- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- છોડવાના કે જતું કરવાના સંજોગો ઉભા થાય ત્યારે વ્યક્તિ તેને ગુમાવવાના ડરથી પીડાવા માંડે છે, ભલે પછી આ વળગણ હવે વ્યકિતને માટે નિરર્થક, નકામું કે નકારાત્મકતા પેદા કરનારું હોય !
હ મણાં ઘણા સમય પછી એક સિગ્નલ ઉપર ડુગડુગી વગાડતો, માંકડાને લઈને ચાલતો એક મદારી જોયો. ચારે તરફ દર્શકોનું ટોળું હોય અને વચ્ચે મદારી માંકડા પાસે ખેલ કરાવતો હોય તેવું બાળપણનું એક ચિત્ર માનસપટ પર ઝબકી ગયું. હવે આ ટોળું ઓટીટી અને સોશિયલ મીડિયા પર જતું રહ્યું હોય ત્યાં આને દર્શકો કેવી રીતે મળતા હશે એવો સહજ પ્રશ્ન પણ મનમાં ઉભો થયો. ગ્રીન સિગ્નલ થતાં હું તો ત્યાંથી આગળ વધી ગયો પરંતુ માંકડાના સંદર્ભમાં એક ડોક્યુમેન્ટરી મનમાં તાજી થઈ આવી અને તેમાંથી આજની વાતનું ચિંતન થયું ! જંગલમાં આ માંકડાઓને પકડવા મદારીઓ એક યુક્તિ અજમાવતા. એક નાનકડા મોઢાવાળા માટલામાં થોડા ફળ નાખીને માટલાને ઝાડની ડાળી ઉપર સખત રીતે બાંધી દેતા. જ્યારે કોઈ માંકડાની નજરમાં આ માટલું અને એમાં રહેલા ફળ આવી જાય ત્યારે સ્વાભાવિક છે કે માંકડું અંદર હાથ નાખીને ફળ લેવા જાય. માટલાનું મોઢું એવું હોય કે જેમાં એ ખાલી હાથ તો સેરવી શકે પણ ભરેલો હાથ કાઢી ના શકે, જેમ ખાલી હાથે બંગડી કાંડા પર સરકાવી શકાય પરંતુ ભરેલા હાથે કાંડા પરથી ઉતારી ના શકાય. માંકડું અંદર હાથ નાખીને મુઠ્ઠીમાં ફળ લઈને હાથ બહાર ખેંચવા જાય પરંતુ હાથ નીકળે નહીં. હાથ કાઢવા એ ધમપછાડા કરે પરંતુ હાથમાંથી ફળ ના મૂકે. સરવાળે, ફળને હાથમાંથી જતું ના કરવાને કારણે એ માટલાં સાથે બંધાઈ જાય અને મદારી આવીને એને પકડી લે. આમ જોવા જઈએ તો માંકડા માટે મુક્તિ એકદમ સરળ હતી, હાથમાં રહેલા ફળને જવા દીધો હોત તો હાથ સરળ રીતે બહાર નીકળી જાત પરંતુ એ માટે હાથ આવેલી વસ્તુની લાલચ જતી કરવી એના માટે શક્ય નથી હોતી!
જે વાત તમે વાંચીને ચિંતન ના કરી શકો તે મોટાભાગે ટાઇમપાસ કે માહિતી પૂરતી જ કામ લાગતી હોય છે. ઉપરછલ્લી રીતે વિચારશો તો માંકડાની આ વાત પણ આમ તો એક માહિતી જ લાગશે પરંતુ ચિંતન કરશો તો આ વાતમાંથી એક બોધ પણ મેળવી શકાય એમ છે. જીવનમાં મુક્તિ, સ્વતંત્રતા કે સુખનો અનુભવ કરવા જે તમને બાંધી રાખતું હોય તેને ક્યારેક જતું કરવું પડતું હોય છે. માંકડાને તો કદાચ માત્ર લાલચે પકડી રાખ્યું હશે પરંતુ આપણને તો લાલચ, અપેક્ષા, સ્નેહ, લાગણી, અસલામતી, સ્વાર્થ વગેરે ઘણું બધું બાંધી રાખે છે. આપણે માટે તો વાત માત્ર ફળ (વસ્તુ)ની નથી, આપણે તો વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો, લાગણીઓ, વિચારો, માન્યતાઓ, અહમ, સ્વભાવ, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ વગેરે અનેક બાબતોને વળગીને રહીએ છીએ અને એકવાર હાથમાં આવી જાય પછી એને છોડવા ભાગ્યે જ તૈયાર હોઈએ છીએ. વસ્તુ, વ્યક્તિ, વિચારો વગેરેને વળગીને રહેવું એ આપણી કુદરતી વૃત્તિ છે. આ વળગણ આપણામાં એક પ્રકારની સલામતી અને પરિચિતતા પેદા કરે છે. સમયની સાથે આ બાબતોમાં આપણી લાગણીઓનું રોકાણ થાય છે અને જ્યારે એને છોડવાના કે જતું કરવાના સંજોગો ઉભા થાય ત્યારે વ્યક્તિ તેને ગુમાવવાના ડરથી પીડાવા માંડે છે, ભલે પછી આ વળગણ હવે વ્યકિતને માટે નિરર્થક, નકામું કે નકારાત્મકતા પેદા કરનારું હોય ! ઘણાને તો આવી લાગણીઓનું પોટલું ખભે ઉઠાવીને ચાલતા રહેવાની આદત પડી ગઈ હોય છે, કોઈ પોટલું લઇ લે કે એમાંનો ભાર ઓછો કરે તો એ હળવાશ તેમને માફક નથી આવતી, સતત ભાગતા રહેતા વ્યકિતને થોડા આરામ માટે બેસાડો તો'ય પગનો સળવળાટ એમને શાંતિથી બેસવા ના દે એમ ! બસ, માંકડાના માટલા જેવું આ આપણું બંધન, ક્યાંક આપણે ના છોડીએ અને ક્યાંક સમાજ ના છોડવા દે !
