Get The App

બદલાવ સહજતાથી નથી આવતો તમારે પ્રયત્નપૂર્વક લાવવો પડતો હોય છે

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
બદલાવ સહજતાથી નથી આવતો તમારે પ્રયત્નપૂર્વક લાવવો પડતો હોય છે 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- આજની માનસિકતામાં ધીરજના અંતે પ્રાપ્ત થતી બાબત પરિપૂર્ણતા કે સિદ્ધિ નથી પરંતુ પોતે ઉઠાવેલી પીડા છે ! પરિણામે, વ્યક્તિ તેને મેળવ્યાના આનંદ કરતા વિલંબની પીડા વધુ અનુભવે છે

બે સતા વર્ષે મેં તમને તાઓ ધર્મનો કેન્દ્રવર્તી વિચાર 'વુ-વેઇ'ને એક નવા વિચાર તરીકે ચિંતન કરવા આપ્યો હતો. બિનજરૂરી બળ અથવા સંઘર્ષ વિના, જીવનના પ્રવાહ સાથે સંપૂર્ણ સુમેળ સાધીને પોતાના કર્મ કરવાની વાત અંગેનો વિચાર. એક સંબંધીએ લેખનો પ્રતિભાવ આપતા, મને ફોન પર કહ્યું 'તમારો લેખ ખૂબ સારો છે પરંતુ આજકાલનું જીવન જોતા તમને નથી લાગતું વ્યવહારમાં એને ઉતારવો ખૂબ અઘરો છે ?!' 'આજ-કાલ નહીં, જ્યારે લાઓત્ઝુએ આ વાત કહી કે લખી હશે ત્યારે પણ મોટાભાગના લોકોને જીવનમાં ઉતારવી અઘરી જ લાગી હશે ! બદલાવ સહજતાથી નથી આવતો તમારે પ્રયત્નપૂર્વક લાવવો પડતો હોય છે' મેં કહ્યું.

એમના ફોન પછી હું વિચારે ચઢ્યો કે આજના સમયના એવા કયા પરિબળો છે કે જે આ બાબતમાં અંતરાય ઊભો કરે ?! સૌથી મોટો અંતરાય મને 'ધીરજ' (પેશન્સ)ને લાગતો લાગ્યો. આજે, જ્યારે આપણે જીવનમાં અવારનવાર 'રિફ્રેશ' બટન દબાવવાના ચક્કરમાં હોઈએ ત્યાં અસ્તિત્વ સાથે સહયોગ કરીને કુદરતના પ્રવાહની સાથે તાલમેલ સાધવાની વાત જીવનમાં ઉતારવી કઠિન જ પડે, એટલી ધીરજ લાવવી ક્યાંથી ?! અહીં તો કંઇપણ લોડ થતા સહેજ પણ વાર થાય તો રિફ્રેશ !! સ્કીન પર ક્લિક કર્યું નથી કે પરિણામ દેખાવું જોઇએ, મેસેજ કર્યો નથી કે જવાબ આવવો જ જોઇએ - ના આવે તો ઠોકો '??' આવા માઇન્ડસેટમાં ધીરજ ના પાઠ લાઓત્ઝુ તો ના ભણાવી શકે પરંતુ પોતે પણ ખુદને ના સમજાવી શકે ! વાત માત્ર ટેકનોલોજી પૂરતી નથી જીવનના તમામ પાસાઓને સ્પર્શતી છે. વાસ્તવમાં મનને આદત પડી ગઈ છે કે દરેક વિચારવાનું કોઈ પરિણામ આવવું જ જોઇએ, જ્યારે સહજતાનું સત્ય એ છે કે કેટલાક વિચારો માત્ર જોવાના જ હોય છે, તેની ઉપર કોઈ જ કાર્ય કરવાનું કે નિર્ણય કરવાનો નથી હોતો. દરેક વિચારો ચિંતન-મનન માટે નથી હોતા, તેને કાબૂમાં લાવવાના નથી હોતા કે તેનો ઉકેલ શોધવાનો નથી હોતો. એ આપમેળે જ વિખરાઈ જતા હોય છે. વાસ્તવમાં મારી દ્રષ્ટિએ તો ઉચાટ-એંગ્ઝાઇટી ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે આ વિચારોને જોવાને બદલે પકડી પકડીને ચૂંથવા માંડીએ છીએ.

આપણી 'અધીરાઈ', ધીરજ ના રાખી શકવાની નબળાઈ કે રાહ ના જોવાની વૃત્તિએ આપણને રઘવાટિયા, ઉચાટિયા, રહી ગયાની પંગતમાં બેસાડી દીધા છે. આપણી માનસિકતા બદલાઈ ગઈ છે અને ધંધાદારીઓએ એનો લાભ લેવાનો પણ ક્યારનો'ય શરૂ કરી દીધો છે. 'ક્વીક કોમર્સ', 'સેમ ડે ડિલિવરી' વગેરે એના રોજિંદા ઉદાહરણ છે. રાહ નહીં જોઈ શકવાની આપણી નબળાઈનો લાભ લઇને એકવાર ઓર્ડર કન્ફર્મ કર્યા પછી 'હેન્ડલિંગ ચાર્જ', 'ડિલિવરી ચાર્જ', 'સીઓડી ચાર્જ' વગેરે ઠોકી બેસાડતી કંપનીઓ જાણે છે કે ખરીદવા ઉપર ક્લિક કરતાની સાથે જ એ વસ્તુ મેળવવાની ગ્રાહકની અધીરાઈ એટલી વધી જશે કે આવા ભૂતિયા ચાર્જિસ અવગણી જશે ! એક વાર જેનો વિચાર આવ્યો એ વસ્તુ મિનિટોમાં હાજર થઇ શકે છે એવો ખ્યાલ આપણા મગજમાં ફિટ થઇ ગયો પછી કલાકો રાહ જોવાની વાત જુનવાણી જ લાગવાની ને ?!

