- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જો તમારી અમૂર્ત વિચારશૈલી નબળી હોય તો તમારા માટે કોઈ ઘટના કે અનુભવ ખાલી બની ગયેલી હકીકત સિવાય વિશેષ કંઈ નથી
મ નોચિકિત્સક તરીકેના મારા લાંબા અનુભવમાં મેં જોયું છે કે વ્યક્તિઓ પોતાની સમસ્યાઓનું અનેક રીતે વર્ણન કરતી હોય છે. એક વ્યક્તિ પોતાની સમસ્યા અખબારના અહેવાલની જેમ રજુ કરે છે તો બીજી વ્યક્તિ નાટકીય રીતે તેને વર્ણવે છે. કો'ક તેને વાર્તા, પ્રતિકાત્મક કે ફિલસુફી તરીકે કહે છે. દરેકની આ રજૂઆત આપણને એ વાતની યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ સમસ્યાઓને પોતાની આગવી દ્રષ્ટિથી જુએ છે અને વિચારે છે. સંસ્કૃતમાં એક કહેવત છે - પ્હ્વ્ ઙઋઘદ્બ ।હ્વ્ રિંૃઋઘદ્બ - જેવી તમારી દ્રષ્ટિ હોય છે તે પ્રમાણેની સૃષ્ટિ તમને દેખાય છે. કેટલાક લોકો વરસાદને અવગડ, ગંદકી કે માંદગી તરીકે જુએ છે જ્યારે કેટલાક તેમાં કવિતા, પ્રણય કે હરિયાળીને જોવે છે ! તફાવત માત્ર તેમની દ્રષ્ટિમાં જ નથી, તેમની વિચારશૈલીમાં પણ છે. માત્ર તથ્યો કેન્દ્રમાં રાખતી ક્રિટિકલ વિચારસરણી અગવડ, ગંદહી કે માંદગી જુએ છે. એનાલિટીકલ મગજ તો છેક ગ્લોબલ-વોર્મિંગ સુધી પહોંચી જશે પરંતુ કવિતા, પ્રણય કે પ્રકૃતિને વિચારતું મન અમૂર્ત વિચારશૈલી (એબસ્ટ્રેક્ટ થિંકિંગ)થી વિચારતું હશે.
આ એબસ્ટ્રેક્ટ થિંકિંગ એટલે હકીકતો અને વિગતોની આગળ વધીને કલ્પના, સિદ્ધાંતો અને પ્રતિકોમાં પ્રવેશવાની ક્ષમતા. તે ફક્ત 'આ શું છે ?' જ નહીં, પણ 'આનો અર્થ શું છે ? તે શું છે ?' પણ પૂછે છે. આ જ વિચારશૈલીને કારણે કબીર જીવનની તુલના સમુદ્રમાં ભળી જતા ટીપા સાથે કરી શક્યા. આઈન્સ્ટાઈન સમયને એક કાપડ તરીકે કલ્પી શક્યા. એબસ્ટ્રેક્ટ થિંકિંગને કારણે જ બાળક વાદળમાં હાથી, ઘોડા અથવા મહેલો જોઈ શકે છે !
