સેટ'ને મેનેજ કરતા શીખવું પડશે, આ વાત આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ...

પૂર્ણવિરામ

જે આંખ વગર જુએ છે, કાન વગર સાંભળે છે, અને મન વગર વિચારે છે - તે જ સાચું આત્મા સ્વરૂપ છે.

- કેન ઉપનિષદ.