કોન્ફિડન્ટ દેખાતી વ્યક્તિઓ પણ અંદરથી આશંક્તિ હોઈ શકે છે
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- સોશિયલ મીડિયાએ અન્ય લોકો સાથે સરખામણી કરવાની ભરપૂર સવલત કરી આપી છે અને સાથે સાથે એડવર્ટાઈઝિંગ મીડિયા તમને તુલના કરવા માટે ઉકસાવે છે
એ કવાર કીડી અને કાનખજૂરા વચ્ચે ફૂટબોલ રમવાની બાબતે ચડભડ થઈ ગઈ. કીડી કહે જંતુઓમાં એના જેવો ફૂટબોલ કોઇ ના રમી શકે, કાનખજૂરો કહે એની પાસે ફૂટબોલ રમવામાં બીજા કોઇ જંતુનો ક્લાસ નહીં. ઝગડો એટલો વધ્યો કે આજુબાજુ જંતુઓ ભેગા થઈ ગયા. એમાં એક માખી મધ્યસ્થી થઈને વચ્ચે પડી 'આવી રીતે ઝગડીને બીજાઓ માટે તમાશો કરવાને બદલે તમે પેનલ્ટી ગોલ્સથી નક્કી કેમ નથી કરી લેતા કે કોણ ચઢિયાતું છે?!' બંને વચ્ચે ગરમાગરમી એટલી હતી કે તરત એમણે એકબીજાને પડકાર આપી દીધો અને મેચ નક્કી થઈ ગઈ.
'આવી તો કંઈ ચેલેન્જ લેવાય?! તારે છ પગ છે અને એને સો પગ છે, એ કયા પગથી કઈ દિશામાં કિક મારશે તેનું અનુમાન પણ તુ નહીં લગાવી શકે' કીડીના ખાસ મિત્ર એવા કરોળિયાએ વાસ્તવિકતાનુ ભાન કરાવતા કીડીને ચિંતિત કરી નાખી. કીડી વિચારોમાં સૂનમૂન થઈ ગઈ, ત્યાં કરોળિયાએ એની પીઠ થાબડતા કહ્યું 'ચિંતા ના કર, મારી પાસે પ્લાન છે' એણે પોતાનો પ્લાન કીડીને કહ્યો, નાસીપાસ થઈને બેઠેલી કીડીમાં એક નવું જોમ આવ્યું અને કરોળિયો ઉપડયો પોતાના કામે.
'તમને કિક મારતા જોઈને મારા મનમાં અનેક પ્રશ્ન થાય છે' મેચની થોડી ક્ષણો પહેલા પ્રેક્ટિસ કરતા કાનખજૂરાને કરોળિયાએ કહ્યું 'તમે આટલા બધા પગને કેવી રીતે મેનેજ કરો છો?! કયો પગ કિક મારશે અને કયો નહીં તે કેવી રીતે નક્કી કરો છો?! સ્ટાર્ટ લેતી વખતે પણ કયા પગ ઉઠયા છે અને કયા ઉઠવાના બાકી છે તેનો હિસાબ કેવી રીતે રાખો છો?!' કદી પણ ના વિચારેલી આ બાબતોને લઈને કાનખજૂરો વિચારમાં પડયો. પગનું મેનેજમેન્ટ અને કયા પગે, કઈ દિશામાં કિક મારવી એ વિચારોમાં અટવાયેલો
કાનખજૂરો લડખડાયો અને ગોલ ચૂકવા માંડયો અને બીજી બાજુ એની મૂંઝવણનો લાભ લઇ કીડીએ ગોલ પર ગોલ ફટકારી દીધા. મેચ પુરી થઈ કે તરત કીડીએ વિનિંગ ગોલની સ્ટોરી સાથે સ્ટેટસ મૂક્યું 'સો પગ હોવાથી ફૂટબોલર નથી બની જવાતું!' અને કરોળિયા અને કાનખજૂરાને ટેગ કર્યો !!
