mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શું જતું કરવું અને શેના માટે જતું કરવું એની સ્વસ્થ સમજ છે

Updated: Sep 19th, 2023

શું જતું કરવું અને શેના માટે જતું કરવું એની સ્વસ્થ સમજ છે 1 - image


- વર્તમાનમાં જીવવાની કળા અસરકારક 'ટ્રેડ ઓફ'ની કળા છે, 

- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જીવનમાં, તમે ઘણીવાર બધું એક સાથે નથી મેળવી શકતા, કંઇક મેળવવામાં બીજું કંઇક છુટી પણ જાય છે. અંગ્રેજીમાં આ બાબત માટે 'ટ્રેડ - ઓફ' જેવો મસ્ત શબ્દ છે, આ ટ્રેડ - ઓફમાં અનિવાર્યપણે બે અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાનો સમાવેશ થાય છે, જ્યાં ઘણીવાર કંઇક મેળવવાનો અર્થ કંઇક બીજું છોડી દેવું હોય છે.

સા માન્ય રીતે હું જ્યારે મુસાફરી કરતો હોઉ ત્યારે સાઇકોલોજી સિવાયના અન્ય વિષયો વાંચતો હોઉં છું. પરંતુ બને છે એવું કે મારી વિચાર પદ્ધતિ, તર્ક, પૃથક્કરણ વગેરે સાઇકોલોજી સાથે એટલા જોડાયેલા છે કે અન્ય વિષયની બાબતો માણસના મનને કેવી રીતે સ્પર્શે છે તેની શોધ જાણે પડદા પાછળના વિચારોમાં ચાલતી જ રહે છે. હમણાં મારી મુસાફરી દરમિયાન હું ક્વોન્ટમ ફિઝિકસ અંગે વાંચતો હતો ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સના  અનિશ્ચિતતા સિદ્ધાંત - Uncertainty Principle ની અંગે જાણવા મળ્યું. આ સિધ્ધાંત ૧૯૨૭માં વર્નર હેઈઝનબર્ગ નામના જર્મન ભૌતિકશાસ્ત્રીએ આપ્યો. આ અનિશ્ચિતતા સિદ્ધાંત એવું કહે છે કે તમે એક સાથે કણની સ્થિતિ અને ગતિને સંપૂર્ણ નિશ્ચિતતા સાથે જાણી શકતા નથી. આ બેમાંથી એક બાબતને તમે જેટલી નિશ્ચિતતાથી જાણવા જાવ છો એટલી જ બીજી બાબતની નિશ્ચિતતા ઘટતી જાય છે! જેટલા કણની સ્થિતિ માટે તમે ચોક્કસ બનો એટલા કણની ગતિ અંગે અચોક્કસ બનતા જાવ છો. આ વાતને જો ફિલોસોફિકલ દ્રષ્ટિકોણથી મૂલવું તો જેમ તમે એક સાથે કણની સ્થિતિ અને ગતિને સંપૂર્ણ નિશ્ચિતતા સાથે જાણી શકતા નથી, તેમ જીવનમાં, તમે ઘણીવાર બધું એક સાથે નથી મેળવી શકતા, કંઈક મેળવવામાં બીજું કંઈક છૂટી પણ જાય છે. અંગ્રેજીમાં આ બાબત માટે 'ટ્રેડ-ઓફ' જેવો મસ્ત શબ્દ છે, આ ટ્રેડ-ઓફમાં અનિવાર્યપણે બે અથવા વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવાનો સમાવેશ થાય છે, જ્યાં ઘણીવાર કંઈક મેળવવાનો અર્થ કંઈક બીજું છોડી દેવું હોય છે. વાસ્તવમાં અનિશ્ચિતતા સિદ્ધાંત અને ટ્રેડ-ઓફનો સિધ્ધાંત જીવનના વિવિધ ક્ષેત્રો પર લાગુ કરી શકાય છે. દરેક ક્ષેત્રોમાં આપણે  રોજબરોજ અનેક પસંદગીઓનો સામનો કરતા રહીએ છીએ અને આ પસંદગીઓ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવાથી આપણે સતત નિર્ણય લેવાનાં દબાણમાં રહીએ છીએ. નિર્ણય થકી કરેલી એક પસંદગી, આપણને બીજી ના કરેલી પસંદગીઓ પ્રત્યે અફસોસ, ઉચાટ, ભય, ખાલીપો, અપરાધભાવ વગેરે જેવી અનેક નકારાત્મક લાગણીઓનો અનુભવ કરાવે છે. મતલબ એ થયો કે ટ્રેડ-ઓફ આપણી નિર્ણય કરવાની પ્રક્રિયા એટલે કે ડિસીઝન મેકિંગનો અનિવાર્ય ભાગ હોવા છતાં હોવો જોઈએ એટલો સહજ નથી. રોજ અનેક પસંદગીઓ કરવાની, દર વખતે એ પ્રક્રિયામાં ટ્રેડ-ઓફ કરવાનું અને છતાં એ બાબતને લઈને અજાગ્રત સ્તરે ડિસ્ટર્બ રહેવાનું!! સુખ-સગવડો વચ્ચે પણ વધતા જતા માનસિક તણાવનું આ મુખ્ય કારણ છે એવું હું મારા મનોચિકિત્સાના અનુભવના આધારે તારવી શકું છું. ટ્રેડ-ઓફનો ખ્યાલ તમારી કોઈપણ પસંદગીઓ અંગેના નિર્ણયોના હાર્દમાં રહેલો છે, જે આપણા અંગત સંબંધોથી લઈને આપણા આથક સુખાકારી સુધીની દરેક વસ્તુને પ્રભાવિત કરે છે. તમારી માનસિક સુખાકારી અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત કરવા માટે ટ્રેડ-ઓફના મહત્વને સમજવું અત્યંત જરૂરી છે.