એક શાળાના શિક્ષિકા પોતાના પતિને ગુમાવ્યા પછી શોકમાં ડૂબી ગયા. તેમનું દુઃખ ખૂબ ઊંડું હતું, પણ તેમણે જે રીતે તેનું વર્ણન કર્યું તે મને સ્પર્શી ગયું. તેમણે કહ્યું, 'ડૉક્ટર, એવું લાગે છે કે મારા ઘરમાંથી જાણે પ્રકાશ જતો રહ્યો, હવે હું અંધકારમાં જીવું છું.' જો તમને સમજાય તો આ શિક્ષિકા પ્રતિકાત્મક રીતે પોતાનું દુઃખ વર્ણવી રહી હતી. મેં એ જ પ્રતીકને પકડીને સાંત્વન આપ્યું 'જ્યારે પ્રકાશ નીકળી જાય છે, ત્યારે વ્યક્તિ સવારની રાહ જોઈ શકે છે અથવા નવો દીવો પ્રગટાવી શકે છે.' બસ, આ અમૂર્ત વિચારશૈલી છે. સામાન્ય શબ્દોમાં કહી શકાય એવી વાતની પણ કલ્પનાત્મક, કલાત્મક કે પ્રતિકાત્મક રજૂઆત ! જે વ્યક્તિ અમૂર્ત રીતે વિચારી શકે છે તે ઘણીવાર પીડામાં પણ અર્થ શોધે છે. ચાલો વધુ સ્પષ્ટતા માટે એક ઉદાહરણ આપું. એક તિરાડ પડેલું માટલું હોય તો કોઈ નક્કર વિચારશૈલીવાળો માત્ર એટલું જ વિચારીને અટકી જશે કે માટલું તુટેલું છે પરંતુ એબસ્ટ્રેક્ટ થિંકિંગવાળો વિચારશે કે તુટેલું માટલું પણ થોડું પાણી તો સંઘરી શકે છે અને એ જ પ્રમાણે વ્યક્તિઓ ખામીઓ હોવા છતાં પણ ઉપયોગી નીવડી શકે છે. સામાન્ય વાત પરથી જીવનની ફિલસૂફી પરનો આ વૈચારિક કૂદકો એબસ્ટ્રેક્ટ થિંકિંગની ભેટ છે.
તમારા મગજના ટૂલ-બોક્સમાં અમૂર્ત વિચારશૈલી એટલે કે એબસ્ટ્રેક્ટ થિંકિંગ ખૂબ અગત્યની છે. આ એવું કોગ્નિટિવ ટૂલ છે કે જે તમને કોઈપણ બાબત-અનુભવનો ઉદ્દેશ અને અર્થ વ્યક્ત કરવામાં અને સમજવામાં મદદ કરે છે. અને એથી ઊલટું જો તમારે જીવન કે કોઈપણ અનુભવના ઉદ્દેશ કે અર્થ વિશે ચિંતન કરવું હોય તો એબસ્ટ્રેક્ટ થિંકિંગની જરૂર પડે છે. આજકાલ બહુ જ પ્રચલિત એવો જાપાની ખ્યાલ 'ઈકીગાઈ' એબસ્ટ્રેક્ટ થિંકિંગનું ફરજંદ છે. તે જીવનનો હેતુ અને એબસ્ટ્રેક્ટ થિંકિંગ વચ્ચે રહેલા મજબૂત જોડાણને હાઈલાઈટ કરે છે. આ 'ઈકીગાઈ' ફિલસૂફીનું એવું ફ્રેમવર્ક છે કે જે તમને તમારા જીવનનો હેતુ શોધવા, સમજવા અને અનુસરવામાં મદદ કરે છે પંરતુ આ સમગ્ર ચિંતન અમૂર્ત વિચારશૈલી વગર શક્ય નથી. આ વિચારશૈલી તમારા અનુભવોને અર્થ આપે છે. અનુભવો માત્ર બનેલી હકીકત છે પરંતુ એને અર્થ તો એબસ્ટ્રેક્ટ થિંકિંગ આપે છે. જો તમારી આ વિચારશૈલી નબળી હોય તો તમારા માટે કોઈ ઘટના કે અનુભવ ખાલી બની ગયેલી હકીકત સિવાય વિશેષ કંઈ નથી, એમાંથી શીખ મેળવવા કે અનુભવી-પરિપક્વ થવા તમારે એબસ્ટ્રેક્ટ થિંકિંગની જરૂર પડશે. તમારી સર્જનાત્મકતાને પોષવા આ વિચારશૈલી જરૂરી છે, દુનિયાની બધી જ મહત્વની શોધો અમૂર્ત વિચારમાંથી જ આકાર પામી છે, કલ્પનાઓ અને સિદ્ધાંતોના બીજમાંથી આ વિચારશૈલીએ તેમને ઉછેરી છે.
આ વિચારશૈલી તમને વધુ સહનશીલ અને સ્થિતિસ્થાપક બનાવે છે. જ્યારે તમે તમારી પીડાઓને એક સંવેદનાથી પાર જઈને તેના અર્થ વિશે પ્રતિકાત્મક રીતે વિચારો છો ત્યારે તમારી પીડાઓ હળવી બની જાય છે.
