- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવનની શતરંજમાં વિચારો તમારી ચાલ છે અને દરેક પગલે તે અલગ હોઈ શકે છે. કોઈ એક જ પ્રકારની રમત-શૈલીથી શતરંજ જીતી ના શકાય તેમ એક જ પ્રકારની વિચારશૈલીથી જીવનના પડકારોને પહોંચી ના વળાય
છે લ્લા ઘણા સમયથી હું તમને વિવિધ વિચારશૈલીઓની વાત કરી રહ્યો છું. જો તમે તમારા મનની એક સંગીત વાદ્ય તરીકે કલ્પના કરી શકો તો આ વિચારશૈલીઓ તેના સૂર છે. જેમ આ સ્વરોની ચોક્કસ પસંદગી અને ગોઠવણીથી સંગીતની રાગરાગિણીઓ જન્મે છે તેમ, વિચારશૈલીઓની યોગ્ય પસંદગીથી જીવન સંગીત સૂરીલું બને છે. જીવનના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા અને વૈચારિક સમૃદ્ધિ કેળવવા માટે વિચારવાની આ પદ્ધતિઓનો સંગીતના સૂરોની જેમ ઉપયોગ કરવો પડે, જરૂરિયાત મુજબ વિચારશૈલીઓને કામે લગાડવી પડે છે. આપણે અગિયાર વિચારશાલીઓની વાત કરી, આ લેખો દરમ્યાન મને અનેક વાચકોએ પ્રશ્ન પૂછયો કે કયા સમયે કઈ વિચારશૈલી ઉપયોગમાં લેવી તે નક્કી કોણ કરે ?! કોઈ એક પેટર્ન મજબુત અને કોઈ એક નબળી કઈ રીતે થઈ જાય ? આ બધું કોણ શીખવે ?! આરંભમાં મેં જે કહ્યું હતું તે ફરી યાદ અપાવી દઉં, વિચારવું એ એક કળા છે, જે આપણને શિખવવામાં નથી આવતી, આપણે જાત અનુભવથી જ કેળવવી પડે છે પરંતુ તેની શરૂઆત વિચારશૈલીઓને સમજવાથી કરવી પડે છે. વિચારશૈલીઓને સમજવાની વાતમાં હવે છેલ્લે કેપ્ટનની વાત, કોણ છે આ કેપ્ટન ?!
મને આજે જ એક દર્દીએ કહ્યું, 'મારા મગજમાં વિચારોની બુલેટ ટ્રેન દોડે છે' અને, મેં એમને પૂછયું કે વિચારોની આ બુલેટ ટ્રેન જુએ છે કોણ ?! મારો પ્રશ્ન સાંભળીને એ સહજ રીતે જ મૂંઝાઈ ગયા, થોડી ક્ષણો રોકાયા, પછી તેમના ચહેરા પર હળવા સ્મિત સાથે એમણે મને પૂછ્યું 'યુ મીન, હું પોતે જ, રાઈટ ?!'
