- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- પોતાનું ઉત્તમ આપ્યા પછી પણ પરિણામનો અંતિમ આધાર તો પોતાના ઉત્તમ સિવાય બીજા ઘણા પરિબળો પર રહેતો હોય છે
થો ડા સમય પહેલા થયેલા પ્લેન ક્રેશને કારણે, 'ફ્લોપ'ની કક્ષામાં મુકાઈ ગયેલી ફિલ્મ 'રનવે ૩૪' યાદ આવી ગઈ. ફિલ્મમાં એક સરસ વાત છે. પ્લેન ક્રેશ અને વિમાનમાં સવાર તમામ વ્યક્તિઓનું મૃત્યુ નિશ્ચિત હોય તેવા સંજોગોમાં, ફોટોગ્રાફિક મેમરી ધરાવતો પાયલોટ, પોતાની યાદશક્તિમાં અંકિત થઈ ગયેલા રનવે ૩૪ પર ક્રેશ લેન્ડિંગ કરે છે. વિમાન પર સવાર તમામ વ્યક્તિઓને એ યમરાજના હાથમાંથી ઝુંટવી લાવે છે. યમરાજ ખાલી હાથે જતા જતા એક પહેલેથી જ બીમાર અને એરપોર્ટથી સીધી હોસ્પિટલ પહોંચેલી વૃદ્ધ મહિલા યાત્રીને પોતાની સાથે લેતા જાય છે. વૃદ્ધ મહિલાની પુત્રી પાયલોટને ફોન કરીને કહે છે કે બધા માટે તું જીવ બચાવનાર હીરો હોઈશ પરંતુ મારા માટે તું ખૂની છે, તારા લીધે મેં મારી માતા ગુમાવી દીધી છે. નબળી તબિયત સાથે એરટ્રાવેલ, અત્યંત ખરાબ મોસમ, ઝીરો વિઝિબિલિટી, એરટ્રાફિક કન્ટ્રોલરની અક્ષમ્ય ભૂલ વગેરેની વચ્ચે એરપોર્ટ પરથી જીવતી રવાના થયેલી વ્યક્તિના મૃત્યુ પાછળ માત્ર પાયલોટને કેવી રીતે દોષ દઈ શકાય ?! પોતાનું ઉત્કૃષ્ટ આપવામાં જરા પણ કચાશ રાખ્યા વગરના સંપૂર્ણ સંનિષ્ઠ પ્રયાસને કારણે આ લેન્ડિંગ શક્ય બન્યું હતું. મૃતકની પુત્રી તો લાગણીઓમાં આ બધું અવગણી જાય તે ઠીક છે પરંતુ પાયલોટ પણ અપરાધભાવથી પીડાવા માંડે છે ! ભગવાનને ભાંડનારાઓ હોય છે, ત્યાં તમને કોઈ નહીં ભાંડે તે શક્ય છે ?! માત્ર આટલી વાતથી અપરાધની લાગણીઓ અનુભવવી એ નબળા આત્મસન્માનની ચાડી ખાય છે અને આ લાગણીઓના સ્વબચાવમાં વ્યક્તિનું વર્તન ઉદ્વતાઈની કક્ષાએ પહોંચી જતું હોય છે. પોતાનું ઉત્તમ આપ્યા પછી પણ પરિણામનો અંતિમ આધાર તો પોતાના સિવાય બીજા ઘણા પરિબળો પર રહેતો હોય છે તેવી સાદી સમજ સંપૂર્ણ સ્પષ્ટતાથી ધરાવનાર વ્યક્તિને ભગવાન શ્રીકૃષ્ણએ થોડું સમજાવવું પડે કે કર્મના ફળ પર તારો અધિકાર નથી ?!
મનોવિજ્ઞાાનના અભ્યાસુ તરીકે મને કડીઓ જોડવાની ખુબ આદત છે. મેં જોયેલી, સાંભળેલી, વાંચેલી, અનુભવેલી કે વિચારેલી બાબતોની કડીઓ મારુ મન જોડતું રહે છે. સરવાળે, મને ઉદાહરણો બહુ સુઝે છે અને વિચારોને હું આસાનીથી જોડી શકું છું. 'રનવે ૩૪' જોતા જોતા મારા મનમાં પાયલોટ સાથે ડૉક્ટરોનું કામ જોડાવા માંડયું. ઘણી બધી અનિશ્ચિતાઓ વચ્ચે ડૉક્ટરે દર્દી અને સગાઓને ખુશી-આરામ આપવાનો હોય છે. પોતાનું ઉત્કૃષ્ટ આપ્યા અને સંનિષ્ઠ પ્રયત્નો કર્યા પછી પણ તમે ક્યારેક તો કોક માટે અપ્રિય જ રહેતા હોવ છો. પાયલોટના જીવનમાં તો કદાચ આ વાત જીવનપર્યત ના પણ બને પરંતુ દરેક ડૉક્ટરના વ્યવસાયિક જીવનમાં અનેકવાર બની શકે છે. રોગ અને રોગીઓની સંપૂર્ણ જવાબદારીઓ સારવાર કરનાર ડૉક્ટર પર નાખીને બેસવું એ સમાજની સદીઓ જુની બીમારી છે, એમાં હું કે તમે કોઈ બાકાત નથી.