તમારા માટે તેને સહન કરવી સરળ બની જાય છે. દુઃખની પેલે પાર દુઃખના સાક્ષી બનીને રહેવાની ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહેલી વાત આ વિચારશૈલીનું એક અસરકારક ઉદાહરણ છે. જીવનનું જે સત્ય અનેક અનુભવો નથી સમજાવી શકતા તેને એક એબસ્ટ્રેક્ટ વિચાર સમજાવી જતો હોય છે. 'તમે દુઃખ નથી, તમે એને અનુભવી રહેલા શાશ્વત સાક્ષી છો' ! જીવનને સમજાવવા 'જીવન એક યાત્રા છે' એટલો એબસ્ટ્રેક્ટ વિચાર જ પૂરતો નથી ?!
વિચારશૈલી સમજાવ્યા બાદ દરેક લેખમાં પૂછું છું એ પ્રશ્ન 'અમૂર્ત વિચારશૈલી' કેવી રીતે વિકસાવી કે મજબૂત બનાવી શકાય ? ! બહુ સરળ છે, ગદ્ય-પદ્ય વાંચો. સર્જકો, લેખકો, કવિઓ વગેરે આ વિચારશૈલીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે તેમને વાંચવા-સમજવાથી તમારામાં આ શૈલી વિકસિત થવા માંડે છે. દંતકથાઓ, ઉપનિષદો, પંચતંત્ર, ઇસપ, વિક્રમ-વેતાળ, બત્રીસ પૂતળીઓ વગેરે એબસ્ટ્રેક્ટ થિંકિંગથી ખચોખચ ભરેલા પડયા છે, વાંચો. ફિલસૂફીના પુસ્તકો પણ આ વિચારશૈલી વિકસાવવામાં મદદરૂપ થઈ શકે. તમારા અનુભવોને હકીકતથી આગળ વધીને તેના અર્થ-હેતુ વિશે વિચારો. તેને વર્ણવા રૂપકો (સ્ીાચૅર્રિ), ઉદાહરણો વગેરેનો ઉપયોગ કરતા રહો. કોઈપણ ઘટના, બાબતો કે વસ્તુમાંથી તેનો અર્થ તારવવામાંની કસરત કરતા રહો. દા.ત. ડૂબતો સૂરજ મને શું કહે છે ?! - ડૂબતો સૂરજ મને કાલે સવારે પાછા ફરવાનું વચન આપે છે અને તે ચોક્કસ પાછો ફરીને મને વચનબદ્ધતા શીખવે છે ! તૂટેલા ચંપલને કારણે લંગડાઈને ચાલતો વ્યક્તિ મન શીખ આપે છે કે લંગડાઈને ચાલતી દરેક વ્યક્તિને પગની સમસ્યા હોય તે જરૂરી નથી, ઘણીવાર જીવનમાં આપણું ઉપરછલ્લું અવલોકન સાવ ખોટું હોઈ શકે છે, વાસ્તવિકતા તેનાથી સાવ ભિન્ન હોઈ શકે છે ! યાદ રાખજો, જીવનનો અર્થ આપવો હશે, હેતુપૂર્વકનું બનાવવું હશે તો તમારે 'અમૂર્ત વિચારશૈલી'કેળવ્યા વગર છૂટકો નથી ! બાકી, હું હંમેશા કહેતો આવ્યો છું તેમ 'જીવન છે જીવાઈ જશે' પરંતુ ઘણું સાવ અડક્યા વગરનું રહી જશે !
નવી એક વિચારશૈલી સાથે આવું છું એક સપ્તાહ પછી, સ્ટે કનેક્ટેડ...
પૂર્ણવિરામ :
જો તમે અર્થ તારવવામાં કે હેતુ સમજવામાં નિષ્ફળ જશો તો જીવન માહિતીઓ અને અનુભવોના વિશાળ ઢગલાથી વિશેષ કંઈ નથી.