'એક્ઝેટલી' મેં કહ્યું, 'તમારી અંદર તમારા વિચારોને જોતી, તેનું પૃથ્થકરણ કરતી, તેમાંથી તારણ કાઢતી અને શીખતી એક વિચારસરણી છે - પોતાના મનના વિચારો અંગે વિચારતી વિચારસરણી, મેટાકોગ્નિટિવ થિંકિંગ ! વાસ્તવમાં જે ક્ષણે તમે તમારા મનનું-મનના વિચારોનું અવલોકન કરી શકો છો, તે ક્ષણે તમે એ વિચારોનો ભાગ નથી પરંતુ તેના નિરીક્ષક, સાક્ષી છો !' તમે એવું અસંખ્ય વાર અનુભવ્યું હશે કે વિચારોના ધમસાણની વચ્ચે તમારા મનનો એક ભાગ તમારી અંદર ચાલતા વિચારોને જોઈ રહ્યો હોય - કયા વિચારો આવી રહ્યા છે ? મન એ વિચારોને કેવી રીતે જજ કરી રહ્યું છે ? મન કેવી રીતે એને પ્રતિભાવ આપી રહ્યું છે ? મન એનું શું અર્થઘટન કરી રહ્યું છે ? વગેરે બધું જ ચૂપચાપ રીતે વિચારતો એક ભાગ ! તમારી બધી જ વિચારસરણીઓને જોતો નિરીક્ષક- સાક્ષી ! તમારા જ વિચારોને જોવાની અને મૂલવવાની આ વૈચારિક ક્ષમતા તમારા મનના ટૂલ-બોક્સનું સૌથી અગત્યનું સાધન છે, મેટાકોગ્નિટિવ થિંકિંગ - મનના વિચારો પ્રત્યે મનની પોતાની જાગૃતિ ! આપણે ઘણી વાર નથી કહેતા કે વ્યકિતનો પોતાનો અંતરાત્મા તો જાણતો જ હોય છે, બસ એ જ આ મેટાકોગ્નિટિવ થિંકિંગ ! મેં ચિકિત્સક તરીકે ઘણીવાર સાંભળ્યું છે કે, 'સર હું જાણું છું કે ચિંતા કરવા જેવું કંઈ નથી, મને આવતા ચિંતાજનક વિચારો સાવ નકામા છે પરંતુ એ આવ્યા કરે છે તે પણ હકીકત છે !' વાસ્તવમાં આ સભાનતા મેટાકોગ્નિટિવ થિંકિંગની દેન છે. મેટાકોગ્નિટિવ થિંકિંગ તમને તમારા વિચારો પ્રત્યે સભાન બનાવે છે અને આ જ સભાનતા વિચારોને નિયંત્રિત કરવામાં તમને મદદ કરે છે. વિચારો પ્રત્યે સભાન બન્યા વગર તેના ઉપર કાબૂ ધરાવવો કે તેમાં બદલાવ લાવવો શક્ય નથી. કમનસીબે મોટાભાગની વ્યક્તિઓ આ વિચારસરણી કેળવવામાં નિષ્ફળ જતી હોય છે અને સરવાળે પોતાના જ વિચારો સામે લાચાર બનીને જીવ્યે જતી હોય છે !
આપણે અત્યાર સુધી વાત કરી તે બધી જ વિચારસરણીઓ - 'ક્રિટિકલ થિંકિંગ', 'એનાલિટીકલ થિંકિંગ', 'એબસ્ટ્રેકેટ થિંકિંગ', 'ક્રિએટિવ થિંકિંગ', 'કોંક્રિટ થિંકિંગ', 'કન્વર્જન્ટ થિંકિંગ', 'ડાઇવર્જન્ટ થિંકિંગ', 'ઇન્ટયુટિવ થિંકિંગ', 'ઈમોશનલ થિંકિંગ', 'રિફલેકિટવ થિંકિંગ', અને 'પ્રેકિટકલ થિંકિંગ' આપણા જીવન સંગીતનું વાદ્ય-વૃંદ (ઓર્કેસ્ટ્રા) છે અને 'મેટાકોગ્નિટિવ થિંકિંગ' એનો સંચાલક (ઓર્કેસ્ટ્રા કંડકટર) છે. એ પોતે કોઈ વાદ્ય વગાડતું નથી પરંતુ બધા વાદ્યોનું યોગ્ય સંચાલન કરે છે જેથી કર્ણપ્રિય સંગીત પેદા થાય. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ સંચાલક બધાને ઉપલબ્ધ નથી હોતો કારણ કે બધા પાસે આ જાગૃતિ નથી હોતી અને પોતાના વિચારોને જોવાનો-તપાસવાનો મહાવરો કે સમય