વાસ્તવમાં 'અધીરાઈ'ની આ માનસિકતાએ સૌથી મોટું નુકશાન આપણી રસ જાળવી રાખવાની ક્ષમતા (Interest) ને કર્યું છે. આપણે આરંભે શૂરા અને પછી ધીરા થતા જઇએ છીએ. કાર્ય શરૂ કરવાની આપણે જેટલી તાલાવેલી બતાવીએ છીએ તેટલી કાર્ય પૂરું કરવામાં નથી બતાવતા. વાસ્તવમાં આપણી અપેક્ષા કરતા જે બાબતમાં વધુ વાર થાય તે બાબતમાં આપણે રસ ગુમાવવા માંડીએ છીએ અને એની પાછળ તર્ક લગાડીને આપણા ઓછા થઇ ગયેલા રસને જસ્ટિફાય પણ કરીએ છીએ. ઇસપની વાર્તામાં લોમડીએ દ્રાક્ષને ખાટી ગણાવી હતી તેમ ! આ માનસિકતાને કારણે જ્યારે પણ કારકિર્દી, સંબંધો, નવું કંઇ શીખવામાં વગેરે કોઈપણ બાબતમાં આપણી ઇચ્છા મુજબનું પરિણામ મળવામાં વિલંબ થાય તો આપણને એ બાબત બોજ લાગવા માંડે છે અને એમાંથી આપણો રસ ઉડી જાય છે ! હમણાં એક મિત્રના મોઢે સાંભળેલું કે ગયો'તો લાઈવ ફિલ્મફેર એવોર્ડ જોવા પરંતુ એન્કરિંગ એટલું લાંબુ અને બોરિંગ લાગ્યું કે એને ફોરવર્ડ કરવા બે વાર રિમોટ સમજીને મોબાઈલ ઉઠાવી લીધો ! આજની માનસિકતામાં ધીરજના અંતે પ્રાપ્ત થતી બાબત પરિપૂર્ણતા કે સિદ્ધિ નથી પરંતુ પોતે ઉઠાવેલી 

પીડા છે! પરિણામે, વ્યક્તિ તેને મેળવ્યાના આનંદ કરતા વિલંબની પીડા વધુ અનુભવે છે અને ત્યાં સુધીમાં તેનો રસ તો ઉડી જ ગયો હોય છે ! વાસ્તવમાં જ્યારે અધીરાઈ આપણા માનસમાં પથરાઈને પડી હોય છે ત્યારે આપણે હંમેશા પરિણામને લક્ષ્યમાં રાખીએ છે અને સાચો સંતોષ-આનંદ તે સિદ્ધ કરવાની ક્રિયામાં છે તે ભૂલી જઈએ છીએ. કોઈપણ પ્રવાસમાં નિર્ધારિત સ્થળે ક્યારે પહોંચીશું એની અધીરાઈ જ મનમાં ઘૂમરાતી હોય તો સફરનો આનંદ તમે કેવી રીતે લઇ શકો ?!

માટીમાં બીજ વાવ્યા પછી, અંકુર ફુટીને સપાટી ઉપર આવતા વાર લાગે છે તેનો મતલબ એ નથી કે તેટલો સમય બીજ નિષ્ક્રિય હતું. તેની જૈવિક પ્રક્રિયા તો વાવતાની સાથે જ શરૂ થઇ જાય છે પરંતુ એ પ્રક્રિયાનું પ્રમાણ સપાટી ઉપર આવતા એક સમય લાગે છે. એ જ પ્રમાણે શરીર પર ઘા પડતાની સાથે જ રૂઝ આવવાની પ્રક્રિયા શરૂ થઇ જ જાય છે અને શરીર સ્વસ્થ હોય તો નિયત સમયે બધું સામાન્ય થઇ જાય છે. આ ઉદાહરણોનું તાત્પર્ય એટલું જ કે પ્રકૃતિ 'ક્વીક કોમર્સ'ની જેમ નથી વર્તતી, તેની પોતાની એક ઝડપ છે. આ ઝડપ સાથે સાતત્ય કેળવવું એટલે ધીરજ કેળવવી. જીવનના પ્રવાહો સામે સંઘર્ષ કરવાનું બંધ કરીને કુદરતી પ્રવાહ પર વિશ્વાસ કરવો હશે, 'વુ વેઇ' કે 'ગો વિથ ફ્લૉ'ની ફિલસૂફી જીવનમાં અપનાવવી હશે તો ધીરજ કેળવવી પડશે. આ ધીરજ એટલે માત્ર રાહ જોવી જ નહીં પરંતુ પરિણામને છોડીને પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો, રસ કેળવવો અને પરિણામ જે પણ આવે, પ્રક્રિયાનો આનંદ લેવો.

નવું વર્ષ શરૂ થઇ ગયું છે, પ્રકૃતિ સાથે સમન્વયનો સંકલ્પ કરી એ દિશામાં કાર્યરત થઇ જાવ, ધીરજ આપોઆપ કેળવાતી જશે અને પ્રકૃતિ ઉપર ભરોસો બંધાતો જશે.

પૂર્ણવિરામ :

 આપણે સામૂહિક અધીરાઈ (ક્લેક્ટિવ રેસ્ટલેસનેસ)ના શિકાર છીએ, ના ઇચ્છવા છતાં અનાયાસે એને અપનાવતા જઇએ છીએ !