'હવે તને બધું જ સારું થઈ જશે. આ ડૉક્ટરનું તો બહુ મોટું નામ છે અને બધાને એમની દવાથી મટી જ જાય છે' મને ખાતરી છે કે દરેક ડૉક્ટરે આ શબ્દો અસંખ્ય વખત, અવારનવાર સાંભળ્યા હશે. ઘણા આવી વાતો સાંભળીને પોરસાઈ પણ જતા હશે પરંતુ હું આ બાબતમાં ખુબ વાસ્તવિક અભિગમ ધરાવું છું. તમારું મોટું નામ કે આવડત ત્યાં સુધી જ કામની છે જ્યાં સુધી જે તે વ્યક્તિને તેની અપેક્ષા પ્રમાણે પરિણામ મળે. જો ધાર્યું પરિણામ ના મળે તો જવલ્લે જ કોઈ એવું કહેશે કે તમારું બહુ મોટું નામ છે, બધાને તમારી દવાથી મટી જાય છે પણ અમારી બીમારી એવી જટિલ, હઠીલી કે અસાધ્ય છે કે તમારા પ્રયત્નોનું અમને કંઈ પરિણામ નથી મળતું ! બહુ ઓછી વ્યક્તિઓ એવી સમજ ધરાવતી હોય છે કે બીમારીની સારવારમાં ડૉક્ટર સિવાય અન્ય ઘણા પરિબળો ભાગ ભજવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં તો આ પરિબળો ડૉક્ટર કરતા વધુ અગત્યનો ભાગ ભજવતા હોય છે, એમાં ય માનસિક સમસ્યાઓમાં તો ખાસ ! માનસિક બીમારીઓ લાંબા ગાળાની અને થકવી નાખનારી હોય છે. સ્વાભાવિક છે આવા સંજોગોમાં દર્દી અને સગાઓને ચમત્કારિક પરિણામની અપેક્ષા હોય, પરંતુ બહુ ઓછા લોકો પાસે એવી સમજ હોય છે કે લાંબા ગાળાની બીમારીઓની સારવારમાં ડૉક્ટર કરતા અનેકગણું વધુ મહત્ત્વ અન્ય પરિબળોનું હોય છે. આ અન્ય પરિબળો એટલે દર્દી પોતે, દર્દીનો સ્વભાવ, દિનચર્યા, સંજોગો, તેના સંબંધો, કૌટુંબિક-સામાજિક આધાર, રોગનો પોતાનો સ્વભાવ, રોગનો પ્રકાર, વારસાઈ પરિબળો વગેરે. કમનસીબે, આ બધા જ અગત્યના પરિબળોને અવગણઈને પોતાના રોગની સારવાર માટે લોકો બધો જ આધાર અને જવાબદારી તબીબોના માથે નાખીને બેઠા હોય છે. ઘણા તબીબો પણ એવા હોય છે કે જે જાણે-અજાણે ભગવાન બનવાની ચેષ્ટામાં હોય છે
અને સરવાળે નાસીપાસ થતા હોય છે, અપરાધભાવથી પીડાતા હોય છે કે અણધારી ઉપાધિઓ વહોરી લેતા હોય છે !
આ વાત સમજાતી હશે તો જ અમુક રોગો માટે જીવનપર્યન્ત દવાઓ કેમ ખાવી પડે છે એ સમજાશે. ડૉક્ટર સારવારનો એક અગત્યનો હિસ્સો છે તેની ના નહીં પરંતુ બીમારીના અન્ય હિસ્સેદારોને ભૂલી જવાની ભૂલ સરવાળે દર્દી અને તેમના સગાઓને ભારે પડે છે. ના મટતી તમામ બીમારીઓ માટે તબીબ કે મેડિકલ સિસ્ટમને દોષ દેતા પહેલા પોતાના ભાવ-સ્વભાવ, વર્તન-વ્યવહાર, માન્યતાઓ, દિનચર્યા, સંબંધો, આજુબાજુનું વાતાવરણ, સપોર્ટ સિસ્ટમ વગેરે અનેક બાબતોનો વિચાર અચુક કરવો. નહીંતર, તબીબે તબીબે ફરતા રહ્યા પછી પણ રોગ હઠીલો અને પ્રશ્નો વિકટ થતા જશે. કોઈપણ ચિકિત્સક ત્યારે જ તેનું ઉત્તમ આપી શકે જ્યારે દર્દી અને તેમના સગાઓ પાસે શિસ્ત, ધીરજ અને સાતત્ય હોય, પોતાની બીમારી અને તેની સારવાર માટે જરૂરી તમામ બાબતોની જવાબદારી પોતાના શિરે લેવાની માનસિક તૈયારી હોય ! લાંબાગાળાની બીમારીઓમાં ચમત્કારિક પરિણામો આપનાર તબીબ કે સારવાર નહીં, તમે પોતે જ છો, જો પરિપક્વ સમજ અને સંનિષ્ઠ પ્રયત્નો હોય તો !
પૂર્ણવિરામ
જેટલી આસાનીથી ઉપ્લબ્ધીઓનો જશ આપણે લઈએ છીએ, તેટલી જ આસાનીથી તકલીફો કે મુશ્કેલીઓનો દોષ અન્યને આપતા હોઈએ છીએ...