પણ નથી હોતો. વાસ્તવમાં આ જાગૃતિ કેળવ્યા વગર, સાચા અર્થમાં, માનસિક શાંતિનો અનુભવ શક્ય નથી. આપણા ઉપનિષદો, ભગવદ્ ગીતા, અષ્ટાવક્ર ગીતા, લાઓત્ઝુ, બુદ્ધ, ઝેન કે કોઈપણ પુરાણ લઈ લો, દરેકના પાયામાં સાક્ષીભાવની (મેટાકોગ્નિટિવ થિંકિંગ)ની વાત મળશે. આ વિચારસરણી વગર તમારા અસ્તિત્વને સમજવું શક્ય નથી. વાસ્તવમાં આ જાગૃતિ અપાર સ્વતંત્રતા લાવે છે. જ્યારે મન પોતાના વિશે જાગૃત થાય છે, ત્યારે ભૂલો બોધપાઠ બની જાય છે, ગુસ્સો અવલોકન બની જાય છે, અને અંધાધૂંધી શાંત થઈ જાય છે. તમે ધ્યાન આપવાનું શરૂ કરો છો કે તમારું મન ભયની કેવી રીતે અતિશયોક્તિ કરે છે, કાલ્પનિક સંવાદો બનાવે છે, જૂની ઇજાઓને પુનર્જીવિત કરે છે અને તેની આદતો દ્વારા પરિસ્થિતિઓનું અર્થઘટન કરે છે. ધીમે ધીમે, જાગૃતિ પોતે દવા બની જાય છે. એક વાર પ્રકાશ પ્રગટ થઈ જાય, પછી અંધકાર સામે લડવાની જરૂર રહેતી નથી.
'મેટાકોગ્નિટિવ થિંકિંગ' વિકસિત કરવા તમારા મનના વિચારોને જોવાનો મહાવરો કરવો પડશે અને એ પણ તેમાં તણાયા વગર ! મેં હંમેશા જોયું છે કે જે વ્યકિતઓ આ આંતરિક જાગૃતિનો સતત અભ્યાસ કરતા રહે છે તેમનામાં એક સૌમ્ય શાણપણ વિકસિત થાય છે, તે ઝડપથી પ્રતિક્રિયાઓ આપતા નથી કે તેમના વિચારોને ગંભીરતાથી લેતા નથી. તે સમજે છે કે મન ચંચળ છે પરંતુ જ્યારે તેને શાંતિથી જોવામાં આવે ત્યારે તેની ચંચળતા શાંત થઈ જાય છે. વ્યકિતની આ સમજ તેની લાગણીઓને પરિપક્વ (ઇમોશનલ મેચ્યોરિટી) બનાવે છે, જે સંતુલિત વિચારશૈલીની પાયાની જરૂરિયાત છે. મારા વર્ષોના અનુભવના આધારે તમને કહું છું કે જ્યારે મન પોતાના વિચારોને જોવાનું શરૂ કરે છે ત્યારે બધી જ વિચારશૈલીઓ સંતુલિત રીતે કામ કરવા માંડે છે.
ફરી કહું છું, જીવનની શતરંજમાં વિચારો તમારી ચાલ છે અને દરેક પગલે તે અલગ હોઈ શકે છે. કોઈ એક જ પ્રકારની રમત-શૈલીથી શતરંજ જીતી ના શકાય તેમ એક જ પ્રકારની વિચારશૈલીથી જીવનના પડકારોને પહોંચી ના વળાય. તમારું મગજ એક સંપૂર્ણ ટૂલ-બોક્સ છે, વિચારશૈલીઓનું ટૂલ-બોક્સ. દરેક વખતે યોગ્ય સમાધાન માટે ટૂલ-બોક્સમાંથી યોગ્ય સાધનનો ઉપયોગ કરવો પડે, સમસ્યાઓને જુદી જુદી રીતે વિચારવી પડે ! અને મેટાકોગ્નિટિવ થિંકિંગ આ બધનો સંચાલક છે.
પૂર્ણ વિરામ :
તમે તમારા વિચારો નથી, એ વિચારોના વિચારક છો.


