Get The App

તમારી ખુશીમાં અસલી ખુશી અનુભવનારા લોકો ઓછા થઇ રહ્યા છે!

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
તમારી ખુશીમાં અસલી ખુશી અનુભવનારા લોકો ઓછા થઇ રહ્યા છે! 1 - image

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- સ્વકેન્દ્રીપણા અને દેખાડાને કારણે અસ્સલ ઇમોશન કળવી પણ દિવસેને દિવસે અત્યંત મુશ્કેલ બનતી જાય છે !

बेगानी शादी में अब्दुल्ला दीवाना આજના સમયમાં ખાસ ના વપરાતી આ એક ઉર્દૂ કહેવત છે, એનો સરળ અર્થ એટલો છે કે કોઈ વ્યક્તિ એવી બાબતમાં અતિ-ઉત્સાહિત થઇ જાય છે જેની સાથે તેને ખાસ કોઈલેવા દેવા નથી. બીજાના સુખે સુખી થવાની આ વાત છે. આજના સમયમાં કહેવતોનો વપરાશ એમ પણ ઓછો થઇ ગયો છે અને એમાં'ય જેની સાથે લેવા-દેવા હોય એ બાબતમાં પણ ભાગ્યે જ ઉત્સાહિત થતાં લોકો વગર કારણે ઉત્સાહિત થાય કે કોઈ બીજાના સુખે સુખી થાય એવું તો ભાગ્યે જ બને ને ?! હા, એવું ચોક્કસ બને કે ધરાર ઉત્સાહિત ના થયા હોય કે હળવી લહેરખી જેટલો પણ સોમાંચ ના અનુભવાયો હોય તો'ય દેખાડો અબ્દુલ્લાના દીવાનાપનની જેમ મસમોટો હોઈ શકે. લોકો સાચે જ ખુશ કે ઉત્સાહિત થયા છે કે નહીં એ જાણવું 'ડીપ-ફેક'ની સત્યતા ચકાસવા કરતા પણ અઘરું કામ છે. જરા'ય ના ગમ્યું હોય તો પણ રિવાજ મુજબ 'અંગૂઠો' કે એક્સપ્રેશન આપી જ દેવાના, યંત્રવત, ભલે પછી મનોમન દુ:ખી થયા હોઈએ કે ઇર્ષ્યાથી બળ્યા હોઈએ. ૧૯૬૩માં આવેલી, અને બોલીવુડની 'ધમાલ' ફિલ્મ જેની કોપી હતી તે હોલિવૂડની ફિલ્મ 'ઇટ્સ મેડ મેડ મેડ મેડ વર્લ્ડ'ની જેમ 'ઇટ્સ ફેક ફેક ફેક ફેક વર્લ્ડ'નો જમાનો જામી રહ્યો છે !! આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સને કારણે 'ફેક' પારખવું વધુને વધુ મુશ્કેલ બનતું હોય છે એમ સ્વકેન્દ્રીપણા અને દેખાડાને કારણે અસ્સલ ઇમોશન કળવા પણ દિવસેને દિવસે અત્યંત મુશ્કેલ બનતા જાય છે ! અંગૂઠો ઊંચો કરતી વ્યક્તિ ખરેખર કદર કરી રહી છે કે કામ પતાવી રહી છે એ ખબર પડે એવું નથી પરંતુ તેમ છતાં'ય લોકો દ્રઢપણે માને છે કે કદર થઇ રહી છે, પ્રતિભાવ આપનાર ખુશ થઇ રહ્યું છે. કારણ કે, જો એવું માને કે પ્રતિભાવ આપનાર કામ પતાવી રહ્યા છે, વ્યવહાર નિભાવી રહ્યા છે કે યંત્રવત 'લાઇક' ઠોકી રહ્યા છે તો મનને મજા થોડી આવે ?!! પરંતુ, મનને ખુશ રાખવા માટે, દિલ કો બહલાને કે લિએ, 'લાઇક' ગણતા રહીને મજા કરવી સ્વાસ્થ્યવર્ધક છે:)