કાનખજૂરાની રમત કે કિક પાછળ કોઇ તર્ક-લોજિક નહતું એ તો સહજતાથી આપમેળે થતી રહેતી બાબત હતી પરંતુ કરોળિયાના પ્રશ્નોએ એનામાં 'સેલ્ફ-ડાઉટ', આત્મ-શંકા ઉભી કરીને એની સહજતામાં અડચણ પેદા કરી દીધી. આજના સમયમાં આપણી આસપાસ આવા અનેક કરોળિયાઓ અને એમણે ફેલાવેલું જાળું પથરાયેલું છે જેને કારણે અનેક વ્યક્તિઓ 'સેલ્ફ-ડાઉટ'માં અટવાયેલા રહે છે અને જીવનની સહજતા ગુમાવી બેસે છે. બહારથી કોન્ફિડન્ટ દેખાતી વ્યક્તિઓ પણ અંદરથી પોતાની ક્ષમતા, દેખાવ, સફળતા, સામાજિક સ્વીકૃતિ વગેરે અંગેની શંકાઓથી છલોછલ હોઈ શકે છે. જેમ બહેરો મોટેથી બોલે તેમ અંદરથી સેલ્ફ ડાઉટવાળો બહાર કોન્ફિડન્ટ હોવાનો ડોળ પોતાની જાણબહાર પણ કરતો રહે છે! સોશિયલ મીડિયાએ અન્ય લોકો સાથે સરખામણી કરવાની ભરપૂર સવલત કરી આપી છે અને સાથે સાથે એડવર્ટાઈઝિંગ મીડિયા તમને તુલના કરવા માટે ઉકસાવે છે એવા સંજોગોમાં તમે ક્યાં'ય કંઈ ઊણા ઊતરતાં હોવ તો તમારો આત્મવિશ્વાસ હલવા માંડે અને પોતાની આવડત, ક્ષમતા કે પહોંચ ઉપર ના જોઈતી શંકાઓ પેદા થવા માંડે! વાસ્તવમાં તો સોશિયલ મીડિયાએ સ્વની ઓળખના પરિમાણ જ બદલી કાઢયા છે, લોકોની આદર્શ છબીઓ અને નર્યા દેખાડાઓ જોઈને ઘણી વ્યક્તિઓ પોતાની જાત, દેખાવ, ક્ષમતા, આવડત, સામર્થ્ય વગેરે પરત્વે સંદેહ અનુભવવા માંડે છે. વધુ પડતા સેલ્ફ-કોન્સિયસ બનવાની સાથે આ વ્યક્તિઓ અપૂર્ણતાના ભાવથી પીડાય છે અને પોતાના દેખાવ, ઉપલબ્ધિઓ, સફળતા, સામાજિક મહત્વને લઈને લઘુતાગ્રંથિ અનુભવે છે. આ ઉપરાંત આજે પોતાનું શ્રે બતાવવાની હોડમાં વ્યક્તિઓ ઉપર પરફેક્શનનું એક દબાણ સતત મંડરાયા કરે છે અને જ્યારે વ્યક્તિ પોતાનું સ્ટાન્ડર્ડ સાબિત કરવામાં નિષ્ફળ જાય છે કે થોડા ઊણાં ઊતરે છે ત્યારે સેલ્ફ-ડાઉટ કે લઘુતાગ્રંથિ અનુભવવા માંડે છે. આવી આત્મ-શંકા કે લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિઓને અન્ય લોકો
તરફથી અપ્રુવલ કે સંમતિની જરૂર રહે છે. સોશિયલ મીડિયા ઉપર સતત કરાતુ રહેતું પોસ્ટિંગ મોટાભાગના કિસ્સાઓમાં આ જરૂરિયાતનું જ પરિણામ છે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આટલું ઓછું હોય તેમ નકારાત્મક સમાચારો, રોગો-આકસ્મિક મૃત્યુની ઘટનાઓ, યુદ્ધ, હોનારતો, હત્યાઓ-ગુનાઓ વગેરે જેવી દરેક નાની-મોટી ચિંતા કરાવે તેવી માહિતીનો ઓવરલોડ વ્યક્તિને પેનિક ફીલ કરાવે છે અને નાની અમથી બાબતોમાં પણ લોકોને હાઇપર કરી નાખે છે. મારી સાથે આમાંનું કંઈ થઈ જશે તો?! મને કંઈ થઈ જશે તો?! એવી શંકાઓ સતત મનમાં થયા કરતી હોય ત્યાં નાની ઘટના, સમાચાર કે નેગેટિવ પોસ્ટ વ્યક્તિને ઉચાટમાં મૂકી દે છે અને વારંવાર ચાલતું આ ચક્ર સરવાળે વ્યક્તિને માનસિક બીમાર કરી મૂકે છે.
મને યાદ છે કે હું જ્યારે ડોક્ટર ઓફ મેડિસિનનો અભ્યાસ કરતો હતો ત્યારે પેનિક ડિસઓર્ડર, ફોબિયા, ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડર વગેરે જેવા એંગ્ઝાઇટી ડિસઓર્ડર્સ ભાગ્યે જ જોવા મળતા પરંતુ સોશિયલ મીડિયા અને મોબાઈલ ટેકનોલોજીના વ્યાપક ફેલાવા બાદ આજે એંગ્ઝાઇટી ડિસઓર્ડર્સનો રાફડો ફાટયો છે. નાની નાની બાબતોમાં લોકો પેનિક થઈ જાય છે, જુદા જુદા અને નવા નવા ભય-ફોબિયા પેદા થઈ રહ્યા છે. પરફેક્શનનો આગ્રહ અને તે અંગેના સંદેહને કારણે એકના એક વિચારો અને ક્રિયાઓ કરનારા વધ્યે જાય છે. આ પૈકી ઘણા ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડરનો શિકાર બનીને પીડાય છે. આ બધી વકરતી જતી માનસિક સમસ્યાઓ એક સ્તરે સેલ્ફ-ડાઉટ અને લો કોન્ફિડન્સ સાથે સંકળાયેલી રહે છે. આ તબક્કે એટલું સમજવું જરૂરી છે કે આ બંને બાબતો વ્યક્તિમાં પેદા થવા પાછળ સોશિયલ મીડિયા પર થતી પ્રવૃત્તિઓ અને તેની સાથે સંકળાયેલી લાગણીઓ(સરખામણી, ઈર્ષ્યા, દેખાદેખી, નાનમ વગેરે) અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. જો તમે તમારી શક્તિઓ કે ઉપલબ્ધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત ના રાખી શકતા હોવ અથવા તેને પ્રાથમિકતા ના આપી શકતા હોવ તો તમારા આત્મવિશ્વાસને હલાવવા એક પોસ્ટ કે રીલ પણ કાફી છે.
પૂર્ણવિરામ
સતત સોશિયલ મીડિયામાં હાજરી પુરાવતા રહેતા લોકો એથાજગોરાફોબિયા Athazagoraphobia થી પીડાતા હોય એમ બને - લોકોના મગજમાંથી હું ભૂલાઈ જઈશ તેવો ડર :)