'છોડો, છોડો બધા ઉપદેશ આપે છે પણ છોડવું કેવી રીતે એ કોણ શીખવે છે ?! અહીં તો છોડવાની સલાહ આપનારા પણ કંઇકને કંઇક પકડીને બેઠા છે !' મનમાં આવો સવાલ પેદા થાય છે ?! થવો જ જોઈએ કારણ કે આ તો રોજિંદી આંખ સામે દેખાતી વાસ્તવિકતા છે. મારી દ્રષ્ટિએ છોડવા માટે કોઈની સલાહ નહીં પોતાની સમજણ જોઈએ અને સમજણ માટે સત્સંગ જોઈએ, સારા વ્યક્તિનો, સારાવાંચનનો અને સારા શ્રવણનો. આ ત્રણે'ય બાબત જીવનમાં હોવા માટે એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેવું પડે. સમજણ પેદા થઈ જવાથી અનાસક્ત (Detach) નથી થઈ જવાતું, સમજણ પછી દ્રઢ નિશ્ચય અને તેને વળગી રહેવાની તાકાત પણ કેળવવી પડે. 'લેટ ગો' કે 'જતું કરવાનો' ઉપદેશ આપનારા લોકો તો ઘણું અઘરુ અને મોટું ટાસ્ક આપતા હોય છે પરંતુ મારે તો એમાંથી નાનકડી અને મોસ્ટ પ્રેકિટકલ વાત જ કરવી છે. આપણે બધું જ નહીં, ખાલી નિરર્થક, નકામું કે નકારાત્મકતા પેદા કરનારું છોડીએ તો પણ સુખ-શાંતિને ઉપલબ્ધ થઈ જઈએ. બીજું બધું જવા દો, માત્ર આટલું જ જતું કરી શકોને તો ભૂતકાળમાંથી ઉભા થતાં લાગણીઓના ભૂતાવળથી મુક્ત થઈ શકાય, વર્તમાનને તેના સાચા સ્વરૂપમાં માણી શકાય અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપી શકાય. સાવ સાચી વાત તો એ છે કોઈ વ્યકિત જો આટલું જતું કરી શકે તો પછી કંઈપણ જતું કરી શકે કારણ કે વ્યક્તિને નકારાત્મકતા જેટલી દ્રઢતા અને સખ્તાઈથી વળગી રહેતી હોય છે તેટલી હકારાત્મકતા વળગી નથી રહેતી. સાર્થક બાબતો કે સંબંધોને આપણે ટેકન ફોર
ગ્રાન્ટેડ લઈએ છીએ અને નિરર્થક બાબતો કે સંબંધો પર પરસેવો પાડીએ છીએ. અને, આપણામાંના મોટાભાગના લોકો સંગ્રહખોરીમાં ઉસ્તાદ છે, નકામી વસ્તુઓ સંઘરી રાખવામાં એકબીજાને ટપી જાય એવા ! આ સંજોગોમાં નિરર્થક, નકામું કે નકારાત્મક જતું કરી શકો તો સાર્થક, કામનું અને હકારાત્મક તો આસાનીથી અનાસક્ત રહીને ભોગવી જ શકાય છે - ત્યાગીને ભોગવવાની વાત.
પૂર્ણવિરામ :
'લેટ ગો' કે 'જતું કરવાનો મહાવરો' કરતા રહીને સ્વની સાચી ઓળખ, જીવની સ્વતંત્રતા અને આત્માના વિકાસની પરિવર્તનશીલ યાત્રા પર આગળ વધી શકાય છે. જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરવા આ યાત્રા અનિવાર્ય છે.