સ્વીકારો કે ના સ્વીકારો, તમારી ખુશીમાં અસલી જેન્યુઇન ખુશી અનુભવનારા લોકો ઓછા થઇ રહ્યા છે. લોકો બતાવે છે ઘણું પણ અનુભવે છે ઓછું, તમારી નવી ગાડીને જોઇને 'વાઉ' કહેનારો મનમાં પૂછે છે 'હાઉ' ?! ક્યાંથી-કેવી રીતે ?!! તમારા જીવનના હકારાત્મક સમાચારો અને તેનો દેખાડો અન્યમાં મનમાં આક્રોશ, બળાપો અને અફસોસ પેદા કરે છે એવા અનેક સંશોધન પેપરો મનોવિજ્ઞાાનના અભ્યાસુઓએ રજુ કર્યા છે. તમારી ઉપલબ્ધિઓ, વેકેશન, ખરીદીઓ કે અન્ય હકારાત્મક ન્યૂઝ જોઇને અન્ય લોકોના મનમાં ઇર્ષ્યા, સરખામણી, ઉશ્કેરાટ જેવી ઘણા નકારાત્મક લાગણીઓ ઉદ્ભવે છે એ વાત આજે જૂની થઇ ગઈ છે. હવે નવી વાત, નવો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ આવ્યો છે. તમારા અંગત પોઝિટિવ ન્યૂઝ શેરિંગથી માત્ર લોકો જ નહીં તમે પોતે પણ દુ:ખી થઇ શકો છો !! વ્યક્તિઓ પોતાના જીવનમાં બનેલી પોઝિટિવ ઘટના અન્ય સાથે શેર કરે ત્યારે જાગ્રત કે અજાગ્રત સ્તરે અમુક ચોક્કસ પ્રકારના પ્રતિભાવોની અપેક્ષા રાખતી હોય છે. જ્યારે આ સારા સમાચારને તેમની અપેક્ષા મુજબના પ્રતિભાવ નથી મળતા અથવા ઓછા પ્રમાણમાં મળે છે ત્યારે તે દુ:ખી થતાં હોય છે. એકલતા, ઓછપ અને અવગણનાની લાગણીઓ તેમને ઘેરી વળે છે અને તેમની સફળતા, ઉપલબ્ધિ કે હકારાત્મકતા ઉચાટ, અવગણના અને ઉદાસીમાં ફેરવાઈ જાય છે. એવી કેટલી વ્યક્તિઓ હશે કે જેમને પોતાના કોઈપણ પ્રકારના એક્ચુઅલ કે વર્ચ્યુઅલ શેરિંગ પછી પ્રતિભાવો, પ્રશંશા કે સ્વીકૃતિની અપેક્ષા નહીં હોય ?! લગભગ કોઈ નહીં, લોકો વત્તી-ઓછી જાગ્રત-અજાગ્રત અપેક્ષાઓ સાથે જ શેરિંગ કરતા હોય છે, શેરિંગનો એ જ મુખ્ય હેતુ હોઈ શકે છે. દિલ પર હાથ મૂકીને કહેજો કે માત્ર ખુશી વહેંચવાના ઉદ્દેશથી કોણ શેર કરે છે ?! આમાં તો કો'કને બતાવી દેવાનું હોય છે, કો'કને બળતરા કરાવવાનું હોય છે, વળી કો'ક બીજાને જણાવવાનું હોય છે, કોઈ તરફથી દાદ મેળવવાનું હોય છે કે પછી જાહેરાત-પ્રચાર કરવાનું હોય છે. શેર થતી એક બાબતના એક સાથે ઘણા ઉદ્દેશ હોય છે અને જ્યાં ઉદ્દેશ પાર ના પડતો હોય ત્યાં લાગણીઓ બેક-ફાયર થતી હોય છે, ખુશી વહેંચવાનો ઉદ્દેશ ભીતર દુ:ખ ભેગં કરી બેસે છે ! ઘણીવાર તમારી ખુશી અન્ય વ્યક્તિઓમાં તમારી અપેક્ષાઓથી ઓછી ખુશી, અવિશ્વાસ, શંકાઓ, મૌન, અવગણના કે અસ્વીકારની લાગણીઓ પેદા કરે ત્યારે તે જીરવવું પણ અઘરું બની જતું હોય છે. તમારી ખુશીમાં તમારા લાગતા-વળગતા ખુશ નથી એ વાત પચાવવી કઠિન છે. કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ દિશામાં કરેલા અભ્યાસનું તારણ એવું છે કે પોઝિટિવ ન્યૂઝ પોતાના સુધી જ સીમિત રાખવાથી તમને સતર્કતા અને ઊર્જાનો અનુભવ થાય છે. આ સંદર્ભમાં તેમની વાત સાચી છે, અપેક્ષા મુજબનો પ્રતિભાવ ના મળે તો નાસીપાસ થવું, નિરાશ થવું સ્વાભાવિક છે અને આ બાબતો તમારી ઊર્જાને હણી કાઢીને તમને નિસ્તેજ બનાવવા પૂરતી છે.

દરેક શેરિંગ, પોઝિટિવ કે નેગેટિવ, વાંચનારા કે માહિતી મેળવનારાના મનમાં કોઇને કોઈ પ્રતિભાવ તો ઉત્પન્ન કરે જ છે. એ પ્રતિભાવ હકારાત્મક હશે કે નકારાત્મક તેનો આધાર તેના સ્વભાવ, તેના જીવન સાથે સંકળાયેલી વિવિધ બાબતો, વર્તમાન પરિસ્થિતિ-મૂડ વગેરેથી શરુ કરીને અનેક નાની-મોટી બાબતો સાથે સૂક્ષ્મ રીતે વણાયેલો હોય છે. કોઈપણ શેરિંગ શેર કરનાર કે જેની સાથે શેર થઇ રહ્યું છે તે વ્યક્તિમાં સારી અને ખરાબ બંને લાગણીઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, એનો આધાર શું શેર કર્યું છે તેની ઉપર ઓછો એ પ્રતિભાવો ઉપર વધુ રહે છે. દરેક પોઝિટિવ પ્રતિભાવ તમને પ્રસન્ન કરે છે અને દરેક નેગેટિવ પ્રતિભાવ તમને લો ફીલ કરાવે છે ! જે વ્યક્તિ આ બંને પ્રતિભાવો વચ્ચે પણ પોતાની લાગણીઓ સ્થિર રાખી શકે છે તે આજના સમયનો સ્થિતપ્રજ્ઞા છે !

પૂર્ણવિરામ :

તમારી ઉપલબ્ધિઓ કે સર્જનાત્મકતામાં જેટલો અજાણ્યા લોકોને રસ હોય છે તેટલો તમારા સગા-સંબંધીઓ કે મિત્રોને નથી હોતો.