ચાલો એક ઉદાહરણ આપું, કલ્પના કરો કે કોઈ વ્યક્તિ કારકિર્દીમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે તો તેણે નવા ક્ષેત્રમાં સંભવિત કમાણી અને વૃદ્ધિની તકો સામે તેની વર્તમાન નોકરીની સ્થિરતા અને પરિચિતતાને તોલવી જોઈએ. આ ટ્રેડ-ઓફમાં, કમાણી અને વૃદ્ધિની તક મેળવવા તેણે સ્થિરતા અને પરિચિતતા ગુમાવવાની માનસિક તૈયારી રાખવી જ પડે અથવા એથી ઉલટું, સ્થિરતા અને પરિચિતતા જાળવી રાખવી હોય તો કમાણી કે વૃદ્ધિની તક જતી કરવી પડે. પરંતુ, કમાણી, વૃદ્ધિ, શરૂઆતથી જ સ્થિરતાની ખાત્રી અને કામની પરિચિતતા આ બધું એક સાથે કે એક સરખા પ્રમાણમાં ના મળે. બસ, આ થયું ક્વોન્ટમ મિકેનિક્સના 'અનિશ્ચિતતા સિદ્ધાંત - Uncertainty Principle નું આપણી નિર્ણય લેવાની પધ્ધતિ સાથેનું કનેક્શન! આવું ટ્રેડ-ઓફ તો તમને જીવનમાં ડગલેને પગલે જોવા મળશે. આવતીકાલની માનસિક સુખાકારી માટે આજે ઘણી મજાઓ જતી કરીએ, ભવિષ્યમાં સ્વસ્થ રહેવા માટે આજે ઘણી આરોગ્યપ્રદ પસંદગીઓ કરીએ - ચટાકેદાર ફાસ્ટફૂડની સામે પોષ્ટિક-સાત્વિક આહાર લઈએ વગેરે આ પ્રકારના ટ્રેડ-ઓફ જ છે. સંબંધોમાં પણ વ્યક્તિગત ઇચ્છાઓ અને સામેની વ્યક્તિઓની  અપેક્ષાઓ-જરૂરિયાતોને સંતુલિત કરવા માટે અવારનવાર પસંદગી કરવાની જરૂર પડે છે. સ્વસ્થ સંબંધો જાળવવા માટે, એકબીજાની, આ પ્રકારની સમજણ અને સમાધાનની કળા એ એક પ્રકારનું ટ્રેડ-ઓફ જ છે ને?!

જે વ્યક્તિઓ અસરકારક રીતે ટ્રેડ-ઓફ કરી શકે છે તે સ્વ-નિયંત્રિત હોય છે, તેમનો સેલ્ફ-કંટ્રોલ મજબૂત હોય છે. વર્તમાનમાં જીવવાની કળા અસરકારક ટ્રેડ-ઓફની કળા છે, શું જતું કરવું અને શેના માટે જતું કરવું એની સ્વસ્થ સમજ છે. આજ કાલ FOMO  એટલે કે 'ફિઅર ઓફ મિસિંગ આઉટ'થી પીડિત વ્યક્તિઓ તમને જ્યાં અને ત્યાં જોવા મળે છે, અલબત્ત કોઇ પોતાનો આ ડર એટલી સહજતાથી સ્વીકારતાં નથી અને ઘણાને તો પોતે એનાથી પીડાય છે એવી પણ ખબર નથી હોતી! સ્વ-નિયંત્રણ સાથે સંઘર્ષ કરતી આ વ્યક્તિઓ છે. 

વાસ્તવમાં આ 'ફોમો'ના મૂળમાં 'અનિશ્ચિતતા સિદ્ધાંત' અને 'ટ્રેડ-ઓફની કળા' જ છે એવું સમજાય તો આપણી આજની વાત સાર્થક છે.

ટ્રેડ-ઓફની કળા એ એક કૌશલ્ય છે જે આપણે જીવનભર વિકસાવી શકીએ છીએ. તેને વિકસાવવા આત્મનિરીક્ષણ, સ્વ-જાગૃતિ, આપણા મૂલ્યો અને પ્રાથમિકતાઓની સમજની જરૂર છે. હકીકત તો એ છે કે ક્વોન્ટમ મિકેનિક્સનો આ સિદ્ધાંત બધું આપણી રીતે અને આપણા નિયંત્રણમાં રાખવાની વૃત્તિને પડકારે છે. એક બાબત પર પૂરેપૂરો કાબૂ મેળવવા જતા બીજી કેટલીક બાબતો નિયંત્રણ બહાર જતી હોય છે. જીવન પરસ્પર વિરોધાભાસી લાગતી પસંદગીઓથી ભરેલું છે. વાસ્તવમાં આ બાબતો એકબીજાની વિરોધી નથી, એક જ રેખાના બે છેડે રહેલી બાબતો છે. ટ્રેડ-ઓફની કળા આ રેખા ઉપર સંતુલનમાં રહેવાની કળા છે. મારી વાત તમને ભારે લાગતી હોય તો ભલે ચાર વાર વાંચજો, પાંચ વાર વાંચજો, પરંતુ એટલું ચોક્કસ સમજજો કે જીવનમાં સુખી થવા અને માનસિક શાંતિ માટે આ એક પાયાની સમજ છે.

પૂર્ણવિરામ :

'ટ્રેડ-ઓફ' થીમ સોંગ : 

कभी किसी को मुक्कमल जहां नही मिलता

कही जमीनोत कही आसमान नहीं मिलता..

Gujarat